મોરબી શહેરમાં નુતન વર્ષના પ્રથમ દિવસે જ સામાન્ય બાબતને લઈને ફાયરિગની ઘટના બની હતી. શહેરના માધાપર વિસ્તારમાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ ટિમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ બાળકો વચ્ચે થયેલા ઝઘડામાં વડીલોએ ઝંપલાવતા માહોલ ઉગ્ર બન્યો હતો. બંને પક્ષે બોલાચાલી બાદ ગાળાગાળી થઇ હતી. જે બાદમાં મામલો બીચક્યો હતો અને એક પક્ષ તરફથી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં સન્ની કાંતિલાલ ડાભી અને તુલસી શંખેસરિયા નામના બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે. બંનેને સારવાર માટે હસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયરિંગની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી. પોલીસે ઘટના સ્થળેથી ખાલી કર્ટિજ કબજે લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે. મળતી મહિતી મુજબ સંગ્રામસિંહ જોરુભા જાડેજા નામના વ્યક્તિએ મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં હેમત સુખદેવભાઈ કોળી, રાહુલ સવજીભાઈ કોળી, કિશન પ્રહલાદ કોળી, તુલસી હસમુખભાઈ કોળી તેમજ અન્ય બે અજાણ્યા ઇસમો મળી કુલ છ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.
નવા વર્ષની શરૂઆતમાં જ ફાયરિંગની ઘટના બનતા લોકોમાં ચકચાર મચી જવા પામી હતી.