ચેતન શર્માએ એક ટેલિવિઝન ચેનલના સ્ટિંગ ઓપરેશન બાદ શુક્રવારે રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. આ સ્ટિંગ ઓપરેશનમાં તેમણે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. ચેતન શર્મા ગુરુવાર સુધી રણજી ટ્રોફીની ફાઈનલ માટે કોલકાતામાં હતા, તેમણે પોતાનું રાજીનામું બીસીસીઆઈના સેક્રેટરી જય શાહને મોકલ્યું હતું, જેને સ્વીકારવામાં આવ્યું હતું. ચેતન શર્મા રાષ્ટ્રીય પસંદગી પેનલના કન્વીનર પણ હતા. ચેતન શર્મા શુક્રવારે ઈડન ગાર્ડન્સ ખાતે આવ્યા ન હતા. BCCIનું બંધારણ સૂચવે છે કે સૌથી વરિષ્ઠ સભ્ય, જે ભારત માટે પહેલા રમ્યા હોય, તેમને અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવશે. ચેતન શર્માના બહાર નીકળ્યા પછી, BCCI સલિલ અંકોલાને પસંદ કરી શકે છે, જેમણે 1989માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અથવા તો શિવ સુંદર દાસને પસંદ કરી શકે છે, જેમણે બાકીના પસંદગીકારો કરતાં વધુ ટેસ્ટ રમી છે. તાજેતરમાં એક સ્ટિંગ ઓપરેશનમાં ચેતન શર્માએ ઈન્જેક્શન લઈને ફિટનેસ વધારતા ભારતીય ખેલાડીઓ પર ટિપ્પણી કરી હતી. તેમણે વિરાટ કોહલી અને પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી વચ્ચેના ‘અહમ’ અથડામણ વિશે પણ વાત કરી હતી. એવું જાણવા મળ્યું છે કે ટીમ મેનેજમેન્ટ ચેતન શર્માથી નાખુશ હતું કારણ કે ઘણાને લાગ્યું હતું કે આ સ્ટિંગ ઓપરેશન બાદ ખેલાડીઓ માટે વિશ્વાસ પાછો મેળવવો મુશ્કેલ બનશે.