એક તરફ ગુજરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગે દક્ષીણ ગુજરાતમાં માવઠાની આગાહી વ્યકત કરી છે. હવામાન વિભગના જણાવ્યા મુજબ દક્ષીણ ગુજરાતમાં આગામી 24માં કમોસમી વરસાદ પડી શકે છે ત્યાર બાદ બાદ હવામાન સૂકું રહેશે. વરસાદી વાતાવરણ ઊભું થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માર્ચ મહિના દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થયા બાદ હવે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર ડૉ.મનોરમા મોહંતીએ આપેલી માહિતી મુજબ આગામી 24 કલાકમાં દક્ષીણ ગુજરાતમાં હળવા વરસાદની સાથે હળવી થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થવાની સંભાવના છે. આવતીકાલથી હવામાન સૂકું રહેવાની સંભાવના છે.તેમના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા અને દમણ તથા દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે વીજળીના કડાકા થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.
આજે વલસાડ શહેર સહિત જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ કાર્સ્યો હતો. કેરીની સીઝન ચાલુ થઇ ગઈ છે એવામાં કેરીના ખેતર ધરાવતા ખેડૂતોને નુકશાન સહન કરવાનો વારો આવી શકે છે.
દક્ષીણ ગુજરાતમાં વરસાદી માહોલ છે ત્યારે મંગળવારે રાજકોટમાં રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન 41.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે અમરેલીમાં 41.2 ડિગ્રી જ્યારે અમદાવાદમાં 40.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આગામી 24 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.