શિંદે જૂથમાં જોડાઈ જાય એવી અટકળો: આ બેનર પર અડધો ડઝન નગરસેવકોના ફોટા, બધા જાય તો એનસીપી માટે કપરાં ચઢાણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણેના ભૂતપૂર્વ નગરસેવક અને એનસીપીના નેતા નજીબ મૂલ્લાને શુભેચ્છા આપનારા હૉર્ડિંગ પર મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને બાળાસાહેબાંચી શિવસેનાના નેતા એકનાથ શિંદેના ફોટાને કારણે રાજકીય ઉથલપાથલના સંકેત મળી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. બાળાસાહેબાંચી શિવસેનાના પ્રવક્તા નરેશ મ્હસ્કેએ આ પ્રકરણે આપેલી પ્રતિક્રિયાથી અટકળોનું બજાર વધુ ગરમ થઈ ગયું છે.
જોકે, જેમની શુભેચ્છાના હૉર્ડિંગ પરથી આ બધી અટકળો ફેલાઈ રહી છે તે નજીબ મુલ્લાએ કહ્યું છે કે થાણે વિસ્તારના મોટા ભાગના નેતાઓ રાજકીય વિરોધાભાસ છતાં મારા મિત્ર છે અને આ પ્રકરણમાં આટલી બધી અટકળો લગાવવાનો કોઈ અર્થ નથી.
એનસીપીના છ ભૂતપૂર્વ નગરસેવકો દ્વારા પાર્ટીના મુંબ્રા વિભાગના અગ્રણી નેતા ગણાતા મુલ્લાને શુભેચ્છા આપનારા હૉર્ડિંગ લગાવવામાં આવ્યું હતું અને તેના પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો મોટો ફોટો લગાવવામાં આવ્યો છે.
મ્હસ્કે થાણેના ભૂતપૂર્વ મેયર છે અને તેણે શિવસેનામાં ભાગલા પડ્યા બાદ એકનાથ શિંદેની સાથે જવાનો નિર્ણય લીધો હતો.
એનસીપીના નગરસેવકો દ્વારા લગાવવામાં આવેલા હૉર્ડિંગ પર અમારા ફોટા છે તે સ્વાગતાર્હ છે. મુલ્લા લોકપ્રિય નેતા છે અને તેમને ખાસ્સો લાંબો અનુભવ છે. જો તેઓ અમારી પાર્ટીમાં જોડાવા માગતા હોય તો તે સારું રહેશે, પરંતુ અમારી પાસે અત્યારે આવી કોઈ માહિતી આવી નથી, એમ મ્હસ્કેએ કહ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે મ્હસ્કે અને ભાજપના કેટલાક નેતાઓએ શુક્રવારે તેમને જન્મદિનની શુભેચ્છા આપવા માટે નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી.
થાણે મનપાની ચૂંટણી ગયા વર્ષમાં અપેક્ષિત હતી અને સત્તાધારી બાળાસાહેબાંચી શિવસેના અને ભાજપ આ ચૂંટણી સાથે મળીને લડે એવી શક્યતા છે. (પીટીઆઈ)