દેશભરમાં ધીરે ધીરે મહામારી કોરોના ફરી એક વખત માથું ઉંચકી રહી છે અને દરમિયાન 22મી એપ્રિલથી શરૂ થઈ રહેલી ચારધામની યાત્રામાં કોરોનાના કેસ પર નિયંત્રણ રાખવાનો પડકાર સરકાર સમક્ષ ઉભો થઈ શકે છે. આ જ અનુસંધાનમાં ઉત્તરાખંડના આરોગ્ય ખાતાના પ્રધાન ડો. ધનસિંહ રાવતે ચારધામ યાત્રા દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવાની અપીલ કરી છે.
સોમવારે આરોગ્ય મંત્રી ડો.રાવતે અધિકારીઓને ચારધામ યાત્રા માટે આવતા યાત્રિકોને સારી આરોગ્ય સુવિધા પૂરી પાડવા માટે સમયસર વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો હતો. એટલું જ નહીં તેમણે 15 એપ્રિલ પહેલાં જ ચારધામ યાત્રાના રૂટ પર ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફને તૈનાત કરવાની સૂચના પણ આપી હતી.
આ ઉપરાંત તેમણે વધુમાં એવું જણાવ્યું હતું કે દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં લઈને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કોવિડ ટેસ્ટિંગ અને વેક્સિનેશન ડ્રાઈવને વધુ ઝડપી બનાવવામાં આવશે. જો જરૂર પડશે તો બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, એરપોર્ટ અને અન્ય જાહેર સ્થળોએ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે.
ઉત્તરાખંડના આરોગ્ય મંત્રી ડો. ધનસિંહ રાવતે આરોગ્ય મહાનિર્દેશકને ચારધામ યાત્રાના રૂટ પરના તમામ તબીબી એકમો અને અસ્થાયી તબીબી રાહત સ્થળોનું સ્થળ પર નિરીક્ષણ કરીને વ્યવસ્થાઓની સમીક્ષા કરવા સૂચના પણ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં હેલ્થ સેક્રેટરી ડો.આર.રાજેશ કુમાર, ડાયરેક્ટર જનરલ હેલ્થ ડો.વિનીતા શાહ, મેડિકલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હેમચંદ્ર, ડાયરેક્ટર મેડિકલ એજ્યુકેશન અને પ્રિન્સિપાલ દૂન મેડિકલ કોલેજ ડો.આશુતોષ સાયના, ડાયરેક્ટર હેલ્થ ડો.સુનિતા તમટા, ડો.ભારતી રાણા, ડો.મીતુ શાહ, જોઈન્ટ ડાયરેક્ટર મેડિકલ એજ્યુકેશન ડો.એમ.કે.પંત, એડિશનલ ડાયરેક્ટર હેલ્થ ડો. ભાગીરથી જંગપાંગી, ડાયરેક્ટર ડો. ગઢવાલ મંડળના આરોગ્ય ડો.વીરેન્દ્ર બાંકોટી, ડો.વિજય જુયાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ વખતે ઉત્તરાખંડ પ્રવાસન વિભાગે નોંધણીને લઈને ચાર ઓપ્શન્સ આપવામાં આવ્યા છે. ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ટુરીઝમ વિભાગની વેબસાઈટ registrationandtouristcare.uk.gov.in, વોટ્સએપ નંબર 8394833833, ટોલ ફ્રી નંબર 1364 અને મોબાઈલ એપ ટુરિસ્ટ કેર ઉત્તરાખંડ દ્વારા કરી શકાશે. સવારે 7 વાગ્યાથી વેબસાઈટ, ટોલ ફ્રી નંબર, વોટ્સએપ નંબર અને મોબાઈલ એપ પર રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. ચારધામ માટે ભક્તો પોતાની સુવિધા અનુસાર વેબસાઈટ, વોટ્સએપ નંબર, ટોલ ફ્રી નંબર અને મોબાઈલ એપ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.