બસ-સ્ટેન્ડથી ગાડી ડેવીડે ગામ તરફ વાળી. નાનું બજાર જેવું હતું ત્યાં લઈ જઈ ઊભી કરી. વાસુદેવ બન્ટીની આંગળી ઝાલી નીચે ઊતર્યો. એને એકી કરાવી. પછી આગળ ચાલ્યો. ડેવીડ તથા હેલન પણ ગાડી ‘લૉક’ કરી એક હૉટલ બાજુ વળ્યાં
વિઠ્ઠલ પંડ્યા
(ગતાંકથી ચાલુ)
સાંજ પડવા આવી ત્યારે પાછલી સીટ પર સૂતેલા બંટીએ આંખો ઉઘાડી. ચાલતા વાહનમાં પોતે સૂઈ રહ્યો છે એનું ભાન થતાં એકદમ એ બેઠો થઈ ગયો. રસ્તામાં એનાં તથા વાસુદેવનાં કપડાં બદલાવામાં આવ્યાં હતાં. બન્ટીને શાળાના યુનિફોર્મને બદલે હાફ પેન્ટ તથા શર્ટ પહેરાવ્યાં હતાં. વાસુદેવ પણ લેંઘા-જભ્ભાને બદલે ત્યારે પેન્ટ-શર્ટમાં હતો. એણે જાગીને બેઠા થઈ ગયેલા બન્ટીને વાંસે હાથ મૂકી વહાલથી પૂછ્યું:
‘ઊંઘી ગયો’તો ખરુંને, દીકરા?’
‘હો,’ બન્ટીએ સુસ્ત સ્વરે કહ્યું ને પ્રશ્ર્ન કર્યો, ‘આપણે ક્યાં જઈએ છીએ, સર?’
‘સર નહિ-અંકલ કહેવાનું!’ બન્ટીની બાબરી પર હાથ પસવારી, સ્મિત વેરી વાસુદેવે જવાબ દીધો, ‘આપણે મામાને ગામ જઈએ છીએ, મુન્ના! તારું નામ આજથી મુન્નો છે, હોં!’
‘મુન્નો?’ બન્ટીની નિર્દોષ આંખોમાં કુતૂહલ ઊમટ્યું, ‘મામાને ત્યાં પણ મુન્નો છે, અંકલ!’
‘હશે, પણ આપણે જઈએ છીએ એ મામાને ત્યાં તારા જેવડી કૂકી છે. કૂકી જોડે તું રમજે હોં! લે, હવે તને ખાવાનું આપું, મુન્ના!’
‘આપો. મને બઉ ભૂખ લાગી છે. અંકલ! પણ આ લોકો કોણ છે?’
‘મોટર ચલાવે છે એ પણ અંકલ છે અને આ આન્ટી છે. પણ વાતો આપણે પછીથી કરીશું. પહેલાં કેડબરી અને બિસ્કિટ ખાઈ લે! પછી તને દૂધ આપું છું હોં!’
‘હોં!’
બિસ્કિટ ખાતાં ખાતાં બન્ટીને ઓચિંતી મા યાદ આવી:
‘અંકલ, મમ્મી કેમ જોડે નથી આવી?’
‘પપ્પાએ મમ્મીને ન આવવા દીધી!’ ઠાવકાઈપૂર્વક વાસુદેવે જવાબ આપ્યો, ‘પણ હું છુંને તારી ભેગો! આપણે જઈએ છીએ ત્યાં બહુ મજા આવે તેવું છે. મોટાં મોટાં ઝાડ છે. જંગલ છે. પાણીનો ધોધ છે અને નદી પણ છે, મુન્નાં! આપણે બધું જોઈશું હો!’
‘પણ ગુડ્ડીને સાથે કેમ ન લીધી?’
‘ગુડ્ડી કોણ?’
‘કેમ, તમે નથી ઓળખતા? ગુડ્ડી મારી નાની બહેના છે!’
‘હાં, હાં, પણ આપણે નીકળ્યા ત્યારે ગુડ્ડી ઊંઘી ગઈ’તી! પણ જોજે ને તું, આપણા મોટા મામાને ત્યાં કૂકી છે એની જોડે તને બહું ગમશે. કૂકીને ત્યાં સુમિ આન્ટી પણ છે. આપણે બધાં રોજ ફરવા જઈશું. વાર્તાઓમાં આવે છે ને, ખાધુંપીધું ને રાજ કર્યું! એમ આપણે ય ખાઈપીને મજા કરીશું, હોં દીકરા!’
‘હો!’ –
‘એકલાં બિસ્કિટ ખાધા કરે છે, તે આ કેડબરી પણ ખાને, મુન્ના! કેડબરી તો તને બઉ ભાવે, ખરું ને?’
‘હો!’
‘બીજું શું ભાવે, દીકરા?’
‘પેપ્સી કોલા!’
‘આઈસક્રીમ ન ભાવે?’
‘એય બઉ ભાવે!’
‘તો હું તને આઈસક્રીમ ખવરાવીશ! કાજુ ખવરાવીશ! જામફળ અને અનેનાસ પણ આપણે ખાઈશું!’
‘જામફળ ખાવા વાંદરા ન આવે, અંકલ?’
‘આવે ને! વાંદરા આવે, પોપટ આવે, કાગડા ને કબૂતર આવે, આજુબાજુ જંગલઝાડી છે ને, એટલે શિયાળ, સસલાં અને હરણ પણ હોય. તેં સસલાં તથા હરણ જોયાં છે?’
‘હા!’
‘ક્યાં જોયાં છે?’
‘જીજામાતા ગાર્ડન છે ને, ત્યાં જોયાં છે. પણ અણ્ણા કેતા’તા કે સસ્સાંને કોઈ મારી ખાય છે!’
‘બઉ ખરાબ કે’વાય ભઈ! ખરાબ લોકો એવું જ કરે! પણ તને તો સસ્સાં જોડે રમવું ગમે, ખરુંને?’
‘હો!’
‘આપણેય સસ્સું હાથ આવશે તો એની જોડે રમીશું. લે, હવે થરમોસમાંથી દૂધ કાઢી દઉં?’
‘હો!’
એમ ને એમ પંથ કપાતો ગયો. રાત પડી અને મ્હાડ આવ્યું. વાસુદેવે ડેવીડને ગાડી ગામના બજારમાં લેવા જણાવ્યું. ડેવીડે પૂછ્યું:
‘બજારમાં તારે શું કામ છે?’
‘કામ છે જરા! તું અને ભાભી કંઈ ખાવાનું મળે તો લઈ લેજો. એટલામાં હું મારું કામ પતાવી આવીશ!’
બસ-સ્ટેન્ડથી ગાડી ડેવીડે ગામ તરફ વાળી. નાનું બજાર જેવું હતું ત્યાં લઈ જઈ ઊભી કરી. વાસુદેવ બન્ટીની આંગળી ઝાલી નીચે ઊતર્યો. એને એકી કરાવી. પછી આગળ ચાલ્યો.
ડેવીડ તથા હેલન પણ ગાડી ‘લૉક’ કરી એક હૉટલ બાજુ વળ્યાં. ત્યાંથી બટાટાંવડાં તથા બરફીનાં પડીકાં બંધાવ્યાં. આગળ જઈ થોડાં ફળ ખરીદ્યાં. પાછાં ફરી વાસુદેવ તથા બન્ટીની રાહ જોવા લાગ્યાં.
પંદરેક મિનિટ પછી એ બેઉ પાછાં આવ્યાં; પરંતુ એમને જોઈ પતિ-પત્ની અવાક થઈ ગયાં: એ બેઉને માથે ટકોમૂંડો કરાવેલો હતો!
ખાવાનું ગાડીમાં જ પતાવી પાછાં આગળ વધ્યાં.
મોટા પરોઢિયાના ચારેક વાગ્યા ત્યાં મહારાષ્ટ્રગોવા વચ્ચેનું ચેક-પોસ્ટ આવ્યું. ત્યારની હેલન ગાડી હંકારતી હતી અને ડેવીડ ઊંઘતો હતો. વાસુદેવે અગમચેતી વાપરી ગાડી ઊભી રખાવી અને ડેવીડને જગાડ્યો:
‘ડેવીડ, તું સ્ટિયરિંગ સંભાળ અને ભાભીને બન્ટી જોડે બેસવા દે!’
‘કેમ?’
‘અરે ભઈ, આટલા વખતમાં સરહદ પરની પોલીસને ખબર પહોંચી ગઈ હોય તો આપણે સપડાઈ ન જઈએ?’ વાસુદેવે સમજાવવા માંડ્યું, ‘ભાભી બન્ટી જોડે બેઠેલાં હોય તો કહી શકે ને, કે દીકરાની બાબરી ઉતરાવીને આવી રહ્યાં છીએ!’
‘ઓહ-’ કહી ડેવીડ સ્ટિયરિંગ પર ગોઠવાયો ને વ્યંગ કર્યો, ‘તારું ભેંજુયે કમાલનું ચાલે છે, હોં વાસુ!’
‘શું કરાય, ભાઈ?’ આગળ ડેવીડની બાજુમાં જઈ બેસતાં વાસુદેવે મ્લાન હસીને જવાબ દીધો, ‘જેને માથે વિપત્તિનાં વાદળ ઘેરાય છે એણે સજાગ રહેવું જ જોઈએ! બાકી, તને તો ખબર છે; કોલેજકાળમાં હું કેટલો નફિકરો જુવાનિયો હતો?’
‘ડેવીડ કંઈ ન બોલ્યો. કારણ, ચેકિંગની નજીક મોટર આવી ગઈ હતી; પરંતુ એમને કંઈ હરકત ન આવી. પોલીસે ફક્ત બેટરીનો પ્રકાશ ફેંકી અંદર નજર કરી લીધી અને ગાડી આગળ વધારવા સંકેત આપ્યો.’
સવારે સાડાપાંચના સુમારે માપ્સા આવ્યું. બન્ટી ભરઊંઘમાં હતો. એને સૂતેલો રહેવા દઈ એ ત્રણ જણે મોં ધોઈ ચા-નાસ્તો લીધાં. ત્યાંથી અરવલેમ જવા એમણે રસ્તો બદલ્યો.
અરવલેમ પહોંચ્યાં ત્યારે ખાસ્સું અજવાળું થઈ ગયું હતું. લોકો જાગીને પોતપોતાની પ્રવૃત્તિમાં પરોવાઈ ગયાં હતાં. ગાડી જગન્નાથરાવના મકાન પાસે ઊભી રખાવી વાસુદેવ નીચે ઊતર્યો. ડિકીમાંથી પોતાનો સામાન બહાર કાઢ્યો. પગથિયાં ચડી ઊપરની ઓસરીમાં મૂકી આવ્યો. પછી ઊંઘતાં બન્ટીને પોતાના ખભે લઈ ડેવીડ તથા હેલનને કહ્યું:
‘બન્ને ઉપર આવો! સદુના ઘરનાંને મળીને જાઓ!’
‘ના, વાસુભાઈ!’ હેલને જવાબ દીધો, ‘અમેય થાકેલાં છીએ! તાપ ચડે એ પહેલાં મમ્મી પાસે મારગાંવ પહોંચી જઈએ તો સારું!’
વધુ આગ્રહ ન કરતાં વાસુદેવે એ બેઉનો ખૂબ આભાર માન્યો અને એમને વિદાય આપી. પછી ઊંઘતા બન્ટીને લઈ ઉપર ઓસરીમાં ગયો. જોયું તો સામે જ હાથમાં છાપું લઈને જગન્નાથરાવ ઊભા હતા:
‘કોણ ભાઈ? મેં તમને ઓળખ્યા નહિ!’
વાસુદેવના માથે મૂંડો કરાવેલો હતો. એણે માથે હાથ ફેરવી ઉત્તર આપ્યો:
‘એ તો હું છું, દાદા-વાસુ!’
‘અરે! આવ, દીકરા! પણ તારા આવા દેદાર કેમ થઈ ગયા છે? કુટુંબમાં કોઈનું મૃત્યુ થયું છે? અને આ બાળક કોનું છે?’
‘બધાયે જવાબો પછી આપીશ, દાદા! પહેલાં મને આ મુન્નાને અંદર લઈ જઈ સુવરાવવા દો! મંજુભાભી અને સુમિ ક્યાં છે? મારે આ સામાન પાછલા આઉટ હાઉસમાં લેવાનો છે!’
‘પહેલાં તું મુન્નાને અંદર લઈ જઈ સુવરાવી આવ અને સુમિને બહાર મોકલ, હું અહીં બેઠો છું!’
કોઈ આવ્યું છે જાણી નણંદ-ભોજાઈ મુખ્ય ખંડ બાજુ આવ્યાં, તો વાસુદેવે કહ્યું:
‘હવે તમે પણ ન પૂછતાં કે હું કોણ છું અને ક્યાંથી આવું છું? લે, સુમિ-આને લે અને બેડરૂમમાં લઈ જઈ સુવડાવ! તમે ભાભી , બહારથી મારી બેગ વગેરે લઈ આવશો?’
વાસુદેવના ખભેથી બન્ટીને ઊંચકી લેતાં સુમિત્રાએ પ્રશ્ર્ન કર્યો:
‘કોણ છે આ? કિડનેપ થયેલી તારી બહેન રેણુ છે?’
આસપાસ કોઈ નથી એની ખાતરી કરી લઈ વાસુદેવે જવાબ આપ્યો:
‘રેણુ નથી, પણ મારો પુત્ર છે અને તારે હવે એની મમ્મી બનવાનું છે!’
‘છિત્ છિત્! માઈ આવે છે!’ ડોસીને આવતાં ભાળી સુમિત્રાએ વાસુદેવનું ધ્યાન ખેંચ્યું અને ધીમેથી બોલી, ‘આ વળી શાનું લફરું છે?’
‘પછી કહીશ લફરાની વાત! પહેલાં મને માઈને પાયેલાગણ કરવા દે!’
ડોસીને પ્રણામ કરી એ ઊભો, તો એ પણ મોં ફાડી એને તાકી રહ્યાં. વાસુદેવને એમને પણ પોતાનો પરિચય આપવો પડ્યો. તો ડોસીની જીભ કાતરની જેમ ફરી વળી:
‘પાછો તું આવ્યો કે? કેમ ભાઈ, હજી કાંઈ સ્વાદ બાકી રહી ગયો છે આંઈ?’
‘હા, માઈ!’ જરાયે મનમાં માઠું ન લગાડતાં વાસુદેવે ફિક્કું હસીને જવાબ દીધો, ‘અહીંની લેણાદેણી કાંઈક બાકી હશે એટલે મારે આવવું પડ્યું! પણ તમારી તબિયત તો ઠીક છે ને?’
‘મૂઈ ના મારી તબિયત! હવે તો ભગવાન મોત આલે તો સારું!’
સવારે સવારે ડોસીએ મરવાની ઈચ્છા જાહેર કરી એ વાસુદેવને ન ગમ્યું. એ કાંઈ બોલવા જતો હતો, પણ ત્યાં તો એની બેગ વગેરે લઈ મંજુ આવી ગઈ એટલે એના હાથમાંથી બેગ લઈ એ આગળ થયો અને બોલ્યો:
‘તમને બધાંને ફરીવાર હેરાન કરવા આવી પહોંચ્યો છું, ભાભી!’
‘એવું ન બોલો!’ પાછળ આવતી મંજુ બોલી ઊઠી, ‘સુમિબહેને વાત મને કરી’તી કોઈ મુશ્કેલીમાં હશો ત્યારે જ પાછાં અહીં આવ્યાં છો!’
પાછલી ઓસરીનાં પગથિયાં ઊતરતાં વાસુદેવે ભારે હૈયે જવાબ દીધો:
‘મુશ્કેલીની વાત કરવા જેવી નથી, ભાભી! પેલા બાબાને લઈને જ નથી આવ્યો, માથે મુસીબતનો પહાડ ઊંચકીને આવ્યો છું!’
‘એવી તે કઈ ઉપાધિમાં આવી પડ્યા છો, વાસુભાઈ?’
પોતાના જૂના આવાસ તરફ જતાં વાસુદેવ ઊભો રહ્યો અને બોલ્યો:
‘મારી ઉપાધિની વાત બહુ અટપટી છે, ભાભી! કદાચ બની છે એ હકીકત કહું તો તમે અહીં રહેવા પણ નહિ દો – હાંકી જ કાઢો!’
‘એટલે? શું કોઈનું ખૂન કરીને ભાગી આવ્યા છો, ભાઈ?’
‘ના, ખૂન કોઈનું નથી કર્યું, પણ એ બદમાશ મારી સામે આવી ગયો હોત, તો અવશ્ય હું એને વીંધી નાખત!’
‘તમે ક્યા બદમાશની વાત કરો છો?’
‘મારા એક મિત્રના હત્યારા અને મારી નાની બહેનના અપહરણકર્તા વિષે વાત કરી રહ્યો છું, ભાભી! પણ અત્યારે પૂરી હકીકત કહેવાનો સમય નથી! બાકી, મારે અહીં આશરો લેવો હોય તો ઘરનાં બધાંને સામે બેસાડી સંપૂર્ણ હકીકત કહેવી પડશે!’
‘ભલે. પહેલાં તમે સ્વસ્થ થાઓ. મને એવી કશી અધીરાઈ નથી. પણ એક વાત ધ્યાનમાં રાખજો. માઈની હાજરીમાં એવું તેવું કાંઈ કહેતા નહિ. ચાલો, તમારો ઓરડો ઉઘાડી દઉં!’
પ્રાત:વિધિ આટોપી વાસુદેવ કપડાં બદલતો હતો ત્યાં જ હીબકાં ભરતા બન્ટીને ઊંચકી સુમિત્રા આવી પહોંચી:
‘તારું આ ભટૂરિયું તો જબરું છે, ભઈ! જાગ્યું એવું જ “મમ્મી, મમ્મી કરી રડવા લાગ્યું છે, તે બિસ્કિટ દીધાં તોયે છાનું નથી રહેતું!’
‘અરે, મારા દીકરા!’ કહેતાં સુમિત્રા પાસેથી બન્ટીને ઊંચકી લેતાં વાસુદેવે બોકી ભરી, ‘રોવે છે કેમ, મુન્ના? આ આન્ટી પણ મમ્મી જેવી જ છે! જો, તને આ બારીમાંથી પેલી નદી દેખાડું! જો, જો, પેલાં પક્ષીઓ ઉડ્યાં! સલસ દેખાય છે ખરી ને?’
વાસુદેવને જોઈ સલામતીનો ભાવ અનુભવતો હોય એમ બન્ટી છાનો રહ્યો અને બારી બહારનાં ઝાડવાં, પેલે પારની નદી તથા ઊડતાં પંખીઓને જોઈ રહ્યો. વાસુદેવે સુમિત્રાને કહ્યું:
‘પ્લીઝ, મારું એક કામ કરીશ સુમિ?’
‘ના.’