વાસુદેવનું મન લાગણીથી ભરાઈ આવ્યું. કંઈ પણ બોલ્યા વિના તરત એ બહાર નીકળી ગયો. આવીને વાલકેશ્ર્વર રહેવાની ખાસ જરૂર હતી. કુબેકરના પૌત્ર બન્ટીને ‘કિડનેપ’ કરવો હોય તો એ યોજના આ વિસ્તારમાં રહેવાથી જ પાર પડાય!
વિઠ્ઠલ પંડ્યા
(ગતાંકથી ચાલુ)
પોલીસો એના પર નજર રાખે છે એટલે શું સમજવું? કોઈ મોટો ગુનો કરીને અહીંથી એ ભાગ્યો હશે? તે દન બાજુવાળી દેવકી વાત કરતી’તી કે… વાસુની કમુ ફોઈની દીકરીને કો’ક મવાલી ઉપાડી ગયા છે! એની પાછળનું કારણ પણ વાસુનું કો’ક સરકારી બાબતનું લફરું છે! હે ભગવાન, શું થવા બેઠું છે આ બધું?
સાંજના છ વાગ્યા એટલે વાસુદેવને એમણે જગાડ્યો. મોં ધોઈ એ સ્વસ્થ થયો, એટલામાં ચા નાસ્તો તૈયાર કર્યો. પછી એની સામે બેસી પૂછવા લાગ્યાં:
‘હવે માંડીને મને બધી વાત કર, ભૈ! શા વાસ્તે તારે આમ નાસભાગ કરવી પડે છે?’
‘અત્યારે કશુંયે કહેવાય એમ નથી, માસી! પૂરીનું બટકું ભરી લઈ વાસુદેવ કહેવા લાગ્યો, ‘ફક્ત એટલું જાણી લો કે… ધરમ કરવા જતાં ધાડ પડી છે!’
‘પણ એવો ધરમ કરવાની શી જરૂર હતી તારે? શાંતિથી રોટલો ખાઈને ઘેર બેસી ન રહેવાય?’
‘એમ દેખતે ડોળે કોઈ પર અન્યાય થતો જોઈ શાંતિથી શી રીતે બેસી રહેવાય? એમ બેસી રહેનારા તો કાયર હોય છે! અને તમારો ભાણો એવો કાયર નથી, માસી!’
‘અલ્યા ભૈ, પણ જીવનું જોખમ લઈ તું ક્યાં લગી આમ ભાગતો ફરીશ?’
‘જ્યાં લગી અન્યાયનું વેર ન વાળું ત્યાં સુધી!’
‘એ તો ઠીક, પણ મારા સાંભળવામાં આવ્યું છે કે… તારી કમુ ફોઈની દીકરીને…’
‘એ વાત પણ સાચી છે, માસી!’ વચ્ચે જ વાસુદેવ બોલી ઊઠ્યો, ‘એટલે મારે હજી જીવના જોખમે પણ રેણુને પાછી મેળવવી છે અને પેલા લબાડને એ જેવો છે તેવો દુનિયા સમક્ષ ખુલ્લો પાડવો છે!’
‘કિયા લબાડને?’
પરંતુ વાસુદેવ કંઈ જવાબ આપે એ પહેલાં એક ઊંચી સરખી યુવતી બારણું ધકેલી સીધી અંદરના ખંડ સુધી આવી પહોંચી:
‘લીલા કાકી, બપોરનું વધેલું થોડું શાકબાક છે કે? મારી બકલી હઠ લઈ બેસી છે કે શાક લાવ ને લાવ!’
‘અત્યારે તો કાંઈ નથી, દેવકી!’ લીલા માસીએ કહ્યું, ‘કલાક પછી તું આવે તો…’
‘કલાક પછી તો હું યે વટાણા ને રીંગણાનું શાક કરવાની છું, પણ આ તો અત્યારની પંચાત છે!’ કહી જતાં જતાં વાસુદેવને ચા પીને ઊભો થતો જોઈ બોલી ઊઠી, ‘ક્યાંના મે’માન છે, કાકી?’
‘દેશમાંથી આવ્યો છે મારો ભાણો!’
‘મને તો ઈમને જોઈ, વાસુભઈની મોં કળા વરતાઈ, કાકી!’
‘હં… હશે!’ કહી લીલા માસી કપ રકાબી લઈ બેઝિનમાં મૂકવા ઊભાં થયાં. વાસુદેવે બાજુના ખંડમાં જઈ પહેરણ ચડાવ્યું.
દેવકીના ગયા પછી લીલા માસી કહેવા લાગ્યાં:
‘આ ગઈ એ કાગડી અમારે “બાણગંગાનું સમાચારપત્ર છે. તારા માસા જીવતા ત્યારે તો એમની હાજરીમાં દેવકી અહીં પગ પણ ન મેલતી. એમનાથી એટલી એ બીતી! પણ નરેશની વાત જુદી છે. એ તો ઊલટો દેવકીની ગમ્મત કરે છે: કેમ દેવકીભાભી આજના તાજા સમાચાર શા છે?’
‘નરેશ આજકાલ લાંબી ટૂર પર જાય છે, નહીં માસી?’ પોતાની કેમેરેવાળી બેગ ખભે ભેરવી, સેંડલ પહેરતાં વાસુદેવે પૂછ્યું.
‘હા, હમણાં એ કલકત્તા બાજુ ગયો છે, ભૈ!’
‘ત્યારે તો મોટી માસીના ચંદુભાઈને ત્યાં જ ઊતરતો હશે ક્યાંક!’
‘હા, ત્યાં એને ફાવે પણ છે.’
‘એમ તો… મને ય અહીં બહુ ફાવે છે, માસી! પણ તમને મારા તરફની બીક હોય તો મારાથી અહીં શી રીતે રહેવાય?’
‘હવે એવી ગાંડી વાત ન કર!’ માસી બોલી ઊઠ્યાં, આવીને આંઈ તું રહે, તો હું શું તને કાઢી મેલવાની છું?’
મને એવી કોઈ બીક નથી, હોં ભઈ!’
‘તો પછી કાલે મારી બેગ લઈ, થોડા દિવસ અહીં રહેવા આવી જઈશ, માસી! દાદરનું ઘર હાલ પૂરતું બંધ રાખી ફોેઈબાને પણ મેં બોરીવલી અમૃતકાકાને ત્યાં રહેવા મોકલી દીધા છે. થોડો વખત એમ કરવાની મારે જરૂર છે.’
‘તો બેશલાક આંઈ આવી જજે, ભા! તારા દુ:ખમાં હું ભાગીદાર ન થાઉં, તો પછી તારી માસી શાની?’
વાસુદેવનું મન લાગણીથી ભરાઈ આવ્યું. કંઈ પણ બોલ્યા વિના તરત એ બહાર નીકળી ગયો.
આવીને વાલકેશ્ર્વર રહેવાની ખાસ જરૂર હતી. કુબેકરના પૌત્ર બન્ટીને ‘કિડનેપ’ કરવો હોય તો એ યોજના આ વિસ્તારમાં રહેવાથી જ પાર પડાય!
બસમાં બેસી કોટ વિસ્તારમાં પહોંચ્યો. ‘રાષ્ટ્રજ્યોતિ’ના કાર્યાલય સામે જયપ્રકાશ હૉટલમાં એણે ચા મંગાવી. એ પછી થોડી જ વારમાં મધુસૂદન અંદર પ્રવેશ્યા. બેઉ જણે ચા પીધી. વાસુદેવે ઊભા થતાં પૂછયું:
‘ટેપ લીધી છે ને?’
‘હા. ચાલો. છાપાનાં પેલાં કટિંગ્સ પણ લીધાં છે.’
પરાના ખાર વિસ્તારમાં છેક ડાંડા પર એ બાઈનું નાનું મકાન હતું. એની મોટી બહેન જોડે એ રહેતી હતી. ટેક્સીમાં બેઉ જણાં ત્યાં આવ્યા. અજાણ્યા બે પુરુષોને જોઈ બાઈ પહેલાં તો ગભરાઈ ગઈ. પરંતુ વાસુદેવે કહ્યું:
‘નલિનીબહેન, મને ન ઓળખ્યો? લગભગ મહિના ઉપર શંકર જોડે હું આવ્યો’તો, ત્યારે તમારો મેં ફોટો ય પાડ્યો’તો?આ સાહેબ અમારા છાપાના તંત્રી છે અને શંકર અમારો જ પત્રકાર હતો!’
‘હા, પણ શંકરનું તો કોઈકે ખૂન કરી નાખ્યું ને, ભાઈ!’
વાસુદેવ જોડે બેઠેલા મધુસૂદને ટેપરેકોર્ડર ચાલુ કરી દીધું હતું, એ પારખી લઈ વાસુદેવે કહ્યું:
‘કોઈકે નહિ તમારા કુબેકરે જ એને મારી નખાવ્યો, બહેન! અને એ હત્યા મેં મારી નજર સામે થતી જોઈ!’
‘તો પછી એ બાપડાને બચાવવા તમે કોશિશ કેમ ન કરી?’
‘કોશિશ શું કરું નલિનીબહેન, એ બદમાશ તો મનેય ત્યારે પૂરો કરી નાખત! પણ હું ભાગ્યો અને નસીબજોગે બચી ગયો!’
‘અરે રે!’ ઉદ્વિગ્ન સ્વરે નલિની કહેવા લાગી, ‘એ માણસ એવો હરામખોર છે એ જાણતી હોત, તો એની જોડે સંબંધ પણ બાંધત કે?’
‘તમે કોની વાત કરો છો, બહેન! મધુસૂદને જાણીબૂઝીને સવાલ કર્યો, શંકરની કે પ્રધાનસાહેબ કુબેકરની?’
‘પ્રધાનસાહેબ કુબેકરની જ વાત કરી રહી છું, ભાઈ! એણે મારું ભલું ઈચ્છતા શંકરનો જાન લીધો અને હવે મને ફરીથી ધમકી આપી છે કે તારા પેટમાંના જીવનો જલદી નિકાલ નહીં કરે તો તને હું હતી, ન હતી કરી નાખીશ!’
‘ક્યારે કુબેકરે ધમકી દીધી?’
‘દસ દિવસ પરની જ વાત છે.’
‘ઠીક છે. હવે એક વાત કરું તમને?’ મધુસૂદન કહેવા લાગ્યા, ‘કુબેરસાહેબનો તમને ડર છે ખરો,કે એ માણસ તમને ખેદાનમેદાન કરી શકે?’
‘પહેલાં નહોતો, પણ હવે ડર લાગે છે!’ નિ:સાસો નાખી નલિની કહેવા લાગી, ‘મારા જનમનાર બાળકના ઉછેર અને ભરણપોષણ ગણી બે લાખ રૂપિયાની મેં માગણી કરી, એટલે કુબેકર રોષે ભરાયા છે! એનાં માણસો મારફત મને હવે એ સતાવવા લાગ્યા છે; બોલો હવે હું શું કરું અને ક્યાં જાઉં?’
‘તમારી અને આવનાર બાળકની સલામતી ખાતર તમારે મુંબઈ છોડી દેવું જોઈએ, નલિનીબહેન!’
‘મુંબઈ છોડીને ક્યાં જાઉં? બેંગલોર મારા ભાઈનું ઘર છે, પણ આવી હાલતમાં મને સંઘરે પણ નહિ!’
‘એમ હોય તો હું તમારા રહેવાની સૂરત પાસે ડુમ્મસમાં વ્યવસ્થા કરાવી દઉં!’ મધુસૂદને કહ્યું, ‘મારા સાળાને ત્યાં નાનો બંગલો છે. ચિઠ્ઠી લખી દઉં જેથી માળી બે રૂમ તમને રહેવા કાઢી દેશે. દરમિયાન દર મહિને રૂપિયા પાંચસો તમને મળતા રહેશે અમારા તરફથી!’
‘પૈસાની એટલી મને જરૂર નથી, ભાઈ!’
‘કેમ નથી? પૈસાની જરૂર રહેશે જ ! ચિંતા ન કરો! દંભી, દગાખોર અને નિર્દય કુબેકરને ખુલ્લો પાડવા હવે અમે જાનની બાજી લગાવી રહ્યાં છીએ! જાણો છો આ વાસુભાઈની હાલત?’
‘ના, હું કાંઈ જ નથી જાણતી, ભાઈ!’
‘તમારા એ કુબેકરે વાંદરાના કોઈ બંગલામાં બોલાવી શંકરનું ખૂન કર્યું, એના સાક્ષી આ વાસુભાઈ હતા. આથી વાસુભાઈ હતા. આથી વાસુભાઈને ય એણે ગોળી મારેલી! પણ એ બચી ગયા ને ભાગી છૂટયા! એટલે એ નીચ કુબેકરે વાસુભાઈની નાની બહેનને ગુંડાઓ મારફત રસ્તામાંથી ઉઠાવી લઈ ક્યાંક ગોંધી રાખી છે! કહો, એ નરપિશાચનાં કાળાં કર્મોનો હિસાબ અમારે માગવો કે નહિ?’
‘હા, ઉજળાં વસ્ત્રોમાં ફરતા એવા શયતાન પર હવે દયા કેવી?’
‘તો હવે હું તમને ચિઠ્ઠી લખી દઉં છું, તમે વિનાસંકોચ ડુમ્મસ જઈને રહો, બહેન! કાલ સુધીમાં ગુપચુપ તૈયારી કરી લો. પરમ દિવસે બપોરે મારો માણસ આવીને તમને લઈ જશે. ડુમ્મસ તમને પહોંચાડી દઈ, બધી સગવડ એ કરી આપશે. તમારી પણ અમારે જરૂર પડશે. પોતાનાં છિનાળાવ ઢાંકવા, એક પ્રમાણિક પત્રકારની હત્યા કરનારને એ લફરાબાજને દુનિયા સમક્ષ ઉઘાડો ન પાડીએ, તો અમે સાચા પત્રકાર નહિ!’
નલિનીની મોટી બહેને ચા બનાવી ત્યાં સુધીમાં મધુસૂદને પોતાનો પોર્ટ-ફોલિયો ખોલી લેટરહેડ કાઢયો ને ડુમ્મસના માળીને નામે કાગળ લખ્યો, પછી પોતાનું વિઝિટિંગ કાર્ડ આપી કહ્યું:
‘પરમ દિવસે મારા માણસ આવું જ કાર્ડ લઈને તમને તેડવા આવશે. એના પર ભરોસો રાખજો, એની જોડે હજાર રૂપિયા પણ હું મોકલી આપીશ!’
ચા પી લઈ બેઉ જણ ત્યાંથી પાછાં વળ્યાં.
વાસુદેવને વાંદરા ડેવીડને ત્યાં જવું હતું. રસ્તામાં એ ઉતરી પડ્યો, મધુસૂદને યાદ દેવરાવી:
‘કાલ સાંજે આપણે વાંદરાના પેલા બંગલે જવાનું છે તો કેટલા વાગે મળીએ?’
‘આજના ટાઈમે અને એ જ હૉટલમાં.’
‘ભલે. ગુડનાઈટ, સર!’
એક સાઉથ ઈન્ડિન હૉટલમાં જમી લઈ વાસુદેવ ડેવીડના ઘેર પહોંચ્યો. ડેવીડ ત્યારે આવી ગયો હતો. હેલને પૂછયું:
‘તમે શું ખાશો, વાસુ? કહો એ વસ્તુ બનાવી દઉં?’
‘હું જમીને આવ્યો છું, ભાભી! તમે બેઉ ખાઈ લો, પછી આપણે નિરાંતે વાતો કરીએ.’
પતિ-પત્ની જમવા બેઠાં. વાસુદેવને હેલને ‘પુડીંગ’ આપ્યું. એ ખાતાં ખાતાં એ કહેવા લાગ્યો:
‘ડેવીડ, જે બાઈને કુબેકરે ફસાવી છે એની અમે આજે ડાંડામાં મુલાકાત લીધી. બદમાશ કુબેકરે એને ય બરબાદ કરવાની ધમકી દીધી છે. એટલે અમે હું અને, અમારા તંત્રીસાહેબ – નલિનીને મુંબઈ બહાર મોકલીએ છીએ, જેથી નિર્વિઘ્ને એના બાળકને જન્મ આપી શકે!’
‘વેરી ગુડ!’
‘હવે કાલે અમે વાંદરાના જે બંગલામાં શંકરની હત્યા થઈ’તી ત્યાં જવાના છીએ. મધુસૂદનભાઈને એ ગોઝારી જગ્યાનું નિરીક્ષણ કરી લેવું છે. થોડા ફોટાયે પાડવા છે. મારી નાખી
શંકરના દેહને બંગલામાં ક્યાંય દાટી તો નથી દીધો ને, એય તપાસવું છે.’
‘સારી વાત છે. મારી જરૂર હોય તો કહે: હું તમારી જોડે આવીશ!’
‘આવે તો બહુ સારું!’ વાસુદેવ બોલી ઊઠયો, ‘તું તારી ગાડી લઈને અમારી જોડે આવે તો આપણે એક તિકડમ લડાવીશું, આ શેઠને બંગલો ખરીદવો છે એટલે જોવા આવ્યા છીએ! ચોકીદાર પછી અંદર પ્રવેશવાની મના નહિ કરી શકે!’
‘ઓલરાઈટ! ક્યારે હું હાજર રહું?’
‘રાતે સાડા સાતે ઘરે આવી જજે. અહીંથી તારી ગાડીમાં આપણે સાથે જઈશું?’
‘ભલે.’
‘બીજી વાત: સવારે હું મલબાર હિલ મારાં માસીને ત્યાં રહેવા જવાનો છું, ડેવીડ!’
‘પણ કેમ? તને અહીં વાંધો શો છે?’ ડેવીડે દલીલ કરી, ‘આટલી મોટી જગ્યા છે. મમ્મી પણ નથી. પછી તારે એટલે દૂર રહેવા જવાની શી જરૂર છે?’
પુડીંગની ખાલી ડીશ બાજુ પર ખસેડી વાસુદેવ ગંભીર મુખે કહેવા લાગ્યો:
‘તને મેં વાત નથી કરી, ડેવીડ! પણ મારો સારો યે વ્યૂહ નિષ્ફળ જાય એવું બન્યું છે! કુબેકરના બબરચી નંદુને મેં કેમેરાનો રોલ કાઢી દીધો’તો, પણ મૂરખનો સરદાર નંદુ, કુબેકરની નોકરી છોડીને ચાલ્યો ગયો છે!’
‘કધાં ગયો છે?’
‘એ જ તો મોટી મોકાણ છે! ક્યાં ગયો છે એ ખબર હોત તો…’ પણ જવા દે એ વાત! હવે તો ‘વેરનો બદલો વેર’ લેવાની યોજના મનમાં ઘડી છે!’
‘શી છે તારી યોજના?’
‘બેઉ જણ ભડકતાં નહિ, હું એના ચારેક વરસના પૌત્ર એટલે કે કુબેકરના ગ્રાન્ડ સનને ‘કીડનેપ’ કરવાનો છું.’
‘વોટ?’ ડેવીડ સાચે જ ચમકી ગયો, તારું ભેજું ઠેકાણે છે કે નહિ વાસુ? કુબેકર જેવા સત્તાધારી માણસના ગ્રાન્ડસનને તું કેવી રીતે ‘કીડનેપ’ કરી શકીશ? અને એવાં નાનાં બચ્ચાંને લઈ તું જઈશ ક્યા?’
‘ક્યાં તો ફરી ગોવા ચાલ્યો જઈશ! ત્યાં મને આશરો આપે એવાં બે કુટુંબો છે!’
‘એ હશે! પણ તું શું એમ ધારે છે કે કુબેકર તને શોધી નહિ કાઢે? સત્તાધીશોના હાથ એટલા લાંબા હોય છે વાસુ કે તારા મારા જેવાનું ગજું નથી કે એમના હાથમાંથી છટકી શકીએ!’
‘એ વખતે જોયું જશે!’ ઊભા થતાં વાસુદેવે ખુમારીપૂર્વક ઉત્તર આપ્યો, ‘પણ રેણુના અપહરણનો બદલો એ રીતે જ લઈ શકાય એમ છે! હું એના બન્ટીને ખૂંચવી લઈશ, તો જ એ હરામખોર ઢીલો પડી મારી બહેનને મુક્ત કરશે! ધીસ ઈઝ ધ ઓન્લી વે, ડેવીડ! આ એક જ રસ્તો છે એ નીચને નમાવવાનો!’
ડેવીડ ઊભો થઈ કંઈક કહેવા જતો હતો; પરંતુ હેલને હાથનો ઈશારો કરી એને વાર્યો: ના, બોલતા નહિ!’
અ રીતે વાસુદેવનું ‘ટેન્શન’ હળવું કરવા ડેવીડ અને હેલન નજીકના સિનેમાગૃહમાં ફિલ્મ જોવા એને લઈ ગયા: પછી વળતી વખતે ડેવીડે સલાહ પણ આપી:
‘એક દોસ્ત તરીકે બીજું તો તને કંઈ કહેતો નથી, વાસુ! પણ કોઈ ઉતાવળું પગલું મહેરબાની કરી ન ભરતો! નહિ તો પાછળથી પસ્તાવાનો વખત આવશે.’
સવારે પોતાની બેગ તથા કેમેરા લઈ વાસુદેવ વાલકેશ્ર્વર બાણગંગા પર લીલામાસીને ત્યાં રહેવા ચાલી ગયો. ત્યાં જમી લઈ ‘થોડીવાર પછી આવુંછું’ કહી, સિગારેટ સળગાવી બહાર નીકળ્યો.
ત્યાંથી દસેક મિનિટના રસ્તે કુબેકરનો બંગલો હતો. કોઈનું ધ્યાન ન જાય એમ, ઘડિયાળમાં જોતો બંગલાની સામે તરફ બસ સ્ટેન્ડ પર એ ઊભો.
ગઈ કાલની જેમ પેલી ગોમતી, આંગળીએ વળગાડી થોડીવાર પછી નીકળી. રસ્તો ઓળગી બેઉ જણ ‘લવલી કે. જી. એન્ડ પ્રાયમરી સ્કૂલ’ના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા એય જોયું. પછી ધીમે ધીમે એય એ સ્કૂલના પ્રવેશદ્વાર સુધી ગયો. કમ્પાઉન્ડમાં ફૂલના છોડવા અને આસોપાલવ ઝાડ હતાં, બાળક – બાળકીઓ ત્યાં આગળ દોડાદોડી કરી રહ્યાં હતાં. આહ્લાદક દૃશ્ય હતું એ!
વાસુદેવ ક્ષણ બે ક્ષણ ઊભો રહ્યો. પછી મનમાં એક નિશ્ર્ચય કરી પાછો વળ્યો.
બન્ટીનું અપહરણ કરવું હોય, તો થોડા દિવસ આ ‘લવલી સ્કૂલ’માં નોકરીના બહાને મારે જોડાઈ જવું પડશે, પણ શાળાનાં સંચાલકો મને એમ નોકરી આપશે ખરા? એમના મનમાં વાત ઉતારવા શી તરકીબ અજમાવવી જોઈએ?
વિચારો કરતો તીનબત્તી તરફ એ ચાલતો રહ્યો, ત્યાં એની નજર લેંઘો, ઝભ્ભો ને જાકીટ પરિધાન કરેલા એક ખાદીધારી યુવાન પર પડી. એ સાથે જ એને પોતાની યુક્તિ પાર પાડવાનો રસ્તો સ્પષ્ટ દેખાયો:
પોતેય ખાદીધારી બનશે અને આ વિસ્તારના જાણીતા ધારાસભ્ય જનકભા ગોહિલનો ભલામણપત્ર લઈ ‘લવલી સ્કૂલ’માં કામચલાઉ રીતે દાખલ થઈ જશે! પછી બન્ટીનો મેમ સંપાદન કરવો, એ તો મારા ડાબા હાથનો ખેલ છે!
ત્યારનો એ ધીમે ધીમે ચાલી રહ્યો હતો તે હવે એની ચાલમાં સ્ફૂર્તિ વરતાઈ!