ગઈકાલે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કચ્છમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં એક સભામાં ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા ત્યારે ભુજ પાલિકાના ચીફ ઓફિસર ખુરશી પર બેઠા બેઠા જ સુઈ ગયા હતા, જેનો વિડીયો વાયરલ થયો હતો. આ બે ઘડીની ઊંઘ તેમના માટે મુશ્કેલી રૂપ બની છે. ચીફ ઓફિસર પર કડક કાર્યવાહી કરતા ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે.
માહિતી મુજબ ગઈ કાલે શનિવારે કચ્છ જીલ્લાના ભૂજ શહેરના ટાઉનહોલમાં ભૂંકપ અસરગ્રસ્ત લોકોને મકાનના માલિકી હક્ક માટે સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના મુખ્યપ્રધાન પણ હાજર રહ્યા હતા. મુખ્યપ્રધાન સંબોધન આપી રહ્યા હતા ત્યારે 14 માસથી ભુજ નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકેની ફરજ બજાવતા જીગર પટેલ ખુરશી પર જ સુઈ ગયા હતા. જે અનુસંધાને આજે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા તેમને ફરજ મોકુફ કરવામાં આવ્યાં છે.
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના હુકમ પત્રમાં લખવામાં આવ્યું છે, જીગર પટેલ, ચીફ ઓફીસર, વર્ગ-1 તરીકે ભૂજ નગરપાલિકા ખાતે તા. 2/2/2022 થી આજદિન સુધી ફરજ બજાવી છે. તા.29/4/2023 શનિવારના રોજ કચ્છ જિલ્લાના વડા મથક ભૂજ ખાતેના કાર્યક્રમ દરમિયાન જીગર પટેલ દ્વારા દાખવવામાં આવેલી ગંભીર બેદરકારી તથા વર્તણૂંકએ પ્રથમ દ્રષ્ટિએ તેઓની ફરજ પ્રત્યેની નિષ્ઠાનો અભાવ દર્શાવે છે. આ કારણોસર તેઓને સક્રિય સેવામાં ચાલુ રાખવા જાહેર વહીવટી હિતમાં ન હોઈ તાત્કાલિક અસરથી ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, 1971ના નિયમ 5(1) (ક) મુજબ ફરજમોકૂફી હેઠળ મુકવામાં આવે છે.