પ્રકરણ-૪૧ – વિઠ્ઠલ પંડ્યા
પચાસેક વરસનાં વિધવા જનાફોઈ એવડા મોટાં મકાનમાં આંધળાં એવાં વૃદ્ધ સાસુ જોડે રહેતાં હતાં. દીકરો અને વહુ હૈદરાબાદ હતાં તે અવાર-નવાર આવી એમની ખબર કાઢી જતા. અત્યારે અજાણ્યા યુવક અને બેઉ છોકરાં સાથે સુમિત્રાને જોઈ, આંગણામાં બેસી અનાજ સાફ કરતાં હતાં તે ઊભાં થઈ સુમિત્રાને વળગી પડ્યાં
—-
(ગતાંકથી ચાલુ)
ટેક્સી બોલાવીને બહાર ઊભી કરી હતી એમાં સામાન રાખી દઈ, બાપ-બેટીને વંદન કરી, છોકરાંને લઈ એ બંને અંદર ગોઠવાઈ ગયાં.
કૂકી તો શાંત હતી, પણ રસ્તામાં બન્ટી પૂછવા લાગ્યો:
‘અંકલ, આપણે ક્યાં જવાનું છે?’
‘આત્યા (ફોઈ)ને ત્યાં, બેટા!’
‘આત્યાનું ઘર ક્યાં આવ્યું?’
ત્યારે વાસુદેવને બદલે સુમિત્રાએ ઉત્તર આપ્યો:
‘મંગેશ નામનું ગામ છે ને, ત્યાં આત્યા રહે છે. તેં લતા મંગેશકરનાં ગીતો સાંભળ્યાં છે, મુન્ના?’
‘હો! અય મેરે વતન કે લોગોં-’
‘તો એ ગીત ગાનાર લતા આન્ટી મંગેશ ગામનાં છે, જોજે ને તું સરસ ગામ છે. નાની નાની હરિયાળી ટેકરીઓ વચ્ચે ગામ આવેલું છે. કૂકી અને તને ત્યાં બહુ મજા આવશે!’
‘પણ મમ્મીને તમે હજી સુધી કેમ નથી બોલાવી, અંકલ?’ વાસુદેવનો હાથ ઝાલી એકાએક બન્ટીએ પૂછ્યું.
‘જરૂર બોલાવીશ, દીકરા!’ વાસુદેવે એને પોતાના પડખામાં દાબતાં જવાબ દીધો, ‘આપણે મંગેશ પહોંચી જઈએ, પછી મમ્મી તથા નાનીબહેન ગુડ્ડીને ટેલિફોન કરીશું હોં!’
‘હો-’
‘હવે તારે ઊંઘવું હોય તો અહીં સૂઈ જા, ભાઈ!’
‘નથી ઊંઘવું!’
‘કેમ! થોડી વાર પહેલાં તો કહેતો’તો કે મને ઊંઘ આવે છે’!
‘હવે નથી આવતી!’
‘કેમ નથી આવતી?’
‘મને પેલા માણસની બીક લાગે છે!’
‘ક્યા માણસની બેટા?’
‘આપણે ચર્ચ પાસે ઊભાં’તાં અને આન્ટીએ માર્યો’તો ને, એ માણસ!’
‘એ તો બદમાશ હતો! આન્ટીએ એને માર્યો એટલે કેવો એ પડી ગયો નહીં? એની હવે બીક નહીં રાખવાની! એ હવે આપણી પાસે નહીં આવે.’
‘અને આવે તો?’
‘તો હવે અંકલ એને મારશે!’ સુમિત્રા બોલી ઊઠી અને થેલામાંથી કેડબરીનું પાકીટ કાઢી એની વિચારધારા તોડી, ‘લે કૂકી અને તું અરધી અરધી ચોકલેટ ખાઈ જાઓ!’
થયું પણ એવું જ. ખાવા આડે બન્ટી પેલાની વાત વિસરી ગયો. વાસુદેવે હાથ લંબાવી સુમિત્રાના હાથ પર હાથ રાખી દીધો. આંખોમાં અહોભાવ છલકાવી બોલ્યો:
‘થેંક યુ, સુમિ! હવે લાગે છે કે સારી માતા થવાનાં લક્ષણો તારામાં ધીમે ધીમે વિકસી રહ્યાં છે!’
‘કેમ?’
‘કેમ શું ? બાળમાનસ બરાબર સમજી શકે એ જ સારી માતા થઈ શકે! બાકી આવાં નાનાં બચ્ચાંના નાદાન પ્રશ્ર્નો સાંભળી, હંમેશાં બિલાડીની જેમ ધૂરકિયાં કરતી અપરિપકવ માતાઓ પણ મેં જોઈ છે!’
‘ત્યારે તો હવે હું તને પરિપકવ લાગવા માંડી, એમ ને?’
‘હા, પણ મારી પ્રશંસાથી એકદમ ફુલાઈ ન જતી! હજી ધીરજ, સહનશીલતા, ઉદારતા-એવાં લક્ષણો વિકસાવવાનાં તારે બાકી છે!’
‘અચ્છા સાહેબ! બીજું કાંઈ?’
‘બીજું ભાષણ બીજી કોઈ વાર ! અત્યારે એ ત્રણ મુદ્દા પર જ ધ્યાન કેન્દ્રિત કરો. મિસ સુમિત્રા!’
‘હું ક્યાં ‘મિસ’ રહી છું?’ ઊંડો નિ:સાસો નાખી સુમિત્રા કહેવા લાગી, ‘અત્યારે તો ન ઘરની ન ઘાટની-એવી મારી હાલત છે! પેલા બાપડા ત્રિશંકુ જેવી!’
‘ના, એ ત્રિશંકુ કરતાં તમે ઘણે દરજ્જે સુખી છો સુમિત્રાદેવી! વાસુદેવે હળવાશ લાવવા વાત આગળ ચલાવી, ‘એ તો બાપડો અધવચ્ચે લટકી રહ્યો’ તો ! જ્યારે તમે, તમારા પ્રિયતમ જોડે, અત્યારે આ રમણીય ભૂમિ પર સફર કરી રહ્યાં છો! માટે કુરુક્ષેત્રના યુદ્ધમાં હથિયાર છોડી વિષાદગ્રસ્ત થયેલા અર્જુનને શ્રીકૃષ્ણે કહ્યું’ તું, એમ, ગ્લાનિ છોડીને સ્વસ્થ થઈ બેસો દેવી! તમારા જેવાં શાણાં સજનીને આવો-કલેશ આપનાર વિષાદ શોભતો નથી!’
‘બસ, થયું!’ મીઠો છણકો કરી સુમિત્રાએ પોતાનો હાથ ખેંચી લીધો, ‘આટલું બધું ડહોળવાની અત્યારે કશીયે જરૂર નથી! આઈ એમ ઓલરાઈટ?’
‘તો બસ! કહેતો વાસુદેવ હસી પડયો. ‘હું પણ તમને હંમેશાં’‘ઓલરાઈટ’ જોવા ઈચ્છું છું, દેવી!’
‘હવે દેવી-ફેવી કર્યા વિના છાનો રહે, નહીં તો મારી બેસીશ, હા!’
‘જો છેવટે તારી જાત પર આવી ગૂઈ ને!’
આમ મીઠો કલહ કરતાં ઊંચી ઝાડી અને નાના ડુંગરાઓથી છવાયેલી મંગેશ ગામની ધરતી પર ક્યારે પહોંચી ગયાં તે ખબર પણ ન પડી! જનાફોઈના ઘર આગળ ટેક્સી થોભાવી ઊતરી પડ્યાં.
પચાસેક વરસનાં વિધવા જનાફોઈ એવડા મોટાં મકાનમાં આંધળાં એવાં વૃદ્ધ સાસુ જોડે રહેતાં હતાં. દીકરો અને વહુ હૈદરાબાદ હતાં તે અવાર-નવાર આવી એમની ખબર કાઢી જતા.’ અત્યારે અજાણ્યા યુવક અને બેઉ છોકરાં સાથે સુમિત્રાને જોઈ, આંગણામાં બેસી અનાજ સાફ કરતાં હતાં તે ઊભાં થઈ સુમિત્રાને વળગી પડ્યાં. કૂકીને ઊંચકી બોકી ભરી, પછી વાસુદેવને કહ્યું:
‘યા, આંત યા, ભાઉ!’
ડોસી આંગણાની ઓટલી પર આડે પડખે થયાં હતાં. તેમણે કાન સરવા કરી ખોખરા સ્વરે પૂછ્યું:
‘કુણ આવ્યું છે જના?’
‘એ તો માઈ, અમે છીએ!’ જનાબાઈને બદલે સુમિત્રાએ એમની નજીક જઈ જવાબ આપ્યો, ‘અરવલેમથી ભાઉસાહેબની સુમિત્રા અને બીજા એક મહેમાન ! કેમ છો, માડી?’
‘એમની એમ જ છું, દીકરી!’ બેઠાં થવાનો પ્રયત્ન કરી ડોસી કહેવા લાગ્યાં, ‘આંઈ પડોસમાં પેલો પરભ્યો ગાંડો હતો ને?’
‘હા, હતા. પણ એનું શું છે?’
‘એ પરભ્યો બિચારો ભગવાનને ઘેર પહોંચી ગયો, પણ મને હજી મોત નથી આવતું, દીકરી!’
‘આવશે! મારી માઈ પણ મોતને રોજ તેડાં મોકલે છે, પણ હજી સુધી ભગવાને એની અરજ નથી સાંભળી!’
‘મારીય મૂઓ નથી સાંભળતો! પણ સાચું કહું છું: હવે તો જીવવાના અભરખા લગીરે નથી રહ્યા!’
સુમિત્રા કંઈક કહેવા જતી હતી ત્યાં તો પરસાળ બાજુથી જનાફોઈનો સાદ સંભળાયો.
‘સુમિ, પહેલાં પાણી પી અને સ્વસ્થ થા. માઈની વાતો તો તને ઊંઘમાંયે સાંભળવા મળશે!’
‘જેના શું કહી રહી છે, સુમિ!’ પાંપણો પટપટાવતાં ડોસીએ પૂછયું.
‘કહે છે કે: અમારી જોડે બે છોકરાં છે એમનાં કપડાં બદલાવ!’
‘તો જા, દીકરી! વાતો આપણે પછી કરીશું.’
બેઠા ઘાટનું, મેંગલોરી નળિયાવાળું લાંબુ પહોળું મકાન હતું. આસપાસ વાડી તથા કૂવો હતાં. પાણી પી, પડખેના દરવાજા પાસે ઊભો રહી વાસુદેવ દૂર દેખાતા મંગેશના જાણીતા શિવાલયનું શિખર અને એની ઉપર ફરફરતી ભગવી ધજા નિહાળી રહ્યો હતો. ત્યારે અંદરના ખંડમાં જનાફોઈએ પાણી પીવાને બહાને અંદર બોલાવેલી સુમિત્રાને આસ્તે રહી પૂછવા માંડયું:
‘તારી જોડેના મહેમાન કોણ છે, સુમિ?’
‘સદુના ભાઈબંધ છે.’
‘ફક્ત સદુના ભાઈબંધ છે કે પછી કંઈક વિશેષ પણ છે?’
‘વિશેષ બીજું શું હોય, આત્યા?’
‘એ હું શું જાણું? તું કહે તો જ મને ખબર પડે ને, બાઈ!’
‘ખોટું ન બોલો, આત્યા! તમને ખબર પડી જ ગઈ છે!’
‘તું બહુ પકકી છે, હોં છોકરી! તારે તારા પેટનો પાર નથી આલવો અને મારા મનમાં શું છે એ જાણવું છે!’
‘તમે જાણી જ ગયાં છો પછી તમારે વધારે શું જાણવું છે, આત્યા?’
‘હું … તો તારા આ નવા “નવરા (વર)ને મારું ઘર બતાવવા લાવી છે, એમ ને?’
‘લો! મીઠો છણકો કરી સુમિત્રા બોલી ઊઠી, ‘તમે તો વાસુને મારો ‘નવરોયે બનાવી દીધો એટલામા!’
‘કેમ હજી નવરા-બાયકો વચ્ચેની ગાંઠ નથી વાળી કે!’
‘આત્યાના આશીર્વાદ વગર એમ ગાંઠ વળાય છે?’
‘રહેવા દે હવે!’ ફોઈએ સુમિત્રાને વાંસે ધબ્બો મારી કહ્યું, ‘આજની છોડીઓને હું શું નથી જાણતી ? વડીલોના આશીર્વાદ પહેલાં જ એમની ગાંઠ વળાઈ ચૂકી હોય છે!’
‘એ તો મનથી ! બાકી…’ બોલતાં બોલતાં એ અટકી ગઈ. વાસુદેવને બારણા વચ્ચે ઊભેલો જોઈ, કંઈક યાદ આવ્યું હોય એમ બોલી ઊઠી, ‘અરે, તને અને છોકરાંને ચા-નાસ્તો દેવાનાં છે એ તો હું ભૂલી જ ગઈ!’
‘મને ભૂલી જાય એનો વાંધો નથી!’ વાસુદેવે મર્માળું હસીને જણાવ્યું, ‘પરંતુ બેઉ છોકરાં ક્યાં છે એ કહે ?’
‘છોકરાં તો પાછળ કૂતરીનાં ગલુડિયાં જોડે રમતાં હશે, વાસુભાઈ!’ જનાફોઈએ કહ્યું.
‘પણ કૂતરી કરડી ખાય એવી તો નથી ને, આત્યા?’
‘ના. મારી આ સુમિ જેવી ડાહી અને બિલકુલ શાંત છે બિચારી!’
‘હા, તમારી સુમિ કેવી ડાહી અને શાંત છે તે હું જાણું છું!’
‘કેમ ભઈ! એનામાં તમે કંઈ અપલક્ષણ ભાળ્યું કે?’
‘અપલક્ષણ એ જ કે એક કલાકના આખે રસ્તે એણે મારી સામે ઘૂરક્યા જ કર્યું છે, આત્યા!’
ને એટલું બોલી વાસુદેવ પાછલી
બાજુ ચાલી ગયો.
(ક્રમશ:)ઉ