થોડી વાર પછી કપડાં બદલી, પોતાની કેમેરાવાળી બૅગ લઈ હેલન તથા ડોસીને નમસ્તે કરી વાસુદેવ, ડેવીડની પાછળ બહાર નીકળ્યો. ડેવીડના સૂટ પર હેટ તથા ગોગલ્સ એણે ચડાવ્યાં હતાં. છતાં બહાર ગલીમાં કોઈ છે કે નહીં એ એણે જોઈ લીધું. ડેવીડે મોટર સ્ટાર્ટ કરી. વાસુદેવે એની જોડે બેઠક લીધી
વિઠ્ઠલ પંડ્યા
આંખો મીંચીને સોફામાં બેઠેલો વાસુદેવ ઊંઘી જશે એમ લાગતાં ડેવીડે એની પત્ની હેલનને કહ્યું:
‘વાસુને માટે ઓશિકું લાવી દે, હેલન! એને હવે સુવરાવી દેવો પડશે!’
હેલન મન પરની સ્તબ્ધતા ખંખેરી ઊભી થઈ ત્યાં જ વાસુદેવે આંખો ઉઘાડી:
‘ના, ભાભી! મારે ઊંઘવાની નહીં-ભાગવાની તાતી જરૂર છે! બોલ ડેવીડ, મને ભાગવા માટે શી વ્યવસ્થા કરી આપે છે?’
‘પણ અત્યારે રાતના બાર વાગે ભાગીને તારે ક્યાં જવું છે, વાસુ?’
‘હું ગોવા જઇશ !’ અધીરા સ્વરે વાસુદેવે ઉત્તર આપ્યો. ‘ત્યાંના એક ગામમાં મારો કોલેજિયન ફ્રેન્ડ સદાનંદનું ઘર છે. બે વાર હું ત્યાં જઈ આવ્યો છું. મારે છુપાઈ રહેવા એ સ્થળ યોગ્ય છે.’
‘એ બધું ખરું, દોસ્ત!’ ડેવીડે જણાવ્યું, ‘પણ આટલી રાત ગયે, ગોવા જવા માટે ક્યું સાધન મળશે? એટલે સવાર સુધી થોભી જા! વહેલી સવારે હું તને અહીંથી ગોવા જતી બસમાં ચડાવી દઈશ!’
‘પણ સવાર સુધીમાં કુબેકરને ખબર પડશે કે… ડૉક્ટર વર્માના કિલનિકમાંથી હું ભાગી છૂટ્યો છું, તો મુંબઈથી બહાર જવાના બધા જ રસ્તા પર એ સંદેશો: મોકલી મને પકડવી દેશે! શંકરની એણે હત્યા કરી છે એનો પુરાવો ફક્ત હું આપી શકું એમ છું, એટલે મને દાખલ કર્યો’ તો એ કિલનિકમાં રાતે એ ખુદ આવ્યો’ તો! ત્યાંના એક ડૉક્ટરને, મને કોઈ પણ રીતે રાતભરમાં ખતમ કરવા પચ્ચીસ હજાર રૂપિયા આપી ગયો’ તો! એટલે મારે અત્યારે જ ભાગવું પડશે, ડેવીડ!’
‘ઓલ રાઈટ!’ કહેતો ડેવીડ ઊભો થયો, ‘તો પછી હું જ તને મારી કારમાં મહાડ સુધી પહોંચાડવા આવું છું. બેસ, તારાં લોહીવાળાં કપડાં બદલી નાખવાં પડશે!’ કહી એણે હેલન સામે જોયું, ‘હેલન મારો બ્લુ રંગનો સૂટ લાવી દે એને! મારી નાની એટેચી પણ આપ! એટલામાં હું પેટ્રોલ પૂરતું છે કે નહીં તે જોઈ આવું અને કાર બહાર કાઢું!’
થોડી વાર પછી કપડાં બદલી, પોતાની કેમેરાવાળી બૅગ લઈ હેલન તથા ડોસીને નમસ્તે કરી વાસુદેવ, ડેવીડની પાછળ બહાર નીકળ્યો. ડેવીડના સૂટ પર હેટ તથા ગોગલ્સ એણે ચડાવ્યાં હતાં. છતાં બહાર ગલીમાં કોઈ છે કે નહીં એ એણે જોઈ લીધું. ડેવીડે મોટર સ્ટાર્ટ કરી. વાસુદેવે એની જોડે બેઠક લીધી. ગાડી વાંદરાના હાઈ-વે બાજુ ચાલતી થઈ. રસ્તામાં ડેવીડ કહેવા લાગ્યો:
‘તું આમ ભાગે તો છે, પણ ગોવા જઈ ક્યાં લગી છુપાઈ રહીશ, વાસુ?’
‘બે-એક મહિના તો મારે કાઢી નાખવા પડશે, ડેવીડ!’
બારીના ઊંચે ચડાવેલા કાચની આરપાર, સૂમસામ રસ્તા પર તાકી રહી વાસુદેવે જવાબ દીધો, મારી શોધખોળ કરાવીને એ ડામીસ થાકે નહીં ત્યાં લગી હું બહાર નહીં આવું! પણ મારું એક કામ કરજે ડેવીડ, દાદરમાં ચિત્રા ટોકીઝ સામે ગૌતમ નિવાસમાં મારે ઘેર જઈ મારાં ફોઈબાને ખબર દેજે કે… હું જ્યાં છું ત્યાં સલામત છું. મારી ફિકર ન કરે!’
‘અચ્છા, કહી આવીશ પાછો ફરીને!’
‘હું કોઈને પત્ર લખીશ નહીં. કારણ, મારી ટપાલ પર ચોકી રાખવાનું કુબેકર ચૂકશે નહીં! એટલે હવે તો પાછો આવીશ પછી જ પેલા બબરચી નંદુને દીધેલો કેમેરાનો રોલ પાછો મેળવી, એ ખૂની હત્યારાના કરતૂત ખુલ્લાં પાડવા પ્રયત્ન કરીશ.’
‘સમજી ગયો!’
એ પછી બેઉ વચ્ચે ખાસ વાત થઈ નહીં. વાસુદેવ પરિશ્રમ અને ઉજાગરાથી ઘેરાયેલો હતો આથી પછી એ ઊંઘી જ ગયો. ડેવીડે પણ ગાડી તેજ કરી.
મહાડ પહોંચ્યાં ત્યારે સવાર પડી ગઈ હતી. ત્યાં ચા-નાસ્તો, પતાવી બેઉ સ્વસ્થ થયા. છૂટા પડતાં વાસુદેવે કહ્યું:
‘તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે, દોસ્ત! પણ મારું એક બીજું યે કામ કરીશ?’
‘એક નહીં-બે કરીશ! બોલ, તારે શું કહેવું છે?’
તો આજુબાજુ જોઈ લઈ, ધીમા સ્વરે વાસુદેવ કહેવા લાગ્યો:
‘શંકરની કુબેકર નામના એક પ્રધાને હત્યા કરી છે એટલા સમાચાર, “રાષ્ટ્રજ્યોતિ કાર્યાલયમાં તારે ગમે તે રીતે પહોંચાડવા પડશે! કહે, આટલું કામ તું કરીશ, ડેવીડ?’
‘અફકોર્સ!’ ડેવીડે વાસુદેવના હાથ પર હાથ રાખી, નિશ્ર્ચય-પૂર્વક જવાબ આપ્યો, ‘હું જાતે જઈને ખબર દઈ આવીશ! પણ તું સાવચેતીથી રહેજે, વાસુ! હવે હું જાઉં? તારી ગોવાની બસ આવવામાં છે!’
‘જા, દોસ્ત! થેંક્યુ વેરી મચ!’
ડેવીડે એની ગાડી ચાલુ કરી અને વાસુદેવ સામે હાથ ઊંચો કરી, મુંબઈ તરફ મારી મૂકી. એ બાજુ જોઈ રહેલો વાસુદેવ કંઈક વિચારોમાં ખોવાઈને ઊભો હતો, ત્યાં એક જણે પાછળથી આવી એના ખભે ધપ્પો માર્યો:
‘કાય રે, ભાઉસાહેબ?’
એવા જ વાસુદેવ સામે ફરીને ઊભો, તો પેલો ગેંગફેંફે થતો કહેવા લાગ્યો:
‘હો, હો, માફ કરના સાહિબ, તુમ્હી તોં નાહીં! (એ તમે નથી!)’ કહી, ભોંઠો પડ્યાની જેમ ચાલ્યો ગયો. વાસુદેવના દિલના ધબકારા વધી ગયા હતા. એ પણ ઊંડો શ્ર્વાસ લઈ, બસ સ્ટેન્ડ બાજુ ગયો.
ગોવાના પણજી શહેરમાં જતી બસમાં એ બેસી ગયો, તે બપોરે એક વાગ્યાના સુમારે માપ્સા પહોંચ્યો. માપ્સા ઊતરીને એને સદાનંદના ગામ અરવલેમ જવું હતું. પરંતુ અરવલેમની બસ પકડતા પહેલાં, સામેની એક હોટલમાં જઈ એણે જમી લીધું. પછી એક દવાખાને જઈ, પોતાને ખભામાં કાચ પેસી ગયો હતો ત્યાં ઓપરેશન કર્યાની વાત કરી, એ ઠેકાણે ડ્રેસિંગ કરાવ્યું તથા ધનુર ન થાય તે માટે ઈન્જેક્શન પણ લીધું. નજીકની એક દુકાનમાંથી બે શર્ટ તથા લેંઘા ખરીદી લીધાં. એટલામાં બિચોલીમ થઈ અરવલેમ જતી બસ એને મળી ગઈ.
લગભગ વરસ બાદ સદાનંદને ગામ એ જતો હતો. પહેલી વાર સદુના લગ્ન સમયે એ ગયો હતો અને અઠવાડિયું રોકાઈ, ગોવાનાં ઘણાંખરાં જોવાલાયક સ્થળે ફર્યો હતો. બીજી વાર, સદાનંદની નાની બહેન સુમિત્રા પરણતી હતી ત્યારે પોતે આવ્યો હતો. પણ ત્યારે તો પોતે દાદરમાં (મુંબઈ) ફોટો સ્ટુડિયો ઊભો કર્યો હતો. એટલે ઝાઝું રોકાયો નહોતો. જો કે સદાનંદના પિતા જગુદાદાએ ત્યારે ઘણો આગ્રહ કર્યો હતો:
‘રોકાઈ જા, વાસુ! મારી આંખોનું તેજ હણાઈ જાય એ પહેલાં ગોવામાં તારી સાથે ફરી ઘણાં ઐતિહાસિક સ્થળોના ફોટા મારે લેવરાવવા છે.’
પણ ત્યારે જે શક્ય નહોતું એ હવે શક્ય બની શકે એમ છે. હવે મહિના-બે મહિના તો પોતાને એમને ત્યાં રોકાયા વિના છૂટકો નથી! એટલે જગુદાદાને હવે પોતે કહી શકશે:
‘દાદા, સદુ તો દુબાઈ ગયો છે. પણ તમને ‘કંપની’ આપવા હું આવી પહોંચ્યો છું. હવે તમે કહેશો એ જગ્યાએ હું સાથ આપીશ.’
આમ મનમાં ઘોડા દોડાવતો, કલાકેકમાં એ અવરલેમ પહોંચી ગયો. નાનું સરખું ગામ હતું. પરંતુ ગામની નજીકમાં પડતા ધોધને લીધે એ પ્રખ્યાત હતું. ગોવા આવતાં ટૂરિસ્ટો અવશ્ય ત્યાંની મુલાકાત લેતાં. વાસુદેવ પણ હેલને આપેલી નાની એટેચી લઈ, ડેવીડનો સૂટ ને ગોગલ્સ પહેરી સ્ટેન્ડે ઊંતર્યો ત્યારે ટૂર પર નીકળેલા કોઈ જુવાન જેવો લાગતો હતો, પરંતુ શંકરનું મંદિર અને ધોધ હતો એ બાજુ ન વળતાં, ગામની વસતિ તરફ ચાલ્યો ત્યારે નાના દુકાનદારોને થોડું કુતૂહલ થયું! હટ્ટાકટ્ટા અજાણ્યા જેવા જુવાનને જતો એ જોઈ રહ્યા.
ગામમાં છૂટાંછવાયાં ઘર હતાં અને ઊંચાઈ પર બાંધેલાં હતાં. દરેક ઘરની આસપાસ દરેકની નાનીમોટી વાડી હતી. ત્યાં આંબા, ફણસ, કાજુ અને કેળનાં ઝૂંડ હતાં, જેથી ઉનાળેય જગ્યા રમણીય લાગતી. એવી એક વાડીમાં પ્રેવેશવદ્વાર ઠેલી વાસુદેવ આગળ ચાલ્યો અને અડખેપડખેનાં વૃક્ષો વચ્ચે થઈ, સામેના મકાનનાં પગથિયાં ચડી ગયો.
ઉપર ઓસરી પર, બેઉ બાજુ બેસવાના સિમેન્ટના બાંકડા હતા. એવા એક બાંકડા પર ત્રણેક વરસની સદાનંદની પુત્રી સાથે કંઈક લમણાઝીંક કરતાં એક વૃદ્ધ બાઈ બેઠાં હતાં. વાસુદેવે ઉપર જઈ હેટ અને ગોગલ્સ ઉતારી એ બાઈને પ્રણામ કર્યા:
‘માઈ, હું વાસુદેવ-મુંબઈથી આવું છું.’
ડોસી સાંભળતાં ઓછું, પણ હજી બરાબર જોઈ શકતાં હતાં. વાસુદેવને ઓળખી લેતાં જ સાનંદાશ્ર્ચર્ય બોલી ઊઠ્યાં:
‘અરે, એકાએક તું ક્યાંથી ભાઈ? બેસ, બેસ! મજામાં તો ખરો ને?’ બાંકડા પર બેસી ફિક્કું હસી, વાસુદેવે મોટે સ્વરે જવાબ આપ્યો:
‘હા, માઈ, પણ તમે બધા કેમ છો? સદુના શા સમાચાર છે?’
‘સુમિના સમાચાર?’ ડોસી ભળતું જ સમજ્યાં અને પોતાનું કપાળ કૂટી કહેવા લાગ્યાં, ‘સુમિ તો આપણે ત્યાં છે એ નથી જાણતો?’
સુમિત્રા વિષે વાસુદેવ કંઈ જ નહોતો જાણતો. આથી ડોકું હલાવી એણે ના પાડી. આથી ડોસી કહેવા લાગ્યાં:
‘અરે દીકરા, એને માથે તો આભ તૂટી પડ્યું છે! એનો ધણી કોલ્હાપુર નોકરી કરતો તે કોઈ બીજી બાઈ રાખી છે ને સુમિને તો પરણ્યાના મહિના દિ’માં જ કાઢી મેલી છે!’
‘ઓહ-’
‘પણ… તું થાકેલો લાગે છે.’ કહેતાં ડોસી ઊભાં થયાં, ‘ચાલ ઘરમાં આવ! સુમિ અને મંજુ (સદાનંદની વહુ) બહાર ગયાં છે. તને હું ચા-પાણી દઉં!’ પછી અંદર જતાં જતાં પેલી નાની બેબીને કહ્યું,
‘કુકી, નીચે ઊતરતી ના હોં-બેસજે ત્યાં નહીં તો તને ક્યાં ગોતીશ?’
ડોસીએ કાજુ મિશ્રિત ચેવડો અને ચા લાવી મૂક્યાં. એ લેતાં લેતાં વાસુદેવે પાછી પ્રશ્ર્નાવલિ શરૂ કરી:
‘માઈ, દાદા ક્યાં ગયા છે?’
‘વાડામાં તો દીકરા, અત્યારે…’
‘હું જગુદાદાની વાત કરું છું.’ વચ્ચે જ મોટેથી વાસુદેવ બોલી ઊઠ્યો, ‘દાદા પાછળના ઘરમાં સૂતા છે?’
‘ના, રે!’ નજીક આવીને બેસતાં ડોસીએ જવાબ આપ્યો, ‘બિચોલીમમાં એમના રિટાયર્ડ દોસ્ત રોડરીક્સ છે ને, એમની ભેગા પણજી ગયા છે.’
‘દાદાની આંખે બરાબર દેખાય તો છે ને?’
‘ના, રે! હવે તો ઝાંખપ આવી ગઈ છે. એટલે કોઈ જોડે હોય તો જ બહાર નીકળે છે.’
ત્યાં તો પેલી નાની છોકરી કુકી દોડતી અંદર આવી અને ડોસીને વળગી જઈ કહેવા લાગી:
‘મમ્મી અને આન્ટી આવી ગયાં, માઈ!’
નણંદ-ભોજાઈના હાથમાં અનાજ ભરેલી થેલીઓ હતી. ઘરના અંદરના ખંડમાં આવતાં જ એમણે વાસુદેવને જોયો અને સ્તબ્ધ થઈ ઊભાં. મંજુ બોલી ઊઠી:
‘અત્યારે આવ્યા તે… નાતાલમાં આવવું હતું ને? તમારા ભાઈ તો મળત!’
‘સદુ દુબાઈ જતાં મારે ત્યાં જ ઊતર્યો હતો એટલે એને મળવાની જરૂર ક્યાં હતી? પણ હું તો તમને લોકોને મળવા આવ્યો છું, ભાભી!’
‘ભલે આવ્યા! બેસજો-હું આ બધું મૂકીને આવું છું.’
મંજુની પાછળ નમણી પણ દુબળી-પાતળી સુમિત્રા નજર ઝુકાવી ચાલવા માંડી, ત્યાં વાસુદેવે પૂછ્યું:
‘કેમ છો, સુમિ? ઓળખે છે ને; મને?’
જવાબમાં સુમિત્રાએ આંખો પરનાં પોપચાં ઉઠાવી વાસુદેવ સામે જોઈ લીધું પછી ધીમો નિ:સાસો નાખી એની ભાભીની પાછળ અંદરના ઓરડા તરફ ગઈ.
એ કંઈ ન બોલી એનું વાસુદેવને માઠું ન લાગ્યું, પણ એના કોમળ ચહેરા પર ઊતરી આવેલી વ્યથાની વાદળી દેખી એ દુ:ખી થયો. ઊભો થઈ ખંડની એક બારી પાસે જઈ ઊભો.
જગન્નાથ રાવ મિલિટરીના રિટાયર્ટ અમલદાર હતા. ખાધેપીધે સુખી હતા. સદાનંદ એન્જિનિયર હતો અને હવે તો દુબાઈ ગયો હતો એટલે આમદાનીની કશી ચિંતા નહોતી, પરંતુ પરણાવેલી યુવાન પુત્રી ત્યકતા બની ઘેર આવી હતી એનું દુ:ખ કોને ન હોય? આવડા મોટા ઘરમાં સુમિત્રાનું દુ:ખદર્દ ફેલાઈ ગયું હોય એવું લાગે છે.
આમ વિચારતો એ ઊભો હતો એટલામાં મંજુ આવી:
‘ચાલો વાસુભાઈ, પેલા તમારા માનીતા ઘરમાં તમને મૂકી આવું. નહાઈ-પરવારી સ્વસ્થ થાઓ, પછી નિરાંતે વાતો કરીશું.’
હાથમાં નાની એટેચી અને ખભે કેમેરાવાળી બેગ ભેરવી વાસુદેવ મંજુની પાછળ ચાલ્યો. એ ઘરના ઓરડા તથા ઓસરી વટાવી, ચારેક પગથિયાં ઊતરવાનાં હતાં. પાછાં થોડાં પગલાં ચાલી સામે આવેલી કોટેજેનાં પગથિયાં ચડવાનાં હતાં. કોટેજ ચાલીની જેમ બાંધેલી હતી. વચ્ચેનો મોટો ખંડ છોડતાં આસપાસ બીજા નાના ખંડ આવેલા હતા. એવા જમણી બાજુના છેવાડેના એક ઉઘાડા ઓરડા પાસે લઈ જઈ મંજુએ કહ્યું:
‘જુઓ, આ રહ્યો તમારો આવાસ! પાછલી બારી કને ઊભા રહી તમારી પ્રિય નદી જોતા રહો, એટલામાં પાણીની માટલી ભરીને મૂકી જાઉં છું. નહાવું હોય તો બાથરૂમ તમે જોયા જ છે.’
કોટેજના પાછલા હિસ્સામાં બે બાથરૂમ તથા બે સંડાસની સુવિધા હતી. જગન્નાથ રાવ પોતાની કારર્કિદી દરમિયાન ઘણા મિલિટરી ઓફિસર મિત્રોને સહકુટુંબ ગોવાનું કુદરતી સૌંદર્ય માણવા પોતાને ત્યાં નોતરતા અને સારી મહેમાનગતિ કરતા. આથી આ કોટેજ એવા મિત્ર પરિવારોની સગવડતા માટે બાંધી હતી.
ઓરડામાં જઈ, આઈનાવાળા ટેબલ પર બેગ તથા કેમેરા મૂકી, વાસુદેવ સ્વચ્છ ચાદર બિછાવેલા પલંગ પર બેઠો. રાતભર અને અર્ધો દિવસ મુસાફરી કરી હતી એનો થાક જાણે એકસામટો શરીર પર ચડી બેઠો હોય એમ એને લાગ્યું. આથી સેંડલ ઉતારી, પહેરેલા સૂટ સાથે જ એણે પલંગમાં લંબાવી દીધું.
પંદરેક મિનિટ પછી મંજુ માટલી ભરીને મૂકવા આવી તો વાસુદેવને એણે ઘસઘસાટ ઊંઘતો જોયો. આથી બારીની પાળી પર માટલી-પ્યાલો મૂકી, દરવાજાનાં પાંખિયાં આડાં કરી ચૂપચાપ એ ચાલી ગઈ.
રાતના આઠેક વાગી ગયા હશે. ત્યાં દરવાજાનાં પાંખિયાં ધકેલી સુમિત્રા અંદર આવી. બત્તી કરી. જોયું તો વાસુદેવ હજી ઊંઘતો હતો. એના મનમાં દ્વિધા થઈ; એને ઊંઘવા દેવો કે જગાડવો? પરંતુ ભાભીએ કીધું હતું કે, જગાડીને આવજો! એટલે સુમિત્રાએ ધીમી બૂમ મારી:
‘વાસુ! એ વાસુ!’
સદાનંદ કરતાં સુમિત્રા ફક્ત બે વરસ નાની હતી. આથી જેમ સદાનંદને ‘તું’ કારેથી બોલાવતી એમ વાસુદેવને પણ સંબોધન કરતી-તું નું!
બોલાવ્યાથી વાસુદેવની નીંદ ન તૂટી એટલે નાછૂટકે સુમિત્રાએ એનો પગ ઝાલી હલાવ્યો:
‘એ… ઈ! ક્યાં લગી ઊંઘશે ? ઊઠ તો ! માઈ તારી રાહ જોઈને બેઠી છે!’
વાસુદેવ ઝબકીને બેઠો થઈ ગયો. કદાચ કોઈ ખરાબ સ્વપ્નમાંથી જાગ્યો હોવો જોઈએ. કારણ, સામે સુમિત્રાને ઊભેલી જોઈએ વ્યગ્ર સ્વરે બોલી ઊઠ્યો:
‘તું અહીં ક્યાંથી?’
સુમિત્રાના સુકોમળ મુખ પર મ્લાન સ્મિત ફરક્યું. આંખો ઝુકાવી એ બોલી:
‘આ પ્રશ્ર્ન મારે જ તને પૂછવો છે: તું અહીં ક્યાંથી? ફરવા આવ્યો છે કે મારી આપવીતી જાણવા?’
‘તારી આપવીતી તો અહીં આવ્યો ત્યારે જ જાણી સુમિ અને દુ:ખ પણ થયું! પેલો લબાડ તને પરણવા આવ્યો ત્યારે તો એવો નહોતો લાગતો!’
‘પુરુષનું પોત પરણ્યા પછી જ પરખાય છે!’ બારણે અઢેલીને ઊભી રહેલી સુમિત્રાએ પ્રલંબ નિ:સાસો નાખી ઉત્તર દીધો, ‘પણ એ વાત અત્યારે રહેવા દે! કપડાં બદલીને જમવા ચાલ. માઈ ઊંચીનીચી થતી હશે!’
‘તું જા.’ પલંગ પરથી હેઠો ઊતરી વાસુદેવ કહેવા લાગ્યો.
‘સ્વસ્થ થઈને હું આવું છું.’
લેંઘો-પહેરણ અને ઉપર સ્વેટર એણે ચડાવ્યું હતું. હવામાં ઠંડી હતી. છતાં ‘જરા બહાર ફરી આવું’ કહી જમ્યા કેડે ઘરનાં પગથિયાં એ ઊતરી પડ્યો.
અહીં એ આવ્યો તો હતો પણ એના મનમાં હવે મૂંઝવણ થતી હતી: સદાનંદની ગેરહાજરી છે અને પોતે વધુ સમય અહીં રોકાય તો આ લોકોને ‘એ ગમશે ખરું?’ શા વાસ્તે પોતે અહીં દોડી આવ્યો છે એની હકીકત આ લોકોને કહેવાથી ઊલટી અસર તો નહીં થાય ને? જો એમ થાય તો પોતાને અહીંથી ચાલ્યા જવું પડે! તો પછી અહીં રહેવા માટે ક્યું બહાનું બતાવવું?
સિગારેટ પેટાવી, ફૂંકો મારતો પેલા ધોધ નજીક રૂદ્રેશ્ર્વરનું પુરાણું શિવાલય હતું ત્યાં લગી એ ગયો. શિવાલયના દ્વાર તો ત્યારે બંધ હતાં, પરંતુ મનોમન શિવને પ્રણિપાત કરી, મંદિરના છાપરાવાળા ઓટલે એ બેઠો અને આસપાસ કોઈ નહોતું એટલે આંખો મીંચી.
થોડી વારમાં જ એના મનમાં ઝબકારો થયો. હં… એ જ ઠીક છે! પોતાના વ્યવસાય સાથે એ બહાનું બંધબેસતું થાય છે! કોઈને કશી શંકા પણ નહીં જાય!
થોડી વાર પછી ત્યાંથી એ પાછો ફર્યો.
બીજે દિવસે ઘરનાં માણસોની જેમ એણે ય જગન્નાથ રાવની રાહ જોઈ; પણ એ આવ્યા નહી! એ માટે ડોસી બડબડાટ કરવા લાગ્યાં:
‘આટલી ઉંમર થઈ પણ બહારગામ રખડવા જવાનો એમનો ચસ્કો હજી ગયો નહીં! શી ખબર, પેલો રોડ્રીક્સ એમને ક્યાં ખેંચી ગયો હશે?’
માપ્સામાં વાસુદેવે ડ્રેસિંગ કરાવ્યું ત્યારે ડૉક્ટરે સૂચના આપી હતી:
‘ઘા હજી તાજો છે ને ઊંડો છે. માટે આંતરે-દહાડે ડ્રેસિંગ કરાવતા રહેજો, મિસ્ટર! નહીંતર ઉપાધિ વહોરશો!’
આથી એ પછીના દહાડે મંજુને એણે કહ્યું:
‘ભાભી, મારે ખભે ઓપરેશન કરાવેલું છે. એ માટે ડ્રેસિંગ કરવા કોઈ સારો ડૉક્ટર છે અહીં?’
‘સારો કે ખરાબ-અહીં કોઈ ડૉક્ટર જ નથી!’ મંજુએ જણાવ્યું, ‘એક ડૉક્ટર દર બે દિવસ પછી અહીં આવે છે ખરો; પણ એ તો ઢોરના ડૉક્ટર જેવો છે.’
‘તો મારે માટે એ ચાલશે!’
‘મારું કપાળ ચાલશે! ના, પણ એમ કરો: સુમિબહેન જોડે તમે બીચોલીમ જાઓ! આપણા ફેમિલી ડૉક્ટર પુરંદરે ડ્રેસિંગ કરશે અને જલદી રૂઝ આવે એવી દવા પણ આપશે!’
‘પણ બીચોલીમ તો અહીંથી ખાસું છેટું છે!’
‘તે હું ક્યાં તમને ચાલીને જવાનું કહું છું? બસમાં ફક્ત ત્રીસ મિનિટ લાગશે.’
‘અચ્છા! તો પછી બપોર બાદ જઈ આવીએ!’
સુમિત્રા જોડે બીચોલીમ ડ્રેસિંગ કરાવવા જવાની વાત આવી એટલે ડોસીએ પ્રશ્ર્નોની ઝડી વરસાવી:
‘શું થયું છે દીકરા? કાચ કેમ કરતાં વાગ્યો? અને ખભે ઓપરેશન કરાવ્યું હતું તો એવી હાલતમાં અહીં કેમ દોડી આવ્યો?’
આથી નાછૂટકે વાસુદેવે નાટક કરવું પડ્યું:
‘કાચ તો વાગ્યો અહીં આવતો’ તો એ સવારે, માઈ! અમારી બસ જોડે ટકરાઈને ખટારો ચાલી ગયો, એવો જ લકઝરી બસનો કાચ તૂટી મારા ખભામાં પેસી ગયો! આથી માપ્સા આવીને મારે ઓપરેશન કરાવવું પડ્યું! લોહીવાળાં કપડાં યે ત્યાં બદલી નાખ્યાં! પછી સ્વસ્થ થયા કેડે જ હું અહીં આવ્યો!’
‘ઠીક, તો જઈ આવ સુમિ-બીચોલીમ! વળતી વખતે મારી ખાંસીની દવા લેતી આવજે! અને કારખાનામાં જઈ એક કિલો સારામાંનાં કાજુ લાવવાનું ન ભૂલતી!’
‘હો-’ માથું ધુણાવી સુમિત્રાએ જવાબ દીધો.
બસ સ્ટેન્ડ તરફ જતાં રસ્તામાં નાની એવી ચાર છ દુકાનો આવતી. વાસુદેવ સાથે સુમિત્રાને જતી જોઈ એવી એક દુકાનમાંથી કોઈકે બૂમ મારી:
‘ભાઉસાહેબ આવી ગયા કે સુમિ?’
‘ના.’
‘અને અત્યારે તું ક્યાં ચાલી?’
‘જહાન્નમમાં!’ ચીડથી સુમિત્રા બોલી ઊઠી, ‘તારે શી પંચાત છે, મૂઆ?’
આગળ જતાં વાસુદેવે પાછળ નજર કરી લઈ પૂછ્યું:
‘આટલી બધી ગુસ્સે કેમ થઈ ગઈ સુમિ? કોણ હતો એ?’
‘ગામનો ઉતાર છે: પરશ્યો (પરશુરામ) એનું નામ! એવા હરામખોરને સીધો જવાબ હોય નહીં એનું તો ડાચું તોડી નાખવું જોઈએ!’
વાસુદેવ પછી કાંઈ ન બોલ્યો.
પંદરેક મિનિટ બાદ બસ મળી, પરંતુ ખીચોખીચ એવી ભરેલી હતી કે બેઉને ઊભાં ઊભાં મુસાફરી કરવાનું આવ્યું. હાલમડોલમ થતી બસમાં, ઊભાં રહેલાં ઉતારુઓ એકબીજાને ઘસાતાં જતાં હતાં. એમાં વળી એક વળાંક વટાવતાં બસ એવી ઉછળી ‘કે ઉપરનું હેંગર પકડી ઊભેલી સુમિત્રાનો હાથ છૂટી ગયો અને એ પડી જાય એવી હાલત થઈ! પરંતુ પખડે ઊભેલા વાસુદેવે તરત એની દેહ ફરતો હાથ વીંટાળી પકડી લીધી!’
‘થેંકયુ! શ્ર્વાસ ભરાઈ આવ્યો હોય એવા સ્વરે સુમિત્રા બોલી અને ફરીથી હેંગર ઝાલી હોઠ કચડતી ઊભી રહી.’
બીચોલીમ નાના કસ્બા જેવું ગામ હતું. એની વસતિના પ્રમાણમાં સારું એવું પાંગરેલું (ડેવલપ થયેલું) હતું. મુખ્ય બજાર વિધિ પહેલાં તો કાજુના એક કારખાનામાં બેઉ ગયાં. એક કિલો શેકેલા કાજુ લીધાં. બજારમાંથી ડોસીની ઉધરસની દવા ખરીદી. એટલામાં સાંજના પાંચ વાગ્યાનો સમય થઈ ગયો. સુમિત્રાએ કહ્યું:
‘ચાલ હવે ડૉક્ટર આવી ગયા હશે!’
‘ભલે-’
થોડું ચાલીને એક નાની શેરીમાં બેઉ જણ ગયાં. બેઠા ઘાટના એક જૂના મકાનમાં ડૉક્ટરનું દવાખાનું હતું બેઉ અંદર પ્રવેશ્યા. ડૉક્ટર પુરંદરે આવી ગયા હતા. બેએક દર્દીઓના કેસ પતાવ્યા પછી વાસુદેવને કેબિનમાં પાટ ઉપર લઈ ગયા. વિગત પૂછી. વાસુદેવે કાચ વાગ્યાનું જૂઠાણું આગળ ચલાવ્યું. ડ્રેસિંગ કરી ડૉક્ટરે ઈન્જેકશન આપ્યું ને ગોળીઓ તથા કેપ્સૂલ દીધી. એણે પૈસા આપવા માંડયા, તો સુમિત્રાએ એને રોક્યો અને બોલી:
‘સદૂના ફ્રેન્ડ છે, અંકલ ! હવે પછી પૈસા નથી લેવાના! અમારા ખાતામાં લખજો!’
‘ઓ. કે.’
પાછા ફરતાં વાસુદેવે એક સારી હોટલ જોઈ કહ્યું:
‘સુમિ, મારે ચા પીવી છે. ચાલ, પણે જઈએ!’
ચા પી લઈ બસ-સ્ટેન્ડ તરફ જતાં વાસુદેવ પાછો કહેવા લાગ્યો:
‘સદૂના ફ્રેન્ડ છે, અંકલ! હવે પછી પૈસા નથી લેવાના! અમારા ખાતામાં લખજો!’
‘ઓ. કે.’
પાછા ફરતાં વાસુદેવે એક સારી હોટલ જોઈ કહ્યું:
‘સુમિ, મારે ચા પીવી છે. ચાલ, પણે જઈએ!’
‘મારે તને એક અંગત વાત કહેવી છે, સુમિ!’
‘કહે-’
મારે ખભે કાચ વાગ્યાની વાત જૂઠી છે! હકીકત એ છે કે મુંબઈમાં એક જણે મને ગોળી મારી ‘તી!’
‘શા માટે ગોળી મારી’ તી’
‘મારું ખૂન કરવા!’
‘ઓહ-’ કરતી સુમિત્રા ઊભી રહી ગઈ, ‘તારું ખૂન કરવા?’
‘હા, અને એટલે જ હું ભાગીને અહીં તમારા લોકો વચ્ચે આવ્યો છું, સુમિ! જાન બચાવવા ભાગી આવ્યો છું!’
‘પરંતુ પેલો માણસ શા માટે તારું ખૂન કરવા માગતો’ તો?’
‘ધીમેથી બોલ! વચ્ચે જ વાસુદેવે એને અટકાવી, ‘પછી નિરાંતે બધું કહીશ! પણ આ વાત પેટમાં જ પૂરી રાખજે, સુમિ! ઘરમાં દાદાને પણ કંઈ નથી કહેવાનું!’
‘ભલે-’ સુમિત્રા ચાલવા તો લાગી. પણ એનું મન
ચિંતિત બની ગયું હતું. એનામાં ડર લાગી રહ્યો હતો: એવું તે વાસુદેવે શું કર્યું હશે કે… પેલો એના જીવનો તરસ્યો થઈ ગયો હશે?