(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પૂર્વ ઉપનગરમાં ચેંબુરમાં મહર્ષી દયાનંદ સરસ્વતી માર્ગ પર ફૂટપાથ પર ગેરકાયદે ઊભી થઈ ગયેલી હૉટલ સામે પાલિકાના એમ-પશ્ર્ચિમ વોર્ડ દ્વારા કાર્યવાહી કરીને તેને તોડી પાડવામાં આવી હતી.
એમ-પશ્ર્ચિમ વોર્ડના જણાવ્યા મુજબ મહર્ષી દયાનંદ સરસ્વતી માર્ગ (સેન્ટ્રલ એવેન્યૂ રોડ) પર ફૂટપાથ પર ચાર વર્ષ પહેલા એક કેન્ટીન ઊભી થઈ ગઈ હતી. ફૂટપાથ પર સ્ટીલનો ઉપયોગ કરીને ૧૩ ફૂટ બાય ૯ ફૂટની સાઈઝની ગેરકાયદે રીતે કેન્ટીન ઊભી કરવામાં આવી હતી. સ્થાનિક નાગરિકોએ આ બાબતે અનેક વખત પાલિકાને ફરિયાદ કરી હતી. છેવટે પાલિકાએ તેની દખલ લઈને શુક્રવારે તેને તોડવાની કામગીરી હાથ ધરી હતી.
આ કેન્ટીનમાં ગૅસ સિલિન્ડર, વાસણો સહિતનું સામાન પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે ૧૨ ઍન્જિનિયર, એક આરોગ્ય અધિકારી, અલગ અલગ ખાતાના ચાર કર્મચારી, બે મુકાદમ, ૧૨ કામગર તેમ જ એક જેસીબી, એક ડંપરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.