(ગતાંકથી ચાલુ)
‘ઓહ, આઈ સી!’ છોકરાનું કુંડાળું બનાવતા વાસુદેવે શારદા તરફ સ્મિત વેરી જણાવ્યું, ‘તારી તેહમિનાબહેન આપણા
પર નારાજ થાય એવું હું કંઈ જ નહિ કરું! નચિંત રહેજે!’
દિવસો પસાર થવા લાગ્યા એમ વાસુદેવ પોતાની જાળ બિછાવતો ગયો. એક દિવસ નંદુની ભાળ મેળવવા ઘાટણ ગોમતીને અટકાવીને પૂછ્યું:
‘સાહેબને ત્યાંથી નંદુએ નોકરી કેમ છોડી દીધી એ જાણો છો તમે?’
‘તુમ્હાલા કાય સાંગું? વાત એમ છે કે… અમારી બાઈસાહેબનો સ્વભાવ જરા કડક છે!’ આમ તેમ જોઈ લઈ ગોમતી કહેવા લાગી, ‘આમ તો રોજ નંદુ જોડે એમની કટકટ ચાલતી, પણ એ દિવસે નંદુને એમણે “ગધેડો છે શું? કાંઈ ખબર છે તને કે તું કોને ત્યાં નોકરી કરી રહ્યો છે? બસ, આટલી વાત અને નંદુે લાગી આવ્યું. વસંતભાઈ! કપડાં પહેરી એ ચાલતો થયો! એનો પગાર લેવાય ન ઊભો!’
‘સમજાયું. પણ મારે હવે એને ક્યાં શોધવો? કાંઈ ખબર છે તમને, એણે બીજી નોકરી મેળવી છે કે નહિ?’
‘નહિ, બાબા! મને એની કાંઈ જ ખબર નથી!’
‘તો પણ જરા તપાસ કરજો! તમારે ત્યાંના કોઈ નોકર-ચાકરને ખબર હોય તો મને જણાવજો! હવે મારા સારા દિવસો આવ્યા છે એટલે એને હું મદદ કરવા માગું છું.’
‘હો-’
‘બીજું એ કે… તમારે છોકરાં કેટલાં છે, ગોમતીબાઈ?’
‘ચાર – ત્રણ દીકરી અને એક દીકરો?’
‘ત્યારે તો પાકાં વસ્તારી છો એમ ને? હું તો આટલી બક્ષિસ મારા તરફથી લેતાં જાઓ!’
‘શાની બક્ષિસ, ભાઉસાહેબ?’
‘મારે કંઈ છોકરાં નથી એટલે… તમારા દીકરાને મારો દીકરો માની પચાસ રૂપિયા ભેટ આપું છું. લઈ લો -મને આનંદ થશે, ગોમતીબાઈ!’
ગોમતી બિચારી અર્ધી અર્ધી થઈ ગઈ. કોઈ વાર બાઈ સાહેબે પણ ‘લે, તારા છોકરાં માટે!’ કરી પાંચ રૂપિયાયે બક્ષિસ આપ્યા નહોતા! જ્યારે આ માણસ છે તે… ગળગળી થઈ જતાં એ બોલી ઊઠી:
‘મારા સરખું કંઈ કામ હોય તો કહેજો, ભાઉસાહેબ!’
‘કામ તો બીજું કંઈ નથી. પણ ભાભીસાહેબ એટલે કે બન્ટીની મમ્મીનું નામ હું વિસરી ગયો છું, ગોમતીબાઈ!’
‘એનું નામ શકુન્તલા છે, ભાઉસાહેબ! પણ ઘરમાં સૌ એને શકુ કહી બોલાવે છે.’
‘ઠીક. પણ તમે શકુબાઈ કે મોટાં બાઈસાહેબને વાત ન કરતાં કે મેં તમને કાંઈ બક્ષિસ આપી છે.’
‘અરે! હું શા માટે કોઈને ય કહું? એ લોકો કેવાં પાજી છે તે હું શું નથી જાણતી?’
‘ભલે, તો હવે તમે જાઓ! મોડું થશે તો બાઈ પાછાં વઢશે તમને!’
ગોમતી ગેઈટ તરફ ચાલવા લાગી અને વાસુદેવ ઓસરીનાં પગથિયાં ચડી, નીચેના હોલ તરફ જવા લાગ્યો. સ્કૂલમાં ઉપર નીચે પ્રાર્થના શરૂ થઈ ગઈ હતી અને આજે એ જરા મોડો પડ્યો હતો.
પરંતુ જેવો એ કે. જી. ના કલાસ તરફ જવા લાગ્યો કે તરત એની નજર દાદરની રેલિંગ પાસે ઊભાં રહેલાં તેહમિનાબહેન પર પડી ઝૂકીને, સ્મિત વેરી એણે કહ્યું:
‘નમસ્તે, મોટાં બહેન!’
‘નમસ્તે-’ બોલી તેહમિના એની તરફ આવ્યાં, ‘ગોમતી જોડે આજે તો તમુએ ખાસ્સી વાતો કીધીને કાંઈ!’
‘હા, મોટાં બહેન!’ મોં મલકતું રાખી, સાવધાન થઈ વાસુદેવે ઉત્તર દીધો, ‘અમારે જૂના સંબંધો ખરા ને, એટલે મેં મારા માસીના દીકરા નંદુના ખબર અંતર પૂછ્યા. પણ એણે તો ભળતી જ વાત કરી!’
‘શું કહ્યું એણે?’
‘ભાઈ સાહેબ એટલે કે કુબેકર સાહેબનાં મિસિસ નંદુને નાનીઅમથી વાતમાં વઢ્યાં, એટલે પગાર પણ લેવા ન રહેતાં એ ત્યાંથી ચાલ્યો ગયો!’
‘આજ કાલ આવું તો બઢ્ઢે જ બને છે, વસંતભાઈ! નોકર લોકો જાણે આપણા શેઠ હોય એમ વરતે છે અને કાંઈ બી કહેવા જઈએ તો ફટ્ દઈને ચાલતી જ પકડે છે?’
ગાડી ઊંધા પાટે જઈ રહી છે જાણી, વાસુદેવે પણ સમય વર્તી હા માં હા ભણી:
‘હું પણ એ જ કહેવા માગું છું, મોટાં બહેન; નોકરી કરવી અને મગજ ગુમાવવું એ શી રીતે ચાલે? એટલે ગોમતીને મેં કહ્યું કે નંદુએ આવી સુખ સગવડવાળી નોકરી છોડીને મોટી ભૂલ કરી છે!’
‘હાં, પણ એ બાઈ જોડે તમારે પૈસાની શી લેવડદેવડ ચાલતી’તી?’
વાસુદેવને થયું: જોયું ને! આ બાઈની કેવી ગીધ જેવી તીક્ષ્ણ દૃષ્ટિ છે? તું જો જરા પણ અસાવધ રહ્યો ને, તો તારી મકસદ આ બાઈ પૂરી કરવા નહિ દે! હસી દેતાં જવાબ એણે ઉપજાવી કાઢ્યો:
‘અરે, એ તો કાંઈ એને ખરીદવું હશે તે મારી પાસે પાંચ રૂપિયા એણે માગ્યા! કહે કે: લાવવાનું વિસરી ગઈ છે!’
‘ઠીક છે. પણ આવા નોકર માણસોને પૈસા ધીરતાં વિચાર કરજો, વસંતભાઈ!’ તેહમિનાબહેન શિખામણ દેવા લાગ્યાં. ‘તમુને ખબર નહિ હોસે (હશે), પણ પછી એ લોકો જ્યારે ને ત્યારે, કાંઈ બી બહાનાં બતાવી, તમારી પાસે પૈસા માગ્યા જ કરશે!’
‘યુ આર રાઈટ, મોટાં બહેન! તમારી આ સોનેરી સલાહ હું જરૂર યાદ રાખીશ! થેંક યુ-’ કહી નિરાંતનો શ્ર્વાસ લઈ એ ચાલવા લાગ્યો.
પણ ત્યાં તો પાછી તેહમિનાની બીજી આજ્ઞા છૂટી:
‘જસ્ટ એ મિનિટ, વસંતભાઈ!’
‘જી!’
‘જુઓ, વાત તમારી અને મારી વચ્ચે છે. શારદાને પણ તમે કાંઈ બી કહેતા!’
‘હા, જી કોઈને જ નહિ કઉં!’
તેહમિનાબહેન સ્વર ધીમો કરી વાસુદેવને કંઈક કહેવા જતાં હતાં, એટલામાં ઉપરથી દાદર ઊતરી એક શિક્ષિકા નીચે આવી:
‘મોટાં બહેન…’
શું છે તારે? ઉપર જા- તેહમિનાબહેન પેલી પર તણખી ગયાં, ‘કંઈ અક્કલ છે કે નહિ? આમની જોડે અગત્યની વાત કરું છું તે જોતી નથી? પ્લીઝ, ઉપર જા! હમણાં જ હું આવું છું!’
પેલી બિચારી છોભીલી પડી હોય એમ તરત પગથિયાં પાસેથી જ પાછી વળી ગઈ. વાસુદેવ સર્તક થઈ, બગલથેલાનાં બટન ઉઘાડ વાસ કરતો એમ જ ઊભો હતો. તે મિનાબહેને ચશ્માંની દાંડી ઠીક કરી પાછું વાસુદેવ તરફ જોયું:
‘એ બહેન બે વરસથી અહીં કામ કરે છે. પણ જોયું ને તમે? ડિસિપ્લિન (શિસ્ત) જેવું કંઈ લાગ્યું એનામાં? બે માણસો ગંભીર વાત કરતાં હોય ને આવીને વચ્ચે ટપકી પડે એને શું કેવું?’
વાસુદેવ આમાં શું બોલે? ચૂપ રહ્યો.
‘હાં, તો હું તમુને શું કહેતી’તી?’
‘વાત કંઈક શારદાબહેન વિષે હતી!’
‘યસ, તો હું કે’વા માગતી’તી કે…’ આમ તેમ જોઈ લઈ એ બોલ્યાં, શારદા આમ તો સારી ‘ટીચર’ છે. પણ થોડી ચંચળ છે. લફરાંબાજ પણ ખરી. બે વખત એના વિવાહ થઈને તૂટ્યા છે. માટે તમને મારા નાના ભાઈ સમજી સલાહ આપું છું: બી કેરફૂલ! જેટલા દિવસ અહીં કામ કરો એટલા દિવસ એની સાથે જરા સમાલીને રહેજો!’
‘ઓલરાઈટ, મોટાં બહેન!’
‘જોજો, આમાં કાંઈ બી ખોટું ન લગારતા! તમે રહ્યા ભોળા અને સીધા માણસ! એટલે મારી ફરજ સમજીને તમુને જરા ‘એલર્ટ’ (સાવધ) કીધા. બાકી, એ છોકરી મારી દુશ્મન થોડી છે?’
‘ના, જી! પણ મારા પ્રત્યે આટલી લાગણી રાખી મારું ધ્યાન દોર્યું એ માટે આપનો હું બહુ આભારી છું, મોટાં બહેન! હવે મારી યે એક વાત સાંભળશો આપ?’
‘ઓહ, શ્યોર! બોલો, શું કહેવું છે?’
‘જુઓ, આજે હું મારો કેમેરા લેતો આવ્યો છું.’ કહી થેલામાંથી એણે કેમેરો કાઢ્યો, ‘અસલ જર્મન બનાવટનો છે. તો રીસેસ પડે ત્યારે હું આવીને તમારા બે ચાર સ્નેપ ખેંચી લઈશ, મોટાં બહેન!’
‘ઓહ, તો એ વાત તમે ભૂલિયા નથી ખરુંને?’
‘હું કશું જ ભૂલતો નથી, મોટાં બહેન! પહેલાંથી ઠોકરો ખાઈને ઘડાયો જ એવી રીતે છું! તો હવે જાઉં ને?’
‘હાં, જાઓ! મારે બી ઉપર ધન્નું બધું કામ પડિયું છે!’ કહી એ દાદર તરફ વળ્યાં.
નાની રીસેસ વખતે એણે ઉપર કેબિનમાં જઈ તેહમિનાબહેનના જુદા જુદા પોઝમાં ફોટા પાડ્યા. એમણે એને ચા-બિસ્કિટ આપ્યાં. પછી નીચે જઈ પ્રથમ જુલીના વર્ગનાં બાળકોના ફોટા લીધા. બાદમાં શારદાના અને બાળકોના – ખાસ તો બન્ટીના બે સ્નેપ ખેંચ્યા અને એને ગાલ ચૂમી ભરી કહ્યું:
‘હું તારો ‘અંકલ’ થાઉં, હોં બન્ટી! તારે મને ‘અંકલ’ કહી બોલાવવાનો!’
‘અને મારે તમને શું કહી બોલાવવા, મિસ્ટર!’ બાજુમાં ઊભેલી શારદાએ પ્રશ્ર્ન કર્યો.
‘તારે મને ‘મિસ્ટર’ કહેવાનું!’
એવો જ શારદાએ એના વાંસામાં ધબ્બો માર્યો અને આંખો નચાવતી બોલી ઊઠી:
‘જાઓ હવે! મિસ્ટરનો ગુજરાતી અર્થ તો ‘હસબન્ડ’ થાય – ખબર છે?’
‘તો પછી બન્ટીની જેમ તું યે મને ‘અંકલ’ કહેજે!’
‘ના, તમે તો હજી પરણવાલાયક જુવાન અને તમને મારાથી ‘અંકલ’ શી રીતે કહેવાય? તમને માઠું ન લાગે તો ફક્ત ‘વસંત’ કહીશ!’
‘પરંતુ વસંત ક્યારે પાનખરમાં ફેરવાઈ જાય એ તું નહિ. જાણતી હોય, શરદા!’
‘તમે પાનખરમાં ફેરવાઈ જશો, તો હું તમને ફરીથી નવપલ્લવિત કરી દઈશ!’
‘બહુ આશાવાદી ન થા; નહિ તો ઠોકર ખાવાની નોબલ આવી જશે!’
‘અગાઉ બે વાર ઠોકરો ખાઈ ચૂકી છું.’ મ્લાન હસીને શારદા બાળકોનાં રમકડાં રંગીન ચિત્રોના કબાટ તરફ વળી, ‘પણ… તમને મળ્યા પછી લાગે છે કે ત્રીજી વાર એવી નોબત નહિ આવે!’ કહી એકાએક પૂછ્યું, ‘સાંજનું મારું એક આમંત્રણ સ્વીકારશો, વસંત?’
‘શાનું આમંત્રણ છે?’
‘મારે ઘેર તારદેવ આવવાનું. ત્યાં આપણે જમીશું. પછી જોડે પિક્ચરમાં જઈશું. મારે મારી આપવીતી પણ તમને કહેવી છે.’
બન્ટીની પાસે સ્ટૂલ પર બેઠેલા વાસુદેવે કંઈક વિચાર કરી કહ્યું:
‘જમવા આવવાનો અને પિક્ચરમાં જવાનો મારી પાસે સમય નથી, શારદા! હું યે અત્યારે કસોટી કાળમાં છું. પણ તારું માન રાખવા એકાદ કલાક કાઢી શકીશ. તો અહીં નજીકમાં હેન્ગિગ ગાર્ડન પર જઈએ તો ન ચાલે?’
‘ભલે!’ ધીમો નિ:સાસો નાખી શારદા બોલી, ‘તો એમ કરીશું. તમે અહીંથી વહેલા નીકળી કમલાપાર્કમાં બૂટઘર પાસે ઊભા રહેજો. હું પાછળથી આવીશ.’
‘ઓલરાઈટ!’