પ્રકરણ-૩૫ – વિઠ્ઠલ પંડ્યા
અમે પત્રકારો તો આમેય ગુંડાઓના રાજમાં ક્યાં સલામત છીએ? એટલે એક દુશ્મન ઓર સહી! તમારી ધમકીથી હું નથી ડરતો. કુબેકર સાહેબ! તમે જેમ શંકર જેવા નિષ્ઠાવાન પત્રકારને ખતમ કરી નાખ્યો એમ મારુંયે મોત નિપજાવી શકો છો!
—-
‘ભલે’ કહેતા મધુસૂદન સતર્ક થઈ બેઠા, ‘ફોન આપો સાહેબને!’ને પછી પોતાનું ટેપરેકોર્ડર ચાલુ કર્યું.
ફોન લેતાં જ કુબેકર સાહેબે ગર્જના કરી:
‘તુમચ્ચા ડોકા ફિરલા આહે કાય, મધુસૂદન?’
‘મારું ડોકું (માથું) તો બરાબર ઠેકાણે છે, સાહેબ! બોલો, સવારે સવારે મારું શું કામ પડ્યું?’
‘કામમાં તમારું માથું!’ સાહેબ ફરી વાર ગર્જ્યા, ‘તમે શા માટે હાથ ધોઈને મારી પાછળ પડ્યા છો એ કહેશો મને?’
‘મને તો એવું નથી લાગતું કે હું આપની પાછળ પડ્યો હોઉં! હા, બાકી આપે અમારા એક પત્રકારની હત્યા કરાવી છે અને બીજાને પણ રામશરણ કરવા તત્પર થઈ ગયા છો, એટલું હું જાણું છું!’
‘ઈટ ઈઝ નોનસન્સ! તમારા આ આક્ષેપો પાયા વગરના છે! આ બાબતમાં તમારી પાસે કોઈ પ્રૂફ છે ખરાં?’
‘પ્રૂફ પણ વખત આવે હાજર કરીશું, સાહેબ અને ત્યારે આપની આ ગર્જના મ્યાઊં જેવી થઈ જશે એટલું ખ્યાલમાં રાખજો!’
‘જુઓ મધુસૂદન, તમે હજી મને બરાબર ઓળખતા નથી! તમારા જેવાં સો મગતરાંને મારા ખિસ્સામાં રાખી ફરું છું અને વખત આવે એમને મસળીયે નાખું છું! માટે વધારે ઉધામા કરવા રહેવા દો અને મને જણાવો કે મારા પૌત્ર બન્ટીને લઈ પેલો હરામજાદો વાસુદેવ ક્યાં ગયો છે?’
‘વાસુદેવની મને કશી ખબર નથી! મહિના સવા મહિનાથી મેં એને ભાળ્યો જ નથી, સાહેબ!’
‘જૂઠું ન બોલો! બન્ટીને “કિડનેપ કરવાના કાવતરામાં તમે પણ સામેલ છો!’
‘હું એમાં સામેલ હોઉં ‘તો આપ પણ સાબિતી પૂરી પાડો, સાહેબ!’
‘સાબિતી શું, વખત આવે તમને હાથકડી ન પહેરાવું તો હું ગોરખનાથ નહીં! યાદ રાખો, તમે સૂતેલા નાગને છંછેડી રહ્યા છો! વાઘની બોડમાં પ્રવેશી ગયા છો! તમે ને તમારું કુટુંબ સલામત કેવી રીતે રહે છે તે હું યે જોઈશ!’
‘ભલે. અમને બધાંને મારી નખાવજો, સાહેબ! આપના ધંધા જ એવા છે! આપનું ખાનદાની લોહી જ એવું છે કે હિણાં કૃત્યો કર્યો વિના એને ચેન ન પડે!’
‘શટ અપ! તારી તો હું એવી ખબર લઇ નાખીશ કે… ધોળે દિવસે તને તારા દેખાશે!’
‘તારા કોણ જુએ છે તે કુબેકર સાહેબ, તમે ય યાદ રાખી લો! તમારા કૃકર્મની એકેએક હકીકત બહાર પડતી જશે એમ તમારાં ગાત્રો ઢીલાં પડતાં જશે! તમારી નીચતાનો પરદો હજી તો અરધો જ ઊંચકાયો છે! બાકીનો થોડા દિવસોમાં ઊંચકાશે! એ વખતે.’
‘એવો વખત આવે એ પહેલાં તું આ ધરતી પરથી રવાના થઇ ચૂકયો હોઇશ, મધુસૂદન! યાદ રાખ, મને બદનામ કરવાનું તારું આ કાવતરું હું તને પાર પાડવા નહીં દઉં!’
‘જોઇશ ત્યારે! અમે પત્રકારો તો આમેય ગુંડાઓના રાજમાં ક્યાં સલામત છીએ? એટલે એક દુશ્મન ઓર સહી! તમારી ધમકીથી હું નથી ડરતો. કુબેકર સાહેબ! તમે જેમ શંકર જેવા નિષ્ઠાવાન પત્રકારને ખતમ કરી નાખ્યો એમ મારુંયે મોત નિપજાવી શકો છો! પણ ધ્યાન રહે કે તમારું પાપ તો હવે છાપરે ચડી ચૂકયું છે! એક શંકરના મૌનથી અંત નથી આવવાનો! વાસુદેવ અને હું હજી જીવતા છીએ! અને અમારા ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી અમે તમારો પીછો નહીં છોડીએ! હરગીઝ નહીં-’ ને એટલું બોલી મધુસૂદને ફોન જોરથી પટકી દીધો. ટેપરેકોર્ડરની સ્વીચ પણ બંધ કરી.
એમના સ્વરમાં ઉશ્કેરાટ ભાળી, નજીક આવી ઊભેલાં એમના પત્ની વીણાએ પૂછયું:
‘કોની જોડે આટલી ટપાટપી કરી રહ્યા છો અત્યારના પહોરમાં?’
‘હતો એક કુત્તો!’ તંગ થયેલા લમણાં દાબતાં મધુસૂદને જવાબ આપ્યો, ‘મને એક ગ્લાસ પાણી આપીશ?’
વીણાબહેને એમને પાણી દીધું અને સામે બેઠાં. પાણી ગટગટાવી જઇ મધુસૂદન ઊભા થયા. ખંડમાં ચક્કર મારવા લાગ્યા, પછી અટકી જઇ કહેવા લાગ્યા:
‘વીણા, આજ ને આજ તું અને મુકેશ સુરત તારા ભાઇને ત્યાં ચાલ્યાં જાઓ!’
‘પણ શા માટે? એવી શી આપત્તિ આવી પડી છે?’
‘આપત્તિ ગમે તે ઘડીએ આવે એમ છે.’ પાછા સોફા પર બેઠક લેતાં મધુસૂદન કહેવા લાગ્યા, ‘એક નરપિશાચ સાથે પનારો પડયો છે, એનાં સુખ-ચેન અમે હરી લીધાં છે! એટલે એ હવે આપણને જંપવા નહીં દે!’
‘પણ કોણ નહીં જંપવા દે એ તો કહો!’
‘અહીંના પ્રધાન પેલા કુબેકરની વાત હું કરું છું. આજનાં બધાં પેપરો જોયાં તેં? નજર જરા ફેરવી લેજે.’ એનાં કરતૂતો ખુલ્લાં પડી જવાની ઘડી આવી પહોંચી છે. એટલે એ ભુરાટો થયો છે! એના ગુંડાઓ મારફત ક્યારે આપણામાંના કોઇ પર આફત ઉતારે એ કહેવાય નહીં! એટલે જ કહું છું કે સાંજની ગાડીમાં મા-દીકરો સુરત ભેગાં થઇ જાઓ!’
‘પરંતુ તમે અહીં અને અમે…’
‘મારી ફિકર ન કર!’ વચ્ચે જ મધુસૂદન અધીરાઇપૂર્વક બોલી ઊઠ્યા, ‘મારી સલામતીનો બંદોબસ્ત હું કરી લઇશ!’
‘પણ મુકેશને પંદર દિવસ કેડે તો ફાઇનલ પરીક્ષા આવે છે. એનું શું?’
‘ત્યારે જોયું જશે, પણ બપોરે જ તૈયારી કરી લે!’
‘ભલે’- કહી ઊંડો નિ:સાસો નાખી વીણાબહેન ઊભાં થયાં. મધુસૂદને નાયબ પોલીસ કમિશનરને ફોન જોડયો.
‘કુલકર્ણી સાહેબ મિ. મધુસૂદન બોલતો આહે!’
‘હા, મિસ્ટર શાહ! બોલો: આણખીન નવીન કાય આહે?’
‘નવીનમાં એ છે સાહેબ, કે થોડીવાર પહેલાં જ કુબેકર સાહેબે ફોન પર મને ધમકી દીધી.’
‘શી ધમકી દીધી?’
‘અમને બધાંને ખતમ કરી દેવાની વાત કરી એમણે!’
‘એમ?’
‘જી. હા! મેં બધી વાતચીત ટેપ કરી લીધી છે, આપ કહો તો બપોરે ઑફિસમાં એ લઇ આવું.’
‘હમણાં જરૂર નથી પણ સચાવીને રાખો, અને બીજી વાત: ગઇ રાતે જ કમિશનર સાહેબ જોડે મારે વાત થઇ ગઇ છે. એમણે શંકરના ગુમ કરવામાં આવેલા શબ સંબંધે તપાસ આગળ વધારવાનો આદેશ
આપ્યો છે.
વાંદરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર માચવે એ સંબંધે કાર્ય કરશે, શબને ત્યાંથી ઉપાડી જઇ બાળી નાખવામાં આવ્યું છે કે ફરીથી ક્યાંક દાટી દેવામાં આવ્યું છે કે પછી એ હરામખોરોએ દૂર ક્યાંક લઇ જઇને દરિયામાં પધરાવી દીધું છે, એનું પગેરું શોધવા ચક્રો ગતિમાન થઇ ગયાં છે.’
‘એ તો સાહેબ, ઠીક.’ કુલકર્ણી સાહેબની લાંબી વાતને અંતે મધુસૂદનને વ્યંગ કર્યો, ‘પણ આ જીવતા માણસની ગતિવિધિ સંબંધે કાંઇ આપે વિચાર્યું છે ખરું?’
‘તમારે માટે શું વિચારવાનું છે?’
‘કાંઇ નહિ, સાહેબ! તમારા પ્રધાનસાહેબે ધોંસ આપી છે કે એ પોતે નાગ છે. તો ડંખ્યા વગર હવે રહેશે નહિ! એ વાઘ છે તો અમને ફાડી ખાધા વિના જંપશે નહિ! અમારા શંકરની જેમ, ક્યારે એના ગુંડાઓ દ્વારા અમને ખતમ કરાવશે તે કહેવાય નહીં! એટલે કદાચ કાલે મારી ઓચિંતી હત્યા થાય તો પછી આપ અને આપનો પોલીસ સ્ટાફ, આવા કિસ્સાઓમાં બનતું હોય છે એમ, મારા હત્યારાઓને શોધવા કોઇ સાવંતને કે કોઇ માચવે ઇન્સ્પેકટરને આદેશ આપી દેજો!’
‘નહિ. નહિ મધુભાઇ, એવું ન ધારી લો!’ સામેથી કુલકર્ણી સાહેબે હૈયાધારણ આપતાં જણાવ્યું, ‘તમારા સૌની સલામતી માટે અબઘડી જ હું વ્યવસ્થા કરું છું. આ હત્યાકેસનો ફેંસલો ન આવે ત્યાં સુધી તમારે ઘેર તથા તમારા કાર્યાલય પર પાકો પોલીસ બંદોબસ્ત કરાવું છું, માટે બેફિકર રહો. તમને કાબેલ બોડીગાર્ડ પણ આપું છું, તમને જાણીને નવાઇ થશે, પણ આ મામલામાં આપણા હોમમિનિસ્ટર કાંબળે સાહેબ ઊંડો રસ લઇ રહ્યાં છે,’
‘એમ વાત?’
‘હા. એમને આજ્ઞા કરી છે આ ખૂનના બારાંમાં કોઇ પણ બેદરકારી રહેવી જોઇએ નહીં. ક્યાંક પણ ભીનું સંકેલવાનો પ્રયત્ન થાય તો મને તરત ખબર આપજો, એટલે શું કહું છું, ડોન્ટ બી નરવસ, મિસ્ટર શાહ!’
‘હું સાહેબ, નરવસ નથી થતો! એક નીડર પત્રકારની ખુમારી અને ખમીર હૈયું ધરાવું છું! એટલે જ હિંમતપૂર્વક આ બાબત માથે લીધી છે.’
‘અચ્છા, પણ એક વાત પૂછવાની રહી જાય છે, મધુભાઇ.’
‘શી વાત છે, સાહેબ!’
‘કુબેકર સાહેબના ગ્રાન્ડસનનું અપહરણ થયું છે એ વિશે તમે કેટલું જાણો છો?’
‘આપના જેટલું જ સાહેબ!’
‘વિશેષ કાંઇ નહીં!’
‘ના. વાસુદેવની નાની બહેનને કોઇ ગુંડાઓ મહિના પર “કિડનેપ કરી ગયા હોવાની હકીકત પણ મેં થોડા વખત પર જ જાણી અને ગઇ રાતે જ એક પ્રેસનોટથી મેં જાણ્યું કે બન્ટી નામનો કુબેકર સાહેબનો પૌત્ર ગુમ થયો છે!’
‘અચ્છા, પણ વાસુદેવ મહેતા તમારા સંપર્કમાં નહોતો?’
‘ના સાહેબ! નહોતો અને નથી!’
‘તો વાંદરાના બંગલામાં સિમેન્ટની ઓટલીનો ફોટો કોણે લીધો’તો?’
‘લલિત વોરાએ!’ જરાયે ખચકાટ વગર મધુસૂદને ઉત્તર આપ્યો. ‘મારા પ્રેસ ફોટોગ્રાફરને લઇ એક દિવસ વાંદરાના એ બંગલે અમે ગયા’તા!’
‘ઓલરાઇટ! પણ વાસુદેવને પકડવા કુબેકર સાહેબ વોરંટ કઢાવવાના છે એ સમાચાર પણ તમને આપી દઉં!’
‘ભલે કઢાવે. એ સિવાય એમને કોઇ આરોયે નથી ને!’
‘અચ્છા! તો કાંઇ મુશ્કેલી હોય તો જણાવજો.’
‘ઓ. કે. સર!’ કહી મધુસૂદને ફોન રાખી દીધો. પછી કંઇક યાદ આવ્યું એટલે એક કાગળ પર સંદેશો લખી, અંદરના ખંડમાં વાંચતા બેઠેલા પુત્રને કહ્યું, ‘મુકેશ, લે આ પૈસા! પોસ્ટ ઑફિસે જઇ ‘એકસપ્રેસ’ ટેલિગ્રામ કરી આવ! પછી આ કાગળિયું ફાડી નાખજે!’
બપોરે જમીને ઊભા થતા હતા ત્યાં દરવાજાની બેલ રણકી નોકરાણીએ અધખોલો દરવાજો કર્યો, તો એક સશક્ત જુવાને પૂછયું:
‘શાહ સાહેબ છે?’
‘હા છે, કોણ છો તમે?’
‘મારું નામ મોડક! સાહેબને કહો: કુલકર્ણી સાહેબે મને મોકલ્યો છે.’
મધુસૂદન પોતે ત્યાં આવ્યા. આવનાર મોડકે એમને ખિસ્સામાંથી કાઢી પોતાનો બિલ્લો બતાવ્યો ને કહ્યું:
‘આપના બોડીગાર્ડ તરીકે મારે સેવા આપવી એવો સાહેબનો હુકમ છે. ઘરથી પ્રેસ સુધી અને પ્રેસથી ઘર સુધી આપની સાથે હું રહીશ, સર!’
‘થેંક યું, મિસ્ટર મોડક! આવો બેસો!’
‘ના, જી, હું નીચે સબ ઇન્સ્પેકટર ભોંસલે જોડે બેસું છું.’
‘ઓહ! તો એટલામાં કુલકર્ણી સાહેબે પોલીસ બંદોબસ્ત પણ કરી લીધો?’
‘યસ, સર! ઉપરથી કાંબળેસાહેબ (હોમ મિનિસ્ટર)નો હુકમ છે, લુઝ પોઇન્ટ (ઢીલાપણું) કયાંય રહેવા ન દેશો.’
‘વાહ! મારા જેવા એક તંત્રી – પક્ષકાર માટે તો આ બહુ મોટી વાત કહેવાય!’ કહી મધુસૂદન મર્માળું હસ્યા અને બોલ્યા, ‘જસ્ટ એ મિનિટ! હું પણ નીચે આવું છું, મિસ્ટર મોડક!’
‘મિસ્ટર નહીં સર! એટલું મોડક કહો!’
‘અચ્છા, ભાઇ મોડક બસ?’
નીચે જઇ સબ ઇન્કસ્પેકટર ભોંસલેને એ મળ્યા. ચા નાસ્તાના કરી પચાસ રૂપિયા વળગાડયા. પછી આરામ લેવા ઉપર ગયા.
પ્રેસ પર જવા તૈયાર થતાં વીણાબહેનને કહ્યું:
‘રિઝર્વેશનની બે ટિકિટો લઇ ચાર
વાગ્યા સુધીમાં મહેન્દ્ર આવી જશે. બેઉ
જણ સંભાળીને જજો. પેલી બાઇ
નલિનીને ડુમ્મસ તારા ભાઇના બંગલામાં રાખી તે કોઇ વાર ત્યાં પણ જઇ
આવજો અને… મારી કોઇ વાતની ચિંતા કરતાં નહીં.’
‘પણ તમે સાચવીને રહેજો, આ મૂઆ રાજદ્વારી માણસો તો બહુ ખંધા હોય છે. એમની ચાલની કાંઇ ખબર ન પડે. માટે કોઇ વાતે ગાફેલ રહેતા નહીં. બહેન ઇલાને મેં ફોન કર્યો છે. રાતે અને બપોરે ભાણું એના ત્યાંથી આવતું રહેશે.’
‘અરે, પણ તારી બહેનને શા માટે તકલીફમાં મૂકે છે નાહકની! ખાઇ લઇશ હું ગમે ત્યાં.’
‘ના, ગમે ત્યાં ખાઇ લઇ તબિયત બગાડવાની જરૂર નથી! અને બીજી વાત: મારા જીજા અશ્ર્વિનકુમાર રાતે અહીં સૂઇ જવા આવશે!’
‘અરે, ભઇ, મારું કંઇ ઠેકાણું નહીં અને અશ્ર્વિન જેવા અલગારી માણસને શા માટે તારે હેરાન કરવો છે?’ (ક્રમશ:)ઉ