કોણ હશે એ બદમાશો? જરૂર પેલા કુબેકરનું જ એ કૃત્ય હોવું જોઈએ! એ નીચ ને હત્યારા માણસે, પોતાનો પત્તો ન મેળવી શક્યો એટલે નિર્દોષ મારી નાની બહેનને ‘કિડનેપ’ કરાવી! નાક દાબો એટલે માણસ મોઢું ખોલે! એ હરામખોર એમ સમજતો હશે કે… રેણુને કબજામાં લઈશ એટલે વાસુદેવ આપોઆપ શરણે આવી જશે!
વિઠ્ઠલ પંડ્યા
(ગતાંકથી ચાલુ)
જે હોય તે! કામત સાહેબને ત્યાં ગયા સિવાય છૂટકો નથી! પોતાની બેગ એમને ત્યાં પડેલી છે. એ બેગમાં
જગન્નાથ દાદાએ આપેલા હજાર રૂપિયાનું કવર તથા સુમિત્રાએ આપેલો ચાર-પાંચ તોલાનો સોનાનો હાર છે! જવું તો પડશે જ! એ લોકો પૂછશે તો પોતે સાચી વાત શી છે તે બેધડક જણાવી દેશે.
બિલ ચૂકવીને એ બહાર નીકળ્યો.
આમ તો કપડાં બદલાવા ને સ્વસ્થ થવા પોતાના રહેઠાણ પર જ એ જાત; પરંતુ મનમાં જે ઉચાટ અને ભય પેદા થયાં હતાં એને લીધે સીધો જ એ કામત સાહેબનો ખંડ હતો એ તરફ ચાલ્યો.
‘અરે, વાસુ-’ બાજુના ખંડમાંથી આવતી શાંતાએ સાદ કર્યો, ‘જરા ઊભા રહો, ભાઈ! થોડી વાર પહેલાં તમે દીવાનખંડ પાસેથી જ કેમ પાછા વળીને દોડી ગયા’તા?’
‘હેં! હા, હા, દોડી જવું પડ્યું’તું!’ પોતાની અસ્વસ્થતા છુપાવતાં વાસુદેવે જવાબ શોધી કાઢ્યો, ‘કારણ કે… એક હૉટલમાં મારા ગોગલ્સ તથા સિગારેટનું પાકીટ ભૂલી ગયો’તો! પણ શાંતા બહેન, તમારે ત્યાં જીપ લઈને કોણ આવ્યું’તું?’
‘મંગેશથી મારા ‘હસબન્ડ’ તથા મારા મામાજી આવ્યા’તા – બાબાને રમાડવા!’
‘ઓહ-’
‘કેમ “ઓહ કર્યું?’ સ્મિત વેરીને શાંતાએ પ્રશ્ર્ન કર્યો, ‘મારે ત્યાં એમને જોઈ તમને આશ્ર્ચર્ય થયું?’
‘ના, એ વાત નથી! પણ… હું એમને મળી શક્યો હોત તો કેટલું સારું થાત? ખેર, ફરી કોઈવાર મુલાકાત જરૂર થશે!’ કહેતો હળવોફૂલ થઈ વાસુદેવ ત્યાંથી જ પાછો વળ્યો.
સવારે ખભે કેમેરા તથા આંખે ગોગલ્સ ચડાવી એ બહાર નીકળ્યો. મિરામાર બીચ તરફના નાકે પહોંચ્યો, ત્યાં જ ‘ડોના પાઉલા’ જતી બસ આવી લાગી. કશોયે વિચાર કર્યા વિના તરત એ અંદર ચડી બેઠો.
‘ડોના પાઉલા’ નામની જગ્યા ખૂબ જ સુંદર ‘પિકનિક પોઈંટ’ હતી. નાની સરખી એક ટેકરી. એની ત્રણે બાજુ આસમાની દરિયો. ત્યાંથી દૂર આવેલું મારામાં ગોવા બંદર. બધું ત્યાંથી દૃષ્ટિગોચર થતું. પ્રથમ વાર ગોવા આવ્યો હતો ત્યારે સદાનંદ જોડે એ અહીં આવ્યો હતો. દસેક મિનિટમાં એ સ્થળ પર એ ઊતરી ગયો.
ભૂશિરને સમથળ બનાવી બેઉ બાજુ રેલિંગ ઊભી કરી હતી. પર્યટકોનાં ત્રણ ચાર ટોળાં આસપાસ ફરતાં હતાં. એવા એક સમૂહને ટૂરિસ્ટગાઈટ ‘ડોના પાઉલા’ની વાત કહી રહ્યો હતો.
‘હા તો, ‘ડોના’નો અર્થ પોર્ચુગીઝ ભાષામાં ‘મિસ’ એટલે કુમારી થાય. કુમારી પાઉલા એ વખતના વાઈસરૉયની લાડકી દીકરી હતી. અને સંજોગવશાત્ ‘ગાસ્પરસ’ નામના ખડતલ ને સોહામણા ખેડૂત પુત્રના પ્રેમમાં પડી હતી; પરંતુ વાઈસરૉય બાપ આ સહન કરે ખરો?
પાઉલાને એણે મના કરી કે તારે એ હરામજાદા, ભિખારી જેવા ગાસ્પરસને મળવું નહિ! પરંતુ પ્રેમમાં પડેલાંએ આવા મનાઈહુકમ કદી માન્યા છે?
પાઉલા ગાસ્પરસને એકાંતોમાં મળતી રહી. આથી ક્રોધે ભરાઈ વાઈસરૉય બાપે પેલા સોહામણા ગાસ્પરસની હત્યા કરાવી! સત્તાધારીઓ શું નથી કરી શકતા? પાઉલા બિચારી હવે શું કરે? ઓછી એ બાપને મારી શકે એમ હતી? છેવટે આ સ્થળે, આ ટેકરી પરથી સમુદ્રમાં કૂદી પડી! એ ખૂબસૂરત કુમારીએ આત્મહત્યા કરી. મિત્રો આ જ એ જગ્યા છે! એના બલિદાનની આ પવિત્ર ને ગોઝારી જગ્યા મનભરીને નિહાળો!
પોતાના કેમેરાનું શટર ખોલતો વાસુદેવ ત્યાંથી આગળ ચાલ્યો.
પર્યટકોના એક સમૂહને બસનો ગાઈડ ‘જલદી ચલો! જલદી કરો, અપની બસ ચલનેવાલી હૈ!’ કહી જ્યાં બસ ઊભી હતી એ તરફ દોડી રહ્યો હતો. એવામાં એ સમૂહમાંની એક યુવતી પ્રત્યે વાસુદેવનું ધ્યાન ગયું. તરત એ એની તરફ દોડ્યો:
‘મીના! ઓ… મીના!’
‘મીનાએ દાઢી, મૂછ ને ગોગલ્સ વાળા અજાણ્યા જેવા યુવાનને પોતાની તરફ દોડ્યો આવતો જોઈ, બીકથી જોડેના યુવાનનો હાથ પકડી લીધો. યુવાનો પૂછ્યું:’
‘એ કોણ છે?’
‘શી ખબર! હું એને નથી ઓળખતી!’
ત્યાં તો ફરી વાર ગાઈડે બૂમ મારી.
‘તુમ દોનો ખડે ક્યોં હો? જલદી ચલો!’
મીના અને એની જોડેના યુવકે પગ ઉપાડ્યા; પરંતુ નજીક આવી પહોંચેલા વાસુદેવે એમને રોક્યાં:
‘પ્લીઝ, ઊભાં રહો મને ન ઓળખ્યો, મીના? હું તારા બાપુજીનો પાડોસી- વાસુદેવ મહેતા! શું પરણીને તું ‘હનીમૂન’ કરવા નીકળી છે?’
‘હા, પણ વાસુભાઈ, તમે શું કાંઈ જ નથી જાણતા? ઘેર તો ફોઈબાને ત્યાં હૈયાહોળી થઈ છે!’
‘કાં, શું થયું છે?’ ફાટેલા સ્વરે વાસુદેવે પૂછ્યું.
‘તમારા ચાલી ગયા પછી અઠવાડિયાની અંદર જ કોક બદમાશો રેણુને સ્કૂલેથી આવતાં ઉઠાવી ગયા છે તે હજી એનો પત્તો નથી!’
સાંભળતાં જ વાસુદેવ ડઘાઈ ગયો. એની વાચા બંધ થઈ ગયા જેવું થયું. જતાં જતાં મીના કહેતી ગઈ:
‘હૉટેલ ગોવા ઈન્ટરનેશનલમાં મળજો રાતે! નિરાંતે બધી વાત કરીશ! જરૂર આવજો, હોં!’
* * *
આઘાતથી ગુમસૂમ થઈ, રેલિંગ પકડી ઊભેલા વાસુદેવને થોડી વારે કળ વળી. મીનાએ કહેલા શબ્દોની અસર હજી જેવી ને તેવી હતી! શબ્દો મગજ પર હથોડાની જેમ ઠોકાતા હતા:
‘કો’ક બદમાશો સ્કૂલેથી આવતી રેણુને ઉઠાવી ગયા છે! બદમાશો ઉઠાવી ગયા છે! રેણુને ઉઠાવી ગયા છે.’
કોણ હશે એ બદમાશો? જરૂર પેલા કુબેકરનું જ એ કૃત્ય હોવું જોઈએ! એ નીચ ને હત્યારા માણસે, પોતાનો પત્તો ન મેળવી શક્યો એટલે નિર્દોષ મારી નાની બહેનને ‘કિડનેપ’ કરાવી! નાક દાબો એટલે માણસ મોઢું ખોલે! એ હરામખોર એમ સમજતો હશે કે… રેણુને કબજામાં લઈશ એટલે વાસુદેવ આપોઆપ શરણે આવી જશે!
પણ કુબેકર, હું એમ કાચી માટીનો નથી કે ફસકી જાઉં સહેજમાં! શંકરના મૃત્યુનો બદલો નહિ લઉં, ત્યાં સુધી હું જંપીશ નહિ! યાદ રાખ, મારું તો જે થવાનું હોય તે થાય; પણ એ પહેલાં તને, તું જેવો છે તેવો દુનિયા આગળ ખુલ્લો પાડીશ! એક વાર મુંબઈ આવી મને તારા બબરચી નંદુને મળવા દે! પછી જો કે હું શું કરું છું!
પરંતુ ફોઈબાની હાલત અત્યારે કેવી હશે? રેણુ એમનું એકમાત્ર સંતાન છે. રેણુને ઉઠાવી ગયે બાર પંદર દિવસ થયા હોય તો ફોઈ બાપડાં અધમૂઆં થઈ ગયાં હશે, ના, મારાથી હવે અહીં એક દિવસ પણ રોકાવાય નહિ! અરવલેમ જવાની જરૂર નથી! પોતાની પાસે એટલો સમય જ ક્યાં છે?
‘ડોના પાઉલા’ના પોઈન્ટ સુધી સ્થાનિક બસમાં એ આવ્યો હતો. જઈને પાછો સ્ટેન્ડ પર એ ઊભો રહ્યો; પરંતુ બસ આવવાનાં કોઈ ચિહ્ન ન જોયાં એટલે એ અધીરો થઈ ગયો. નજીકમાં બીજું કોઈ સાધન મળવાની શક્યતા નહોતી. આથી એક ખાનગી મોટર સ્ટાર્ટ થતી હતી ત્યાં જઈ વિનંતી કરી:
‘પ્લીઝ, મને જરા સિટી સુધી લઈ જશો?’
‘ક્યાં જવું છે તમારે?’
‘મિરામાર બીચ પાસે.’
‘આવી જાઓ!’
મિરામાર બીચ પાસે ઊતરી પડી, દોડતો હોય એમ સામેની ગલીમાં ગયો. કામત સાહેબના બંગલામાં પ્રવેશી પહેલાં પોતાના રહેઠાણ પર ગયો. રૂમ ઉઘાડી બેગ તૈયાર કરવા લાગ્યો.
મન એનું વ્યગ્ર હતું. જીવ જીવને ઠેકાણે નહોતો. કુબેકરે પોતાની ફોઈની દીકરી – બહેનને ‘કિડનેપ’ કરાવી હતી. એનું વેર શી રીતે વાળવું એની જ ગડમથલ ચિત્તમાં ચાલ્યા કરતી હતી. છેવટે બેગ તૈયાર કરી, કામત સાહેબની રજા લેવા બાજુના મકાનનાં પગથિયાં ચડી ગયો.
બેઠક ખંડમાં થઈ કામત સાહેબના રૂમ તરફ જઈ શકાતું, પરંતુ જેવો એ ખંડમાં પ્રવેશ્યો એવી જ એની નજર સામેના ઊંચે ટાંગેલા શો-કેસ પર પડી. ચંદ્રકોની આસપાસ ગોઠવેલી રિવોલ્વર તરત એના મનમાં ચોંટી ગઈ. એ સાથે જ વિચાર આવ્યો:
પોતે મુંબઈ જાય તો છે, પણ આવી એકાદ રિવોલ્વર જોડે હોય તો કેવુંં?
પરંતુ પછી પોતાનો વિચાર એને બાલિશ લાગ્યો: વાઘ જેવો ડોસો, માગી હોય તોયે એની રિવોલ્વર આપે ખરો? શા માટે જોઈએ એનું કારણ પૂછે! ત્યારે એને શો જવાબ દેવો? આમ વિચારી જેવો આગળ ચાલવા જતો હતો ત્યાં જ દુર્ગા એની સામે આવી:
‘થોડી વાર પહેલાં તો તમે ગયા’તા! પાછા આવી યે ગયા કે?’
‘આવવું પડ્યું, દુર્ગા. દુર્ભાગ્ય જાણે હાથ ધોઈને મારી પાછળ લાગ્યું છે!’
‘એમ ના બોલો! દુર્ભાગ્યને હતું ન હતું કરવાની શક્તિ તમારામાં પણ છે જ! કહો, એવું શું થયું છે?’
‘ચાલ મારી સાથે શું થયું છે તે તને કહું?’
એની પાછળ દુર્ગા બાજુના રહેઠાણ પર ગઈ, વાસુદેવે કહ્યું:
‘બેસ, ખુરશી પર! અત્યારે મારે મુંબઈ જવું પડે એમ છે.’
‘પણ… એકાએક કાંઈ!’
‘હા, એકાએક જાઉં છું. મુંબઈમાં એક સત્તાધારી ગુંડાએ મારી ફોઈની દીકરીનું અપહરણ કર્યું છે, દુર્ગા!’
‘પણ… શા માટે?’
‘એ ય કહું છું તને.’ સામે પલંગ પર બેસી વાસુદેવે ટૂંકમાં બધી હકીકત જણાવી. પછી જગન્નાથ રાવે આપેલું પેલું હજારની નોટોવાળું કવર તથા સુમિત્રાએ આપેલો હાર બેગમાંથી કાઢી દુર્ગા તરફ ધર્યાં, ‘આમાં હજાર રૂપિયા છે, દુર્ગા! અને આ છ તોલાનો હાર છે. આ બધું તું રાખ અને ગમે ત્યાંથી મને એક રિવોલ્વર લાવી દે!’
‘મા, રે!’ દુર્ગાએ જીભ કાઢી. ‘હું રિવોલ્વર એમ ક્યાંથી લાવી દઉં?’
‘ક્યાંથી તે શહેરમાંથી! અને એ ન બની શકે તો તારા ઘરમાંથી! આ પ્રશ્ર્ન રેણુ પ્રત્યેની લાગણીનો જ નહિ – મારા પૌરુષનો પણ છે, આવે વખતે હાથ જોડી પેલા હત્યારાને શરણે શું હું જાઉં?’
‘ના, હું એમ નથી કહેતી! પણ રિવોલ્વર લઈ જઈ તમે પેલાની હત્યા કરી નાખો, તો એનું શું પરિણામ આવે?’
‘પરિણામ ભલે ને મારું મોત આવે! પણ રેણુને મારે છોડાવવી તો જોઈએ જ, દુર્ગા! ઉપરાંત શંકરની હત્યાનો બદલો પણ
મારે લેવાનો છે! એ માટે, મારી સલામતી ખાતર પણ, મારી પાસે રિવૉલ્વર જેવું
સાધન હોવું જરૂરી છે! બોલ, શો જવાબ આપે છે?’
‘મને કંઈ સૂઝતું નથી, વાસુ! ડેડીની રિવૉલ્વર મારાથી આપી શકાય એમ નથી, દીવાનખંડમાં એ બેસે છે અને એમની નજર સીધી શૉ-કેસ પર જાય છે! બેમાંથી એક રિવૉલ્વર ગુમ થયેલી એ જુએ, તો પહેલાં અમે બેઉ બહેનોની ખેર કાઢી નાખે! પછી ઘરના નોકરોને ઝપટમાં લે! ના, બાબા! મારામાં એવું સાહસ ખેડવાની હિંમત નથી!’ (ક્રમશ:)