અમદાવાદ: બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના શિહોરીની ખાનગી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગતા એક બાળકનું મોત થયું હતું. જ્યારે અન્ય બાળકોને સરકારી રેફરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. અહીં ડોક્ટર હાજર ન હોવાથી લોકો ડોક્ટરને ઘરે બોલાવવા ગયા હતા, પણ ડોક્ટરે તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યાની ફરિયાદ થઈ હતી. ડોક્ટરની મનમાનીના વિરોધમાં લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો.
બુધવારે બનેલી આ ઘટનાની મળતી વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના શિહોરીમાં આવેલી એક ખાનગી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગી હતી. ખાનગી હોસ્પિટલમાં આગ લાગતા ભાગદોડ મચી હતી. આઈસીયુમાં એડમિટ ત્રણ બાળકો પૈકી એક બાળકનું મોત થયું હતું. જ્યારે અન્ય બે બાળકોને સારવાર માટે શિહોરીની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જોકે રેફરલ હોસ્પિટલના ડોક્ટરે મનમાની કર્યા હોવાના આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યા હતા અને વિરોધમાં તમામ દુકાનો બંધ કરી ડોક્ટરને બદલવાની માંગ હતી. આગની ઘટનાના પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. હોસ્પિટલના આઈસીયુમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.