મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી
૭૦ના દાયકામાં જે લોકોએ નિયમિત સમાચારપત્રો કે પત્રિકાઓ વાંચ્યાં હશે, તેમના માટે ચાર્લ્સ શોભરાજનું નામ પરિચિત હશે. દક્ષિણ અને દક્ષિણ એશિયામાં મળીને લગભગ ૨૦ જેટલા વિદેશી સહેલાણીઓની હત્યા કરવાના અપરાધ બદલ, શોભરાજ તત્કાલીન મીડિયામાં ‘સેલિબ્રિટી હત્યારો’ બનીને છવાઈ ગયો હતો. એકલા-અટુલા, અટવાયેલા અને ‘હિપ્પી ટાઈપ’ના સહેલાણીઓની હત્યાઓ કરવાની તેની વિચિત્ર ટેવ અને પોલીસની ગિરફતમાંથી આબાદ સરકી જવાની તેની આવડતના કારણે સમાચારપત્રોએ તેના વિવિધ નામ પાડ્યાં હતાં. જેમ કે- ધ બિકિની કિલર (તેના હાથે હત્યા પામેલી યુવતીઓ મોટાભાગે બિકિનીમાં હતી), ધ સ્પ્લિટિંગ કિલર (હત્યાની જગ્યાએથી તે એવી સફાઈથી ખસી જતો-સ્પ્લિટ થતો- જેથી તેની પર આરોપ ન આવે) અને ધ સરપેન્ટ (એ સાપની જેમ સરકી જતો).
૧૯૭૬માં, તેની ત્રણ બહેનપણીઓ સાથે ટુરિસ્ટ ગાઈડ બનીને ફ્રાન્સથી આવેલા કૉલેજીયન છોકરાઓને છેતરવા જતાં શોભરાજ પહેલીવાર દિલ્હીમાં પકડાઈ ગયો હતો. તેને ૧૨ વર્ષની સજા થઇ હતી. તિહાડ જેલમાં તે વૈભવી જીવન જીવતો હતો. જેલમાં બેઠા-બેઠા તે દુનિયાભરનાં પત્ર-પત્રિકાઓને ઈન્ટરવ્યૂ આપતો હતો. તેના પર ચોપડીઓ પણ લખાઈ હતી.
તેના જેલવાસના દસ વર્ષ થયાં તેના ‘માન’માં, ૧૯૮૬માં શોભરાજે કેદીઓ અને સંત્રીઓ માટે એક ભવ્ય પાર્ટી આપી હતી. ખાવા-પીવામાં શોભરાજે સ્લીપિંગ પિલ્સ મિલાવી હતી. બધા ઘોરી ગયા તેનો લાભ લઈને તે જેલમાંથી છૂ થઇ ગયો. થોડા જ વખતમાં, ગોવાના એક બારમાં તે મુંબઈ પોલીસના ઇન્સ્પેક્ટર મધુકર ઝેન્ડેના હાથે ઝડપાઈ ગયો. એને પાછો તિહાડ જેલમાં લાવવામાં આવ્યો અને તેની સજા ૧૦ વર્ષ માટે લંબાવામાં આવી.
તિહાડ જેલમાંથી ફિલ્મી ઢબે ભાગી જવાના આ કરતૂતથી શોભરાજની કુખ્યાતિમાં ‘ચાર ચાંદ’ નહીં, ‘ચાર સૂરજ’ લાગી ગયા કારણ કે તે ભાગી જ એટલા માટે ગયો હતો જેથી પકડાઈ જવાય અને વધુ દશ વર્ષ માટે અંદર રહેવાય. ૧૨ વર્ષની સજા પૂરી થયા પછી તેને થાઈલેન્ડના નાગરિકોની હત્યા માટે દેશનિકાલ કરવાનો હતો અને ત્યાં જેલ નહીં, ફાંસીનો માંચડો તેની રાહ જોતો હતો. ૧૯૯૭માં એ તિહાડમાંથી ‘માન ભેર’ છૂટ્યો ત્યારે તેની સામેનું વોરંટ ખતમ થઇ ગયું હતું. પુરાવાઓનો નાશ થઇ ગયો હતો અને સાક્ષીઓ પણ રહ્યા નહોતા.
શોભરાજ ફ્રેંચ નાગરિક હતો એટલે તિહાડમાંથી નીકળીને પેરિસ જતો રહ્યો. એ ત્યાં સુખેથી રહેતો હતો. મીડિયા સાથે વાતો કરતો હતો, પુસ્તકોના અને ફિલ્મના કોન્ટ્રકટ સાઈન કરતો હતો તેમજ હીરા-માણેકનો ધંધો કરતો હતો. કહે છે કે કૂતરાની પૂંછડી વાંકી એટલે વાંકી, એ સીધી ન થાય. શોભરાજને તેની હોંશિયારી પર એટલો ભરોસો હતો કે ૨૦૦૩માં, મિનરલ વોટરના એક નવા ધંધા માટે તે કાઠમંડુ આવ્યો હતો. એ વખતે અમુક દેશ એવા હતા જ્યાં તે વોન્ટેડ હતો. નેપાળ એમાંથી એક હતું.
ધ હિમાલયન ટાઈમ્સ નામના એક સમાચારપત્રના પત્રકારને તેની હાજરીની ગંધ આવી ગઈ હતી અને બે અઠવાડિયા સુધી તેનો પીછો કરીને ફોટા સાથે અહેવાલ લખ્યો હતો. કાઠમંડુ પોલીસે એક કેસિનોમાં દરોડો પાડીને શોભરાજને પકડ્યો. તેની સામે કાઠમંડુમાં ૧૯૭૫ની સાલમાં બેવડી હત્યાનો ગુનો પેન્ડીંગ હતો. એમાં તેની સામે કામ ચાલ્યું અને આજીવન કેદ થઇ. ૨૦૦૩થી કાઠમંડુની જેલમાં હતો. તેની ઉંમર (શોભરાજ ૭૮ વર્ષનો છે) અને જેલમાં સારા વ્યવહારને લઈને, ૨૨ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ, આગામી દશ વર્ષ સુધી નેપાળમાં પગ નહીં મુકવાની શરતે શોભરાજને મુક્ત કરવામાં આવ્યો હતો. હાલ તે ફ્રાન્સ પહોંચી ગયો છે.
હોતચંદ ભવનાની ગુરુમુખ શોભરાજ, ૧૯૪૪માં વિયેતનામી માતા અને ભારતીય પિતાને ત્યાં સાઈગોનમાં જન્મ્યો હતો. તેનાં પેરેન્ટ્સે ક્યારેય લગ્ન કર્યા નહોતાં. પિતાએ તો તેને ખુદનો દીકરો માનવા જ ઇનકાર કરી દીધો હતો. શોભરાજે દારુણ ગરીબીમાં બાળપણ ગુજાર્યું હતું. એ ઉમરમાં જ તેને સ્થાનિક દુકાનોમાંથી ચોરી-ચપાટી કરવાની ટેવ પડી ગઈ હતી. પેટ ભરવા માટેની એ મજબૂરી આગળ જતાં તેનો વ્યવસાય બની જવાની હતી.
ગરીબીમાંથી ઉભરવા માટે તેની માતા, નાના શોભરાજને લઈને ફ્રેંચ સેનાના એક લેફ્ટનન્ટ પાસે જતી રહી હતી. ૧૯૫૯માં, ચર્ચના દસ્તાવેજમાં તેના નામમાં ‘ચાર્લ્સ’ ઉમેરવામાં આવ્યું હતું. ફ્રાન્સમાં પણ તેની ચોરી-ચપાટી ચાલુ રહી હતી. ૧૯૬૩માં, ઘરફોડીના કેસમાં પહેલીવાર તેને કસ્ટડીમાં પુરવામાં આવ્યો હતો. ચાર્લ્સ શોભરાજની કલ્લુ સે કાલિયા બનવાની સફરની શરૂઆત થઇ ચુકી હતી.
શોભરાજની અપરાધિકની પ્રવૃત્તિઓ પર લંબાણથી લખી શકાય તેમ છે, પરંતુ સમજવા જેવું તો તેની પાછળની તેની માનસિકતા છે. તેના અપરાધોમાં હત્યાઓ, છેતરપિંડીઓ, લૂંટ, ડ્રગ્સની હેરાફેરી, પાસપોર્ટની ફોર્જરી અને બીજા અનેક કૃત્યો છે. એવું તો બીજા અપરાધીઓ પણ કરતાં હોય છે પણ શોભરાજ જેવો ‘દેખાવડો, મોહક અને નિ:સંકોચ’ બીજો કોઈ નથી.
તેને તેના અપરાધો બદલ ગ્લાનિ થઇ નથી. ઊલટાનું, આંતરરાષ્ટ્રીય મીડિયામાં તેની જે ચર્ચા થતી હતી તેનો તેને આનંદ આવતો હતો. મનોવિજ્ઞાનમાં ‘સોશ્યોપેથી’ નામની એક બીમારી છે. જેમાં વ્યક્તિને સારું શું અને ખોટું શું તે વચ્ચેના અંતરની દરકાર રહે અને તે બીજા લોકોની લાગણીઓ અને અધિકારોની ઉપેક્ષા કરે.
સાદી ભાષામાં તેને એન્ટિસોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર કહે છે.
આવા લોકો વિલક્ષણ, હસમુખા, આકર્ષક અને મજા પડે તેવા હોય, પરંતુ તેઓ અત્યંત સફાઈથી જૂઠ બોલી શકે અને બીજા લોકોની નબળાઈનો નિર્દયી રીતે લાભ ઉઠાવે. તેવી વ્યક્તિમાં નૈતિક-દુવિધા ન હોય. એટલે તેને તેનાં કૃત્યો માટે પસ્તાવો ન હોય. ઊલટાનું, તેની પાસે તેના કૃત્યોને ઉચિત ઠેરવવાના તર્ક હોય. એ એવું માને જ નહીં કે તે જે કરે છે તે અપરાધ છે.
તેવા લોકો એવું માનતા હોય કે દુનિયા નિષ્ઠુર છે અને એમાં જે મારે તેની જ ભેંસ હોય. સારા માણસ હોવાની સૌથી અગત્યની નિશાની પરાનુભૂતિ છે; બીજી વ્યક્તિની જગ્યાએ જઈને તેની સંવેદનાને અનુભવવી તે. તેનો વિરોધાર્થી ‘ભાવ’ સંવેદનશૂન્યતા છે; તેમાં બીજી વ્યક્તિને કેવું લાગે છે તેનો અંદાજ ન હોય.
તેવી વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે સંબંધ કેળવે તો પણ તેમાં ઊંડો લગાવ ન હોય અને એટલે તેના માટે તે વ્યક્તિ વાપરીને ફેંકી દેવાથી વિશેષ કશું ન હોય. ચાર્લ્સ શોભરાજે બાળપણમાં જે ગરીબી અને અન્યાય જોયો હતો, તેના પરથી તેનામાં સમૃદ્ધિ અને સત્તા મેળવવા માટેનું ઝનૂન પેદા થયું હતું. પર્સનાલિટી ડિસઓર્ડર એટલે એક વ્યક્તિ તેના અંગત અનુભવોના આધારે તેના વિચારો અને વર્તનની પેટર્ન ઘડે, એમાં તેની આસપાસનો સમાજ શું અપેક્ષા રાખે છે તેની કોઈ જગ્યા ન હોય. તેવી વ્યક્તિ દુનિયાને એવી જ રીતે જોવા માગતી હોય, જેવી રીતના તેના અંગત અનુભવો હોય.
કોઈને એવું લાગે કે આપણે માત્ર શોભરાજ જેવા ગુનેગારોની જ વાત કરીએ છીએ, પરંતુ વધતા-અંશે દરેક વ્યક્તિ તેના અંગત અનુભવોથી દોરાવાયેલી હોય છે. ફરક એટલો જ છે કે આપણા જેવા સામાન્ય લોકો સામાજિક વાસ્તવિકતા અને અંગત વિચારો વચ્ચે તંદુરસ્ત સંતુલન બનાવી રાખે છે, જયારે શોભારાજ જેવા સમાજને રિજેક્ટ કરે છે અને પોતાની દુનિયા ઊભી કરવા પ્રયાસ કરે છે. એમ તો એડોલ્ફ હિટલર, ઓસામા બિન લાદેન, જોસેફ સ્ટાલિન, વિન્સ્ટન ચર્ચિલ જેવા નેતાઓ પણ ‘સોશ્યોપેથ’ના દાયરામાં આવે છે. તેમને પણ તેમની આસપાસની દુનિયા સામે આક્રોશ હતો અને તેની સાથે તેમણે હિંસક બનીને પનારો પાડ્યો હતો. ફરક એટલો જ છે કે તેમણે તેમના કૃત્યોમાં માનતા હોય તેવા મોટી સંખ્યામાં અનુયાયીઓને પણ ઊભા કર્યા હતા.