Homeમેટિનીચક્રવ્યૂહ -પ્રકરણ-૩૩

ચક્રવ્યૂહ -પ્રકરણ-૩૩

નલિની બાબતમાં શંકરે કુબેકરને ભડકાવ્યો હતો અને પરોક્ષ રીતે એને છાપે ચડાવ્યો હતો. એટલે શંકરને પોતાના એકાંત બંગલે બોલાવી કેવી રીતે એની હત્યા કરી ત્યાંથી માંડી, પાછળથી પોતાની પર પણ કેવું વીત્યું અને ભાગી છૂટી, પોતે કઈ રીતે ગોવા આવ્યો એ બધી હકીકત કહી સંભળાવી

વિઠ્ઠલ પંડ્યા

(ગતાંકથી ચાલુ)
સુમિત્રા ઠીકઠીક જાણતી હતી. મંજુ થોડુંક જાણતી હતી. પરંતુ જગન્નાથરાવને કશી જ ખબર નહોતી. આથી વાસુદેવને ખાર-ડાંડામાં રહેતી પેલી બાઈ નલિનીથી શરૂઆત કરવી પડી.
નલિની બાબતમાં શંકરે કુબેકરને ભડકાવ્યો હતો અને પરોક્ષ રીતે એને છાપે ચડાવ્યો હતો. એટલે શંકરને પોતાના એકાંત બંગલે બોલાવી કેવી રીતે એની હત્યા કરી ત્યાંથી માંડી, પાછળથી પોતાની પર પણ કેવું વીત્યું અને ભાગી છૂટી, પોતે કઈ રીતે ગોવા આવ્યો એ બધી હકીકત કહી સંભળાવી.
‘એ તો ઠીક -’ ડોસાએ ચિરૂટની રાખ ખંખેરતાં પ્રશ્ર્ન કર્યો, ‘પણ પણજીમાં કામતને ત્યાંથી તું કેમ ઓચિંતો મુંબઈ ચાલી ગયો’તો?’
‘આ વાત કરવા બેઠો છું એટલે બધું જ તમને કહીશ!’ કહેતાં સિગારેટ સળગાવી વાસુદેવે વાત આગળ ચલાવી.
પણજીમાં રેણુના કિડનેપ થયાના સમાચાર જાણ્યા, પછી કામત સાહેબ પાસેથી સહાનુભૂતિ જ નહિ – એમની રિવોલ્વર પણ મેળવી અને મુંબઈ ગયો પોતે. ત્યાં રેણુનો પત્તો મળે એમ નથી જાણી, પોતે સિફતપૂર્વક ‘લવલી સ્કૂલ’માં જોડાઈ ગયો અને બધાંનો વિશ્ર્વાસ સંપાદન કરી છેવટે હત્યારા એ પ્રધાનના પૌત્રનું અપહરણ કર્યું અને અહીં આવી પહોંચ્યો છે એ બધું અથતિ એણે જણાવ્યું.
પેલાં ત્રણે જણ આખી હકીકત જાણી, સ્તબ્ધ થઈ બેસી રહ્યાં. વાસુદેવ સિગારેટ બુઝાવી દઈ, એમનો પ્રતિભાવ જાણવા માગતો હોય તેમ છેવટે ભારે સ્વરે બોલ્યો:
‘હું ગુનેગાર નથી, છતાં સંજોગશાત્ ગુનેગાર જેવું કૃત્ય મારે કરવું પડ્યું છે! એમ ન કરત તો મારી પાસે પછી એક જ વિકલ્પ હતો: કુબેકરને શરણે જઈ, મારા મિત્ર શંકરની જેમ મારેય વધેરાઈ જવું! પણ ના, મારે રેણુને પાછી મેળવવી છે અને શંકરના મૃત્યુનો બદલો પણ લેવો છે! એટલે એ માસૂમ બાળકને ભગાડી લઈ અહીં આવ્યો છું! હવે જવાબ આપો દાદા, આપ લોકો મને અહીં સંઘરશો કે નહિ? નિ:સંકોચ મને જણાવી દો!’
જગન્નાથરાવ જેવા મિલિટરીના રિટાયર્ડ અમલદાર પણ આવી બધી ગૂંચવણ ભરેલી હકીકત જાણી અસ્વસ્થ થઈ ગયા હતા. પેલી બે બાઈઓની માનસિક સ્થિતિની તો શી વાત કરવી? ડોસા પોતાની પુત્રવધૂ તથા પુત્રીના ચહેરા વાંચી લઈ ઊભા થઈ ગયા અને ખંડમાં ચક્કર મારવા લાગ્યા. પછી કંઈક જવાબ વિચારી લઈ કહેવા લાગ્યા:
‘તને અત્યારે શો ઉત્તર આપવો એ મને સમજાતું નથી, વાસુ! મારા પુત્રનો તું દોસ્ત ન હોત તો કહી દેત, કે એ બાળકને લઈ અહીંથી અબઘડી જ ચાલ્યો જા! પરંતુ બીજી બાજુ તારી પરિસ્થિતિ તથા તારી લાચારી મને બેચેન બનાવે છે! તો મંજુ બેટા, સાચવશો ને આપણા મહેમાનને? તારો શો જવાબ છે, સુમિબહેન?’
પરંતુ સુમિત્રા કે મંજુ કંઈ જવાબ આપે એ પહેલા તો વચલા દરવાજાના પડદા પાછળથી ડોસીમા એકાએક અહીં ધસી આવ્યાં ને બોલી ઊઠ્યાં:
‘હું ક્યારની કાન માંડી બધ્ધું જ સાંભળતી’તી! એમ ન સમજશો કે હું બહેરી છું! હા, મેં પેલા મૂડકાને ઊઠાવી લાવ્યાની વાત ધ્યાનથી સાંભળી છે!’
‘સાંભળી હોય તો હવે ચૂપ રહો!’ ડોસાએ ગુસ્સો દાબીને કહ્યું, ‘વાસુ પણ આપણો દીકરો છે. મુસીબત ટાણે એ આપણે આશરો આવ્યો છે તો એ અહીં જ રહેશે!’
‘ના, ના, ના.!’ ડોસી રાડ પાડી ઊઠ્યાં, ‘અહીં શું રહે? અત્યારે ને અત્યારે ઉચાળા ભર, વાસુ! તારે શું અમનેય જેલભેગાં કરવાં છે?’
‘તું હવે છાની મર!’ ડોસા ગરજી ઊઠ્યા, ‘નહિ તો જોયા જેવી કરીશ, હા!’
‘ના, દાદા!’ વાસુએ હાથ જોડ્યા, ‘માઈને એક શબ્દ પણ ન બોલતાં! એમની વાત સાચી છે. પોલીસનું લફરું થાય તો તમારે માથેય આફત ઊતરી આવે! એ કરતાં તો હું ગમે ત્યાં અગોચર સ્થળે ચાલ્યો જઈશ! થોડી વારમાં જ ચાલ્યો જઈશ. માઈ! તમે નચિંત રહો!’
ને એટલું કહી, નતમસ્તકે વાસુદેવ પાછલા આવાસ તરફ જતો રહ્યો.
ભાઉસાહેબ જગન્નાથરાવ અરવલેમના મોટા ગજાના માણસ. ગામમાં જ નહીં – તાલુકામાં યે એમના નામની શેહ પડે. ટંટા-ફિસાદ વખતે ય સૌ કોઈ ભાઉસાહેબની મધ્યસ્થી સ્વીકારે તથા એમનો પડતો બોલ ઝીલી લે! પરંતુ ઘરમાં?
ઘરમાં બૈરું એવું માથાનું મળ્યું છે કે નજીવી બાબતમાં યે એમની કિંમત કોડીની કરી મેલે છે! તાજો જ દાખલો એમની નજર સામે બન્યો. વાસુદેવના સંજોગો વિચારી લઈ એમણે એને ઘરમાં આશરો આપવાની તૈયારી બતાવી; પરંતુ ડોસી ન જાણે ક્યાંથી વચ્ચે ટપકી પડ્યાં અને ભાઉસાહેબની પરવા કર્યા વગર વાસુને ચાલ્યા જવાનું કહ્યું!
એ બિચારો પોતાને કારણે સુખી ઘરમાં કલેશ ન થાય એ માટે ચાલી જવાની ઈચ્છા બતાવી, તૈયાર થવા જતો યે રહ્યો; પરંતુ એની કાંઈ ધૂંધવાયેલા ભાઉસાહેબનો ગુસ્સો હેઠો ઊતર્યો નહીં ફરીવાર ચિરૂટ સળગાવીને એ દીવાન પર બેઠા અને યંત્રવત્ ઊભેલી સુમિત્રાને આજ્ઞા કરી:
‘સુમિ, તારી અને મારી બેગ તૈયાર કર, બેટા! ફોઈને ત્યાં આપણે મંગેશ જઈશું! વાસુ તથા મુન્નો પણ આપણી ભેગાં આવશે!’
‘પણ દાદા!’ અંદરથી અકળાયેલી મંજુ તરત બોલી ઊઠી, ‘ફોઈબાને ત્યાં જવું હોય તો ભલે જજો! પણ આમ ઉતાવળિયો નિર્ણય ન લો; માઈને હું સમજાવું છું. વાસુભાઈ ચાર-પાંચ દિવસ તો અહીં રહેશે જ!’
‘શા માટે દીકરી? વાસુના રહેવાથી તારી માઈના ઘર માથે આફત આવતી હોય, તો બહેતર છે કે એ છોકરાને મારે બીજી વધારે સલામત જગ્યાએ લઈ જવો રહ્યો! મારે ત્યાં આવેલાને આશરો આપવાની મારીયે ફરજ ખરી કે નહીં?’
‘ફરજ ખરી જ વળી! આપણે બધાએ મળી એમની ચિંતા હળવી કરવી જોઈએ! પેલો હલકટ વાસુભાઈના જાનનો તરસ્યો થયો’તો એટલે ભાગીને એ અહીં આવ્યા’તા ફરીવાર આવ્યા છે ત્યારે ય કેવી લાચારીમાં એમણે આપણું ઘર સંભાર્યું છે? એમની જગ્યાએ તમારો દીકરો હોત, તો શું એને ય આમ હડધૂત કરત આપણે?’
‘હું તો બધું જ સમજું છું, બેટા! પણ તારી એ માઈને શિખામણ આપ જરા! ઓછું સાંભળતી હોય, તો કકળાવીને એના કાનમાં તેલ રેડ, મંજુ!’
‘તેલ રેડો તમારા કાનોમાં! લમણે હાથ દઈ, મોં ફુલાવીને બેઠેલાં ડોસીને ચચરાટ થયો, હું ઓછી બહેરી છું? ઘરમાં સૌએ મને બહેરી તથા ગાંડી કરી બેસાડી છે તે હું કાંઈ નથી જાણતી?’
‘જો બધું જાણે જ છે, તો પછી નાહકની ભાંજગડ શા માટે ઊભી કરે છે?’ ભાઉસાહેબ પાછા તણખી ઊઠ્યા, ‘યાદ રાખ: વાસુ અહીંથી જશે તો હું અને સુમિ પણ ચાલ્યા જઈશું! માટે જવાબ આપ; શું ઈચ્છે છે?’
‘દાદા પ્લીઝ, તમે શાંત રહો!’ સુમિત્રા બોલી ઊઠી,
‘વાસુ પાસે જઈ, માઈ એને રોકાઈ જવાનું ન કહી આવે તો આપણે ત્રણની બસમાં
મંગેશ જવા ઊપડી જઈશું! બરાબર ને ભાભી?’
‘બરાબર!’ મંજુએ કહ્યું ને ડોસી પાસે જઈ, એમને સમજાવતી હોય એમ કહેવા લાગી, ‘માઈ, મન જરા મોટું રાખીને ચાલો મારી જોડે, ગમે તે હોય.’
વાસુભાઈ તમારે ય દીકરા જેવા નથી? આજે એ આફતના પોટલા પર બેઠેલાં છે. આપણા પર એમને કેટલી શ્રદ્ધા હશે ત્યારે આશરો લેવા આવ્યા છે! તો જઈને કહીએ કે થોડા દિવસ રહી જાય! નિખાલસ થઈને દુ:ખની વાત કરી, તો શું એમને હાંકી કઢાય? ચાલો, ઊઠો માઈ!’
‘મારી વતી તું કહી આવ, જા!’
‘ના, તમે જોડે ચાલો! વાત હું કરીશ!’
ડોસી છેવટે કબૂલ થયાં. મંજુ સાથે વાસુદેવના રહેઠાણ પર ગયાં. ભાઉસાહેબના ઈશારાથી સુમિત્રા પણ પાછળ ગઈ.
કામવાળી બાઈએ ધોયેલાં કપડાંની ગડી વાળી વાસુદેવ પોતાની બેગમાં ગોઠવી રહ્યો હતો. બન્ટી મસ્ત રીતે પલંગ પર ઊંઘતો હતો. એટલામાં મંજુ અને ડોસીમા આવીને અંદર ઊભાં રહ્યાં.
(ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -