દાદર ઊતરતાં વાસુદેવ હળવાશપૂર્વક બોલ્યો: ‘મને ખબર છે કે આ શાળા અંગ્રેજી માધ્યમવાળી છે, એટલે અહીં શિક્ષકોને મિસ્ટર અને શિક્ષિકાઓને સિસ્ટર કહેવાની પદ્ધતિ હશે, પણ તમે વસંતભાઇ કહેશો
તો એ ગમશે’
વિઠ્ઠલ પંડ્યા
(ગતાંકથી ચાલુ)
‘મારું નામ વસંતભાઇ!’ વાસુદેવે એમનું વાક્ય પૂરું કરી આગળ ચલાવ્યું, ‘દરઅસલ વાત એ છે કે તેહમિનાબહેન કે હું ઘરભંગ થયેલો માણસ છું. વરસ પર જ મારી પત્ની “ડિલિવરી ટાઇમે પ્રભુને પ્યારી થઇ ગઇ! ત્યારથી મારી દુનિયા
બદલાઇ ગઇ છે. હું હવે બાલમંદિર શરૂ કરી નવી જિંદગી જીવવા માગું છું, આપ મને સેવાભાવે ફકત મહિનો અહીં અનુભવ લેવાની તક આપો. આપનો હું સદા માટે ઋણી રહીશ!’
‘મને તમારા પર પૂરી ‘સિમ્પથી’ (સહાનુભૂતિ) છે, વસંતભાઇ!’ તેહમિનાબેન કહેવા લાગ્યાં, મારું ચાલે તો અમારી સ્કૂલમાં હું તમને “પરમેનેન્ટ કરું, પણ…’
‘ના. બહેન!’ વચ્ચે જ વાસુદેવ બોલી ઊઠયો, ‘હું મારું સ્વતંત્ર સાહસ ખેડવા માગું છું, એટલે જ અહીંથી જેટલું શિખાય એટલું મનમાં ઉતારી લઇ, આપનો આભાર માની ચાલ્યો જઇશ! બસ, બપોરે શાળાના ટાઇમ સુધી નાનાં નાનાં ભૂલકાં વચ્ચે હું રહી શકું એવી સગવડ કરી આપો તો ઘણું!’
‘શ્યોર! શ્યોર! તો પછી કયારથી શરૂ કરો છો?’
‘આજથી જ, બહેન આ શુભ ઘડીથી જ!’
‘વેલ!’ કહી ચાંપ દબાવી તેહમિનાબહેને પ્યૂનને બોલાવ્યો,
‘જા, શારદાબહેનને નીચેથી બોલાવી આવ!’
પચ્ચીસેક વરસની શારદા પવનની જેમ અંદર ધસી આવી. ઘઉંવર્ણી પણ નમણી યુવતી હતી. અંદર પ્રવેશતાંની વાર એ ફરિયાદ કરવા લાગી:
‘જુઓ મોટાબહેન, આજેય કપિલાએ ચિઠ્ઠી મોકલી છે કે એ થોડા દિવસ નહીં આવે! પછી હું અને જુલી શી રીતે બધાં બાળકોને સંભાળી શકીશું?’
‘કપિલાને કસુવાવડની હજી અશક્તિ હશે, એટલે ભલે એક બે દિવસ આરામ લે! તમે ચિંતા ન કરો, અને મારી વાત સાંભળી લો!’
ખાદીધારી વાસુદેવ તરફ નજર ફેરવી લઇ શારદા બોલી: ‘શું કહો છો, મોટાંબહેન?’
‘આ યુવાનનું નામ વસંતભાઇ છે. મહિના માસ તમારા કે. જી. વિભાગમાં એવન કામ કરશે. એ વનને તમે મદદરૂપ થજો.
‘આપણે પણ એ વનની સેવાનો લાભ લેવાનો છે.’ કહી તેહમિનાબહેને વાસુદેવ સામે જોયું, ‘જાઓ ભાઇ, શારદાબહેન અમારે બહુ હોશિયાર શિક્ષિકા છે. એમની જોડે કામ કરવું તમુને જરૂર ગમી જશે!’
‘થેંક યુ, મોટાંબહેન!’ કહી ફરીવાર ઝૂકીને નમસ્તે કરી વાસુદેવ બહાર નીકળ્યો, એટલામાં શાળાનો બેલ રણકયો. શારદા પણ જવા લાગી. એને તેહમિનાબહેને ઇશારો કરી રોકી અને સૂચના આપી:
‘બે દિવસ પછી મને રિપોર્ટ આપજો: આ મિસ્ટર છે તો ખાદીધારી પણ કેરેક્ટર (ચારિત્ર્ય)ના કેવા છે તથા કામ શીખવાની એની દાનત છે કે નહીં એ મને જણાવજો. જાઓ હવે!’
વાસુદેવ દરવાજાથી કાંઇ છેટો નહોતો. તેહમિનાનો ધારદાર સ્વર એના કાને બરાબર પકડી પાડયો. એ સાથે જ એના મુખ પર વ્યંગભર્યું સ્મિત આવીને અટકી ગયું. બહાર નીકળેલી શારદા સામે સ્થિતપ્રજ્ઞની જેમ એ જોઇ રહ્યો. શારદાએ શુષ્ક અવાજે કહ્યું:
‘ચાલો, મિસ્ટર!’
દાદર ઊતરતાં વાસુદેવ હળવાશપૂર્વક બોલ્યો:
‘મને ખબર છે કે આ શાળા અંગ્રેજી માધ્યમવાળી છે, એટલે અહીં શિક્ષકોને મિસ્ટર અને શિક્ષિકાઓને સિસ્ટર કહેવાની પદ્ધતિ હશે, પણ તમે વસંતભાઇ કહેશો તો એ ગમશે.’
‘ઓલરાઇટ!’
બેઉ જણ નીચેના મોટા ખંડમાં ગયાં. આયા જેવી એક બાઇ બાળકોને હારબંધ ગોઠવતી હતી. બીજી એક ચશ્માંધારી ખ્રિસ્તી યુવતી બીજા ખંડમાંથી બીજાં બાળકોને એ ખંડમાં લઇ આવતી હતી. બધાં બાળકો આવી ગયાં એટલે અંગ્રેજીમાં પ્રાર્થના શરૂ થઇ.
એક તરફ ઊભા રહેલા વાસુદેવની નજર એ સમૂહમાંથી કુબેકરના પૌત્ર પેલા બન્ટીને શોધવા લાગી ગઇ. ચહેરા પર સ્મિતનો ભાવ ધરી દરેક છોકરા પર દૃષ્ટિ એ નાખતો રહ્યો. એમ કરતાં છેલ્લા ઊભેલા, ને વારંવાર માથું ખંજવાળતા બાળકને ય એણે જોઇ લીધું, પરંતુ બે દિવસ સુધી જોયેલા બન્ટીનો પરિચિત માસૂમ ચહેરો જોવામાં ન આવ્યો.
પ્રાર્થના પૂરી થતાં ખ્રિસ્તી યુવતી જુલી અમુક બાળકોને પાછી બાજુના ખંંડમાં લઇ જવા લાગી. બાકીનાં બાળકો એ જ ખંડમાં રહ્યાં. અંગ્રેજીમાં શારદા કહેવા માંડી:
‘નાઉ. બી ક્વાએટ! શાંત થઇ જાઓ! હવે આપણે રમકડાંની ‘ગેઇમ્સ’ રમીએ છીએ પછી ઊભા રહેલા વાસુદેવને કહ્યું, ‘પ્લીઝ, ત્યાં બેસીને જોતા રહો. બાળવાર્તા કહેતાં તમને આવડે છે.?’
‘ઓહ, યસ!’
‘તો આ “ગેઇમ્સ પતી જાય પછી તમારો વારો!’
પોતાનો વારો આવતાં વાસુદેવ અલબત્ત અંગ્રેજીમાં જ અને તેય બાળકોને સમજાય એવી સહેલી અને રસાળ શૈલીમાં શિયાળ અને વાંદરાની હાસ્યરસિક વાર્તા કહી સંભળાવી. છોકરાં વારંવાર ખુશ થઇ ગયાં કે ‘બીજી વાર્તા કહો, સર!’ એમ વારંવાર કહેતાં રહ્યાં. શારદાએ એમને હૈયાધારણ આપી:
“બીજી આવી જ સરસ વાર્તા સર કાલે તમને કહેશે. હવે એમને જુલી સિસ્ટરના કલાસમાં જવાનું છે.
જુલીનાં વર્ગમાં લઇ જઇ શારદાએ વાસુદેવનો પરિચય કરાવ્યો. એનાં કામ બાબત જણાવ્યું અન જતાં જતાં વાસુદેવના વખાણ કરતી ગઇ:
‘વાર્તા કહેતા એમને સારી આવડે છે. છોકરાં “એન્જોય કરશે. બીજા પીરિયડમાં તું એમને સાંભળજે!’
એ દિવસ પૂરો થઇ ગયો, પરંતુ વાસુદેવનાં મનમાં ઉદ્વેગ રહી ગયો. ‘બન્ટી કેમ જોવામાં ન આવ્યો? સાઠેક જેટલાં બાળકો વચ્ચે એને જોઉં અને તરત જ ઓળખી કાઢું! પણ…
એ છે ક્યાં? ક્યાંક ગયો હશે કે પછી બીમાર પડયો હશે?
સાંજે ફોઇબાને મળવા બોરીવલી અમૃતકાકાને ઘેર ગયો. એમને હિંમત આપી. દાદર પોલીસ સ્ટેશને ફોઇબાએ રેણુને ગુંંડાઓ ઉઠાવી ગયાની ફરિયાદ નોંધાવી હતી એ જાણી લઇ, પોલીસ સ્ટેશને ફોન કર્યો, તો ત્યાંથી જવાબ મળ્યો:
‘ચિંતા કરું નકો-આમચા પ્રયત્ન ચાલુ આહે!…’
આ સાંભળી લઇ વ્યંગમાં એણેય સંભળાવ્યું.
‘તમે ય નચિંત રહો ઇન્સ્પેક્ટર, મારાયે પ્રયત્નો ચાલુ છે!’
બોરીવલીથી ગયો શંકરના મા-બાપને દિલાસો દેવા કાંદિવલીના એમના ઘેર. ત્યારે બહુ કરુણ દૃશ્ય સર્જાય ગયું. એકનો એક જિંદગીના આધાર સમો યુવાન અને ઓજસ્વી પુત્ર એમણે ગુમાવ્યો હતો. વાસુદેવને જોઇ પતિ-પત્ની ખૂબ પડયાં. એમને સાંત્વના દઇ કઇ રીતે છાનાં રાખવાં તે વાસુદેવને સમજાયું નહીં, પરંતુ પછી જતાં જતાં હિંમત આપતો ગયો.
‘શંકર તો હવે પાછો મળી શકે એમ નથી, બા! પણ થોડા દિવસ જવા દો, એની હત્યાનો બદલો લીધા વગર હું નહીં જંપુ! આ મારી પ્રતિજ્ઞા છે!’
‘લવલી કે. જી. સ્કૂલ’માં બીજો દિવસ શરૂ થયો. એ દિવસે પોતાના થેલામાં ચોકલેટની ટોફી મૂકી એ પૂછતો રહ્યો:
‘પેલો બન્ટી કેમ બે દિવસથી નથી આવતો?’
‘કયો બન્ટી, સર?’
‘પેલા પ્રધાન છે ને, કુબેકર સાહેબ? એમના દીકરાનો નાનો બાબો!’
‘આઇ ડોન્ટ નો હિમ સર!’
‘અરે, બન્ટીને તમારામાંથી કોઇ નથી ઓળખતું! મોટા આશ્ર્ચર્યની વાત છે!’
બેઉ વર્ગમાં મળીને એણે લગભગ વીસેક છોકરાંને આવી જ પૃચ્છા કર્યે રાખી, પણ બન્ટી બાબતમાં કોઇ જ કહી શકયું નહીં કે બન્ટી એટલે કોણ? અને બે દિવસથી કેમ એ ગેરહાજર છે?
પરંતુ બન્ટી બાબતની એની આવી પૂછપરછનો પડદો પછીના દિવસે તેહમિનાબહેન સમક્ષ એવો પડયો કે એ ચોંકી ગયો. એમનાં નસકોરાંયે લખોટીઓ પ્રવેશી જાય એટલાં ફૂલી ગયાં!
‘સાચે જ શારદા, એ માણસ કુબેકરસાહેબના વિવેક માટે બધાંને આમ પૂછતો રહે છે?’
‘હા, મોટાંબહેન!’ આંખો પટપટાવી શારદાએ ઉત્સાહિત સ્વરે જવાબ દીધો, ‘બાકી એ મિસ્ટર આમ તો સારા છે. છોકરાંને નોખી નોખી રમતો રમાડે છે અને સરસ મઝાની બાળવાર્તાઓ કહી હસાવે પણ છે!’
‘એ બઢ્ઢું યે ખરું’ ચિંતાગ્રસ્ત ચહેરે તેહમિના પાછાં કહેવા લાગ્યાં. ‘પણ કુબેકરના ગ્રાન્ડ સન માટે એ વન શા માટે આટલો “ઇન્ટરેસ્ટ રાખે છે એ મારે જાણવું તો જોઇએ ને? એની વે, હવે આવતી કાલે વાત! તું હવે ખામોશ રહેજે હોં!’
‘ભલે, મોટાબહેન!’
શારદા ખભે પર્સ ભરાવી બહાર તો નીકળી, પરંતુ પછી મનમાં એને પસ્તાવો થયો.
મૂઇ હું યે! આવી નાની અમથી વાતમાં તેહમિનાબહેનને વહાલા થવાની શી જરૂર હતી? હવે બહેન એવા ચુંથીલા સ્વભાવની છે, કે ઓડનું ચોડ કરશે અને દુખિયારાં બિચારા વસંતભાઇને કદાચ કાલથી સ્કૂલમાં આવવાની મનાઇ ફરમાવશે!
‘ઓહ, ગોડ ! મેં આમ કેમ કર્યું?’