‘તમે એવું ન સમજો, બહેન, પરશ્યાનું માથું ફૂટી ગયું છે અને કદાચ એ મૃત્યુ પામે તો? એટલે તાત્કાલિક મારે એને બીચોલીમ હૉસ્પિટલમાં દાખલ કરાવવા રવાના કરી દેવો પડ્યો! કાયદા પ્રમાણે હુમલાખોર વાસુદેવનેય પકડી, લોક-અપમાં પૂરી દેવા માટે મોકલવાની મારી ફરજ હતી. હવે ભાઉસાહેબ બીચોલીમ જઇને એને જામીન પર છોડાવી શકે છે.’
વિઠ્ઠલ પંડ્યા
બહાર નીકળતી વેળા વાસુદેવને એમણે આગ્રહ કર્યો, આથી ઈચ્છા નહોતી તોયે એ તૈયાર થયો.
ચારે જણ ભીડમાં જેમતેમ કરી, દર્શન પતાવી પાછાં વળ્યાં અને નાની નાની હાટડીઓ મંડાણી હતી એ બાજુ ચાલ્યાં.
એક હાટડીમાં રમકડાં જોઈ કુકીએ જિદ્દ કરી એટલે બધાં ત્યાં અટકી ઊભાં. મંજુ તથા સુમિત્રા ચાવીવાળા ઘોડાતો ભાવતાલ કરતાં હતાં ત્યાં જ બાજુની હાટડી આગળ બેઠેલી વ્યક્તિએ બૂમ મારી:
‘અરે, ત્યાં શું ઊભી છે, સુમિ? આમ આવ! કાલે ભલે મને ગાળો દઈ તું ભાગી ગઈ! પણ આજે તો મારે તને બંગડીઓ પહેરાવવી છે! આવ વહાલી…’
આ સાંભળતાં જ સુમિત્રાનું મોં તંગ થઈ ગયું. એણે વ્યગ્ર નજરે થોડા પાછળ ઊભેલા વાસુદેવ સામે જોયું. વાસુદેવ શી ખબર શું સમજ્યો; પરંતુ પછી કંઈ વિચાર કરવા ઊભો ન રહેતાં તરત પેલી વ્યક્તિ તરફ એ ધસ્યો.
પહેલાં તો પેલાને ગરદનેથી ઝાલી એના મોં પર બે ઠોંસા જમાવી દીધા. પછી દુકાનના પાટિયા પરથી એને ખેંચીને જમીન પર પટકયો. ઉપરથી બે લાત મારી:
‘સાલા કુત્તા! સુમિત્રાને તારે બંગડીઓ પહેરાવવી છે, એમને? લે હરામજાદા, બંગડીઓની આ કિંમત!’
ઓચિંતા પ્રહારથી શરૂમાં તો પરશ્યો હેબતાઈ ગયો હતો પણ પછી એકદમ ઊભો થઈ જઈ એ બરાડ્યો:
‘મારા ગામમાં આવી તેં મને માર્યો? હેં, તારી આટલી હિંમત કે આ ગામના દાદા પર તું હાથ ચલાવે? તો આવી જા તુંયે! હજી તેં આ પરશ્યાદાતાનો પરચો જોયો નથી…! બોલી એણે પાધરુંક ખિસ્સામાંથી ચપ્પું કાઢ્યું. ખટ્ દઈ ઉઘાડ્યું અને વાસુદેવ પર ધસ્યો.
વાસુદેવ સચેત હતો. એની આજુબાજુ લોકોનું ટોળું વળી ગયું હતું. એમાંનો કોઈ એને પકડી લે તો કદાચ પરશ્યો એના પર ચાકુના ઘા કરી પણ જાય! એટલે તરત બીજું કાંઈ ન વિચારતાં એણે નજીકમાં ઘરવપરાશની વસ્તુઓ રાખી બેઠેલા હાટડીવાળા તરફ દોડી જઈ કપડાં ધોવાનો ધોકો ઉઠાવ્યો. અને પેલાને આહ્વાન દીધું:
‘તો તુંયે મનમાં ખાંડ ન ખાતો, પરસ્યા! ખરેખર દાદો હોય તો લે આ ઊભો – ચલાવ તારું ચાકું!’
પરશ્યાને શૂરાતન ચઢ્યું હોય એમ ખુલ્લા ચપ્પુ સાથે વાસુદેવ પર એ ત્રાટકયો! સુમિત્રા તથા મંજુ ગભરાઈ ગયાં હતાં. સુમિત્રાએ તો કાળઝાળ થયેલા પરશ્યાને જોઈ બૂમ પણ મારી:
‘નહિ, પરશ્યા એ મારો મે’માન છે – જવા દે એને ! હું તારી માફી માગું છું. પરશ્યા…’
પરંતુ પરશ્યાને ઝનૂન ચઢ્યું હતું. આથી ભયંકર રાડ પાડી વાસુદેવને ખતમ કરવા એણે કૂદકો માર્યો. પણ યુક્તિપૂર્વક વાસુદેવ સહેજ હટી ગયો અને પરશ્યાને ટાંગ લગાવી એવો જ એ નીચે પડકાયો. એ તકનો લાભ થઈ વાસુદેવે એના માથા પર ધોકાના ત્રણચાર પ્રહાર કર્યા. પરશ્યાનું માથું રંગાઈ ગયું. અચેતનની જેમ ત્યાં જ એ ઢળી પડ્યો!
મેળા પર દેખરેખ રાખવા આવેલી પોલીસોની ટુકડીએ તરત વાસુદેવને પકડી લીધો. અને લઈ જઈ પોલીસ વાનમં પૂરી દીધો. એવી જ સુમિત્રા બેબાકળી શી ઘેર દોડી ગઈ:
‘માઈ, ગજબ થઈ ગયો! વાસુને પોલીસોએ પકડી લીધો છે!’
ઓછું સાંભળતા ડોશીને પહેલાં તો વાસુદેવનું શું થયું એ જ સમજાયું નહીં. આથી ઘાટા પાડીને સુમિત્રાએ જેમ તેમ કરી એ સમજાવ્યું ત્યારે એ તૈયાર થયાં. પણ રસ્તામાં પાછાં પૂછવા લાગ્યાં:
‘કાલે મના કરી’તી તો યે એ ગુંડા જોડે વાસુએ બાખડી પડવાની શી જરૂર હતી? અહીંયા એ મે’માન થઇને આવ્યો છે કે ગામના કજિયા વહોરવા?’
‘પણ માઇ, પરશ્યાએ મને ખરાબ વેણ સંભળાવ્યા એટલે જ વાસુએ એને માર્યો! બાકી, અમે તો બાજુના બાંકડેથી કૂકી માટે રમકડાં લેવા ઊભાં’તા!
‘પરંતુ એ જમ બેઠો હતો ત્યાં જવાની મૂર્ખામી તમે લોકોએ શા માટે કરી? દુકાનો તો ત્યાં બીજી ઘણીએ મંડાણી છે!’
‘પણ ઓછી અમને ખબર હતી કે પરશ્યો એટલાં બધાંની હાજરીમાં આટલી હિંમત કરશે?’
‘અરે, દાધારંગી!’ ડોશી પાછા ગિન્નાયા, ‘ જેણે મૂકી લાજ એને ઘેર રાજ! પરશ્યો ગામનો ઉતાર છે એ તું નથી જાણતી?’
‘જાણું છું, પણ થવાનું હતું એ થઇ ગયું!’
લાચાર મુખે સુમિત્રા બોલી ઊઠી, ‘હવે તો વાસુને છોડાવવાની જરૂર છે, માઇ! ઇન્સ્પેક્ટરને તું ભાઇસાહેબની ઓળખાણ આપજે અને કહેજે કે … ભૂલ થઇ છે. દાદાની પોઝિશન (માન મરતબા)ને કારણે વાસુને પોલીસો છૂટો પણ કરે!’
ડોશી કાંઇ ન બોલતાં ઝડપભેર શિવાલય બાજુ ચાલતાં રહ્યાં, પરંતુ ઘટનાસ્થળે પહોંચી જોયું, તો વાસુદેવનો પત્તો નહોતો! એક પોલીસ ઇન્સ્પેક્ટર ખુરશી નાખી ત્યાં બેઠો હતો. અને નજીકના હાટડી માંડી બેઠેલાઓની જુબાની નોંધાવી રહ્યો હતો.
ડોશી તથા સુમિત્રા જઇને સામે ઊભાં અને પૂછ્યું:
‘અમારે ત્યાં મે‘માન આવેલો એ વાસુદેવ ક્યાં છે, સાહેબ?’
‘એને તો માઇ, અમે પેલા ઘાયલ પરશરામ ભેગો બીચોલીમ રવાના કરી દીધો!’
‘પણ ગુનો કર્યો તો પરશ્યાએ!’ ડોશી કહેવા લાગ્યાં, ‘ગઇ કાલે સાંજેય ઢિંચીને મારી આ દીકરી પાછળ દોડ્યો’તો! આજે આટલાં માણસોની હાજરીમાં સુમિત્રાને એ એલફેલ બોલવા લાગ્યો’તો. પાછું એ ઓછું હોય એમ ચાકુ કાઢી વાસુ પર ઘસ્યો’તો! પછી વાસુએ તો સ્વબચાવ ખાતર જ એની પર વાર કર્યો’તો! ઓછો એ બદમાશને મારી નાખવા ઇચ્છતો’તો?’
‘તમારી બધી યે વાત સાચી માઇ!’ ઇન્સ્પેક્ટરે હાથમાંની છડી રમાડતાં ઠંડે કલેજે જવાબ દીધો, ‘પરંતુ અમારે તો બધી કારવાઇ ‘કાયદેશીર’ રીતે કરવી રહી. જુઓ છો ને, અત્યારે હું બધાની જૂબાની લઇ રહ્યો છું! તમેય શ્ર્વાસ ખાઇ જરા બેસો! તમારી દીકરીની જૂબાની પણ મારે લેવી પડશે!’
‘તમે શું બોલ્યા?’ ડોશીનાં ભવાં ઊંચા થઇ ગયાં, ‘સુમિની જુબાની તમારે લેવી છે?’
‘અરે, માઇ!’ ઇન્સ્પેક્ટરે મોટેથી કહ્યું, ‘ હું જુબાની એટલે કેફિયત લેવાની વાત કરું છું, જોજો ભળતું સમજતાં!’
‘હું તો બધ્ધું યે સમજું છું.’ સ્વર ચડાવી ડોશી બોલી ઊઠ્યાં, ‘પણ તમે મને નથી સમજતા? હું કોના ત્યાંથી આવું છું એ જાણો છો?’
‘અરે માઇ! ભાઉસાહેબના હુલામણા નામથી પ્રખ્યાત, મિલિટરીના રિટાયર્ડ અમલદાર જગન્નાથરાવથી આખો બીચોલીમ તાલુકો જાણકાર છે. એવી મશહૂર વ્યક્તિનાં આપ ધર્મપત્ની છો એટલું યે હું ન જાણું?’
‘જો આટલું જાણતા હો તો વાસુ અમારો મે’માન છે એમ સમજી છૂટો કરો!’ સુમિત્રાએ દલીલ કરી, ‘એને પકડીને તમે બીચોલીમ પોલીસ થાણે રવાના કરી દીધો એ અમારું અપમાન કર્યા બરાબર છે, ઇન્સ્પેક્ટર સાહેબ!’
‘તમે એવું ન સમજો, બહેન, પરશ્યાનું માથું ફૂટી ગયું છે અને કદાચ એ મૃત્યુ પામે તો? એટલે તાત્કાલિક મારે એને બીચોલીમ હૉસ્પિટલમાં દાખલ કરાવવા રવાના કરી દેવો પડ્યો! કાયદા પ્રમાણે હુમલાખોર વાસુદેવનેય પકડી, લોક-અપમાં પૂરી દેવા માટે મોકલવાની મારી ફરજ હતી. હવે ભાઉસાહેબ બીચોલીમ જઇને એને જામીન પર છોડાવી શકે છે.’
‘પણ ભાઉસાહેબ તો અઠવાડિયાથી ગેરહાજર છે.’
‘તો ગામમાંથી કોઇ બીજા સજ્જન લઇ જઇ તમે છોડાવી આવો! આયેમ સૉરી, બહેન! મારે પોલીસ-કારવાઇ કર્યા વિના છૂટકો નહોતો! બેસો તમે! થોડીવારમાં તમારું નિવેદન લઇ તમને છૂટાં કરું છું.’
મંજુ ત્યારની કુકીને લઇ અધ્ધરજીવે ત્યાં ઊભી હતી. ડોશી તથા સુમિત્રા- એ બેઉને એ બાજુ પર લઇ ગઇ. રમકડાંવાળાની ઓટલી પર એમને બેસાડ્યાં. (ક્રમશ:)