આરોપીએ ‘પુષ્પા-ટુ’ અને ‘શહીદ’ ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકાની ખાતરી આપી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અભિનિત ‘જેલર’ ફિલ્મમાં અભિનેત્રી તરીકે પસંદગી થઈ હોવાનું જણાવી ટીવી સિરિયલ અને ક્રાઈમ શોમાં કામ કરનારી અભિનેત્રી-મોડેલ પાસેથી લાખો રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આરોપીઓએ ‘પુષ્પા-ટુ’ અને ‘શહીદ’ ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકા અપાવવાની ખાતરી આપી હતી.
અંધેરીના વર્સોવા ખાતે રહેતી અભિનેત્રીએ નોંધાવેલી ફરિયાદને આધારે વર્સોવા પોલીસે ગુરુવારે પીયૂષ જૈન અને સમીર સામે ગુનો નોંધ્યો હતો. અભિનેત્રીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જુલાઈ, 2022ના રોજ એક મેસેજ આવ્યો હતો, જેમાં હિન્દી ડબ્ડ ફિલ્મમાં પોલીસ અધિકારીની મુખ્ય ભૂમિકા માટે મોડેલની જરૂર હોવાનું જણાવાયું હતું. અભિનેત્રીને સંબંધિત ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા હોવાથી તેણે મેસેજનો જવાબ આપ્યો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે બીજે જ દિવસે પીયૂષ જૈન નામના શખસે અભિનેત્રીના મોબાઈલ પર કૉલ કર્યો હતો. હંમેશાં વ્હૉટ્સઍપ કૉલ જ કરનારા જૈને પોતાની ઓળખ ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે આપી હતી. તેણે પોલીસના યુનિફોર્મમાં ઓડિશન મોકલવાનું અભિનેત્રીને કહ્યું હતું. અભિનેત્રીએ તેનું ઓડિશન જૈનના મોબાઈલ પર વ્હૉટ્સઍપથી મોકલ્યું હતું.
થોડા દિવસ પછી જૈને રજનીકાંત અભિનિત જેલર ફિલ્મમાં પોલીસની ભૂમિકા માટે પસંદગી થઈ હોવાનું અભિનેત્રીને કહ્યું હતું. જૈને તેનો મિત્ર સમીર પણ કાસ્ટિંગ ડિરેક્ટર હોવાથી શહીદ ફિલ્મ માટે અભિનેત્રીની શોધમાં હોવાનું કહ્યું હતું. વાતચીત દરમિયાન જૈને પુષ્પા-ટુ ફિલ્મમાં કામ અપાવવાની ખાતરી અભિનેત્રીને આપી હતી.
જેલર ફિલ્મમાં પસંદગી થઈ હોવાનો લેટર, શૂટિંગ શેડ્યુલ અને હોટેલ તેમ જ ફ્લાઈટ બૂકિંગની વિગતો અભિનેત્રીને મોકલવામાં આવી હતી. દરમિયાન વિવિધ પ્રક્રિયાને બહાને આરોપીઓએ 8.48 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીએ રજનીકાંત સાથે અભિનેત્રીનું જેલર ફિલ્મનું પોસ્ટર બનાવીને મોકલાવ્યું હતું. આ પોસ્ટર અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર અપલૉડ કર્યું હતું. પોસ્ટર જોઈ ફિલ્મના આસિસ્ટન્ટ ડિરેક્ટરે અભિનેત્રીને ફોન કર્યો હતો અને ફિલ્મમાં અભિનય માટે તમારી પસંદગી ન થઈ હોવાનું કહ્યું હતું. વળી, પીયૂષ જૈન નામની વ્યક્તિ કાસ્ટિંગ ડિરેક્ટર ન હોવાની માહિતી આપી હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં ફરિયાદીએ પોલીસને સંપર્ક સાધ્યો હતો.