Homeવીકએન્ડચક્રવ્યૂહ પ્રકરણ-૨૯

ચક્રવ્યૂહ પ્રકરણ-૨૯

બીજો ફોન જોડ્યો બોરીવલી અમૃતકાકાને ત્યાં. ફોઇબા જોડે વાત કરી એમને ધરપત આપી: થોડો સમય જવા દો. રેણુને છોડાવીને જ હું જંપીશ! દાંતને બદલે દાંત અને આંખને બદલે આંખ ખેંચી કાઢીશ! પણ એ દુષ્ટને હું નહિ છોડું!

વિઠ્ઠલ પંડ્યા

(ગતાંકથી ચાલુ)
‘પણ કહીને અટકી ન જા, ડેવીડ! ખુલ્લા મને વાત કર!’
‘યસ, વાત કરું છું. અમારી એક શરત છે: બન્ટીને કિડનેપ કરીને ભાગતાં જો સપડાઇ જઇએ તો કશી જ જવાબદારી અમે માથે નહિ રાખીએ!’
‘મને એ કબૂલ છે.’
‘ત્યારે અમે એમ કહીને છૂટી પડીએ કે આ મિસ્ટરે રિક્વેસ્ટ (વિનંતી) કરી ‘લિફટ માગી’તી એટલે અમે એ કાકા-ભત્રીજાને ગાડીમાં બેસાડયાં’તા નહિ તો અમે આ મિસ્ટરને કદી જોયા પણ નહોતા!’
‘ભલે. એવી પરિરિસ્થિતિ આવી પડે, તો એમ કહીને છૂટી પડજો! મને શરત મંજૂર છે!’
‘આમાં ખોટું ન લાગડતો, વાસુ! મારે માથે થોડી જવાબદારીઓ છે, એટલે જ સંજોગો એવા ઊભા થાય તો, છૂટી પડવાની વાત કરી! બાકી, તમને બેઉને ગોવા સુધી લઇ જવાની હું ખાતરી આપું છું. મમ્મી પાસે આમે ય અમારે જવું જ છે.’
‘થેન્ક યુ, ડેવીડ! થેન્ક યુ, ભાભી!’ કહેતો વાસુદેવ ઊભો થયો અને ખંડમાં ચક્કર મારવા લાગ્યો,: હવે મારી વાત પણ સાંભળ! કાલ સવારે મારી જોડે આવી જગ્યા તું જોઇ લે, કે મોટર તારી ક્યાં ઊભી કરવી! બનશે તો રિસેસમાં કે પછી સ્કૂલ છૂટવાને સમયે જ બન્ટીને ઉઠાવી હું તારી મોટરમાં ચડી જઇશ! જ્યારે શું કરવું એની ચોક્કસ વાત કાલે કરીશ! ઓ. કે.?’
‘ઓ. કે.’
‘હવે હું એક-બે અગત્યના ફોન કરી લઉં!’ કહી, ફોનના ટેબલ પાસે એ બેઠો અને ‘રાષ્ટ્રજ્યોતિ’ કાર્યાલયમાં ફોન જોડયો.
બે વાર પ્રયત્ન કર્યો ત્યારે મધુસુદન શાહ સાથે સંપર્ક થયો. વાસુદેવે કહ્યું:
‘હું વી.ડી. મહેતા બોલું છું, સાહેબ!’
‘અરે, ગઇ કાલથી હું તમારા જ ફોનની રાહ જોઇ રહ્યો છું, વાસુભાઇ!’
‘વાસુભાઇ નહિ-વસંત!’
‘કેમ, નામ બદલ્યું કે?’
‘બદલવાની જરૂર પડી’તી! હવે બોલો, ક્યારે મળું?’
‘અત્યારે કાર્યાલય પર આવી શકો એમ છે?’
‘ના. રાતના દસ વાગી ચૂક્યા છે અને જરા દૂર છે.’
પરંતુ કાલે સવારે અગિયારેક વાગે મળીએ તો?’
‘ઓલ રાઇટ! અગિયાર વાગે ઘેર આવી જજો. મારે તમને અગત્યના સમાચાર આપવા છે. બહુ સિરિયસ બાબત છે!’
‘મારે પણ એવા જ સમાચાર કહેવાના છે, મધુભાઇ! હવે કાલે વાત-ગુડનાઇટ!’
બીજો ફોન જોડ્યો બોરીવલી અમૃતકાકાને ત્યાં. ફોઇબા જોડે વાત કરી એમને ધરપત આપી: થોડો સમય જવા દો. રેણુને છોડાવીને જ હું જંપીશ! દાંતને બદલે દાંત અને આંખને બદલે આંખ ખેંચી કાઢીશ! પણ એ દુષ્ટને હું નહિ છોડું!’
સવારે તૈયાર થયા પછી હેલનને એણે કહ્યું:
‘ભાભી, અહીંની રેડી-મેઇડ કપડાંની દુકાન સુધી તમારે અમારી જોડે આવવાનું છે. બન્ટીના માપનાં મારે પાંચ-છ જોડી કપડાં ખરીદવાં પડશે. ઉપરાંત બિસ્કિટનાં પડીકાં ચોકલેટ અને કેડબરીઝનાં પાકીટ લેવાનાં છે. પ્લીઝ, ગેટ રેડી!’
‘ઓહ યસ! તૈયાર થઇ જાઉં છું.’
ડેવીડની મોટરમાં નજીકના મુખ્ય રસ્તા પર જઇ એક દુકાનમાંથી ચારેક વરસના બાળકને થાય એવાં અર્ધો ડઝન કપડાં ખરીદ્યા બિસ્કિટ-કેડબરીનાં પાકીટ લીધાં. એમાંથી થોડું પોતાના થેલામાં રાખી, બાકીનું હેલનને સોંપ્યું અને બેઉ મિત્રો ગાડી વાંદરાના ધોરી માર્ગ તરફ હંકારી ગયા.
દાદરમાં શિવાજીપાર્ક પાસે, વાસુદેવે પોતાનો ફોટો સ્ટુડિયો એક ભાઇને ચલાવવા આપ્યો હતો ત્યાં જઇ એણે કહ્યું:
‘દેવેન્દ્ર, સાંજ સુધીમાં બે હજાર રૂપિયાની જોગવાઇ કરી રાખજો. મારે ખાસ જરૂર છે. રાતે આવીને લઇ જઇશ!’
‘પછી રેણુનો કાંઇ પત્તો લાગ્યો, ભાઇ!’
‘ના. કોશિશ ચાલુ છે.’
ત્યાંથી બેઉ જણા ગયા વાલ્કેશ્વર. લવલી સ્કૂલથી સહેજ આગળ મોટર થભાવીને વાસુદેવે કહ્યું:
‘આ જગ્યા ખ્યાલમાં રાખ, ડેવીડ! આજ સ્થળ પર આવતી કાલે બપોરે બરાબર સવા વાગે તારે ગાડી લઇને હાજર થવાનું છે, એની પંદર મિનિટની અંદર જ હું રિસેસના સમયે, બન્ટીને લઇ તારી મોટરમાં બેસી જઇશ! માટે મારા તથા તમારા સરસામાન સાથે, ભાભીને લઇ અચૂક તું હાજર થઇ જજે!’
‘ઓ. કે.!’
‘હવે મને ચોપાટી પાસે ઉતારી દે. મારે મધુભાઇને ત્યાં જવું છે.’
મધુસૂદન એની જ રાહ જોઇ રહ્યા હતા. પૂછયું:
‘બોલો, તમારે શા સમાચાર આપવાના હતા!’
‘સમાચાર એ જ કે… કાલે કુબેકરના પૌત્રને સીધો શાળામાંથી કિડનેપ કરી હું ઉપાડી જાઉં છું, મધુભાઇ!’
‘બધું પાકું કરી નાખ્યું છે?’
‘હા, ડેવીડ અને એની પત્ની ગોવા સુધી અમને પહોંચાડી દેશે એમની ગાડીમાં!’
‘એ તો ઠીક, પણ શાળામાંથી બધાંની નજર ચૂકવી, ચાર વરસના બાળકને લઇ તમે કેવી રીતે બહાર નીકળી શકશો? સામેની બાજુ થોડે છેટે કુબેકરનો બંગલો હોય અને છોકરાને તમે મોટરમાં ઉપાડો, તો બન્ટી હોહા ન કરી મૂકે, વાસુભાઈ?
‘જુઓ, મધુભાઈ!’ સિગારેટ સળગાવતા વાસુદેવે એ બાબતની પણ સ્પષ્ટતા કરી, ‘શાળાની પ્રિન્સિપાલથી માંડી બન્ટીની ક્લાસ ટીચર અને એને મૂકવા લેવા આવનારી ઘાટણબાઈ સુધીનો મેં વિશ્ર્વાસ સંપાદન કરી લીધો છે. ઉપરાંત બન્ટીની લાગણી પણ જીતી લીધી છે. હવે વાત રહી ક્લાસમાંથી બન્ટીને ઉપાડવાની! તો એને ચોકલેટ દઉં છું એ સાથે ઘેનની ગોળી ખવરાવી દઈશ. પછી એને બંગલે મૂકી આવવાને બહાને ગેઈટ બહાર ઊભેલી ડેવિડની કારમાં નાખી અમે ઉપડી જઈશું ઝડપભેર!’
‘ભલે.’ આ બધું સાંભળી લીધા પછી મધુસૂદને ધીમો નિ:સાસો નાખ્યો અને બોલ્યા, ‘આટલી બધી તૈયારી તમે કરી લીધી છે એટલે બીજું તો શું કહું? પણ આટલું મોટું જોખમ ખેડો છો, તો જરા સાવચેત રહેજો! નહીં તો ઊલમાંથી ચૂલમાં પડવા જેવું ન થઈ બેસે ક્યાંક?’
‘કુદરત મારા પક્ષમાં એટલે સત્યના પક્ષમાં હશે, તે કશું વિપરીત નહીં આવે, મધુભાઈ! મારે ઓછો બન્ટીને કિડનેપ કરી રિબાવવો છે? રેણુને એ લોકો કઈ રીતે રાખતા હશે એની મને ખબર નથી! પરંતુ બન્ટીને તો હું મારા પુત્ર કરતાંયે અધિક લાડપ્યારથી રાખીશ!’
‘મને એટલી તો તમારી ખાતરી છે.’
‘અચ્છા!’ કહી સિગારેટ બુઝાવી દઈ વાસુદેવે પ્રશ્ર્ન કર્યો, ‘હવે’ કહો: તમે કયા ‘સિરિયસ’ સમાચાર આપવાના હતા?’
‘આપણા વકીલ તથા નાયબ પોલીસ કમિશનર વગેરેને વાંદરાના પેલા બંગલે લઈ જઈ તમે કહેતા હતા એ સિમેન્ટની ઓટલી ખોદાવી જોવી છે! જોઈએ તો ખરા, કુબેકર સાહેબના કરતૂતો ખુલ્લાં પડે છે કે નહીં?’
‘ક્યારે જવા માગો છો ત્યાં?’
‘બને તો કાલે સવારે!’
‘ના, કાલે સવારે નહીં!’ વાસુદેવ વ્યગ્ર સ્વરે બોલી ઊઠ્યો, ‘કાલે બપોર સુધીમાં મને મારી યોજના પાર પાડવા દો! નહીં તો મારી મહેનત નિષ્ફળ જશે! એમ કરો, બપોરે ત્રણ વાગ્યાનો સમય તમે રાખો! ત્યાં સુધીમાં અમે બન્ટીને ઉપાડી દૂર સુધી પહોંચી ગયા હોઈશું!’
‘ઠીક છે, તો અમે સમય જરા આઘોપાછો કરીશું – બસ?’
‘થેન્ક યુ! હવે મારે બીજી એક વિનંતી કરવાની છે: મારા પગાર પેટે અને એડવાન્સ મળીને મને કાલે સવારે પાંચ હજાર જેટલી રકમ મળી શકશે?’
‘અફકોર્સ! કેમ નહીં? કાલે આ વખતે આવીને પૈસા તમે લઈ જજો!’
‘અચ્છા! તો હવે હું જાઉં, મધુભાઈ!’
‘જમીને જાઓ – વાર નહીં લાગે!’
જમ્યા કેડે એકાએક યાદ આવ્યું એટલે વાસુદેવે પૂછ્યું:
‘વાંદરાના બંગલામાં. પેલી નવી બનાવેલી સિમેન્ટની ઓટલીનો મેં ફોટો લીધો છે એ તમને આપું, મધુભાઈ?’
‘હા, આપોને! કમિશનરસાહેબને એ હું દેખાડી શકીશ.’
થેલામાંથી, એક કવરમાંથી ફોટો કાઢી મધુસૂદનને એણે આપ્યો અને બોલ્યો:
‘કહેજો સાહેબને: આ ઓટલીની જગ્યાએ પહેલાં તૂટેલા – ફૂટેલાં ડબા-ડબલી પડ્યાં’તાં! મારે પેલું કામ પતાવવાનું છે; નહીં તો હું યે તમારી જોડે આવત!’
‘તમારી જરૂર નથી! મારી જોડે વડીલ એવા એક નિવૃત્ત ન્યાયાધીશ સાહેબ, આપણા વકીલ અને બીજા અખબારોના થોડા પત્રકારો પણ હશે!’
‘ઑલરાઈટ! તો હવે હું જાઉં – કાલે આવીશ.’
વાલકેશ્ર્વર જઈ, ‘લવલી સ્કૂલ’ પાસે છેટો ઊભો રાહી, બન્ટી ક્યારે આવે છે એની એ રાહ જોવા લાગ્યો. છોકરાને મૂકવા આવતા અને થોડા પરિચિત થયેલા વાલી તથા નોકરો એને આમ ઊભેલો જોઈ, ‘નમસ્તે’ કર કમ્પાઉન્ડમાં અંદર ચાલ્યા જતા. છેવટે એણે ગોમતી અને બન્ટીને આવતાં જોયાં અને મનોમન એ બબડ્યો:
‘આજનો તારો અહીં છેલ્લો દિવસ છે, દીકરા! કાલે તો તું તારા કબજામાંં હશે, આવ -’
બન્ટીએ એને જોયો એવો જ ગોમતીનો હાથ છો? આ ભાગ્યો. વાસુદેવે પણ સામે જઈ એને ઊંચકી લીધો અને એના કુમળા ગાલે બાકી ભરી:
‘માઝા બાળ (મારો દીકરો)! લે, કાલે ભૂલી ગયો’તો, પણ યાદ રાખીને આજે કેડબરી લેતો આવ્યો છું. અને ગોમતીબાઈ, હે દ્યા, તુમચ્યા પોરા સાઠી (તમારા છોકરા માટે)!’ કહી ગોમતીને ય કેડબરીનું પાકીટ આપ્યું અને સ્કૂલ છૂટે ત્યારે તમે ન આવતાં હોં! બન્ટીબાબાને હું બંગલાના ગેઈટ સુધી મૂકી જઈશ!’
‘હો!’ પણ શકુબાઈને મળવા તમે અંદર સુધી નહીં આવો, સાહેબ?’
‘જરૂર આવીશ. બન્ટીની આંગળી પકડી શાળાના કમ્પાઉંડ તરફ ચાલતાં વાસુદેવે જવાબ આપ્યો, પરંતુ આજે નહીં કાલે જરા છુટ્ટો છું એટલે બન્ટીને લઈ અંદર આવીશ અને બેસીશ પણ ખરો! પણ તમે હવે જાઓ, ગોમતીબાઈ લાવો દફતર. બન્ટીને હું લઈ જાઉં છું!’
ગોમતી ગેઈટ આગળ જ ઊભી. વાસુદેવ બન્ટીને લઈ આગળ ચાલ્યો. આમતેમ નજર ફેરવી લઈ ધીમેથી પૂછવા લાગ્યો:
‘તારા મામાનું ઘર ક્યાં છે, બન્ટી?’
‘લઈ લાંબ આહે.’
‘કેમ, ગામનું નામ નથી ખબર?’
‘ખબર છે, મામા પૂના રહે છે.’
‘તો મને તારી જોડે લઈ જઈશ?’
‘હો! ક્યારે આવશો?’
‘તું લઈ જાય ત્યારે!’
‘હં… હું લઈ જઈશ, સર!’
‘સર નહીં – અંકલ! હું તારો અંકસ નથી?’
‘છો!’
‘તો લે આ દફતર અને બેસ તારા ક્લાસમાં’ કહી બન્ટીથી એ જુદો પડ્યો અને મનમાં ફૂટેલા એક નવા ફણગાનો અમલ કરવા દાદર ચડી ઉપર ગયો.
‘નમસ્તે, મેડમ!’ કહી સ્પ્રિંગવાળું નાના દરવાજાનુું પાંખિયું ધકેલી એ ઓફિસમાં પ્રવેશ્યો, ‘અંદર આવું કે?’
‘અફકોર્સ આવો આવો, વસંતભાઈ!’
પ્રાયમરી વિભાગવાળો એક શિક્ષક તેહમિનાબહેન સામે ઊભો હતો અને તેહમિના એ શિક્ષકે આપેલો કોઈ પત્ર વાંચી રહ્યા હતા. વાસુદેવ પણ પેલા શિક્ષકની જેમ ટેબલ આગળ ઊભો રહ્યો. એ જોઈ તેહમિના બોલ્યા:
‘પ્લીઝ, બેસોને જરા!’
વાસુદેવની જેમ પેલો શિક્ષક પણ ખુરશી ખસેડી બેસવા ગયો. એવાં જ તેહમિનાબહેન ક્રોધનું ત્રીજું નેત્ર ઉઘાડી પેલા પર તણખી ગયાં:
‘તમુને જરાયે ડીસિપ્લીન’નું ભાન છે કે નહીં, મિસ્ટર કોઠારિયા? આ ભાઈ જુઓ હજુ તો એવનનો ફક્ત પંદર દિવસ થયા છે અહીં? છતાં અંદર આવવાની રજા માગે છે. આમ મારા નાનાભાઈ જેવા છે, તોબી અદબ ભીડીને સ્ટેચ્યૂની માફિક ઊભા રહે છે અને હું કેઉં છું ત્યારે જ બેસવાનો વિચાર કરે છે! જ્યારે તમુને તો… નહીં. નહીં, જાઓ! તન દિવસ કરતાં વધારે છુટ્ટી હું આપી શકું એમ નથી!’
‘પણ, મોટાંબહેન…’
‘કીધુંને, ફક્ત તન દિવસ! પ્લીઝ મારે હજી બીજા ઘન્નાં કામ છે! જાઓ, મારા ભેજાનું દહીં ન કરો!’
બિચારો કોઠારિયા! અપમાનિત થયો હોવા છતાં એ ગળી જઈ, લાચારની જેમ ઊંધું ઘાલી, બહાર ચાલી ગયો.
એ ગયો અને આખો સિનારિયો જ બદલાઈ ગયો! ચશ્મા ઉતારી, એના કાચ સાફ કરતાં તેહમિનાબહેન સક્કરટેટી જેવા લંબગોળ મુખ પર સ્મિત ફરકાવી બોલી ઊઠ્યાં:
‘હું’ તમુને જ યાદ કરતી’તી! પણ એ ગયો એ ભેજાગેપ કોઠારિયા એક -બે દિવસ નહીં, પંદર દિવસની છુટ્ટી માગવા આવ્યો! સોરી હોં. તમે તો ડિસ્ટર્બ નથી થયાને, વસંતભાઈ?’
‘ના, રે!’ અંદરથી વિચલિત થઈ ગયેલા વાસુદેવે પણ હસતું મોઢું રાખી, બદલાયેલી પરિસ્થિતિ પ્રમાણે જવાબ ઘડી કાઢયો, ‘ઊલટું મને તો તમારું આ નવું સ્વરૂપ જોઈ વિચાર આવી ગયો કે… કાશ મારી પાસે અત્યારે કેમેરા હોત તો કેવું સારું?’
‘કેમ? કેમેરા હોત તો તમે શું કરતે?’
‘શું તે… તમારા આડાઅવળા બે-ત્રણ સ્નેપ ખેંચી લેત! જરાયે ફરક નહીં! પત્રકારો પર ઈંદિરાજી છેડાઈ જતાં ત્યારે બિલકુલ તમારા જેવાં જ લાગતા!’
આ વાતથી મનોમન ફુલાઈ જઈ, ગાલ ઉપર હાથ મૂકી તેહમિનાબહેન કહેવા લાગ્યાં:
‘હવે સાંભલો! તમારો વિચાર ને મારા મનનો વિચાર એક બીજા જોડે કેવો ‘સીક્રોનાઈઝ’ (ગોઠવાઈ) થઈ ગયો તેની વાત કેઉં તમુ ને?’
‘કાં? એવું શું થયું, મેડમ?’ જરા અધ્ધર શ્ર્વાસે વાસુદેવે પૂછ્યું.
‘મને પણ થોડા, ‘સ્નેપ’ ખેંચાવવા વિચાર આવી ગયો. ખાસ તો મારા માઈજીને મારા ફોટા ઘન્ના જ ગમિયા છે, હોં વસંતભાઈ! તો પ્લીઝ એક કામ ન કરો તમે?’
‘જી બોલો ને!’
‘કાલે સ્કૂલ છૂટિયા પછી તમે મારી ભેગા મારે ઘરે ન આવો? માઈજીની ઈચ્છા છે કે… એમની જોડે મારા અને મારાભાઈ દોરાબજીના તન ચાર ફોટા ખેંચાવી લીધા હોય, તો જિંદગીનું એક મોંઘું સંભારણું રહી જાય.’
‘અરે, એમાં કઈ મોટી વિસાત છે? પરંતુ કાલે નહીં, મોટાંબહેન!’
‘કેમ, કાલે સું વાંઢો છે તમુને?’
‘વાંધો કશો નહીં! પણ મારો કેમેરા એક ફ્રેન્ડ લગ્નના ફોટા પાડવા લઈ ગયો છે. કાલે – પરમ દિવસે એ આપી જશે તો બે દિવસ જવા દો, મેડમ!’
‘ઓલરાઈટ!’ કહેતાં તેહમિના ઊંડો શ્ર્વાસ ખેંચી ઊભા થયાં, ‘બેલ પડ્યો, જરા આપણે નીચે જઈએ!’
વાસુદેવને થયું: મારા મનની વાત તો મનમાં જ રહી ગઈ! દાદર ઉતરતાં, બગલથેલા પર હાથ રાખી એ કહેવા લાગ્યો:
‘વન મિનિટ, મોટાંબહેન! મારે તમારી સલાહ લેવાની છે.’
‘સલાહ કઈ બાબતમાં?’
‘બન્ટી એટલે કે વિવેકના દાદા કુબેકર સાહેબના ઘરના માણસો જોડે મારે સંબંધ બાંધવા છે!’
‘કેમ વારુ?’ તેહમિનાબહેન ચમક્યાં.
‘બે ત્રણ મહિના પછી પેલા બાલમંદિર માટે મારે પૈસાની જરૂર પડશે, મોટાંબહેન! એટલે સાહેબના ઘરના સાથે ઘરોબો બંધાય, તો એમની મારફત કુબેકર સાહેબને વાત કરી શકાય!’
‘પણ શાની વાત કરી શકાય?’
‘ડોનેશનની!’ આંખનું પલકુંયે માર્યા વગર વાસુદેવે જવાબ આપ્યો, ‘એવો સત્તાધારી – મોટો માણસ આંગળી ચીંધે ને, તોયે આઠ દસ હજાર દેનાર વેપારી મને મળી જાય!’
‘એ બધુંયે ખરું વસંતભાઈ! પણ સાહેબના બૈરાંઓ જોડે ઘરોબો કરવા, તમે સું સીઢા એવનના જનાનખાનામાં ઘૂસી જવા માગો છો કે?’
એવો જ વાસુદેવ ખડખડાટ હસી પડ્યો:
‘તમેય શું મોટાંબહેન, મારી મજાક ઉડાવો છો! મને એમ કોઈ ઘૂસવા પણ દે કે? પણ આ તો બેન્ટીને બેચાર વખત એના ઘર સુધી મૂકવા જઈ, આવવા-જવાનો સંંંબંધ બાંધી શકાય!’
‘વેલ! પણ આમાં તમે મને લગીરે ન સંડોવતા હોં! માઠું ન લગારતા, પણ આમાં મારી પ્રિન્સિપાલ તરીકેની ‘પ્રેસ્ટીજ’નો પણ સવાલ ખરોને?’
‘યુ આર રાઈટ, મેડમ! પણ ફિકર ન કરો: હું જે કરીશ એ મારી જવાબદારી પર કરીશ!’
એક એક ઈંટ ગોઠવીને કડિયો દીવાલ ચણે એમ વાસુદેવ પણ પોતાની યોજના પાર પાડવાનો વ્યૂહ ગોઠવતો જતો હતો. કે.જી.નો વર્ગ છૂટ્યો ત્યારે શારદાએ એને યાદ દેવરાવી:
‘આજે મૂડમાં છો તમે? આપણે હેંગિંગ ગાર્ડન જવાનું છે.’
‘જઈશું. પણ બે દિવસ થોભી જા, શારદા! ફક્ત બે દિવસ! પછી તારી બધી જ વિટંબણાઓ હું શાંતિથી સાંભળીશ!’ કહી બન્ટીને લઈ એ આગળ થયો. ‘ચાલ દીકરા તને તારા બંગલાના ગેઈટ સુધી મૂકી આવું! ગોમતી હજી નથી આવી!’
સ્કૂલના કમ્પાઉન્ડ બહારથી બન્ટીને ઊંચકીને, રસ્તો ઓળંગી, કુબેકરના બંગલા સુધી એ મૂકી આવ્યો. એને ‘ટાટા’ કર્યું. પછી લીલામાસીના ઘર તરફ ચાલવા માંડ્યું.
સાંજે દાદર જઈને પોતાનો સ્ટુડિયો ચલાવવા આપ્યો હતો એ દેેવેન્દ્ર પાસેથી બે હજાર રૂપિયા લઈ આવ્યો. સવારે મધુસૂદન શાહને ત્યાં ગયો. એમણે જેને જમાડ્યો. વાઉચર પર સહી લઈ પાંચ હજાર રૂપિયા એને આપ્યા અને ફરીવાર ચેતવણી પણ દીધી:
‘પેલા છોકરાને તમે કીડનેપ કરી જવાના છો, પણ બહુ સાવધ રહેજો! નાનું બાળક છે. લગીરે એને દુ:ખ ન આપતા હોં!’
‘તમે એ વાતે નચિંત રહો, મધુભાઈ! અને તમારું કાર્ય પણ સાવધાનીપૂર્વક પાર પાડજો! ગુડબાય! હું વસંતના નામે તમને પત્ર લખીશ!’
નીચે ઊતરી એક કેમિસ્ટની દુકાને ગયો:
‘મારા ચારેક વરસના બાબાને પગમાં પીડા છે, રાતેય ઊંઘ નથી આવતી અને સતત કણસે છે. ડૉક્ટરે ગોળી લખી આપી છે, પણ ચિઠ્ઠી ખોવાઈ ગઈ છે. તો તમે એ ઘેરમાં રહે એવી કંઈ ટીકડીઓ આપશો?’
દવાવાળાએ ‘કામપોઝ’ નામની ટીકડીઓ આપી:
‘એકાદ ટીકડીથી ત્રણેક કલાક બાબો ઘેરમાં રહેશે. છતાં તમારા ફેમિલી ડૉક્ટરને પૂછીને દવા આપજો, મિસ્ટર!’
‘હા, જી! એ તો પૂછીશ! થેંકયુ!’
ત્યાંથી સીધો એ ‘લવલી સ્કૂલમાં’ ગયો. બન્ટીને મૂકવા આવેલી ગોમતી ઘાટણને કહ્યું:
‘આજેય તમે બન્ટીને લેવા ન આવતા! આજે તો હું એને છેક બંગલાની અંદર મૂકવા આવીશ અને તમારા શકુંતલાબાઈને મળી ચા-નાસ્તોયે લઈશ!’
રિસેસ પડે એ પહેલાં, પાછલી બાજુ માંડવા નીચે રમતા છોકરામાંથી બન્ટીને એક તરફ લઈ જઈ, પેલી ઘેનની ગોળીના પાવડરવાળું પાણી પીવરાવ્યું. ઉપર ખાવા માટે ચોકલેટ આપી. પછી એની પર નજર રાખતો દૂર ઊભો રહ્યો. થોડી જ વારમાં એણે જોયું, તો બન્ટી ઘેનાઈ ગયો હોય એમ પગથિયાં પર બેસી ગયો અને ત્યાં જ માથું ઢાળી સૂઈ ગયો. એવો જ વાસુદેવ શારદા પાસે ગયો:
‘શારદા, બન્ટી કંઈક અસ્વસ્થ લાગે છે. જોને, પગથિયાં પર સૂઈ ગયો છે!’
‘ઓહ, હવે શું કરશું?’
‘શું તે… ઊંચકીને સાહેબના બંગલામાં એને મૂકી આવું છું!’
‘તમે જશો? ઊભા રહો: ધોંડુને બોલાવું છું!’
‘ધોંડુ પોંડુ કર્યા વગર ચૂપ રહે તું!’ વાસુદેવ થોડો ઉશ્કેરાઈ ગયો, ‘હું એક જવાબદાર શિક્ષક કહેવાઉં! હું મૂકવા જઈશ, તો એના ઘરનાં માણસો રાજી કેટલા થશે!’
બિચારી શારદા! એ ચૂપ થઈ ગઈ. વાસુદેવ અંદરથી ખૂબ ઉત્તેજિત થઈ ગયો હતો. એના લોહીમાં ઉષ્ણતા વ્યાપી ગઈ હતી. મગજ પણ થોડું તંગ થઈ ગયું હતું. બન્ટીને ખભે ઊંચકીને એણે ચાલવા માંડ્યું.
પરંતુ હાય રે, ભાગ્ય! દાદરા કનેજ તેહમિનાબહેન મળ્યાં:
‘અરે! તમે આ છોકરાને ઊંચકીને ક્યાં ચાલિયા, વસંતભાઈ?’
વાસુદેવની માનસિક હાલત ત્યારે એવી હતી કે સ્કૂલને બદલે તેહમિના ક્યાંય બહાર મળ્યાં હોત, તો અંદરની ઉત્તેજનાને લીધે એમને એ હડસેલો મારી આગળ વધી જાત; પરંતુ એણે પૂરેપૂરી સ્વસ્થતા જાળવી અને જવાબ દીધો:
‘બન્ટી ઓચિંતો બેહોશ થઈ ગયો છે, મેડમ! પણ ડોન્ટ વરી! (ચિંતા ન કરો!) હું એને સાહેબને ત્યાં મૂકી આવું છું! થોડીવાર ત્યાં રોકાઈશ પણ ખરો!’
સ્કૂલના ગેઈટ બહાર થોડે છેટે ડેવિડની ગાડી ઊભી હતી. આમતેમ જોઈ લઈ વાસુદેવ ગાડી નજીક પહોંચ્યો. બાહણું ઉઘાડી પાછળ બન્ટીને સુવરાવ્યો. પોતેય અંદર ચડી બેઠો અને બારણું વાસી કહ્યું:
‘હવે ગાડી અહીંથી ઉપાડ. ડેવિડ! જલદી કર! બે કલાક સુધી તો કોઈને કશી ખબર પણ નહીં પડે! હરી અપ!’

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -