ચાર્લી ચેપ્લિન… નામ જ કાફી છે. નામ સાંભળતાની સાથે જ આંખો સામે તરી આવે એક એવું વ્યક્તિત્વ છે, કે જે આજે વર્ષો બાદ પણ લોકોના ચહેરા પર સ્મિત લાવી દે છે. પોતાના અનોખા અભિનયથી દુનિયાભરમાં ખ્યાતિ મેળનવાર અભિનેતાની ભારતમાં પણ ફેન ફોલોઈંગ એકદમ જબરજસ્ત હતી. આજે ચાર્લી ચેપ્લિનને યાદ કરવાનું કારણ એટલું જ કે આવતીકાલે તેમનો જન્મ દિવસ છે અહીં આપણે એમના જીવન સાથે જોડાયેલી કેટલીક અનોખી વાતો જાણીશું…
ચાર્લીનો જન્મ 16મી એપ્રિલ 1889ના રોજ લંડનમાં થયો હતો. તેમના પિતા ચાર્લ્સ સ્પેન્સર ચેપ્લિન એક બહુમુખી ગાયક અને અભિનેતા હતા. વાત કરીએ ચાર્લીની મમ્મી લીલી હાર્લીની તો તેઓ પણ એક જાણીતા ઓપેરા સિંગર અને એક્ટ્રેસ હતા. એવું કહેવાય છે કે કોઈને હસાવવું એ સૌથી મુશ્કેલ કામ છે અને ચાર્લીએ તો બાળપણથી જ આ કામમાં નિપૂણતા હાંસિલ કરી લીધી હતી. 1977માં એટલે કે તેમના મૃત્યુના એક વર્ષ પહેલાં સુધી, તેમણે તેમના અભિનયથી લોકોનું પુષ્કળ મનોરંજન કર્યું હતું.
એક શ્રેષ્ઠ કોમેડિયન હોવાની સાથે સાથે ચાર્લી એક સારા ફિલ્મ નિર્માતા અને સંગીત નિર્દેશક પણ હતા. તેમને સાઈલેન્ડ ફિલ્મના એરાના મહાન અભિનેતા કહેવામાં આવે છે. ફિલ્મ ‘ધ ટ્રેમ્પ’થીઆખી દુનિયા પર તેમણે લોકોના માનસપટ પર એક ઊંડી છાપ છોડી હતી. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ચાર્લીને રાતોરાત આ પ્રસિદ્ધિ નહોતી મળી. આના માટે તેમણે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર પાંચ વર્ષની ઉંમરે જ ચાર્લીએ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ફિલ્મી દુનિયામાં ડેબ્યુ કરવા પાછળની સ્ટોરી પણ ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ છે. વાત જાણે એમ છે કે એક સ્ટેજ શો પહેલાં જ ચાર્લીની માતાનું ગળું અચાનક ખરાબ થઈ ગયું અને માતાને બદલે ચાર્લીને સ્ટેજ પર મોકલવામાં આવ્યો. ચાર્લીના અભિનયને દર્શકોએ ખૂબ પસંદ કર્યો અને અહીંથી જ મનોરંજનની દુનિયા તરફ તેમનો ઝુકાવ વધવા લાગ્યો હતો.
1914-15માં ચાર્લી પહેલીવાર મોટા પડદા પર દેખાયા અને લોકોને તેમની અનોખી સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી ગઈ, પરંતુ ચાર્લી તેના કામથી બિલકુલ સંતુષ્ટ ન હતો. તેમના જ કહેવા અનુસાર પ્રમાણે, એક દિગ્દર્શકે ઈર્ષ્યાથી તેમના દ્રશ્યો કાપી નાખ્યા હતા. તેમની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેઓ ટાઇમ મેગેઝિનના કવર પર દેખાનાર પ્રથમ એક્ટર હતા.
‘લિટલ ટ્રેમ્પ’માં ભજવાયેલું પાત્ર લોકોને એટલું પસંદ આવ્યું કે પછીના બે દાયકા સુધી ચાર્લી આ ફિલ્મના ડ્રેસમાં જોવા મળ્યો. પર્સનલ લાઈફની વાત કરીએ તો અભિનેતાનું અંગત જીવન ખૂબ જ વિવાદિત હતું. ચાર્લીએ 40 વર્ષ સુધી અમેરિકામાં સમય વિતાવ્યો પણ આમ છતાં તેમને ક્યારેય ત્યાંની નાગરિકતા મળી નહીં. 19મી સપ્ટેમ્બર 1952ના રોજ, ચાર્લીના અમેરિકા આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને આ પાછળના કારણની વાત કરીએ તો ચાર્લી પર સામ્યવાદી હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેમણે સ્વિટ્ઝરલેન્ડમાં સ્થાયી થવું પડ્યું હતું.