Homeમેટિનીસિલ્વર સ્ક્રીન પર સેક્સ સીન સુરક્ષિત બનાવતા ઇન્ટિમસી કોર્ડિનેટર

સિલ્વર સ્ક્રીન પર સેક્સ સીન સુરક્ષિત બનાવતા ઇન્ટિમસી કોર્ડિનેટર

વિશેષ -ગીતા માણેક

થોડાક વર્ષો પહેલાં હૈદ્રાબાદમાં એક તેલુગુ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. એ દિવસે પ્રોડ્યુસર અને તેમના થોડાક મિત્રો સેટ પર ખાસ હાજર હતા અને મોનિટરને વીંટળાઈને ઊભા હતા, કારણ કે ફિલ્મમાં હીરો-હિરોઈન વચ્ચેની શારીરિક નિકટતાના સીનનું શૂટિંગ થવા જઈ રહ્યું હતું. આ શૂટિંગ વખતે દિગ્દર્શકે એ ફિલ્મની કોસ્ચ્યુમ ડિઝાઈનર જયા લક્ષ્મી સુંદરસેનને ખાસ બોલાવી હતી. જેથી મહિલાની હાજરી હોય તો ફિલ્મમાં આવો સેક્સ સીન આપી રહેલી હિરોઈન સલામતી અનુભવે અને તેનો ક્ષોભ ઓછો થાય. એ વખતે આ કોસ્ચ્યુમ ડિઝાઇનરે સેટ પર ડાયરેક્ટરને કહી દીધું કે આ સીનના શૂટિંગ માટે જરૂરી ન હોય એવી કોઈ પણ વ્યક્તિ આ સેટ પર હાજર ન હોવી જોઈએ.
સામાન્ય રીતે ફિલ્મમાં બળાત્કારના, છેડતીના કે નાયક-નાયિકા વચ્ચેના અંગત શારીરિક સંબંધોનું શૂટિંગ થતું હોય ત્યારે સેટ પરના બધા જ પુરુષ સભ્યો મોનિટર પાસે ટોળે વળી જ જતા હોય છે એટલું જ નહીં પણ કેટલીક ફિલ્મના પ્રોડ્યુસર, ડાયરેક્ટર જેવાઓ તો પોતાના મિત્રોને એ સીનના શૂટિંગ વખતે ખાસ આમંત્રણ આપીને બોલાવતા હોય છે. આ પુરુષો પાછા ખિખિયાટા અને ગંદી કમેન્ટ્સ પણ કરતા હોય છે. આને કારણે આ સીનનો હિસ્સો હોય એવી અભિનેત્રીઓ ક્ષોભ અનુભવતી હોય છે.
આવા સીન વખતે અભિનેત્રી ક્ષોભજનક પરિસ્થિતિમાં ન મૂકાય અને સીન એવી રીતે શૂટ થાય કે અભિનેત્રીની ગરિમા જળવાઈ રહે એ માટે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધર્મા પ્રોડક્શન્સની ગહેરાઈયાં ફિલ્મમાં પહેલવહેલી વાર ઇન્ટિમસી કોઓર્ડીનેટરની વ્યાવસાયિક સ્તરે નિમણૂક થઈ હતી.
હોલીવુડની અને પશ્ચિમની અન્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો ઇન્ટીમસી કોર્ડિનેટરનું સ્થાન વર્ષોથી છે પણ હવે ભારતીય ફિલ્મોમાં પણ આવા વ્યાવસાયિકની નિમણૂક થવાની પહેલ થઈ છે. આ ઇન્ટીમસી કોર્ડિનેટરનું કામ દિગ્દર્શક અને અભિનેતા-અભિનેત્રીઓ વચ્ચે કોર્ડિનેશનનું હોય છે. સ્ક્રીપ્ટની જરૂરિયાત મુજબ ખાસ કરીને મહિલા કળાકાર પાસેથી શું અપેક્ષિત છે એ તેને સમજાવવામાં ઇન્ટિમસી કોર્ડિનેટરની મહત્વની ભૂમિકા હોય છે. ઇન્ટિમસી કોર્ડિનેટર અભિનેત્રી કેટલી હદ સુધી જવા માગે છે અને સ્ક્રીપ્ટ મુજબ શું જરૂરી છે એની ચર્ચા કરે છે. આ ઉપરાંત જ્યારે શૂટિંગ થતું હોય ત્યારે સીનનું ફિલ્મિંગ કરવા માટે ફિલ્મની યુનિટના જે પુરુષ સભ્યોની હાજરી અનિવાર્ય હોય જેમ કે સીનેમેટોગ્રાફર કે ડાયરેક્ટર ઑફ ફોટોગ્રાફી અને લાઇટ મેન એ સિવાયની એક પણ વ્યક્તિ સેટ પર હાજર ન હોય એ જોવાની તકેદારી ઇન્ટિમસી કોર્ડિનેટર રાખતા હોય છે. દિગ્દર્શક, ટેક્નિશિયન કે અન્ય જે કોઈ સ્ટાફ સેટ પર હાજર હોય તે કોઈ પણ પ્રકારની બિભત્સ કમેન્ટ કે ગંદી મજાક ન કરે એ પણ ઇન્ટિમસી કોર્ડિનેટરની જવાબદારી હોય છે. ઉપરાંત અંગત પળોના જે સીન શૂટ થતા હોય એમાં અમુક પ્રકારના સાધનોનો પણ ઉપયોગ થાય એની જવાબદારી આ કોર્ડિનેટરની હોય છે. જેમ કે બંને જણાંએ અમુક પ્રકારના વો પહેર્યા જ હોય જેમાં બંનેના ગુપ્તાંગો ઢંકાતા હોય, અભિનેતા-અભિનેત્રી વચ્ચે ફૂગાવેલો દડો રાખવામાં આવે જેથી તેમના શરીરનો અને ખાસ કરીને જનનાંગોનો સંપર્ક ન થાય. પુરુષ અભિનેતાના જનનાંગો પર એલ ગાર્ડ પહેરાવવામાં આવે જેવી બાબતોનું ધ્યાન રાખવાનું કામ ઇન્ટિમસી કોર્ડિનેટરનું હોય છે.
ઇન્ટિમસી કોર્ડિનેટરનું કામ તો જો કે સ્ક્રીપ્ટ લખાતી હોય ત્યારથી જ શરૂ થઈ જતું હોય છે. અંગત શારીરિક સંબંધોના સીનમાં કેવા સંવાદો અને એમાં કેવા શબ્દોનો ઉપયોગ કરવો એ નક્કી કરવામાં પણ આ કોર્ડિનેટર્સ ભાગ ભજવતા હોય છે. જે પાત્રો વચ્ચે આ સીન ભજવાતો હોય તે પાત્ર અનુસાર ભાષા નક્કી કરવા ઉપરાંત ફિલ્મની વાર્તાને અને કથાનકને પણ ધ્યાનમાં લેવામાં આવતું હોય છે.
જે સીન ભજવવાનો હોય તે અંગેની પૂરતી માહિતી તેમ જ એ ભજવવા માટે અભિનેત્રીની સંપૂર્ણ સંમતિ છે કે નહીં એનું ધ્યાન પણ ઇન્ટિમસી કોર્ડિનેટરે રાખવાનું હોય છે. ખાસ કરીને કોઈ અભિનેત્રી નવીસવી હોય અને તેને મોટો બ્રેક મળતો હોય તો તે પહેલાં કદાચ આવા સીન માટે હા પાડી દે એવું બનતું હોય છે. ફિલ્મ નિર્માતા એ વખતે કોન્ટ્રેક્ટમાં તેની પાસે બધું લખાવી લેતા હોય છે. પરંતુ શક્ય છે કે જ્યારે એવો સીન ભજવવાનો વારો આવે તો અભિનેત્રીનું મન બદલાય અને તે આવા સીન માટે તૈયાર ન હોય. આવા સંજોગોમાં તેને પોતાનો નિર્ણય બદલવાની છૂટ હોય છે. તે ચાહે તો આવો સીન ભજવવા માટે ઇન્કાર કરી શકે છે. આ વખતે ઇન્ટિમસી કોર્ડિનેટર અભિનેત્રી અને ફિલ્મ મેકર્સ વચ્ચેની કડી બનતી હોય છે. કેમેરાના કરતબથી અથવા અન્ય ટેક્નિકથી કઈ રીતે એ પ્રકારનો ઇન્ટિમેટ સીન શૂટ કરી શકાય એ માટે ઇન્ટિમસી કોર્ડિનેટર મદદરૂપ થઈ શકે છે.
જે રીતે ફોટોગ્રાફી, દિગ્દર્શન, કોસ્ચ્યુમ ડિઝાઇનર, કોરિયોગ્રાફર કે ફિલ્મ નિર્માણના અનેક પાસાંઓની તાલીમ લઈ શકાતી હોય છે એમ જ ઇન્ટિમસી કોર્ડિનેટર માટેના કોર્સ છે. આ પ્રકારના કોર્સ અત્યારે તો વિદેશમાં જ કરી શકાય છે. વર્તમાન સમયમાં તો હિંદુસ્તાનમાં આવા ત્રણ-ચાર ઇન્ટિમસી કોર્ડિનેટર જ છે, પરંતુ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ બાબત જાગરૂકતા આવી
રહી છે.
ઇન્ટિમસી કોર્ડિનેટર ફક્ત ી-પુરુષના જાતીય સંબંધના કે શારીરિક નિકટતાના સીન માટે જ નથી હોતા પરંતુ ફિલ્મમાં જો કોઈ બાળકો હોય તો તેમની સાથે યોગ્ય વ્યવહાર થાય છે કે નહીં એ જોવાની જવાબદારી પણ નિભાવતા હોય છે. દાખલા તરીકે કોઈ ફિલ્મમાં પિતા પોતાની દીકરીને નવડાવી રહ્યો હોય એવો સીન હોય તો હકીકતમાં એ પિતાની ભૂમિકા ભજવનાર પુરુષ અને બાળકી તો એકબીજા માટે અજાણ્યા જ હોય છે. આવા સંજોગોમાં ક્યાંય પણ
બાળ કળાકાર સાથે કોઈ પણ પ્રકારનો ગેરવ્યવહાર ન થાય એનું ધ્યાન પણ ઇન્ટિમસી કોર્ડિનેટર્સ રાખે છે.
સેટ પર ઇન્ટિમસી કોર્ડિનેટર હોવાનો સૌથી મોટો ફાયદો એ હોય છે કે સેટ પરના કળાકારો ખાસ કરીને મહિલા અને બાળ કળાકારોને એક ધરપત હોય છે કે તેમની સુરક્ષા, સલામતીનું ધ્યાન રાખનારી કોઈ વ્યક્તિ હાજર છે. તેમની સાથે ગેરવર્તણૂક નથી થઈ રહી એની તકેદારી લેવામાં આવી રહી છે. કળાત્મકતાના નામે ગેરફાયદો નહીં લેવામાં આવે એવો ભરોસો આ કળાકારોને મળે છે.
હિન્દી અને ગુજરાતી ફિલ્મ સાથે સંકળાયેલા એક ફિલ્મ મેકર કહે છે કે સિત્તેરના દાયકાના એક જાણીતા અભિનેતા જ્યારે પણ ચુંબન કે હિરોઇન સાથે શારીરિક રીતે નજીક આવવાના સીનનું ફિલ્મિંગ થવાનું હોય ત્યારે કેમેરામેન અને દિગ્દર્શકને ખાનગીમાં સૂચના આપી રાખતા કે આ સીનના ઓછામાં ઓછા પાંચ-છ ટેઇક કરાવજે. આવા સીન વખતે તેઓ હિરોઇનોના શરીર સાથે અડપલાં પણ કરી લેતા. અભિનેત્રીઓ સાથેના ગેરવર્તનના આવા કેટલાય કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. વ્યાવસાયિક ઇન્ટિમસી કોર્ડિનેટરની અહીં જ જરૂરત હોય છે. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી હવે ધીમે-ધીમે વધુ પ્રોફેશનલ થઈ રહી છે અને આવનારા દિવસોમાં દરેક ફિલ્મમેકર પોતાના યુનિટમાં આવા વ્યાવસાયિક ઇન્ટિમસી કોર્ડિનેટર રાખે એ ફરજિયાત બનાવવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -