દેશના ચાર પવિત્ર સ્થળો ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ એમ ચાર ધામની યાત્રા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. હવે આ યાત્રા વિશે મોટું અપડેટ સામે આવ્યું છે. ચારધામ યાત્રા પર ખરાબ હવામાનની અસર થઇ છે. કેદારનાથ- બદ્રીનાથમાં ભારે હિમ વર્ષા થઇ રહી છે, જેને કારણેપોલીસે સાવચેતીના પગલા રૂપે ચારધામ યાત્રાને રોકી દીધી છે. નજીકમાં આવેલા શ્રીનગર ખાતે જ ચારધામના દર્શનાર્થીઓના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે અને યાત્રીઓને નજીકના શહેરોમાં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. કેદારનાથ જતા ભક્તોને રોકવામાં આવી રહ્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર NIT ઉત્તરાખંડ અને બદ્રીનાથ બસ સ્ટેન્ડ નજીક જ્યાં ચાર ધામ યાત્રીઓને રોકવામાં આવી રહ્યા છે. તેની નજીક ચેકિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. જેમની પાસે રાત્રિ રોકાણ માટે ઓનલાઈન બુકિંગ છે તેમને રૂદ્રપ્રયાગ તરફ જવા દેવામાં આવ્યા છે, પરંતુ જે મુસાફરોએ બુકિંગ કરાવ્યું નથી, તેમને માત્ર શ્રીનગરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે,” એવી સ્થાનિક પોલીસે માહિતી આપી હતી અને ઉમેર્યું હતું કે, “શ્રીનગરમાં રોકાવા માટે પૂરતી વ્યવસ્થા છે અને મુસાફરોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. જ્યારે હવામાન સાફ થાય ત્યારે મુસાફરોને તેમની મુસાફરી ચાલુ રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે,”
ચમોલી પોલીસના જણાવ્યા અનુસાર બાજપુરમાં પહાડ પરથી જમીન ધસી પડવાને કારણે બદ્રીનાથ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે, જેને કારણે રસ્તા પર જ વાહનો થંભી ગયા છે અને વાહનોની લાંબી કતાર લાગી ગઇ છે.
શનિવારે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ શ્રદ્ધાળુઓને કોવિડ-19 સહિત તમામ મેડિકલ ટેસ્ટ ક્લિયર કર્યા પછી જ તીર્થયાત્રાની યોજના બનાવવાની સલાહ આપી હતી. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ ભાષાઓમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) ઘડવામાં આવી છે. અને જેઓ આ વર્ષે તીર્થયાત્રા કરે છે, તેઓએ તેનું પાલન કરવાની જરૂર છે.
નોંધનીય છે કે ચારધામ યાત્રામાં ફોન કનેક્ટિવિટીનો ઘણો પ્રોબ્લેમ છે, જેના નિરાકરણ માટે રિલાયન્સ જિયોએ ઉત્તરાખંડના ચાર ધામ મંદિરોમાં તેની ટ્રુ 5G સેવાઓ શરૂ કરી છે.