‘એમ માનવામાં આવે છે કે શંકરની હત્યાના એક માત્ર સાક્ષી વાસુદેવ મહેતાને પણ ખતમ કરવાનો હતો. કોઈકની રિવૉલ્વરની ગોળીથી વીંધાઈ, સારવાર અર્થે માટુંગાની ડૉ. વર્માની ક્લિનિકમાં એ પડ્યો હતો. ત્યારે એને પૂરો કરવા ડૉ. લેખરાજને પચ્ચીસ હજાર અપાયાનું બહાર આવ્યું છે
વિઠ્ઠલ પંડ્યા
(ગતાંકથી ચાલુ)
ગોવાનું સૌથી વિખ્યાત અને સોળમી સદીમાં બાંધવામાં આવેલું ચર્ચ ‘બાસીલિકા ઓફ બોમ જેસસ’ જોઈ બહાર નીકળતા હતા ત્યારે વાસુદેવને લાગ્યું કે ચાલીસેકની ઉંમરનો એક માણસ ક્યારનોયે એમની પાછળ પાછળ ફર્યા કરે છે. વધુ શક તો ત્યારે ગયો, કે એના હાથમાંનું છાપું જોતો વારંવાર પોતોની સામે એ તાકી રહેવા લાગ્યો. તરત વાસુદેવે દુર્ગાનું ધ્યાન દોર્યું.
‘પાછળ આવતો પેલો માણસ મને ઓળખી ગયો લાગે છે!’ ચાલો, આપણે અહીંથી જ પાછાં વળી જઈએ! જો, એ છાપામાં જોવા લાગ્યો!’
દુર્ગાને પણ થયું: વાત ખોટી નથી! આથી કોઈ જાતની દલીલ કર્યા વિના સુમિત્રાને ઈશારો કરી, દોડાદોડી કરી રહેલાં છોકરાને પકડી લઈ બધાં ટેક્સી ઊભી હતી એ બાજુ વળ્યાં.
પેલો પણ એમને અનુસર્યો.
દૂર ઊભેલા ડ્રાઈવરને બોલાવી લઈ સુમિત્રા તથા છોકરાને અંદર બેસાડ્યા અને દુર્ગાએ વાસુદેવને કહ્યું:
‘તમે કેમ બહાર ઊભા છો? બેસી જાઓને!’
ત્યાં તો પેલો માણસ ઝડપથી દોડી આવ્યો:
‘ઊભાં રહો! આ મિસ્ટર વાસુદેવ મહેતા છે અને મુંબઈથી બન્ટી નામના બાબાને ઉઠાવી લાવ્યા છે. હું સી.આઈ.ડી. પોલીસ છું અને મારે…’
પરંતુ વાક્ય એ પૂરું કરવા પામ્યો નહીં એને તો શું – વાસુદેવનેય ખ્યાલ નહોતો કે દુર્ગા વાઘણની જેમ એના પર તૂટી પડશે!
કરાટે અને કૂંગફૂની ચેમ્પિયન દુર્ગાએ વીજળીની ત્વરાથી એને ભોંયભેગો કર્યો અને લાતપ્રહાર કરતી બોલતી ગઈ:
‘સાલા ડામીસ! સી.આઈ.ડી.ને નામે બ્લેકમેઈલ કરવા આવ્યો છે કે? મારાં બહેન-બનેવી પૂનાથી અહીં ફરવા આવ્યા છે અને તારે ખોટી રીતે હેરાન કરવા છે એમને?’
એટલામાં પર્યટકો પણ ટોળું વળી ગયા હતા. પેલાનું છાપું ઉઠાવી લઈ, વાસુદેવ સાથે ટેક્સમાં બેસી જતાં દુર્ગાએ મૂઢમારથી ઉંહકારા કરતા પેલાને પાછી ધમકી દીધી:
‘આવજે હવે અમારી પાછળ! પૈસા પડાવવાની તારી ચતુરાઈનો હું બરાબર બદલો વાળી દઈશ: ડ્રાઈવર, ચલાવો ટેક્સી આગળ!’
આગણ પણજી તરફ જતાં રસ્તામાં દુર્ગાએ ધીમે સ્વરે વાસુદેવને પૂછ્યું: ‘પોલીસ અહીં સુધી પહોંચી ગઈ છે! હવે તમારો આગળનો પ્રોગ્રામ શો છે?’
‘ચિંતા ન કર!’ સિગારેટ સળગાવતા વાસુદેવે ઠંડે કલેજે જવાબ આપ્યો, ‘નક્કી કર્યા મુજબ અમારો પ્રોગ્રામ ચાલુ રહેશે!’ ને પછી છાપા પર ટૂંકમાં લખી દીધું, ‘આ ટેક્સી ઘર સુધી નથી લેવાની!’
‘ઓ.કે.’ એનો મર્મ સમજી જઈ દુર્ગા પછી ચૂપ રહી.
રાજકીય લોબીમાં હોબાળો મચી ગયો હતો, કેટલાક પ્રધાનો તથા ધારાસભ્યો, ગોરખનાથ, કુબેકર ખુલ્લા પડવાની અણી પર હતા જાણી, ગેલમાં આવી ગયા હતા. ઊપલી સપાટીએ હલચલ પેદા થઈ હતી, એમાં વળી અખબારી આલમે એવી કાગારોળ મચાવી દીધી હતી કે અંતે નાછૂટકે કુબેકરે પત્રકારોની મિટિંગ બોલાવવી પડી!
‘પ્રધાનમંડળમાંના મારા વિરોધીઓનું આ એક નીચ કાવતરું છે. પત્રકારો સમક્ષ એ સ્પષ્ટતા કરવા લાગ્યા, ‘મારું ચારિત્રખંડન કરવાની એમની આ પૂર્વયોજિત ચાલ છે! હા, વાંદરામાં ત્રણેક વરસથી હું એક જૂનો બંગલો ધરાવું છું એ વાત સાચી, પરંતુ ત્યાં હું કે મારા કુટુંબના સભ્યો ભાગ્યે જ જઈએ છીએ. એટલે એવી અવડ જગ્યામાં, મારા કોઈ હિતશત્રુએ કોઈને મારી નાખીને પાછલા ભાગમાં દાડી દીધો હોય એ શક્ય છે! એ માટે મારી તરફ આંગળી ચીંધવાથી હું કાંઈ ગુનેગાર બની જતો નથી!’
‘આપની દલીલ અમે સ્વીકારીએ છીએ!’ એક પ્રૌઢ વયના પત્રકારે કહેવા માંડ્યું, ‘પરંતુ આપના એ બંગલાનો ગુરખો કહે છે કે આપ તારીખ સત્તર ફેબ્રુઆરીની રાતે, થોડાક અંગત સ્ટાફ સાથે, એ બંગલામાં હાજર હતા.’
‘હા, હતો. બંગલાનું સમારકામ કરાવવાનું હોઈ, મારા સ્ટાફના ત્રણચાર માણસોને લઈ, ત્યાંની હાલતનું નિરીક્ષણ કરવા ગયો હતો. બોલો, બીજું કાંઈ?’
‘બીજું એ જ કે… સત્તરમી ફેબ્રુઆરીની ગૌઝારી રાતે જ “રાષ્ટ્ર-જ્યોતિ અખબારનો એક હોનહાર પત્રકાર શંકર એ બંગલામાં જ હણાઈ ગયો, સાહેબ!
‘ધીસ ઈઝ નોનસેન્સ!’ ઉશ્કેરાઈને કુબેકર સાહેબ બોલી ઊઠ્યા, ‘એ બંગલામાં એ રાતે જ શંકર હણાઈ ગયો એની તમારી પાસે કઈ સાબિતી છે, મિસ્ટર?’
‘સાબિતી કે સબૂત તો પાછળથી સાંપડશે, સર!’ બીજા પત્રકારે મમરો મૂક્યો, ‘અત્યારે તો પોલીસતંત્ર અને અમે પત્રકારો ફક્ત તર્ક ઉપર આગળ વધીએ છીએ.’
‘ઘણીએ વાર આંખે દેખી બાબતો પણ ખોટી ઠરે છે’ કુબેકરે દલીલ કરી, ‘માત્ર તર્ક લડાવવાથી સત્ય સાંપડતું નથી! નક્કર ભૂમિકા વગર, મારા કોઈ દુશ્મનના દોરવાયા તમે મારા પર કાદવ ઉછાળવા માંડો એ ઠીક નથી! મારું તો ઠીક! મને તો સૌ કોઈ ઓળખે છે, પરંતુ આ દેશમાં પત્રકારો તરીકે તમારું નામ પણ આમાં વગોવાય છે! માટે આપ સૌને હું નમ્રપણે અપીલ (વિનંતી) કરું છું કે મારા પર પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે માછલાં ધોવાનું રહેવા દો!’ કહી એમણે પોતાના માણસોને ઈશારો કર્યો ‘આ સર્વ પત્રકાર મિત્રોને “ડ્રિંક્સ સર્વ કરો પછી આપણે ભોજન લઈશું!’
‘ડ્રિંક્સ અને ભોજન અમે જરૂર લઈશું સર!’ એક જુવાન પત્રકારે બીજા તરફ આંખ મીંચકારીને કહ્યું, ‘પરંતુ કોઈ એક નલિની ચાફેકર નામની બાઈ જોડે આપને…’
‘પ્લીઝ, એ વાત અત્યારે ન કાઢો!’ વચ્ચે જ કુબેકર સાહેબ અસહિષ્ણુ થઈ બોલી ઊઠ્યા, ‘એ મારો એકદમ અંગત મામલો છે!’
‘પરંતુ સર, એ અંગત મામલાને પત્રકારમિત્ર શંકરની હત્યા સાથે સંબંધ છે એનું શું?’
‘કઈ રીતનો સંબંધ છે? તમે કહેવા શું માગો છો, મિસ્ટર?’
‘હું સર, એજ કહેવા માગું છું કે, એ નલિનબાઈ પ્રેગનન્ટ હોવાના એને આપ ત્રાસ આપતા હોવાના મભમ સમાચાર શંકરે “રાષ્ટ્ર જ્યોતિમાં પ્રગટ કર્યા હતા. એ પછી શંકરને આપે તારીખ સત્તરમી ફેબ્રુઆરીની રાતે વાંદરાના અવડ એ બંગલામાં બોલાવ્યો અને પછી ત્યાં જ એનું મોત નિપજાવવામાં આવ્યું!’
‘આ બધું હમ્બગ છે!’ કુબેકરસાહેબ ગુસ્સે થઈ ગયા, ‘એ મામલામાં મને સંડોવવા ઊભું કરેલું આ એક તર્કટ છે! કોઈકના સડેલા ભેજાંની બેજવાબદારીભરી કલ્પના માત્ર છે! અફસોસ મને એ વાતનો છે કે મુંબઈના અગ્રગણ્ય એવા તમે પત્રકારો પણ આમાં ખોટી રીતે દોરવાઈ ગયા છો!’
‘અચ્છા, સાહેબ! બીજા પત્રકારે મીંઢું હસીને જવાબ દીધો, ‘અમારી એ બેવકૂફી કહેવાય કે ખોટી રીતે અમે દોરવાઈ જઈએ છીએ, પરંતુ બીજી એક વાતનો ખુલાસો કરશો આપ?’
‘કઈ બાબતોનો ખુલાસો જોઈએ છે તમારે?’
‘એમ માનવામાં આવે છે કે શંકરની હત્યાના એક માત્ર સાક્ષી વાસુદેવ મહેતાને પણ ખતમ કરવાનો હતો. કોઈકની રિવૉલ્વરની ગોળીથી વીંધાઈ, સારવાર અર્થે માટુંગાની ડૉ. વર્માની ક્લિનિકમાં એ પડ્યો હતો. ત્યારે એને પૂરો કરવા ડૉ. લેખરાજને પચ્ચીસ હજાર અપાયાનું બહાર આવ્યું છે. આ સંબંધમાં આપ કંઈ કહેશો?’
‘તમે બેવકૂફ જેવો પ્રશ્ર્ન ન પૂછો! આમાં મારે શું લાગેવળગે છે?’
‘શું લાગેવળગે છે એની વાત પછી, પરંતુ ડૉ. લેખરાજે પોલીસ કમિશનર સમક્ષ આજે જ લેખિત કબૂલાત આપી છે કે તારીખ સત્તરમી ફેબ્રુઆરીની મોડી રાતે, વાસુદેવને ભગવાનને ઘેર પહોંચાડવા આપે રૂપિયા પચ્ચીસ હજાર પૂરા…’
‘શટ અપ! યુ સ્વાઈન (ડુક્કર)!’ ખુરશી પરથી ઊભા થઈ જતાં કુબેકર સાહેબ ગર્જી ઊઠ્યા, ‘નાલાયક, બદમાશ! તારી આ હિંમત કે તું સીધો મારા પર આક્ષેપ મૂકે છે? ગેટ આઉટ! તમે બધા જ ચાલ્યા જાઓ! તમે એકેએક કોઈકના ખરીદાયેલા ભૂંડા છો! ચાલ્યા જાઓ, અબી ને અબી! હું તમારાં ડાચાં જોવા માગતો નથી!’