ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને સુરતમાં ઉત્તરાયણના દિવસે ઊંંધિયું અને જલેબી ખાવાનો જાણે નિયમ છે. આમ તો શિયાળાની શરૂઆત થાય અને લીલી શાકભાજી મળી રહે એટલે ગુજરાતી ઘરોમાં રવિવારે ઉંધિયાનો પ્રોગ્રામ થઈ જ જાય, પણ તોએ ઉત્તરાયણના ઊંધિયું ખાવાની કંઈક ઔર જ મજા હોય અને તેમાં પણ હાલમાં મોટા ભાગના શાકભાજી 40થી 50 રૂપિયે કિલો મળતા હોવાથી જલાસો બવેડાશે. ઊંધિયાની સામગ્રી જેવી કે લીલી તુવેર, મેથી, લીલી ડુંગળી-લીલું લસણ, વટાણા, રિંગણ, ટિંડોરા, ગાજર, રતળુ, સુરણ ઉપરાંત કોથમીર, મરચા લીલી હળદર વગેરે શાકભાજી બજારમાં ખૂબ જ તાજું અને મબલખ મળે છે અને લગભગ 30થી 40 રૂપિયામાં અડધો કિલો મળી રહે છે.
ઊંધિયામાં ઘણા શાકભાજીનો ઉપયોગ થતો હોવાથી એકસાથે તાજું શાકભાજી મળવાની ગૃહિણીઓ રાહ જોતી હોય છે. જોકે હવે મોટા ભાગના પરિવારો આખો દિવસે અગાસી પર રહેતા હોવાથી ઊંધિયું બહારથી જ ઓર્ડર કરી દે છે. અમદાવાદ-વડોદરામાં 14 અને 15 જાન્યુઆરીએ ઠેર ઠેર મંડપ બાંધીને ઊંધિયુ વેચાતું જોવા મળે છે અને જાણીતા કંદોઈની દુકાનો બહાર લાંબી લાઈનો લાગતી હોય છે. જોકે શાકભાજી ગમે તેટલું સસ્તું થાય હોટેલ કે કંદોઈવાળા ભાવ ઘટડતા નથી, પરંતુ તહેવારની મજા લેવા લોકો પૈસા ખર્ચતા હોવાથી હજારો કિલો ઊંધિયું વેચાતું હોય છે. શિયાળાની ઠંડી, ઉત્તરાયણની રજાઓ અને ઊંધિયા-જલેબીની જયાફત…આવી ગયાને મોઢામાં પાણી?