(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વને પડકાર ફેંક્યા બાદ ૪૦ વિધાનસભ્યોને લઈને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બહાર નીકળી ગયા બાદ રાજ્યમાં મોટો ભૂકંપ થયો હતો. મહાવિકાસ આઘાડી સરકાર તૂટી પડ્યા બાદ ઉદ્ધવ ઠાકરેને રાજીનામું આપવું પડ્યું હતું. ભાજપની સાથે એકનાથ શિંદેએ સરકાર બનાવ્યા પછી તો બંને જૂથો વચ્ચે સતત શાબ્દિક યુદ્ધ ચાલ્યા કરતું હોય છે. આ બધાની વચ્ચે હવે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે એક સાથે આવવાની ચર્ચા ચાલી રહી છે.
વિધાનભવનના સેન્ટ્રલ હૉલમાં શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેનું તૈલચિત્ર લગાવવામાં આવવાનું છે અને તેનો કાર્યક્રમ ૨૩ જાન્યુઆરીએ નક્કી કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ નિમિત્તે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે એક જ મંચ પર જોવા મળશે.
વિધાનસભાના નાગપુરમાં આયોજિત શિયાળુસત્રમાં ઉદ્ધવ ઠાકરે હાજર રહ્યા હતા, પરંતુ તે સમયે એકનાથ શિંદે કે પછી ફડણવીસ ગૃહમાં હાજર નહોતા. હવે વિધાનભવનના સેન્ટ્રલ હોલમાં આયોજિત કાર્યક્રમમાં બંને એક સાથે એક જ મંચ પર આવવાના હોવાથી લોકોને તેમની વચ્ચે કેવા તણખા ઝરે છે તે જોવાની ઉત્સુકતા જાગી છે.
આ કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન, આશા ભોસલે હાજરી આપે એવી શક્યતા છે. આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકા પણ ઉદ્ધવ ઠાકરેને મોકલી આપવામાં આવી છે. ઠાકરેએ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે સહમતી આપી છે કે નહીં તે હજુ જાણવા મળ્યું ન હોવા છતાં બાળ ઠાકરેના તૈલ ચિત્રના અનાવરણનો કાર્યક્રમ હોવાથી તેમની હાજરી પાક્કી માનવામાં આવી રહી છે.