Homeનવલકથાચક્રવ્યૂહચક્રવ્યૂહ પ્રકરણ-૧૪

ચક્રવ્યૂહ પ્રકરણ-૧૪

સમુદ્રમાં કેટલાંક જણ સ્નાન કરવા પડ્યાં હતાં. ભીનાશ ન લાગે એવી રેતી પર વાસુદેવ બેસી ગયો. થોડે છેટે સ્નાન પતાવી, એક બીજા પર પાણીની છાલકો મારતા ચાર છ જુવાનિયા નીકળ્યા, એમાં દશેક વરસની એક બાળકી પણ હતી. એને જોતાં જ વાસુદેવ એકદમ ઊભો થઈ ગયો. ફોઈબાની રેણુ તો નથી ને?

વિઠ્ઠલ પંડ્યા

(ગતાંકથી ચાલુ)
બેઠા થઈ કામતસાહેબે એને બેઠક ચીંધી:
‘બેસ દીકરા! જગન્નાથને મન તું પુત્ર જેવો છે, તો મારે મન પણ તું પુત્ર બરોબર છે! અહીં રહી તારો ધંધો જમાવ! હું તને મારા ઓળખીતા સ્ટુડિયોવાળા જોડે મુલાકાત કરાવી દઈશ! કશી વાતે ફિકર ન કરતો!!’
‘થેંક યુ, સર!’
‘હં… જગન્નાથને ત્યાં બધાં કેમ છે? એની બાયડીએ એને ઊધડો તો નહોતો લીધો ને?’
સાંભળીને વાસુદેવના ગંભીર મુખ પર સ્મિત ફરક્યું. દુર્ગા તો નાની બાળકીની જેમ ‘ખીખી’ કરી હસી પડી!
‘ચાલો, જગન્નાથ જઈને એના ઘર ભેગો થયો. હું અહીં માંદગી ભેગો!’ ડોસા હસી દઈ કહેવા લાગ્યા, ‘મલ્લિકાર્જુનના મેળામાં જે તે લઈને પેટમાં નાખ્યું, પછી શરીર પણ બિચારું કેટલું વેઠે?’
ચારેક માસના ફૂટડા, મા જેવા જ તંદુરસ્ત બાળકને લઈ વચલા બારણામાં આવી ઊભેલી શાંતા બોલી ઊઠી:
‘તમે ડેડી, ક્યાંય પણ સારું ખાવાનું જુઓ છો અને ભૂખ્યા વાઘની જેમ તૂટી પડો છો! પછી માંદા ન પડો, તો બીજું શું થાય આટલી ઉંમરે?’
‘હા દીકરી! તારી વાત સાચી, પણ હવે ખાવા ક્યારે આપે છે. એ કહે!’
ખાવામાં અત્યારે ‘સૂપ’ અને પાંઉ મળશે તમને! પહેલાં વાસુને જમવા બેસાડું, પછી તમારે માટે મોકલાવું છું!’
‘ઓલરાઈટ! પહેલાં આપણા આ મહેમાન દેવતાને જમાડી લે, મારે એવી ઉતાવળ નથી! જો કે સાચી વાત કહું, વાસુ તને? જગન્નાથની બાયડીની જેમ મારી આ દીકરી ભલેને મારી ધૂળ ખંખેરે, પણ અટાણે મારા ભૂખ્યા પેટમાં બિલાડાં બોલે છે, હોં!’
‘ચાલો, વાસુ-’ શાંતાએ લૂગડામાં લપેટેલા નાના બાબાને કામતસાહેબ આગળ મૂકી દરવાજા ભણી જતાં ખોટું ખોટું મોં ચડાવી કહ્યું: ‘ડેડીને મારે વિશે ઘણી ફરિયાદો કરવાની હોય છે. ઝાઝા દિવસ અહીં રહેશો તો સાંભળીને તમે ય ટેવાઈ જશો!’
જતાં જતાં વાસુદેવે હસીને ફરી વાર નમન કર્યું તો ડોસાએ પેલા બાળકનો હાથ ચૂમી લઈ વાસુદેવ સામે આંખ મીંચકારી એવા અર્થમાં કે ભાઈ, જોયું ને? દીકરીએ કેવો ટોણો માર્યો? પણ અહીં કોને એની પડી છે!!
સવારે કામતસાહેબે ચિઠ્ઠી લખી દીધી. એ લઈ વાસુદેવ, કૅમેરાવાળી બેગ ખભે ભેરવી બહાર નીકળ્યો. એને ક્યાં ધંધો કરવો હતો? માત્ર ફિલ્મના બે ત્રણ રોલ ખરીદવા હતા. જેથી પણજીમાં રમણીય સ્થળોએ જઈ ‘સ્નેપ’ ખેંચી શકાય. સમય પસાર કરવા એને નિમિત્ત જોઈતું હતું. આથી ચર્ચ સ્કવેર પાસે, ચિઠ્ઠીમાં લખ્યા મુજબ પેલા સ્ટુડિયોમાં જઈ, કામતસાહેબને ત્યાં પોતે મહેમાન આવ્યો છે એટલું જણાવી. ત્રણેક રોલ ખરીદ્યા. સહેજ પૂછતાછ પણ કરી:
‘ટૂરિસ્ટો માટે અત્યારે “સિઝન કેવી છે, મિસ્ટર?’
‘હજી લગી તો સારી છે.’ કહી પેલાએ સામે પ્રશ્ર્ન કર્યો.
‘કેમ પૂછવું પડ્યું, તમારે?’
‘હું ધંધાદારી ફોટોગ્રાફર છું. ટૂરિસ્ટોના કોઈ ગ્રૂપ સાથે ફોટા લેવા મારે જવાનું થાય તો અહીં આવ્યાનો મારો ખર્ચો નીકળી જાય! બસ, આજ વાત છે. ભાઈસાહેબ!’
‘અચ્છા, તો એવી કોઈ પાર્ટીને જરૂર હશે તો કામતસાહેબને ત્યાં ફોન કરી હું જણાવીશ! શું નામ તમારું?’
‘વાસુ.’
બપોર સુધી નિરૂદ્દેશ શહેરમાં એણે રખડ્યા કર્યું. પછી કામતસાહેબને ત્યાં જમવા ગયો. પાછો સાંજે ચા પીને નીકળી પડ્યો.
ગલીની સામે જ, રસ્તો પાર કર્યા પછી મિરામાર બીચનો વિસ્તાર હતો. સોનેરી બારીક રેતી પર પગ માંડતો એ આગળ વધ્યો, જમણી તરફ નાળિયેરીનાં હારબંધ ઝૂંડ હતાં. ડાબી બાજુ માત્ર રેતી અને એની પેલી પાર નાખી નજર ન પહોંચે ત્યાં લગીનો અરબી સમુદ્ર!
સમુદ્રમાં કેટલાંક જણ સ્નાન કરવા પડ્યાં હતાં. ભીનાશ ન લાગે એવી રેતી પર વાસુદેવ બેસી ગયો. થોડે છેટે સ્નાન પતાવી, એક બીજા પર પાણીની છાલકો મારતા ચાર છ જુવાનિયા નીકળ્યા, એમાં દશેક વરસની એક બાળકી પણ હતી. એને જોતાં જ વાસુદેવ એકદમ ઊભો થઈ ગયો. ફોઈબાની રેણુ તો નથી ને?
ના, રેણુ નહોતી. એના જેવી લાગતી કોઈ બીજી જ છોકરી હતી. પોતાને ય કેવી ભ્રમણા થાય છે! આટલે દૂર રેણુ તો શું એનો પડછાયો યે નહિ આવી શકે! પરંતુ પોતે ફોઈબાને એકાદ મિત્રને સરનામે પત્ર લખી દેવો જોઈએ, ડેવીડે જઈને સમાચાર આપ્યા હશે ખરા, છતાં આવા સંજોગોમાં એમને ચિંતા ન થાય?
ત્યાંથી પાછો સમુદ્રને સમાંતર રસ્તે ફરવા એ ચાલી નીકળ્યો તે થાક્યો ત્યારે પાછો વળ્યો.
રાત પડી ચૂકી હતી. કામતસાહેબના બંગલા પર આવ્યો, તો કોઈની જીપ બહાર ઊભેલી દેખાઈ. કોણ આવ્યું હશે? એવો મનોમન પ્રશ્ર્ન કરતો નાનો દરવાજો ઠેલી એ અંદર કમ્પાઉન્ડમાં ગયો. ઓસરીનાં પગથિયાં ચડી જેવો દીવાનખંડમાં પગ મૂકવા એ જતો હતો ત્યાં જ ચોંકીને, ડરીને પાછળ હટી ગયો.
અંદર બે જણ જોડે બેસીને કામતસાહેબ ધીરે સાદે વાત કરી રહ્યા હતા. એ બે જણામાંનો એક ગઈ સાંજે માપ્સાના બસ સ્ટેન્ડે મળ્યો હતો એ પેલા શંકાશીલ આંખોવાળો હતો! પોતાની પાછળ ને પાછળ બસમાં એ ચડ્યો હતો, ત્યારે એને સી.આઈ.ડી. સમજી પોતે ચાલતી બસમાંથી ઊતરી પડ્યો હતો!
એ જ શખસ અત્યારે જીપ લઈને પોતાની ભાળ મેળવી અહીં આવી પહોંચ્યો છે. હવે શું કરવું? ધડકતે હૈયે દોડ મૂકી પહેલાં તો ગેઈટ બહાર એ નીકળી ગયો. પછી પાછું વાળીને નજર નાખી. શાંતા ઓસરીનાં પગથિયાં સુધી આવીને ગેઈટ તરફ જોઈ રહેલી દેખાઈ!
શાંતા પોતાને જોઈ બૂમ મારે એ પહેલાં વાસુદેવ નીચે ઝૂકી ગયો અને દીવાલ સરસો લપાઈ ધીમે ધીમે આગળ ચાલ્યો રસ્તાની સામી બાજુ કોલ્ડડ્રીંકની નાની સરખી દુકાન હતી, રસ્તો ઓળંગી વાસુદેવ દુકાનમાં સરકી ગયો.
એનો શ્ર્વાસ અધ્ધર થઈ ગયો હતો અને રાતની એટલી ઠંડકમાં યે એને કપાળે પસીનો વળી ગયો હતો. તો શું આખરે કુબેકરના સત્તાધારી હાથ પોતાને પકડી પાડવા અહીં લગી પહોંચી ગયા, એમને?
‘યસ, મિસ્ટર-’ કહેતી એક જુવાન ખ્રિસ્તી યુવતી એના ટેબલ સામે આવી ઊભી રહી. ‘વોટ ડુ યુ વોન્ટ?’
બેઠક લીધા પછી યે વાસુદેવનું સમગ્ર ધ્યાન ત્રાંસમાં દેખાતા કામત સાહેબના બંગલા તરફ હતું. આથી પેલી યુવતીએ શું જોઈએ તમારે એમ પૂછયું; ત્યારે એ અન્યમનસ્કની જેમ બોલ્યો:
‘કુછ ભી લાઓ! હાં, કુછ ભી-’ અને પાછો ગેઈટમાંથી કોઈ બહાર આવે છે કે નહિ એ જોવા લાગ્યો.
યુવતી સ્મિત વેરી એની સામે બિયરની ઠંડી એક બાટલી અને ગ્લાસ મૂકી ગઈ:
‘લીજિયે!’
વાસુદેવે પાછું બાટલી અને ગ્લાસ તરફ જોયું.
‘નહિ ‘મિસ! યે નહિ – ચાય લાઓ!’
‘ચાય નહિ મિલેગી!’
‘તો થમ્સઅપ યા લેમન લાએ!’ કહી પાછો બહાર જોવા લાગ્યો.
થમ્સઅપની બાટલી મૂકી પેલી યુવતીએ પાછું એનું ધ્યાન દોર્યું, પરંતુ વાસુદેવની નજર, એવી રીતે બહાર જડાયેલી હતી કે એણે પેલીના બોલવા પ્રત્યે લક્ષ્ય જ ન આપ્યું! પેલા બેઉને કામત સાહેબના બંગલાના ગેઈટમાંથી નીકળતા એ જોઈ રહ્યો હતો. એ લોકો જીપમાં બેઠા અને જીપ ત્યાંથી ઊપડી ગઈ ત્યારે એણે ટેબલ પર દૃષ્ટિ નાખી.
બાટલીમાંનું પીણું ગટગટાવી જઈ એણે સિગારેટ સળગાવી. હવે શું કરવું? કામતસાહેબ સમક્ષ એમણે શી વાત કરી હશે? પોતાને ખૂની કે એવો કંઈક ચીતરીને, ‘ભાળ કાઢવા આવ્યા છીએ!’ એવું તો નહિ કહ્યું હોય ને?
જે હોય તે! કામત સાહેબને ત્યાં ગયા સિવાય છૂટકો નથી! પોતાની બેગ એમને ત્યાં પડેલી છે. એ બેગમાં
જગન્નાથ દાદાએ આપેલા હજાર રૂપિયાનું કવર તથા સુમિત્રાએ આપેલો ચાર-પાંચ તોલાનો સોનાનો હાર છે! જવું તો પડશે જ! એ લોકો પૂછશે તો પોતે સાચી વાત શી છે તે બેધડક જણાવી દેશે.
બિલ ચૂકવીને એ બહાર નીકળ્યો.
આમ તો કપડાં બદલાવા ને સ્વસ્થ થવા પોતાના રહેઠાણ પર જ એ જાત; પરંતુ મનમાં જે ઉચાટ અને ભય પેદા થયાં હતાં એને લીધે સીધો જ એ કામત સાહેબનો ખંડ હતો એ તરફ ચાલ્યો.
‘અરે, વાસુ-’ બાજુના ખંડમાંથી આવતી શાંતાએ સાદ કર્યો, ‘જરા ઊભા રહો, ભાઈ! થોડી વાર પહેલાં તમે દીવાનખંડ પાસેથી જ કેમ પાછા વળીને દોડી ગયા’તા?’
‘હેં! હા, હા, દોડી જવું પડ્યું’તું!’ પોતાની અસ્વસ્થતા છુપાવતાં વાસુદેવે જવાબ શોધી કાઢ્યો, ‘કારણ કે… એક હૉટલમાં મારા ગોગલ્સ તથા સિગારેટનું પાકીટ ભૂલી ગયો’તો! પણ શાંતા બહેન, તમારે ત્યાં જીપ લઈને કોણ આવ્યું’તું?’
‘મંગેશથી મારા ‘હસબન્ડ’ તથા મારા મામાજી આવ્યા’તા – બાબાને રમાડવા!’
‘ઓહ-’
‘કેમ “ઓહ કર્યું?’ સ્મિત વેરીને શાંતાએ પ્રશ્ર્ન કર્યો, ‘મારે ત્યાં એમને જોઈ તમને આશ્ર્ચર્ય થયું?’
‘ના, એ વાત નથી! પણ… હું એમને મળી શક્યો હોત તો કેટલું સારું થાત? ખેર, ફરી કોઈવાર મુલાકાત જરૂર થશે!’ કહેતો હળવોફૂલ થઈ વાસુદેવ ત્યાંથી જ પાછો વળ્યો.
સવારે ખભે કેમેરા તથા આંખે ગોગલ્સ ચડાવી એ બહાર નીકળ્યો. મિરામાર બીચ તરફના નાકે પહોંચ્યો, ત્યાં જ ‘ડોના પાઉલા’ જતી બસ આવી લાગી. કશોયે વિચાર કર્યા વિના તરત એ અંદર ચડી બેઠો.
‘ડોના પાઉલા’ નામની જગ્યા ખૂબ જ સુંદર ‘પિકનિક પોઈંટ’ હતી. નાની સરખી એક ટેકરી. એની ત્રણે બાજુ આસમાની દરિયો. ત્યાંથી દૂર આવેલું મારામાં ગોવા બંદર. બધું ત્યાંથી દૃષ્ટિગોચર થતું. પ્રથમ વાર ગોવા આવ્યો હતો ત્યારે સદાનંદ જોડે એ અહીં આવ્યો હતો. દસેક મિનિટમાં એ સ્થળ પર એ ઊતરી ગયો.
ભૂશિરને સમથળ બનાવી બેઉ બાજુ રેલિંગ ઊભી કરી હતી. પર્યટકોનાં ત્રણ ચાર ટોળાં આસપાસ ફરતાં હતાં. એવા એક સમૂહને ટૂરિસ્ટગાઈટ ‘ડોના પાઉલા’ની વાત કહી રહ્યો હતો.
‘હા તો, ‘ડોના’નો અર્થ પોર્ચુગીઝ ભાષામાં ‘મિસ’ એટલે કુમારી થાય. કુમારી પાઉલા એ વખતના વાઈસરૉયની લાડકી દીકરી હતી. અને સંજોગવશાત્ ‘ગાસ્પરસ’ નામના ખડતલ ને સોહામણા ખેડૂત પુત્રના પ્રેમમાં પડી હતી; પરંતુ વાઈસરૉય બાપ આ સહન કરે ખરો?
પાઉલાને એણે મના કરી કે તારે એ હરામજાદા, ભિખારી જેવા ગાસ્પરસને મળવું નહિ! પરંતુ પ્રેમમાં પડેલાંએ આવા મનાઈહુકમ કદી માન્યા છે?
પાઉલા ગાસ્પરસને એકાંતોમાં મળતી રહી. આથી ક્રોધે ભરાઈ વાઈસરૉય બાપે પેલા સોહામણા ગાસ્પરસની હત્યા કરાવી! સત્તાધારીઓ શું નથી કરી શકતા? પાઉલા બિચારી હવે શું કરે? ઓછી એ બાપને મારી શકે એમ હતી? છેવટે આ સ્થળે, આ ટેકરી પરથી સમુદ્રમાં કૂદી પડી! એ ખૂબસૂરત કુમારીએ આત્મહત્યા કરી. મિત્રો આ જ એ જગ્યા છે! એના બલિદાનની આ પવિત્ર ને ગોઝારી જગ્યા મનભરીને નિહાળો!
પોતાના કેમેરાનું શટર ખોલતો વાસુદેવ ત્યાંથી આગળ ચાલ્યો.
પર્યટકોના એક સમૂહને બસનો ગાઈડ ‘જલદી ચલો! જલદી કરો, અપની બસ ચલનેવાલી હૈ!’ કહી જ્યાં બસ ઊભી હતી એ તરફ દોડી રહ્યો હતો. એવામાં એ સમૂહમાંની એક યુવતી પ્રત્યે વાસુદેવનું ધ્યાન ગયું. તરત એ એની તરફ દોડ્યો:
‘મીના! ઓ… મીના!’
‘મીનાએ દાઢી, મૂછ ને ગોગલ્સ વાળા અજાણ્યા જેવા યુવાનને પોતાની તરફ દોડ્યો આવતો જોઈ, બીકથી જોડેના યુવાનનો હાથ પકડી લીધો. યુવાનો પૂછ્યું:’
‘એ કોણ છે?’
‘શી ખબર! હું એને નથી ઓળખતી!’
ત્યાં તો ફરી વાર ગાઈડે બૂમ મારી.
‘તુમ દોનો ખડે ક્યોં હો? જલદી ચલો!’
મીના અને એની જોડેના યુવકે પગ ઉપાડ્યા; પરંતુ નજીક આવી પહોંચેલા વાસુદેવે એમને રોક્યાં:
‘પ્લીઝ, ઊભાં રહો મને ન ઓળખ્યો, મીના? હું તારા બાપુજીનો પાડોસી- વાસુદેવ મહેતા! શું પરણીને તું ‘હનીમૂન’ કરવા નીકળી છે?’
‘હા, પણ વાસુભાઈ, તમે શું કાંઈ જ નથી જાણતા? ઘેર તો ફોઈબાને ત્યાં હૈયાહોળી થઈ છે!’
‘કાં, શું થયું છે?’ ફાટેલા સ્વરે વાસુદેવે પૂછ્યું.
‘તમારા ચાલી ગયા પછી અઠવાડિયાની અંદર જ કોક બદમાશો રેણુને સ્કૂલેથી આવતાં ઉઠાવી ગયા છે તે હજી એનો પત્તો નથી!’
સાંભળતાં જ વાસુદેવ ડઘાઈ ગયો. એની વાચા બંધ થઈ ગયા જેવું થયું. જતાં જતાં મીના કહેતી ગઈ:
‘હૉટેલ ગોવા ઈન્ટરનેશનલમાં મળજો રાતે! નિરાંતે બધી વાત કરીશ! જરૂર આવજો, હોં!’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -