‘એમ હતાશ ન થા, દીકરા! આજથી જ હતાશ થઈશ, તો તારું ધ્યેય કેવી રીતે પાર પાડીશ? જાણે છે? રોતો જાય એ મૂઆની ખબર લઈ આવે! ના, તારે તો અમે જેમ દુશ્મનો પર ત્રાટકતા એમ, સંપૂર્ણ હામ ભીડી તારું કામ પતાવવાનું છે! નહીં, દીકરા! રિવૉલ્વરના બદલામાં સુમિત્રાનો હાર હું કદીયે ન સ્વીકારું! સુમિ મારી પુત્રી બરાબર છે. જા ભાઈ, સુમિએ આપેલી પ્રેમની આ ભેટ તારું રક્ષણ કરશે!’
વિઠ્ઠલ પંડ્યા
‘યસ, સર! એવું થશે તો ચોર ઠરવામાં મને નાનમ નથી!’
‘તો દુર્ગા, ટેબલ લાવી, ચાવી લઈ શૉ-કેસમાંથી જર્મન બનાવટની પેલી નાની રિવૉલ્વર કાઢી દે!’
એ જ રિવૉલ્વર મેળવવા સવારથી બપોર લગી બેઉ જણે કેટલા ધમપછાડા માર્યા હતા? ને જુઓ તો, કામ ચપટી વગાડતામાં બિલકુલ આસાનીથી પતી ગયું ને?
હસતી હસતી દુર્ગા શૉ-કેસની ચાવી તથા ટેબલ લઈ આવી અને બેઉમાંથી જે નાની રિવૉલ્વર હતી એ કાઢી લીધી. ડોસાએ અંદરના કબાટમાંથી કારતૂસ લાવવા પણ દુર્ગાને સૂચના આપી. કારતૂસ આવ્યા એટલે એમાંથી એક રિવૉલ્વરમાં ભરી વાસુદેવને કહ્યું:
‘લે, અને દરવાજા પાસે જઈ સામેની પેલી ફોટો ફ્રેમની દોરી વીંધી નાખ જોઉં!’
વાસુદેવે જરા યે ખચકાયા વિના રિવૉલ્વર હાથમાં લીધી. મુખ્ય પ્રવેશદ્વાર પાસે ઊભી રહી પેલા ફોટો ફ્રેમની દોરીનું નિશાન લીધું. પછી રિવૉલ્વરનો ‘ટ્રિગર’ (ઘોડો) દાબ્યો. એ સાથે જ ધબ કરતો ફોટો નીચે પટકાયો!
‘વેરી ગુડ માય બોય!’ ડોસા ઊભા થતા બોલી ઊઠ્યા, ‘તું તો અવ્વલ નંબરનો નિશાનબાજ લાગે છે ને શું!’
‘એન. સી. સી.માં મેં ચંદ્રક મેળવ્યો તો, સર!’
‘તો પછી મિલિટરીમાં કેમ ન જોડાયો?’
‘મારાથી ત્યારે બાની લાગણી ન ઉવેખી શકાઈ, સર! એનો એક માત્ર પુત્ર હોવાથી એણે મને રૂંધી રાખ્યો?’
‘અચ્છા, તો હવે કારતૂસની આ ડબ્બી તથા રિવૉલ્વર તારાં કપડામાં વીંટાળીને મૂકી દે! અને મારી સલાહ યાદ રાખજે. આ જોખમી સાધનનો ન છૂટકે જ ઉપયોગ કરવાનો છે. ગલત પગલું ભરીશ તો તારે જ સહન કરવાનું આવશે! માટે સમજી વિચારીને કામ લેજે, દીકરા!’
‘થેંક યુ સર! મારા પર આપ વિશ્ર્વાસ રાખો!’
‘કોઈ પણ સંજોગોમાં મારું સાધન કોઈને ય હું નહિ આપું! પરંતુ રાજદ્વારી ગુંડાએ તારી નાની બહેનને “કિડનેપ કરાવી છે એ જાણી મારું ખુન્નસ ભરાઈ આવ્યું છે! આજના લુચ્ચા અને નીતિહીન રાજદ્વારીઓનું એકી સાથે તો શી રીતે નિકંદન કાઢી શકાય? એ માટે એવી કોઈ જોગવાઈ પણ નથી આપણા દેશમાં! પરંતુ તારા હાથે એવો એકાદ રહેંસાઈ પણ જાય ને, તો મને એનું દુ:ખ નહિ થાય, દીકરા!’
આંખમાં ઝળઝળિયાં સાથે વાસુદેવ ડોસાને પગે લાગ્યો અને કારતૂસની ડબ્બી તથા રિવૉલ્વર લઈ પોતાના રહેઠાણ પર ગયો.
લૂંગીની અંદર વીંટાળીને એ બેઉ વસ્તુઓ એણે એટેચીની મધ્યમાં મૂકી. પછી કંઈક વિચાર આવ્યો એટલે સુમિત્રાએ આપેલો હાર કાઢી લઈ, બૅગ બંધ કરી અને પાછો બંગલામાં ગયો.
બેઉ બહેનો ત્યારે બેઠકખંડમાં બેસી પાનાં રમતી હતી. વાસુદેવે પૂછયું: ‘કામતસાહેબ ઊંઘી ગયા, બહેન!’
‘ના, પડ્યા પડ્યા કંઈક વાંચતા હશે!’
‘કહો એમને: જતાં પહેલાં હું એમને એક વસ્તુ આપવા માગું છું.’
‘આવો મારી સાથે.’ કહેતી શાંતા ઊભી થઈ. દુર્ગા પણ કુતૂહલવશ એ બેઉની પાછળ ગઈ.
‘ડેડી!’ ખંડમાં જઈ શાંતાએ કામતસાહેબનું ધ્યાન દોર્યુર્ંં, ‘વાસુભાઈ તમને કંઈક આપવા આવ્યા છે.’
ડોસાએ પુસ્તક બાજુ પર મૂકી, વાસુદેવ તરફ જોઈ પ્રશ્ર્ન કર્યો:
‘બોલો શું આપવા આવ્યા છો મને?’
વાસુદેવે પેન્ટના ખિસ્સામાંથી હાર કાઢ્યો અને ડોસાની નજીક જઈને બોલ્યો:
‘સર, બીજું તો મારી પાસે કંઈ નથી આપને આપવા લાયક, પણ આ હાર આપ રાખો!’
‘શા માટે ભાઈ?’
‘આપે આપેલી રિવૉલ્વર આ હાર કરતાં યે કદાચ કિંમતી હશે! એનો બદલો તો મારાથી અત્યારે વાળી શકાય એમ નથી! એમ છતાં આ હાર હું આપને ભેટ આપતો જાઉં છું. તો કૃપા કરી સ્વીકારી લો!’
‘નહીં, ડેડી!’ દુર્ગા તરત બોલી ઊઠી, ‘આ હાર ન લેતા! આ હાર વાસુનો નથી, ભાઉસાહેબની સુમિત્રાનો છે!’
‘ઓહ એમ વાત છે?’ કહેતા કામતસાહેબ બેઠા થઈ ગયા. વાતમાં રસ પડ્યો હોય એમ પાછો સવાલ કર્યો, ‘પણ સુમિત્રાનો હાર આ સાહેબ પાસે ક્યાંથી આવ્યો, દીકરી?’
‘સુમિત્રા વાસુ પ્રત્યે લાગણી ધરાવે છે, ડેડી! એટલે મુસીબતમાં મદદરૂપ થવા આ હાર વાસુને એણે આપ્યો છે!’
‘વાહ! મજાની વાત કહી તેં તો!’ ઠાવકું મોં રાખી ડોસા કહેવા લાગ્યા, ‘આ હકીકતમાં તો સમર્પણથી ઊંચી ભાવના જણાઈ આવે છે, પરંતુ ભાઈ વાસુ, આ હાર મને આપી દઈશ, તો ભવિષ્યમાં સુમિત્રા તારી પાસે એનો જવાબ નહીં માગે?’
‘હું જીવતો હોઈશ તો કદાચ માગશે.’ વાસુદેવે ગંભીર સ્વરે જવાબ દીધો, ‘નહીં તો મારી જેમ આ હારના નામનું યે નાહી નાખશે, સર!’
‘એમ હતાશ ન થા, દીકરા! આજથી જ હતાશ થઈશ, તો તારું ધ્યેય કેવી રીતે પાર પાડીશ? જાણે છે? રોતો જાય એ મૂઆની ખબર લઈ આવે! ના, તારે તો અમે જેમ દુશ્મનો પર ત્રાટકતા એમ, સંપૂર્ણ હામ ભીડી તારું કામ પતાવવાનું છે! નહીં, દીકરા! રિવૉલ્વરના બદલામાં સુમિત્રાનો હાર હું કદીયે ન સ્વીકારું! સુમિ મારી પુત્રી બરાબર છે. જા ભાઈ, સુમિએ આપેલી પ્રેમની આ ભેટ તારું રક્ષણ કરશે!’
વાસુદેવનું મન ભરાઈ આવ્યું હતું. કાંઈ જ એ બોલી શક્યો નહીં. ફરીવાર કામતસાહેબ તથા બહેનોને નમસ્કાર કરી બહાર નીકળી ગયો.
પોતાની એટેચી તથા કૅમેરાની બૅગ લઈ ગેઈટ પાસે એ આવ્યો, તો શાંતા તથા દુર્ગા એને વિદાય દેવા ત્યાં આવી પહોંચ્યા. એમણે એક રિક્ષા બોલાવી. વાસુદેવ અંદર ગોઠવાયો ને દુર્ગાને યાદ આપી:
‘પેલી ખરીદેલી વસ્તુ (રિવૉલ્વર) તું કડદો કરી પાછી આપી આવજે, દુર્ગા! જીવતો હોઈશ તો ફરી તમારી મુલાકાતે જરૂર આવીશ! ગુડ બાય – ’
બેઉ બહેનોએ એની સામે હાથ ઊંચા કર્યા ને ઊંડા નિ:સાસા નાખી પાછી ફરી. મનોમન પ્રાર્થનાયે કરી :
‘હે ઈશ્ર્વર, એને તું બધી રીતે મદદ કરજે!’
***
પણજીનો રમ્ય વિસ્તાર છોડી બસ માપ્સા પહોંચી. માપ્સાથી બિચોલીમ થઈ અરવલેમ જવાતું. બસ પાછી મુંબઈ તરફ ઊપડી, પરંતુ વાસુદેવનું મન ત્યાં સુધીમાં અરવલેમ પહોંચી ગયું હતું!
એને થયું કે માપ્સા ઊતરી પડી પોતે અરવલેમ ગયો હોત તો સારું થાત! કામતસાહેબની પુત્રીઓ શાંતા-દુર્ગા કરતાં યે સુમિત્રા પોતાની પર વિશેષ લાગણી રાખે છે. માત્ર લાગણી નહિ – એને પોતાની પ્રત્યે પ્રેમ છે. એવા ઉત્કટ પ્રેમને લીધે જ તો એણે છ તોલાનો કિંમતી હાર કાઢીને પોતાને આપી દીધો’તો!
દુર્ગા એને પત્ર લખી જણાવશે કે વાસુ તો મુંબઈ ચાલી ગયો, ત્યારે એ બિચારીના જીવને કેવો આંચકો લાગશે? મન એનું પડી ભાંગશે! અંતર એનું રડી ઊઠશે! તે રાતે જેસન પોતાને બિચોલીમના પોલીસ લોક-અપમાંથી છોડાવીને ઘેર મૂકવા આવેલો ત્યારે સુમિત્રા હર્ષના અતિરેકમાં મૂર્છાવશ થઈ ગઈ નહોતી? પછી અર્ધી રાત ગયે પોતાના આવાસમાં એની લાગણી-પ્રેમ-ભાવ વ્યક્ત કરવા આવેલી!
પરંતુ સુમિ, હું તારા પ્રેમને લાયક છું ખરો? કદાચ લાયક હોઈશ તો યે મારા ડામાડોળ ભાવિને કારણે તને સુખી કરી શકું એમ તને લાગે છે? જો ને, મારે માથે એક ઉપાધિ તો હતી જ ત્યાં રેણુના અપહરણની આ બીજી ભાંજગડ આવી ઊભી! મારું ભાગ્ય કેવું અવળચંડું છે એ આ હકીકત પરથી જ સમજી શકાય એમ છે! બોલ, પછી હું તને કઈ રીતે…
મનોમન ચાલતી એની વિચારધારા, એકાએક અટકી ગઈ. બાજુમાં બેઠેલી વ્યક્તિની કોણી એને વાગી, એવું જ વાસુદેવે ચિડાઈને એની સામે જોયું:
‘મિસ્ટર, હાથ જરા સખણો રાખો! ક્યારના શી ઘાલમેલ કરો છો?’
‘નાસ્તાનાં પડીકાં કાઢું છું. ભાઈસાબ!’ વેપારી જેવા એ આધેડે જવાબ આપ્યો,
‘બપોરે ય એવી ઘાઈ થઈ કે ખાવાનો
વખત રહ્યો નહિ! આથી અત્યારે થોડું પેટમાં નાખી લઉં!’