અરવિંદ વેકરિયા
વાચકમિત્રો,
મકર સંક્રાંતિનું પર્વ આપે હોંશે-હોંશે માણ્યું હશે. કોરોનાને ભૂલી પતંગો ચગાવ્યા હશે. તલની ચિક્કી
પણ ખાધી હશે. નયનોના મેઘધનુષ પણ ક્યાંક-ક્યાંક રચાયા હશે. પતંગની વાત પણ ન્યારી છે. મને એક નાનકડી કવિતા મળી છે.મારી નાટ્ય-સફર આગળ વધારું એ પહેલા રજુ કરું છું, કવિનું નામ નથી ખબર પણ એમની પરોક્ષ રીતે અનુમતિ મેળવી આપની સમક્ષ રજુ કરું છું અને આશા રાખું છું કે આપને ગમશે…
માણસો કેવું સતાવે છે મને? હાથ-પગ બાંધી નચાવે છે મને,
દોર દઈ છુટ્ટો ચગાવે છે મને, બાદ આપસમાં લડાવે છે મને,
મોકળું આકાશ આપી ઘડી બે ઘડી, લોકની વચ્ચે લુંટાવે છે મને.
પૂંછડી બાંધી કરે છે મશ્કરી, પાત્ર હાંસીનું બનાવે છે મને.
વીજળીના થાંભલે કાં ઝાંખરે, લોક શૂળીએ ચડાવે છે મને.
હોય જાણે સાસરું આકાશમાં, એમ ધાબેથી વળાવે છે મને.
દોરથી દોરાઉં છું લાચાર થઈ, માણસો જ્યાં ત્યાં ઝુકાવે છે મને…
તમને બધાને મકર-સંક્રાંતિ ની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ…
હવે અધૂરી વાત આગળ…..
તુષારભાઈએ એકની એક વાત વારંવાર કરી કે નાટક તો એમને કરવું જ છે, અને ડિરેક્ટ મારે જ કરવાનું છે. ક્યારેક મને લાગતું કે હું તો સાવ નવો દિગ્દર્શક, બાકી કેટલા દિગ્ગજ દિગ્દર્શકો રંગભૂમિ પર છે, કાંતિ મડિયા, અરવિંદ જોશી, શૈલેશ દવે, શફી ઈનામદાર… કઈ કેટલા’ય.. એ બધા સામે હું તો સાવ નવો-નવો. જે નાટકો મેં કર્યાં એ કોઈ અ…ધ…ધ..ધ… તો નહોતાં જ ! આતો અમિતાભ બચ્ચન ના પાડે તો મિથુન ચક્રવર્તીને લઇ લેવો એવું હશે? ….હા..હા…હા… જે હોય પણ હું એકવાર ‘હા’ પાડું પછી મેં એવું કહ્યું જ નહોતું કહીને નામક્કર નથી થઈ શકતો. મારાં કર્મોનું ખાતું હું બરાબર રાખવા પ્રયત્ન કરું છું, સમજી ને કે એક દિવસ એનો પણ “માર્ચ-એન્ડિંગ આવતો હોય છે.
હા, તો હું અને રાજેન્દ્રએ તુષારભાઈના નાટકની વાતો કરી, જેમાં નરહરિ જાની પણ હતો. અમે છૂટા પડ્યા અને રાત્રે તુષારભાઈનો ફોન આવ્યો…
તુષારભાઈ: હેલ્લો , દાદુ !
હું: અરે… બોલો બોલો તુષારભાઈ, ક્યારે પધાર્યા?
તુષારભાઈ: એ કહેવા માટે જ ખાસ ફોન કર્યો છે…
હું: તમારા નાટક માટેનો “સબ્જેક્ટ તૈયાર છે. લગભગ એક-બે દિવસમાં તૈયાર..
તુષારભાઈ: (વચ્ચેથી) એ જ કહેવા ફોન કર્યો છે. તમે તો જાણો છો કે મારે “ફીનાન્સનું કામ છે..
હુ૯હસતા) હા.. નાટકનું ફીનાન્સ’ કરો જ છો ને !
તુષારભાઈ: (હસતા) એમ નહિ દાદુ.. હું એ ફીનાન્સનો બિઝનેસ કરું છું.એ અંગે મારે હોંગકોંગ જવાનું
છે.
હું: (વિચારતા) ઓહ.. એટલે નાટક….
તુષારભાઈ: એ તો કરવાનું જ છે.
હું: બરાબર, પણ તો ક્યારે?
તુષારભાઈ: હોંગકોંગથી આવ્યા પછી તરત જ..
હું: ઓ.કે. પાછા ક્યારે આવશો?
તુષારભાઈ: જોઈએ ! ૧૫-૨૦ દિવસ થાય..કદાચ વધારે પણ થાય.
હું: તો તમે આટલી ઉતાવળ કેમ કરાવી? યાર..
તુષારભાઈ: જુઓ દાદુ, નાટક તો કરવું હતું અને કરવું જ છે. આ બિઝનેસ માટેનો કોલ અચાનક આવી
ગયો. સોરી !
હું: ઠીક છે..સબ્જેક્ટ તો તમને કહ્યો જ છે, આવો પછી કઈ વિચારીએ.
તુષારભાઈ: વિચારવાનું નથી. નાટક તો કરવાનું જ છે.
હું: હા..ભાઈ..હા.. હોંગકોંગથી આવો પછી ‘મેઈડ ઇન ઇન્ડિયા’નું નાટક શરૂ કરી દેશું.
તુષારભાઈ (હસતા) ઓ.કે. દાદુ, સોરી વન્સ અગેઇન.
મેં એમને હોંગકોંગ જવાની શુભેચ્છા આપી ફોન મુક્યો.મનોમન થયું કે મેં સારા રોલ માટે શૈલેશ દવેને ના પાડી, ઠીક છે ! પરિવારની ભાવના થકી એમણે એક રોલમાં તો બાંધી જ લીધો.અજીત-હરીશ પણ મિત્રો જ હતા. રોલ નાની ‘સાઈઝ’નો હતો જે મેં તુષારભાઈનાં નાટક કરવા માટે સ્વેચ્છાએ સ્વીકારેલો.શીખવા મળ્યું, કે પુસ્તકથી ભલે લખતા-વાંચતા આવડ્યું હોય, પણ આવા અનુભવે મને ધીમે-ધીમે અલ્પવિરામ અને પૂર્ણવિરામ મૂકતા પણ ભણાવી દીધું, ખેર !
આખી રાત મને ઊંઘ ન આવી. મને પથારીમાં પડખા ઘસતા જોઈ મને મારા દરેક મિશનમાં સાથ દેનાર પત્ની ભારતીએ તરત કારણ પૂછ્યું. મેં પહેલા તો આનાકાની કરી પણ પછી સ્ત્રીઓનું શસ્ત્ર તમને મારા સમ છે કીધું ને મારે પલળી જવું પડ્યું. મારી, રાજેન્દ્રની અને તુષારભાઈની બધી વાતો કરવી જ પડી. શૈલેશ દવેની વાત નહોતી કરવી પણ એણે આપેલા સમેં’ એ પણ કરાવી દીધી.અજીત-હરીશ અને સનત સાથે નાટક પૂરતો જ સંબંધ નહોતો, ઘર સાથે ઘરોબો હતો.અજીત-હરીશની સ્ટ્રગલ મેં નજરે જોઈ છે.( આજે અજીત તો હયાત નથી…અને હરીશભાઈનું કેટરિંગમાં બહુ મોટું નામ છે). શૈલેશ દવેના નાટકમાં નાનો રોલ લેવા માટે ભારતીએ મને લાંબું-લચક લેકચર આપ્યું. પછી કહ્યું કે આવે એને વધાવો, અવધી પડતી હોય એને અવગણો, જો કે એ સમજ તમારામાં પહેલેથી જ નથી. મને થયું કે જે રીતે માતા-પિતાની નજરોમાં બાળકો ક્યારે’ય મોટા નથી થતાં એ જ રીતે પત્નીની નજરમાં પતિ ક્યારે’ય સમજદાર નથી થતો. આ માત્ર હસવાની વાત છે બાકી એની વાત પર શાંતિથી વિચારતા લાગ્યું કે એની વાતમાં તથ્ય તો હતું જ!
બીજે દિવસે રાજેન્દ્રએ ઉછાળીને ખબર
આપ્યા કે “દાદુ, નાટક આખું મઠારીને તૈયાર કરી નાખ્યું છે.
મેં એના આનંદ ઉપર ઠંડું પાણી રેડતા, તુષારભાઈની ‘હોંગકોંગ’ની હૈયાવરાળ કાઢી આખી બીના કહી સંભળાવી. મને એ કહે આ બધા નિર્માતાઓ છે ને દાદુ, બરફના ગોળા જેવા હોય છે, સહેલાઈથી બની તો જાય પણ લાંબા સમય સુધી બચાવી રાખવા અઘરા પડે. પણ…ડોન્ટ વરી.. હવે નવી ગીલ્લી નવો દાવ..એમાં આટલો નિરાશ શું થઇ ગયો..તારું ડિરેક્શન અટક્યું તો મેં રાતોરાત મઠારેલું નાટક પણ અટક્યું જ ને ! હશે ભગવાનનું કોઈ બીજું ગણિત.
“દોસ્ત, મને મળતા સારા રોલ ઉપર તો રોલર ફરી વળ્યું ને ! મેં કહ્યું. તો રાજેન્દ્ર તરત બોલ્યો, “તું પાછો શરૂ થઇ ગયો. જો, મારા કરતા તું વધુ અનુભવી છો..તું, રોલ નાનો તો નાનો કરીશ ને? અફસોસ શું કરે છે..તારે તો રોલ માટે દિગ્દર્શક તને શોધતો આવે છે, મારે તો લખેલા નાટક માટે પૈસા રોકનાર નિર્માતા શોધવા નીકળવું પડે છે જે અઘરું છે. જે થઇ ગયું એ ભૂલી જા.આપણી નાટ્ય-સફરની જિદગી મીઠી જ હોય છે, કડવાશ તો કોઈ પાસે વધારે પડતી અપેક્ષાઓ રાખવાથી આવી જાય છે. તું નહિ, ઓંર સહી…માની આગળ વધતા રહેવાનું…
“સૌથી મોટી કલા છે સ્વભાવ સમજી જવાની, એ આવડી જાય તો કોઈ પ્રશ્ર્ન જ ન રહે. બાકી ધંધાદારી સંબંધ તો ગરજના પાટા પર ચાલતી રેલ-ગાડી છે… સ્ટેશન આવે એટલે લોકો ઊતરી જવાના.
હું રાજેન્દ્રને સાંભળી રહ્યો. લેખક જાણે કલમનો નીચોડ મારા મગજના પાના ઉપર નીતારી રહ્યો હતો.
બંને વચ્ચે થોડો સમય મૌન રહ્યું. પછી મેં કહ્યું, “આ વખતે પાણી સો ગારણે ગાળીને પીવું છે, નિર્માતાની શેહમાં આવી ઉત્સાહભેર ઓવારી નથી જવું.
મને કહે તારી વાત સાચી પણ દોસ્ત, તું પાણી ગાળવામાં ગમે તેટલી સાવચેતી રાખે, પૃથ્વીને ફરતા ૩૬૫ દિવસ લાગે, બાકી માણસને ફરતા બે મિનિટ નથી લાગતી. આપણે નાટક કરવાનું છે, અને થશે જ!
હૈયાની હૂંફ મળે એ જ સાચું તાપણું,
બાકી કોણ કેટલું આપણું, એનું ક્યા છે માપણું!
ડબ્બલ રીચાર્જ
ઈ-મેઈલ ગમે તેટલી પ્રગતિ કરે, પણ વાત ફેરવવામાં ફી-મેઈલને કોઈ ન પહોંચે.