મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને વિધાનસભ્યો ગૌહાતીની મુલાકાતે જશે: કામાખ્યા દેવીના મંદિરમાં વિશેષ પુજાનું આયોજન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં કેટલાક મહિના પહેલાં મોટો પોલિટિકલ ડ્રામા જોવા મળ્યો હતો. એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળ શિવસેનાના ૪૦ વિધાનસભ્યો ગૌહાતીમાં ગયા હતા અને ત્યારથી ગૌહાતીનું નામ મહારાષ્ટ્રના રાજકીય ભૂકંપ સાથે જોડી દેવામાં આવ્યું છે. હવે રાજ્યમાં ફરી એક વખત મુદતપુર્વ ચૂંટણીની ચર્ચા ચાલી રહી છે ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પોતાના જૂથના બધા જ વિધાનસભ્યો સાથે ગૌહાતીમાં જવાના હોવાથી રાજ્યમાં ફરી સત્તા પરિવર્તન થશે કે શું એવી અટકળો લગાવવામાં આવી રહી છે. અધુરામાં પુરું શિવસેનાની પક્ષના નામ અને ચિહ્ન અંગેની અરજી પણ કોર્ટે ફગાવી દીધી હતી. આ બધાને લઈને રાજ્યના રાજકારણમાં અટકળોનું બજાર ગરમ છે.
એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના બાળાસાહેબાંચી શિવસેના પક્ષના વિધાનસભ્યો સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ૨૧મી નવેમ્બરે ગૌહાતી જવાના છે અને મુખ્ય પ્રધાનને હસ્તે આસામના કામાખ્યા દેવીના મંદિરમાં વિશેષ પુજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એવી માહિતી મળી છે. છેલ્લા અનેક દિવસોથી શિંદે કામાખ્યા દેવીની માનતા પૂરી કરવા માટે જવાના હોવાનું કહી રહ્યા હતા, પરંતુ હવે તારીખ નક્કી થઈ છે.
મહારાષ્ટ્રમાં સરકાર બનાવ્યા બાદ તમારા દર્શને આવીશું એવી માનતા એકનાથ શિંદેએ કામાખ્યા દેવીના મંદિરમાં ગોવા માટે રવાના થવા પહેલાં રાખી હતી અને હવે માનતા પૂરી થઈ હોવાથી પૂજા કરવા માટે જવાના છીએ, એવી માહિતી અપક્ષ વિધાનસભ્ય બચ્ચુ કડુએ મંગળવારે આપી હતી.