ફોકસ -સોનલ કારિયા
હજુ હમણાં નવેમ્બરમાં જ માતા બનેલી આલિયા ભટ્ટે પ્રસૂતિના દોઢ મહિનામાં જ શારીરિક વ્યાયામ અને યોગાસન કરવાના શરૂ કરી દીધા હતા. તે કહે છે કે જોકે મને પ્રસૂતિ પહેલાં જેવી હતી એવું સુડોળ શરીર મેળવવાની ઉતાવળ નથી. જે મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો હોય તેમની સાથે પોતાને પ્રાપ્ત થયેલો સ્વાસ્થ્યનો મંત્ર વહેંચતા તે કહે છે કે તમારા શરીરને સંભાળો.’ ખાસ કરીને પ્રસૂતિ બાદ શરીરમાં થતા બદલાવ અંગે પોઝિટીવ દૃષ્ટિ રાખવાની સલાહ તે આપે છે.
ગંગુબાઈ કાઠિયાવાડી જેવી ફિલ્મને કારણે આલિયા ભટ્ટ
બોલીવુડ પર છવાયેલી છે. તેની ગણના બોલીવુડની ટોચની હિરોઈનોમાં થાય છે. તેણે રણબીર કપૂર સાથે એપ્રિલ મહિનામાં લગ્ન કરી લીધા અને નવેમ્બરમાં તો માતા પણ બની ગઈ છે. પ્રસૂતિના ગણતરીના દિવસોમાં તેણે શારીરિક વ્યાયામ અને યોગાની શરૂઆત કરી દીધા છે.
જો કે આની પાછળનું કારણ માત્ર સુંદર અને સુડોળ દેખાવા પૂરતું સીમિત નથી. ઊલટું તે તો નવી જ પ્રસૂતા બનેલી સ્ત્રીઓને સૂચન કરતા કહે છે કે ‘મારે ખાસ આ વિષય પર વાત કરવી છે. ઘણી બધી સ્ત્રીઓ પ્રસૂતિ પછી પોતાના દેખાવ અંગે અને પ્રસૂતિ પૂર્વે હતી એ જ અવસ્થામાં એટલે કે સુડોળ શરીર બનાવવા માટે સંઘર્ષ કરવા માંડે છે. તેમના મન પર પ્રસૂતિ પહેલાં હતું એવું જ શરીર મેળવવાનો તનાવ રહે છે. આવી બધી જ સ્ત્રીઓ ઝડપથી પોતાનું વજન ઘટાડવા માગે છે.’ જો કે આના માટે પોતાની જાત પર વધુ પડતો બોજ ન નાખવાની તે સલાહ આપે છે.
આલિયા ભટ્ટ કહે છે, ‘મને ખાવાનો બહુ શોખ છે. મને જાતભાતનું ખાવાનું બહુ ગમે છે પણ સાથે-સાથે મારે મારું વજન ઘટાડવાનું છે, કારણ કે મારું કામ વિઝ્યુલ મીડિયામાં છે અને એની સાથે-સાથે મારે સ્વાસ્થ્ય પણ જાળવવાનું છે.’ આલિયા કહે છે કે મારું કામ એવું છે કે મારે આકર્ષક દેખાવું જરૂરી છે.
જોકે જેઓ આ ક્ષેત્રમાં નથી તેમના માટે પણ સારા દેખાવાનું બહુ દબાણ રહે છે કારણ કે સોશ્યિલ મીડિયા પર બધાના ફોટાઓ આવતા રહે છે. એને કારણે હજુ ગર્ભવતી હોય ત્યારથી જ સ્ત્રીઓ એ ચિંતામાં રહે છે કે પ્રસૂતિ પછી મારું વજન વધી તો નહીં જાયને! મારું શરીર બેડોળ નહીં થઈ જાયને! પરંતુ આવો બોજો મન પર રાખવાને બદલે સ્ત્રીઓએ સહેજ થોભીને પોતાના શરીર પ્રત્યે નજર કરવી જોઈએ અને એનો આભાર માનવો જોઈએ.
પોતાની જેમ જ નવી જ માતા બનેલી સ્ત્રીઓને સંદેશો આપતા આલિયા ભટ્ટ કહે છે કે કેટલા બધા પાસાઓ સવળા પડે અને કેટલી બધી બાબતો ગોઠવાય ત્યારે એક બાળક આ વિશ્ર્વમાં જન્મ પામી શકે છે.
હું ઇચ્છું છું કે ગર્ભવતી હોવાના અને પ્રસૂતિ તેમ જ પ્રસૂતિ બાદના સમયમાં તમે પોતાના શરીરની કદર કરો કારણ કે આ બધા સમયમાં તમારા શરીરે તમારો સાથ નિભાવ્યો છે. એક વાર પ્રસૂતિ થઈ જાય પછી પ્રશ્ર્ન માત્ર સુડોળ દેખાવાનો જ નથી પણ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાનો પણ છે. એક વાર તમારી ઇમ્યુનિટી સારી થઈ જાય પછી શરીર પોતે જ પોતાની રીતે બધું ગોઠવવા માંડશે.
પ્રસૂતિ બાદ બહુ જ થોડા સમયમાં આલિયા ભટ્ટે વ્યાયામ અને યોગાસન શરૂ કરી દીધા છે. નવી માતાઓ બનેલી સ્ત્રીઓને શીખ આપતા તે કહે છે કે હવે હું જ્યારે વર્ક આઉટ કરું છું ત્યારે મારું ફોકસ ફક્ત મારી કમર પાતળી કરવાનું નથી, બલ્કે હું સ્વાસ્થ્ય માટે વ્યાયામ અને યોગાસન કરું છું.
હકીકતમાં મારો આશય ફીટ એટલે કે સ્વસ્થ રહેવાનો છે. વજન ઉતારવા માટે સ્વાસ્થ્યપ્રદ ન હોય એવું ભોજન કરીને કે પછી ડાયેટના નામે હું મારી જાતને ભૂખી નથી મારતી. મેં નક્કી કર્યું છે કે હું મારી જાત સાથે કઠોરતાથી વર્તણૂક નહીં કરું ભલેને પછી મારા શરીરમાં થોડુંક વજન ઓછું-વધારે હોય કે શરીરના કોઈ ભાગમાં થોડી ચરબી હોય.
હું તો જે છે એને આનંદપૂર્વક સ્વીકારીશ. હું મારી જાત પર અત્યાચાર નહીં કરું. મારી જેમ તમે પણ સ્વાસ્થ્ય મેળવવા પર વધુ ફોકસ કરો. ખૂબ બધા શાકભાજી ખાઓ, તમારા ભોજનમાં પ્રોટીનની માત્રા વધારો, યોગાસન કરો અને ચાલવા જાઓ. સ્વસ્થ રહેવા માટે આવી મૂળભૂત બાબતો કરો. સૌથી વધુ મહત્ત્વનું છે કે તમે પોતાની જાતની કદર કરો.