Homeપુરુષટોક્સિક મસ્ક્યૂલિનિટી માટે બાળકોનો ઉછેર ઘણા અંશે જવાબદાર

ટોક્સિક મસ્ક્યૂલિનિટી માટે બાળકોનો ઉછેર ઘણા અંશે જવાબદાર

કવર સ્ટોરી-રાજેશ યાજ્ઞિક

ગતાંકથી આપણે ટોક્સિક મસ્ક્યૂલિનિટીને સમજવા પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે જોયું કે તેના મુખ્ય ઘટકો ક્યા છે. માત્ર ભારતમાં જ નહીં, લગભગ દુનિયાભરમાં પુરુષોની એક છબી છે કઠોર, અસંવેદનશીલ, અધિકાર જમાવનાર, બળશાળી અથવા બળ અજમાવનાર, લડાયક વગેરે, પરંતુ એ પણ સમજવું જરૂરી છે કે શું પુરુષો જન્મથી એવી માનસિકતા ધરાવે છે?
છોકરાઓ અને છોકરીઓ બન્નેનો ઉછેર લગભગ સમાન રીતે મર્યાદિત સ્ટિરિયોટાઇપ્સમાં થાય છે જ્યાં સુધી તેઓ યુવાનીમાં પ્રવેશતા નથી. ખાસ કરીને શહેરી વર્તુળોમાં આજકાલ, પિતૃસત્તા અને નારીવાદી ચળવળની વધતી જતી જાગૃતિ સાથે, ઘણા મહિલા સહાયક વર્તુળો આગળ આવ્યાં છે, જે સ્ત્રીત્વ વિશે વાત કરે છે અને મહિલાઓને તેમની ઓળખ વ્યક્ત કરવામાં મદદ કરે છે. જો કે, અમેરિકન લેખક માઈકલ ઈયાન બ્લેક વર્ષો પહેલા સ્ટેટ્સમાં બનેલા સમાન વલણની વાત કરતાં કહે છે તેમ, “પુરુષો પાછળ રહી ગયા છે. તેમને તેમની જાતિની સંપૂર્ણ અભિવ્યક્તિ તરફ દોરે કે મદદ કરે તેવી કોઈ અનુરૂપ ચળવળ ઉભરી આવી નથી. હવે ‘મર્દ બન’ માત્ર કહેવું પૂરતું નથી – આપણે તેનો અર્થ શું છે તે પણ જાણતા નથી.
સ્ટિરિયોટાઇપ્સ બાળપણથી થોપી દેવાયા હોય છે. રસોઈના રમકડાંથી માત્ર છોકરીઓ રમે, છોકરો તો કાર અને ગનથી રમે. છોકરી ટૂંકા વાળ રાખે તો ‘છોકરા જેવી’ લાગે. છોકરો, છોકરીઓ સાથે રમે કે છોકરી છોકરાઓ સાથે રમે તો પરિવાર જ તેમને ટોકતો હોય છે. કેટલાંય વર્ષો સુધી શારીરિક રીતે વધુ કષ્ટદાયક રમતો માત્ર છોકરાઓનો એકાધિકાર ગણાતી રહી હતી. જેમકે, કબડ્ડી, કુશ્તી (દંગલ ફિલ્મ યાદ છે ને?), હોકી, ક્રિકેટ, ફૂટબોલ વગેરે. આમાં છોકરીઓનું કામ નહીં તેવું પહેલાથી ઠસાવી દેવાયું હતું. જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ વિચારીએ તો સ્ત્રી અને પુરુષમાં અવશ્ય શારીરિક દ્રષ્ટિએ ફરક છે. પણ જયારે માનસિકતા એવી ઘડી દેવામાં આવે કે એક કરતાં બીજું ઊતરતું છે, ઓછી યોગ્યતા છે કે અક્ષમ છે તે માનસિકતાનો ફરક સમસ્યાનું મૂળ છે. ટોક્સિક મસ્ક્યૂલિનિટીની અસર પણ સમજવા જેવી છે.
ખોટી આદતોનું મહિમામંડન
ટોક્સિક મસ્ક્યૂલિનિટી ખોટી આદતોનું મહિમામંડન કરે છે અને તેને પ્રોત્સાહન આપે છે. ‘મર્દ’ ધૂમ્રપાન કે આલ્કોહોલનું સેવન કરે તો તે ‘ચાલે’! ૨૦૦૭માં હાથ ધરાયેલા એક અભ્યાસ મુજબ આવી જોખમી પ્રવૃત્તિઓને પુરુષો માટે ‘સામાન્ય’ તરીકે જોવામાં આવી હતી. ઘાયલ થયા હોય ત્યારે પણ વર્કઆઉટ કરીને અને પોતાની શારીરિક મર્યાદાઓની ઉપરવટ જઈને શરીરને મશીનની જેમ ચલાવે રાખે છે, કારણકે તે ‘મર્દ’ છે. એટલે સુધી કે ડૉક્ટર પાસે જવામાં પણ એ વિચાર આડે આવે કે આટલું દર્દ તો પુરુષે સહન કરવું જ જોઈએ!
૨૦૧૧ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પુરુષત્વની ખૂબ મજબૂત માન્યતાઓ ધરાવતા પુરુષોમાં, પુરુષત્વ વિશે મધ્યમ માન્યતા ધરાવતા પુરુષો કરતાં આરોગ્ય સંભાળ મેળવવાની શક્યતા માત્ર અડધી હતી. ઉદાહરણ તરીકે, વાર્ષિક તપાસણી માટે ચિકિત્સકને મળવું કેટલાક પુરુષોની માન્યતાઓથી વિરુદ્ધ છે.
માનસિક સ્વાસ્થ્ય વિશે ગેરમાન્યતા
ટોક્સિક મસ્ક્યૂલિનિટી પુરુષોને માનસિક સ્વાસ્થ્યની સારવાર મેળવવામાં નિરુત્સાહ કરે છે. હતાશા, ચિંતા, અયોગ્ય પદાર્થોના ઉપયોગની સમસ્યાઓ અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓને પુરુષની ‘નબળાઈઓ’ તરીકે જોવામાં આવી શકે છે. ૨૦૧૫ના એક અભ્યાસમાં જાણવા મળ્યું કે જે પુરુષોએ પુરુષત્વની પરંપરાગત ધારણાઓ સ્વીકારી છે તેઓ, વધુ ઉદાર લિંગ વલણ ધરાવતા લોકોની સરખામણીમાં માનસિક સ્વાસ્થ્ય સેવાઓ મેળવવા વિશે વધુ નકારાત્મક વલણ ધરાવે છે.
ટોક્સિક મસ્ક્યૂલિનિટી એ પણ ભાર મૂકે છે કે પુરુષો માટે તેમની લાગણીઓ વિશે વાત કરવી અયોગ્ય છે. સમસ્યાઓ અથવા લાગણીઓ વિશે વાતચીત ટાળવાથી એકલતા અને એકલતાની લાગણી વધી શકે છે. જ્યારે તેઓ માનસિક સ્વાસ્થ્યની સમસ્યા અનુભવી રહ્યાં હોય ત્યારે તે પુરુષોની કોઈનો સંપર્ક કરવાની અને મદદ મેળવવાની ઇચ્છાને પણ ઘટાડી શકે છે.
જાતિ, વંશીયતા અને લિંગ
પુરુષની જાતિ અને વંશીયતા તે પુરુષત્વને કેવી રીતે જુએ છે તેમ જ અન્ય લોકો તેને કેવી રીતે જુએ છે તેમાં ભૂમિકા ભજવી શકે છે. ૨૦૧૩ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શ્ર્વેત કોલેજના વિદ્યાર્થીઓમાં, એશિયન-અમેરિકન પુરુષોને ગોરા અથવા કાળા અમેરિકન પુરુષો કરતાં ઓછા ‘મેનલી’ તરીકે જોવામાં આવે છે. જડ રહેવાની અને સારા પ્રદાતા બનવાની પુરુષવાચી જરૂરિયાત આફ્રિકન-અમેરિકન પુરુષોમાં ‘જ્હોન હેનરીવાદ’ તરફ દોરી શકે છે. આ શબ્દનો ઉપયોગ એવા પુરુષોનું વર્ણન કરવા માટે થાય છે કે જેઓ સમસ્યાઓનો સામનો કરવાના માર્ગ તરીકે અત્યંત વધુ પ્રયત્નોનો ઉપયોગ કરે છે અને તેઓ લાંબા સમયથી તણાવ અને ભેદભાવની વચ્ચે આમ કરવાનું ચાલુ રાખે છે. ૨૦૧૬ના એક અભ્યાસે ‘જ્હોન હેનરીવાદ’ ને હાયપરટેન્શન અને ડિપ્રેશનના વધતા જોખમ સાથે જોડ્યું હતું.
હોમોફોબિયા
આ પણ એક વકરતી સમસ્યા છે. જે દુનિયાભરના ઘણા પુરુષો માટે માનસિક સમસ્યાઓ પેદા કરે છે. તમામ જાતિઓ અને વંશીય પશ્ર્ચાદભૂના છોકરાઓ કે જેઓ ‘પુરુષ જેવું’ વર્તન કરતા નથી તેઓ શાળા, કોલેજ કે પોતાના રહેવાસી પરિસરમાં પણ ઉત્પિડનનો ભોગ બની શકે છે. ૨૦૧૫ નેશનલ સ્કૂલ ક્લાઈમેટ સર્વેમાં જાણવા મળ્યું છે કે ૮૫% એલજીબીટીક્યુ+ વિદ્યાર્થીઓએ તેમના લિંગ અભિવ્યક્તિ અથવા જાતીય પસંદગીની અભિવ્યક્તિને લઈને શાળામાં તેમની મૌખિક રીતે પજવણી કરવામાં આવી હોવાની ફરિયાદ કરી હતી.
કોઈ જાતીય પસંદગી ન દર્શાવતા વિદ્યાર્થીઓ જેઓ એલજીબીટીક્યુ+ તરીકે ઓળખાવતા હોય, સમર્થન આપતાં હોય તેમને, પરંપરાગત જાતીય પસંદગી વાળા બાળકો કરતાં વધુ ખરાબ વર્તન સહન કરવું પડ્યું હતું. માત્ર શાબ્દિક નહીં, પરંતુ શારીરિક પજવણીનો ભોગ પણ કહેવાતી ‘અલગ’ જાતીય પસંદગી ધરાવનાર પુરુષો બને છે. ઘણીવાર સામાજિક કારણોસર પુરુષોએ આવા વર્તનની ફરિયાદ કરવાને બદલે ચૂપ રહેવું પડે છે, જે માનસિક રીતે ઘણું યાતનામય હોય છે. તેમની સજાતીય પસંદગીને કારણે પરિવાર, મિત્રો, સહકાર્યકરો અને સાવ અજાણ્યા લોકોનું એક પ્રકારનું દબાણ તેમના ઉપર સર્જાય છે, જે ભાવનાત્મક પણ હોય છે, આર્થિક પણ હોય છે અને શારીરિક પણ હોય છે.
મદદરૂપ વર્તન
જે પુરુષો પોતાને વધુ મર્દ તરીકે જુએ છે તે સંશોધકો જેને ‘સહાયક વર્તણૂક’ કહે છે તેમાં સામેલ થવાની શક્યતા ઓછી છે. તેનો અર્થ એ છે કે જ્યારે તેઓ ગુંડાગીરીના સાક્ષી હોય અથવા જ્યારે તેઓ કોઈ પર હુમલો થતો જુએ ત્યારે તેઓ દરમિયાનગીરી કરે તેવી શક્યતા નથી. (ફિલ્મોના ‘મર્દ’ કરતાં સાવ ઊંધું, નહીં?)
૨૦૧૯ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ટોક્સિક મસ્ક્યૂલિનિટી પુરુષોને પીડિતને સાંત્વના આપવા, મદદ માટે બોલાવવા અને ગુનેગારનો સામનો કરવાથી રોકી શકે છે. અર્થાત કે જો કોઈ પુરુષ મુસીબતમાં હોય તો તેણે પોતાને જાતે જ બચાવી લેવો જોઈએ. કેમકે ‘પુરુષ તેવું કરવા સમર્થ હોવો જોઈએ’, તેને બીજાની મદદની શું જરૂર?!! પુરુષો જેઓ એવી માન્યતાને સમર્થન આપે છે કે પુુરુષો મજબૂત અને આક્રમક હોવા જોઈએ તેઓ સક્રિય બાયસ્ટેન્ડર તરીકે દરમિયાનગીરી સાથે સંકળાયેલા નકારાત્મક સામાજિક પરિણામોને વધુ અનુભવે છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો પુરુષો પરંપરાગત રીતે પોતાની ‘મર્દ’ તરીકેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી શકે તેમ માનતા હોય તો તેઓ કોઈપણ સંઘર્ષમાં હસ્તક્ષેપ કરશે નહીં. ટોક્સિક મસ્ક્યૂલિનિટીના આ પાસાંને સમજ્યા પછી આપણે આગળ વધીને તેના કેટલાંક ઉદાહરણો અને આ ટોક્સિક માન્યતાના હલ વિશે વાત કરીશું, પણ આવતા અંકે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -