ચીનમાં કોરોના આઉટ ઓફ કન્ટ્રોલ પરિસ્થિતિ દિવસે દિવસે વકરતી જઈ રહી છે
નવી દિલ્હીઃ ચીનમાં કોરોના મહામારીનું તાંડવ ચાલી જ રહ્યું છે ત્યારે ચીનની અને દેશની ચિંતા વધારનારા સમાચાર સામે આવી રહ્યા છે. ચીનના ત્રીજા નંબરના સૌથી વધુ વસતિ ધરાવનારા પ્રાંત હેનાનથી આવી રહેલાં સમાચાર પ્રમાણે ત્યાંની 90 ટકા વસતી આ મહામારીની ચપેટમાં આવી ગયા છે. હેનાનના સ્વાસ્થ્ય વિભાગના અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી છે અને તેની સાથે જ હેનાન એ ચીનનું બીજું ‘વુહાન’ બની ગયું છે. આ પહેલાં કોરોના મહામારીની પહેલી લહેરમાં વુહાનમાં પણ કોરોનાએ આ જ રીતે તબાહી મચાવી હતી. દુનિયાભરમાં પહેલો કોરોનાનો કેસ વુહાનમાંથી જ મળી આવ્યો હતો.
સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર ત્રણ દિવસ પહેલાં સુધી હેનાનમાં કોરોના સંક્રમણનો દર 89 ટકા જેટલો હતો. એટલે હેનાનમાં 99.4 મિલિયન (આશરે 9.94 કરોડ)માંથી 88.5 મિલિયન (આશરે 8.84 કરોડ) લોકોને કોરોના થયો હતો. પણ હવે આ પ્રમાણ 90 ટકા સુધી પહોંચી ગયું છે.
ચીનમાં થઈ રહેલાં વિરોધને જોતા સરકારે ઝીરો કોવિડ પોલીસી નાબુદ કરી હતી અને ત્યાર બાદથી જ અહીં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલોમાં લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે અને લોકોને મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે પણ રાહ જોવી પડી રહી છે.
ચીન સિવાય દુનિયાભરમાં કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લાં એક અઠવાડિયામાં કોરોનાના 29,14,908 કેસ જોવા મળ્યા છે અને તેમાં પણ સૌથી વધુ કેસ જાપાનમાં જોવા મળ્યા છે. જાપાનમાં ગયા અઠવાડિયે 11,74,110 કેસ જોવા મળ્યા છે. ત્યાર બાદ દક્ષિણ કોરિયા (4,03,800), અમેરિકા (1,87,814) અને તાઈવાન (1,82,443) કેસ જોવા મળ્યા છે.