છોટા ઉદેપુરના પાવી જેતપુરમાંથી કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. પોલીસ ખાતામાં નોકરી કરતા પતિએ કંડકટર તરીકે ફરજ બજાવતી પત્નીને બસમાં જ ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતરી દીધી હતી. પત્નીની હત્યા કર્યા બાદ પતિએ નાસી છૂટવા પ્રયત્ન કર્યો હતો પણ લોકોએ તેને પકડી પાડ્યો હતો. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ મંગીબેન રાઠવા બસ-કંડકટર તરીકે GSRTCની બસમાં નોકરી કરતા હતા અને તેમનો પતિ અમૃત રાઠવા પોલીસ ખાતામાં સુરતમાં નોકરી કરે છે. આજે મંગીબેન પાવી જેતપુરથી ભીખાપુરા જતી બસમાં ફરજ પર હતાં. બપોરના સમયે બસ ભીખાપુરા ખાતે પહોંચી હતી ત્યારે ચારરસ્તા પર પહેલેથી જ રાહ જોઈ રહેલો પતિ દોડીને બસમાં ચઢી ગયો હતો અને પત્નીને ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી હત્યા નીપજાવી હતી.
પતિએ ભરબપોરે જાહેરમાં પત્નીની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી હત્યાનું કારણ જાણવા પૂછપરછ હાથ ધરી છે.