Homeઈન્ટરવલચારિત્ર્યવાન, કાર્યક્ષમ એવું યુવાધન શ્રેષ્ઠ શિક્ષણથી નિર્માણ કરી શકાય

ચારિત્ર્યવાન, કાર્યક્ષમ એવું યુવાધન શ્રેષ્ઠ શિક્ષણથી નિર્માણ કરી શકાય

નવી શિક્ષણ નીતિ કેટલી પાસે? કેટલી દૂર? -ડૉ. કલ્પના દવે

(ભાગ-૪)
સ્વામી વિવેકાનંદ કહે છે: “ઊઠો, જાગો, ધ્યેય સિદ્ધિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જપો નહીં. શિક્ષણક્ષેત્રે પણ ચોક્કસ ધ્યેય રાખીને તેને સિદ્ધ કરવા પરિશ્રમ કરવાનો છે.
સ્વામી વિવેકાનંદની બીજા શતકની પુષ્યતિથિ (૨૦૦૨)ના પ્રસંગે યોજાયેલી પરિક્રમા વખતે મે યુવાવિદ્યાર્થીઓને આ કૂચ ગીત તૈયાર કરાવ્યું હતું, જે આજે પણ સુસંગત છે.
નિર્માણો કે ઇસ પાવનયુગમેં હમ ચરિત્રનિર્માણ ન ભૂલે,
સ્વાર્થ સાધના કી આંધી મેં વસુધા કા કલ્યાણ ન ભૂલે.
માના અગમ અગાધ સિંધુ હે, સંઘર્ષો કા પાર નહીં હૈ,
લેકિન ડૂબના મઝધારો મેં સાહસ કો સ્વીકાર નહીં હૈ,
જટીલ સમસ્યા સુલઝાને કા, અનુસંધાન ન ભૂલે—
નિર્માણો કે ઇસ પાવનયુગ મેં હમ ચરિત્રનિર્માણ ન ભૂલે–
એકવીસમી સદીના આ ડિજિટલ યુગમાં પણ ચારિત્ર્યવાન, કાર્યક્ષમ એવું યુવાધન શ્રેષ્ઠ શિક્ષણથી નિર્માણ કરી શકાય. આજના યુગમાં ઉછરતી પેઢી ખૂબ તેજસ્વી છે. તેના સર્વાગી વિકાસ માટે ઉત્તમ શિક્ષણ વ્યવસ્થાની અને યોગ્ય માર્ગદર્શનની જરૂર છે. વળી શિક્ષણને અનુરૂપ કાર્યક્ષેત્ર માટે વિવિધ તકો પૂરી પાડવી જેથી બેકારીની સમસ્યા પણ દૂર કરી શકાય. તેથી જ નવી શિક્ષણ નીતિમાં વ્યવસાયલક્ષી શિક્ષણ પર પણ ભાર મુકાયો છે.
આજની ઉછરતી પેઢીની ક્ષમતા અને સિદ્ધિ જોઇએ.
મારો સાડા ત્રણ વર્ષનો પૌત્ર કહાન ડિજિટલ માધ્યમથી સંખ્યાજ્ઞાન અને અક્ષરજ્ઞાન રમતા રમતા શીખે છે. ચાર કે પાંચ અંકની સંખ્યા ઓળખી શકે છે. નાની સંખ્યા કંઇ? મોટી સંખ્યા કંઇ? દશક-શતક-હજાર અને કરોડ સુધીના અંક ઓળખે છે. ટેબલેટ ઓપન કરીને એ.બી.સી.ડી. ગાય છે. સાઇન લેંગવેજમાં એ.બી.સી.ડી. જણાવે છે. તેમ જ રશિયન એ.બી.સી.ડી. બોલે છે. તથા પુસ્તકનાં ચિત્રો સાથે આપેલી નાની વાર્તા વાંચે છે.
છ વર્ષની મારી પૌત્રી આર્યાની તાર્કિક શક્તિ, અવલોકન તથા સંવાદ કૌશલ્ય અદ્ભુત છે. કૃષ્ણ નાના હતા ત્યારે બોલ રિવરમાં પડી ગયો, કૃષ્ણ બોલ લેવા નદીમાં કૂદી પડયા, સ્નેક સાથે ફાઇટિંગ કરી. કૃષ્ણ ઇસબ્રેવ-આ જ વાર્તાનું નાટયીકરણ કરે અને અમારે એ કહે તે ભૂમિકા ભજવવાની. આર્યા ચિત્રકલા કરે, શોપિંગ શોપિંગ રમે અને અમને એની શોપમાંથી સેંડવીચ અને જયુસ (રમકડાંનાં) વેચાતા લેવાના અને અમારે બિલ પણ ચૂકવવાનું-બધું ડમી-પણ ઇકોનોમિક્સનું આ પ્રેક્ટિલ લેસન. આર્યા ચિત્રકલા કરે, સ્વિમિંગ શીખે, જીમના કરતબ કરે અને એલેક્ષા પ્લે ધ સોંગ કહેતા એ ગીત પર ડાંસ પણ કરે.
પાંચમા ધોરણમાં ભણતી વેદિકા શાહ મેથ્સના વિશેષ વર્ગમાં પ્રથમ ઇનામ મેળવે, યોગના વિવિધ કૌશલ્યો દાખવે, મ્યુઝિક સાથે સુંદર નૃત્ય કરે તો, ભક્તિ સત્સંગમાં “અચ્યુતમ કેશવમ રામ નારાયણમ ભક્તિ ગીત ગાય, વળી કોઇ પ્રોફેશનલ કોમ્પેરરની જેમ સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન પણ કરે છે. પ્રાથમિક સ્તરે અભ્યાસની સાથે આવા વિશેષ કૌશલ્ય બાળકમાં કેળવાય તેનો શ્રેય બાળકનાં માતા-પિતા કે વાલી સાથે જે-તે શિક્ષણ સંસ્થાના શિક્ષકો અને સંચાલકોેને આપવો જોઇએ.
પ્રાથમિક સ્તરે વિદ્યાર્થીની બૌદ્ધિક ક્ષમતાને વિકસવાની તક મળવી જોઇએ. પ્લે ગ્રૂપ અને કે. જીના વર્ગથી જ ફોનીક્સ કલાસ, આર્ટસ કલાસ, ડાન્સ કે યોગાનું બેઝિક જ્ઞાન આપવું જોઇએ.
સ્પેશિયલી ચેલેન્જડ કે દિવ્યાંગ બાળકો માટે પણ વિશેષ શાળા હોય છે, જ્યાં વિશેષ તાલીમ પામેલા શિક્ષકો વડે તેમનો વિકાસ થઇ શકે છે.
“યુઆરનેવર ટુ યંગ, ટુ મેકઇટ બીગ જરૂર છે માત્ર સંકલ્પશક્તિ, અથાક પરિશ્રમ અને કાર્યદક્ષતાની. ટીનએજનો સમયગાળો આવા સર્જનાત્મક અને સાહસિક પરાક્રમ માટેનો હોય છે. “ધ ટીનેજ યર્સ આર વ્હેન અવર કીડસ રીયલી સ્ટાર્ટ ગાર્નરીગ સમ એચીવમેન્ટસઆ સમયે તેને સાહસ કરતા અટકાવો નહીં પણ એને યોગ્ય માર્ગદર્શન આપી પ્રેરણા આપો. શાળામાં યોજાતી વિવિધ સ્પર્ધાઓ, સ્પોર્ટસની પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક પ્રોગ્રામમાં સહભાગી થવા દો. જેથી તેની આંતરિક શક્તિનો વિકાસ થઇ શકે. પરીક્ષામાં કેટલા માર્ક આવ્યા? કેમ ઓછા આવ્યા? તને કેમ આવડતું નથી આવા પ્રશ્ર્નો વડે તમારા બાળકની ખોટી સ્પર્ધામાં ન ઉતારો, પણ એનો કુદરતી વિકાસ થાય તે જોવું જોઇએ. પરીક્ષા વખતે કે પરીક્ષાના પરિણામ વખતે બાળક તનાવ મુક્ત રહેવું જોઇએ. સંગીત, નૃત્ય, અભિનય, વકતૃત્વ આદિકલાનો આ સ્તરે ઉત્તમ વિકાસ થવો જોઇએ. ટીનેજની સફળતાનાં કેટલાંક ઉદાહરણ જોઇએ.
૧. ૧૩ વર્ષની વિદેશી મેરડનરોમેરોએ એવરેસ્ટના માઉન્ટ શિખર પર આરોહણ કર્યું છે. તે પહેલાં એણે આફ્રિકાના કિલિમાંજરો અને અલાસ્કા પર્વતો પર આરોહણ કર્યું હતું.
૨. ૧૬ વર્ષનો ઇરાકનો મહમદ બેરનૌલ નંબર્સના પ્રોબ્લેમ સોલ કરી શકે છે. ઇરાકથી સ્વીડન આવેલા મહમદની મેથ્સ પઝલની સિદ્ધિ અદ્ભુત છે. કહેવાય છે કે ત્રણસો વર્ષથી ગણિતનો આ પ્રોબ્લેમ કોઇ સોલ્વ કરી શક્યું ન હતું.
૩. ઓકલેન્ડમાં રહેતા ૧૭ વર્ષના થિયાગોઓલયને ફિઝીકસના સિદ્ધાંતો પર પ્રયોગ કરવા ઘરના બેઝમેન્ટ એરિયામાં એક ૪૦ હજાર વોલ્ટનું ન્યુક્યુલર રીએક્ટકર યંત્ર બનાવ્યું છે. જાણે શક્તિનો મોટો ગોળો ન હોય.
ખેલકૂદ, અભિનય, ફિલ્મ કે સંગીતકલાક્ષેત્રે ભારતીય કલાકારોએ પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે જેના બીજ તો ટીનએજમાં જ રોપાયા હોય છે.
આજની પેઢી આવી વિચક્ષણ અને ઊર્જા ધરાવતી છે, જો એને અનુરૂપ શિક્ષણ તેને મળે તો એનો સર્વાંગી વિકાસ સાધી શકાય.
“મુંબઇ ગુજરાતી સંગઠનના અધ્યક્ષ શ્રી ભાવિશ મહેતા છેલ્લા દોઢ દાયકાથી તેમના યુવાકાર્યકરો સાથે માતૃભાષામાં શિક્ષણનું અભિયાન ચલાવી રહ્યા છે. તેમનું સૂત્ર છે-માતૃભાષાનું માધ્યમ, અંગ્રેજી ઉત્તમ અને શિક્ષણ સર્વોત્તમ. મુંબઇની આ બિનસરકારી સંસ્થાએ માતૃભાષાના માધ્યમમાં ભણાવતી સંસ્થાઓને સક્ષમ બનાવવા અનેક શૈક્ષણિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરી રહી છે. જેના સકારાત્મક પરિણામ જોવા મળે છે. લગભગ ચાર વર્ષથી (કોરોના કાળને બાદ કરતાં) એસ. એસ. સી.ના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી
માર્ગદર્શન આપતી કોલમ લોકપ્રિય વર્તમાનપત્ર “જન્મભૂમિમાં પ્રગટ કરી રહ્યાં છે.
મુંબઇ ગુજરાતી સંગઠનના અધ્યક્ષ ભાવિશ મહેતા નવી શિક્ષણ નીતિ વિશે કહે છે કે નવી શિક્ષણ નીતિમાં હવે બાલવાટિકા અને કે.જી. ના શિક્ષણને પણ આવરી લેવામાં આવ્યું છે, તથા પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાની હિમાયત કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિનો પ્રભાવક રીતે અમલ કરવામાં આવે તો ભારતીય સંસ્કૃતિનું ગૌરવ યુવાપેઢીમાં રૂઢ થશે અને વિદ્યાર્થીઓની આંતરિક શક્તિનો વિકાસ થશે. અત્યારસુધીની પરંપરાગત ગોખણ પટી કે ઢસરડા કરાવતી શિક્ષણ પદ્ધતિ કે કોપી પેસ્ટવાળી પ્રથા દૂર થઇ શકશે. વળી પ્રેક્ટિકલી કામના ન હોય તેવા વિષયને સ્થાને વિદ્યાર્થીઓની સર્જનશક્તિને સંશોધન વૃત્તિને વેગ મળે એવા વિષયો શીખવવામાં આવશે. નવી શિક્ષણનીતિ પ્રમાણે માળખાકીય દૃષ્ટિએ શાળા કે કૉલેજોમાં જે પરિવર્તન કરવાની જરૂર હશે તેના માટે સંચાલકોએ લાંબાગાળાનું આયોજન કરવું રહ્યું. પ્રાથમિક સ્તરે માતૃભાષામાં જ શિક્ષણ આપવું જોઇએ. આજના સંદર્ભે નવા અભ્યાક્રમો શરૂ કરીએ તો એને અનુરૂપ શિક્ષકોને પણ ઇનસર્વિસ પ્રશિક્ષણ આપવું જરૂરી છે. જેથી ઉત્તમ પરિણામ લાવી શકાય. એજયુકેશન ફોર ઓલ અને સર્વસ્તરે સમાન શિક્ષણના ધ્યેયને પહોંચી વળવા દરેક સ્તરે ગુણવત્તા જરૂરી છે.
નવી શિક્ષણ નીતિમાં ઉચ્ચ માધ્યમિક સ્તરે ધોરણ ૯,૧૦,૧૧ અને ૧૨માં વોકેશનલ શિક્ષણને મહત્ત્વ આપવામાં આવ્યું છે.
મુંબઇ જેવી મેગા સિટી તથા શહેરોમાં આજે અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ તથા ઇન્ટરનૅશનલ બોર્ડના અભ્યાસક્રમની માગ છે. એના મુખ્ય બે કારણ છે એક તો ગુણવત્તાસભર શિક્ષણ, બીજું બાળકની વૈશ્ર્વિક સ્તરે વ્યાપકદૃષ્ટિ કેળવવી. પણ સમાજના દરેક વર્ગના વાલીઓ પોતાના બાળકને આમાં ભણાવી ન શકે એટલું ખર્ચાળ હોય છે, એટલે શિક્ષણને સર્વવ્યાપી અને દરેક સ્તરે ઉત્તમ બનાવવું જોઇએ. રાજ્ય સ્તરે, જિલ્લાસ્તરે શ્રેષ્ઠ શિક્ષણ અપાવવું જોઇએ. ગ્રામ્ય કે આદિવાસી ક્ષેત્રે શિક્ષણની તક પૂરી પાડવા છાત્રાલયો અને ગર્લ્સ હોસ્ટેલની વ્યવસ્થા ઊભી કરી શકાય.
નવી શિક્ષણ નીતિના ઉદેશોને પરિપૂર્ણ કરતા અભ્યાસક્રમોની રચના રાજયસ્તરે શિક્ષણ મંડળ તૈયાર કરશે. આ બધું કામ સુનિયોજિત, તબક્કાવાર અને જે-તે વિષયના નિષ્ણાતોની કમિટી દ્વારા કરવામાં આવે છે.
વર્ગ શિક્ષણ પદ્ધતિની ચકાસણી અને નિયમન કરવા માટે ‘એસ.સી.ઇ.આર.ટી.’ (સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એફીડીએશન ફ્રેમવર્ક) સંસ્થા શરૂ કરાશે જેનું સંચાલન કેેન્દ્રીય મંત્રાલય તરફથી ‘મિનિસ્ટરી ઓફ એજયુકેશન’ (એમ.ઓ.યુ.) કરશે.
ધોરણ-૯,૧૦,૧૧ અને ૧૨માં સેમીસ્ટર પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. બોર્ડની પરીક્ષા ધોરણ-૧૨માં જ લેવામાં આવશે. ઉચ્ચમાધ્યમિકની બધી સેમીસ્ટર પરીક્ષાના મૂલ્યાંકનને ક્રેડિટ સ્કોર આપવામાં આવશે. વિદ્યાર્થીઓનો પરીક્ષાનો હાઉ દૂર કરવા તથા તેમને તનાવમુક્ત કરવા માટે આ નવી પરીક્ષા પદ્ધતિ વિચારવામાં આવી છે.
ગુણવત્તાસભર અને પરિણામલક્ષી શિક્ષણ દ્વારા નવી શિક્ષણ નીતિને સાર્થક બનાવી શકાય.
શાળા શિક્ષણમાં નિયામક પ્રણાલીનું લક્ષ્ય છે. શૈક્ષણિક પરિણામોમાં સાતત્યપૂર્ણ ઉર્ધ્વગતિ કરવા માટે ‘એમપાવર ધ સિસ્ટમ, એમપાવર ધ ટીચર્સ ફોર ઇફેકટીવ ટીચિંગ-લર્નિંગ પ્રોસેસ’ જરૂરી છે. શ્રેષ્ઠ શિક્ષણ પ્રક્રિયાને ઉર્ધ્વગતિ આપવા ટીચિંગ એન્ડ લર્નિંગ (શીખવવું-શીખવું) અસરકારક હોય તે જરૂરી છે. નિષ્ણાત શિક્ષકોનું માર્ગદર્શન સમગ્ર શિક્ષણ કાર્યને ઉચ્ચસ્તરે લઇ જાય છે.
પ્રત્યેક શૈક્ષણિક સંસ્થા સાચી દૃષ્ટિએ તો જાહેર સેવાની સંસ્થા કહી શકાય, એટલે જ વિદ્યામંદિર કહેવાય છે. ઘણી સંસ્થાઓ સમર્પિત ભાવના ધરાવે છે. પણ કેટલીક સંસ્થામાં શિક્ષણનું વ્યાપારીકરણ થાય છે. ઘણીવાર શિક્ષકોનું આર્થિક રીતે શોષણ પણ થાય છે. મોટી ફી વસૂલીને વાલીઓ પર આર્થિક બોજો લાદવામાં આવે છે. આ ક્ષતિઓ નિવારવા ફીનું માળખું પણ નિયમનમાં રાખવું જોઇએ.
“કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય શિક્ષણ માટેની સર્વોચ્ચ સંસ્થા છે. ત્યારબાદ રાજ્યસ્તરીય ‘સ્કૂલ એજયુકેશન બોર્ડ અને ઉચ્ચ શિક્ષણ એજયુકેશન બોર્ડ હોય છે. જેમાં ‘ડી.ઇ.ઓ.’ (ડાયરેક્ટર ઓફ એજયુકેશન) હોય છે, જે નિર્દેશો આપે છે. બીજો વિભાગ ‘બી.ઇ.ઓ’ (બોર્ડ ઓફ એજયુકેશન) જે આપેલા નિર્દેશો પ્રમાણે શિક્ષણ સંસ્થાઓનું નિયમન કરે છે.
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકંડરી એન્ડ હાયર એજયુકેશનની મુખ્ય ઓફિસ પૂનામાં છે. ‘એસ.એસ.એસ.એ.’ (સ્ટેેટ સ્કૂલ સ્ટેન્ડર્ડસ ઓથોરીટી) એટલે નાણાકીય વ્યવસ્થા સંભાળે છે. જે પ્રસાધનો તથા વિષયને અનુરૂપ શિક્ષકોની સંખ્યા નક્કી કરે છે. આ બોર્ડ શિક્ષણની સાર્વજનિક દેખરેખ અને નિયમન કરે છે.
શાળા શિક્ષણની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ‘એસ.કયુ.એ.એફ.’ (સ્કૂલ કવોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રિડિયેશન) નામનો વિભાગ છે જે શાળામાં અપાતા શિક્ષણની ગુણવત્તાનું મૂલ્યાંકન કરીને ગ્રેડ આપશે. વળી વંચિતવર્ગના વિદ્યાર્થીઓ માટે બારમા ધોરણ સુધીનું ફરજિયાત અને મફત શિક્ષણની યોજના વિચારણા હેઠળ છે. શાળા શિક્ષણના શાસકીય બોર્ડની માહિતી મેળવ્યા બાદ હાલમાં શાળા શિક્ષણ આપતા કેટલાક શૈક્ષણિક બોર્ડ વિશે જાણીએ.
૧. રાજ્ય સરકાર માન્ય માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ (હવે પ્લેગ્રૂપથી બારમા ધોરણ સુધીનું સંચાલન કરશે).
૨. આઇ.સી.એસ.સી. ઇન્ટરનેશનલ કરી કયુલમ ઓફ સ્કૂલ સર્ટિફિકેટ.
૩. સી.બી.એસ.સી સેન્ટ્રલ બોર્ડ ફોર સ્કૂલ સર્ટિફિકેટ.
૪. આઇ.જી.સી.એસ.ઇ ઇન્ટરનેશનલ જનરલ સર્ટિફિકેટ ઓફ સ્કૂલ એજયુકેશન.
૫. સી.બી.એસ. સી. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકંડરી સ્કૂલ સર્ટિફિકેટ.
૬. આય.સી.એસ.ઇ. ઇન્ડિયન સર્ટિફિકેટ ઓફ સેકંડરી એજયુકેશન
૭. આઇ.બી.ઓ. ઇન્ટર નેશનલ બેકાલોરીયટ ઓર્ગેનાઇઝેશન
આ ઉપરાંત અંગ્રેજી માધ્યમમાં રાજ્ય શિક્ષણ બોર્ડ નિયમન હેઠળ ચાલતી અંગ્રેજી માધ્યમની કોનવેન્ટ સ્કૂલ, પબ્લિક સ્કૂલ કે મિશનરી સ્કૂલ પણ મુંબઇમાં છે.
મુંબઇની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓની કાર્યપદ્ધતિ વિશે આવતા લેખમાં જોઇશું.
(ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -