Homeવીકએન્ડચક્રવ્યૂહ પ્રકરણ-૧૨

ચક્રવ્યૂહ પ્રકરણ-૧૨

ડોશીના મનનું સમાધાન થવાને બદલે ઊલટી શંકા દ્રઢીભૂત થઈ. મંજુને ય પૂછી જોયું હતું; પરંતુ ‘હું તો માઈ, પડી એવી ઊંઘી ગઈ’તી- મને કશી ખબર નથી!’ કહી એ છૂટી પડી હતી. આવી ડોશીના મગજમાં સળવળતા કીડાએ પછી વાસુદેવનો પીછો કર્યો

વિઠ્ઠલ પંડ્યા

(ગતાંકથી ચાલુ)
‘તું જો આમ મારી લાગણીની અવગણના કરતો હોય તો’ હોઠ કચડી સુમિત્રાએ વાક્ય પૂરું કર્યું, ‘તો મારે તારા આશીર્વાદ હરગીઝ નથી જોઇતા!’
‘આમ માઠું ન લગાડ, સુમિ! મને સમજવાની કોશિશ કર! મારી પરિસ્થિતિનો વિચાર કર!’
‘મારે માટે લાગણી ધરાવવાથી તારી પરિસ્થિતિ વધુ બગડી જશે એમ માને છે ને, વાસુ?’
‘એમ નહીં, પણ…’
‘પણ બણ રહેવા દે!’ ગરદન ટટ્ટાર કરી સુમિત્રા બોલી ઊઠ્ઠી, ‘હું નાદાન બાળકી નથી! પુખ્ત ઉંમરની ગ્રેજયુએટ યુવતી છું. મારી લાગણીને શા માટે પાછી ઠેલી રહ્યો છે, એય બરાબર સમજું છું! આયેમ નોટ એ ફૂલ!’
‘હું ક્યાં કહું છું કે તું મૂર્ખ છે?’
‘મૂર્ખ નહીં, તો અભાગણી જરૂર છું.’ ભરેલા સ્વરે સુમિત્રા કહેવા લાગી, ‘એટલે-સ્તો તને ચાહવાનોયે મને અધિકાર નથી! હા, હું અભાગણી અને મનહૂસ છું!’ ઓહ કહેતી, વ્યથિત થઇ સુમિત્રા દ્વાર ખોલી બહાર ભાગી.
‘સુમિ! ઊભી રહે. સુમિત્રા ! એની પાછળ જતાં વાસુદેવે બોલી ઊઠયો, ‘જરા મારી વાત સાંભળ! પ્લીઝ…’
પરંતુ સુમિત્રા ત્યારે એટલી ઉદ્વિગ્ન થઇ ગઈ હતી કે એક શબ્દ સાંભળવા પણ ન ઊભી રહી. કોટેજમાં પગથિયાં ઊતરી જઇ સામેના મકાનમાં પગથિયાં ચડી ગઇ.
પણ પગથિયાં ચઢતાં એણે જોયું, તો વચલા પેસેજ નજીક ઊભેલું કોઇ ઝડપથી અંદર સરકી ગયું એ જોઇ સુમિત્રાના દિલના ધબકારા ઓર વધી ગયા. એને મનમાં ફિકર પેઠી: કોણ હશે? માઇ કે પછી ભાભી?
મંજુની જોડે એ સૂઇ રહેતી. ડોશીનો ખંડ જુદો હતો. આથી ઝડપભેર એ પોતાના ખંડમાં ગઇ અને નાઇટ લેમ્પના ઝાંખા પ્રકાશમાં જોયું, તો મંજુ છાતી લગી ઓઢીને ઘસઘસાટ ઊંઘતી હતી! એને ઊંઘતી ભાળી સુમિત્રાના હૈયામાં ફડક પેઠી:
તો પછી માઇ જ હોવી જોઇએ! હવે સવારે પોતાનું આવી બન્યું! પૂછયા વગર રહેવાની નથી, કે રાતે બારના સુમારે વાસુદેવ પાસે તું કેમ ગઇ’તી.
ત્યારે તું શો જવાબ. દઇશ, સુમિત્રા? માઇ તારા પર શંકા લાવશે ત્યારે તું…ઓહ! આજે આ શું થવા બેઠું છે?
***
પોતાના સૂવાના ખંડમાં જઈ સુમિત્રા લમણે હાથ દઈ ગુમસુમ થઈ બેસી રહી. કંઈ એને સૂઝતું નહોતું. બહાર જવા રોજની જેમ માઈ અત્યારે ઊઠી હશે, તે પોતાને વાસુની ઓરડીમાંથી દોડી આવતી જોઈ લીધી! અધૂરામાં પૂરું, વાસુએ છેક દરવાજા લગી આવી પોતાને રોકવા બૂમ પણ મારી! આ બધું આટલી રાતે જોઈ-જાણી કોને શંકા કુશંકા ન થાય?
એમાંયે માઈની તો ખોપરી જ જુદી છે! વાસુ અહીં આવી, ધામા નાખી પડ્યો છે એય એને મનમાં કંઠે છે! આજે વળી પરશ્યાને કારણે પોલીસ લફરું થયું! એ માટે માઈએ દોષનો ટોપલો વાસુ પર જ ઢોળ્યો! એમાં કાંઈ બાકી રહી જતું તું તે… અત્યારે એની પાસે પોતે ગઈ હોવાની એને સાબિતી મળી ગઈ!
શું કરવું હવે? એવું કયું બહાનું શોધી કાઢવું જેથી માઈની સાચી-ખોટી શંકાનું નિવારણ થાય?
છેવટે કંઈક વિચાર કરી, બહાર નીકળી એ આગલા ખંડમાં ગઈ. સૂવાના ઓરડા તરફનું બારણું વાસી એણે બત્તી કરી. કાગળ-પેન લીધાં. પોતાના મનમાં જે સૂઝ્યું એ લખ્યું. પછી બત્તી ઠારી ચૂપચાપ પાછલી ઓસરીનાં પગથિયાં ઊતરી ગઈ.
વાસુદેવવાળી ઓરડીમાં અંધારું વરતાતું હતું. એના બારણા પાસે જઈ સુમિત્રા નીચી ઝૂકી અને પેલી ચિઠ્ઠીવાળો કાગળ ઘડી કરીને બારણા નીચેથી અંદર સરકાવી દીધો. પછી હાશ કરી પાછી વળી ગઈ.
આમ મનમાં નિરાંત વાળી, રાતે એકાદ વાગે એ સૂઈ તો ગઈ; પણ ખરી કમબખતી તો સવારે બેઠી!
સવારે કામવાળી રૂખમણી- કપડાં-વાસણ કરવા આવી ત્યાં સુધી સુમિત્રા ઊઠી નહોતી. આથી ડોશીએ જ જગાડી:
‘ઊઠ’લી! ક્યાં લઘી ઘોર્યા કરશે? આઠ વાગી ચૂક્યા છે!’
‘સુમિત્રા આઠ વાગી ગયાનું સાંભળી સફાળી બેઠી થઈ ગઈ. હાથ જોઈ લઈ, મનોમન ઈષ્ટદેવનું સ્મરણ કરી ખાટલા પરથી નીચે ઊતરી. હજી બરાબર એ સ્વસ્થ પણ થઈ નહોતી, ત્યાં તો ડોશીએ પાધરુંક તીર છોડ્યું:
‘રાતે બાર વાગે વાસુની ઓરડીમાં તું શા વાસ્તે ગઈ’તી સુમિ?’
‘શા વાસ્તે તે એને જ પૂછી લેવું’તું ને તારે!’
‘એનેય પૂછીશ, પણ એ પહેલાં મારે તારી પાસેથી જાણવું છે!’
‘તો જાણી લે!’ કપાળ પરના વાળ ઠીક કરતાં સુમિત્રા ચિડાઈ ગઈ, ‘રાતે એટલી ટાઢમાં વાસુ આવ્યો એટલે એને પેટમાં વાયુનો ગોળો ચડ્યો’ તો અને માથું તે દુખતુ’ તું!’
‘પછી તેેં જઈને શું કર્યું?’
‘તારું માથું-’ બોલી સુમિત્રા બહાર નીકળી અને ટોયલેટ બાજુ વળી ગઈ.
ડોશીના મનનું સમાધાન થવાને બદલે ઊલટી શંકા દ્રઢીભૂત થઈ. મંજુને ય પૂછી જોયું હતું; પરંતુ ‘હું તો માઈ, પડી એવી ઊંઘી ગઈ’તી- મને કશી ખબર નથી!’ કહી એ છૂટી પડી હતી. આવી ડોશીના મગજમાં સળવળતા કીડાએ પછી વાસુદેવનો પીછો કર્યો.
સ્વસ્થ થઈ ચા નાસ્તો કરવા એ બેઠકખંડમાં આવી બેઠો, એવા જ ડોશી સામેની સોફાચેર પર ગોઠવાયાં ને પૂછવા લાગ્યાં:
‘ગઈ રાતે તારી તબિયત બગડી’તી, દીકરા?’
‘મારી તબિયત?’ પ્રશ્ર્ન સાંભળી વાસુદેવને આશ્ર્ચર્ય થયું, ‘ના, હોં! મારી તબિયત ઓલરાઈટ છે, માઈ!’
સુમિત્રા વચલા દરવાજા કને આવી ઊભી હતી. તેણે કપાળ કૂટયું: ભોગ લાગ્યા! મોટેથી ખોંખરો ખાઈ એણે વાસુદેવનું ધ્યાન ખેંચ્યું, પછી પોતાના પેટ પર હાથ મૂકી, હાથમાં ગોળો હોય એવો એની તરફ ઈશારો કર્યો.
એ જોઈ વાસુદેવે ભોળા ભાવે બોલ્યો:
‘બોલ (દડો)?’
‘સુમિત્રાએ ખિજાઈ જઈ ફરીવાર કપાળ પર હાથ પછાડ્યો! એવો જ વાસુદેવ બોલી ઊઠ્યો:
‘તારું માથું દુ:ખે છે?’
ડોશીની તો એની તરફ પીઠ હતી. આથી સુમિત્રાએ ગુસ્સાના આવેશમાં હોઠ પીસ્યા. હાથની મુઠ્ઠીઓ વાળી અને પગ પછાડી ત્યાંથી ચાલી ગઈ. ડોશીએ ફરી વાર વાતનો તંતુ સાંધ્યો:
‘તારી તબિયત બરાબર હતી, તો એટલી રાત ગયે સુમિત્રા શા વાતે તારી પાસે આવી’તી, ભાઈ?’
હવે વાસુદેવના મગજમાં બત્તી થઈ. સુમિત્રાના મૂંગા હાવભાવનો મર્મ પણ હવે એ સમજ્યો. એને થયું, આ તો ભારે ગોટાળો થઈ ગયો! ડોશી રાતે ચોક્કસ જાગતાં હોવાં જોઈએ! ચાનો કપ પોતાની તરફ ખેંચતાં, ઠાવકું મોં રાખી એણે જવાબ આપ્યો:
‘હા, રાતે પેટમાં થોડી ગરબડ હતી અને માથું યે ચડ્યું’તું, માઈ! કહી એણે થૂંક ગળ્યા જેવું કરી આગળ ચલાવ્યું, ‘એટલે મેં સુમિ પાસે અજમો મંગાવી ફાક્યો અને માથે બામ પણ ઘસ્યો!’
‘હવે તને કેમ છે, દીકરા?’
‘હવે?’ વાસુદેવ ખોટું ખોટું હસ્યો, ‘હવે હું- મેં કહ્યું ને, ઓલરાઈટ છું?’
‘તું અમારે ઘેર મેં’માન થઈ આવ્યો ને કાલે તારે સુમિના કારણે ઉપાધિમાં મુકાવું પડ્યું!’ ડોશી અફસોસ કરતાં હોય એમ કહેવા લાગ્યાં, ‘પણ હજી યે તારે માથે પોલીસનું લફરું ઊભું છે, ખરું ને, ભાઈ?’
‘હા, પરસ્યો સાજો થઈ કોર્ટમાં હાજરી આપે પછી મેજિસ્ટ્રેટ સમક્ષ મારે તથા સુમિએ જુબાની આપવા જવું પડશે, માઈ!’
‘અરે, રે! તારા ભાઉસાહેબ ઘેર નથી અને આ ફજેતો આવી ઊભો! હવે મારે એમને કોલ પણ ક્યાં કરવો?’
‘ચિંતા ન કરો, માઈ! પરસ્યો જીવે છે એટલે કશીયે ભાંજગડ નહિ થાય! અને આમાં દાદાની જરૂર પણ શી છે? બીચોલીમમાં જેસનની લાગવગ સારી છે. બહુ આસાનાથી આ કેસ પતી જશે!’ કહી, ચા-નાસ્તો પતાવી એ ઊભો થયો.
એના રહેઠાણ તરફ જવા ઓસરીનાં પગથિયાં એ ઊતરતો હતો, ત્યાં જ પોતાના કપડાં લઈ બાથરૂમ બાજુ જતી સુમિત્રા નજીક સરકી આવી. આછો
છણકો કરી બોલી: ‘માઈની સામે ભાંગરો વાટતો’તો, તે અંતે અક્કલ ઠેકાણે આવીને તારી?’
‘શું થાય?’ ફિક્કું હસી દઈ વાસુદેવે કહ્યું, ‘મારે નસીબે ભાંગરો વાટવાના દિવસો આવી ગયા છે, સુમિ! પછી એવું જ થાય ને?’
‘રાતે-’ કહી સુમિત્રા અટકી ગઈ, ‘રાતે ય તારું વર્તન કાંઈ સારું નહોતું! મારી લાગણીને ઠેસ પહોંચાડવા તેં થાય એટલી કોશિશ કરી! જાણે છે મારી શી હાલત થઈ’તી એ?’
‘એ માટે હું દિલગીર છું, સુમિ!’
‘એ તો ઠીક, પણ રાતે મેં તારી રૂમમાં એક ચિઠ્ઠી સરકાવીતી એ તારે હાથ નથી આવી શું?’
‘ના, શાની ચિઠ્ઠી હતી?’
‘માઈએ રાતે મને તારી પાસેથી આવતાં જોઈ લીધી’તી એ વિષે મેં લખ્યું’તું! મને ખાતરી હતી જ કે સવારે માઈની કોર્ટમાં આપણે હાજર થવું પડશે!’
‘એ પણ પતી ગયું! હવે શાની ફિકર કરે છે, સુમિ?’
ફિકર નથી કરતી. હવે તો એમ થાય છે કે… ક્યાંક જઈ આ નકામી જિંદગીનો અંત લાવી દઉં!’
‘જોજે એમ કરતી! મારે તારી એક અગત્યના કામસર જરૂર પડશે!’
‘ક્યા કામ માટે?’
પરંતુ વાસુદેવે ઉત્તર ટાળવો પડ્યો. મંજુને તે તરફ આવતી જોઈ, ઓસરીમાં પગથિયાં એ ઊતરી ગયો.
સાંજે સદાનંદની બેબી કુકીને લઈ શિવાલય બાજુ એ ફરવા ગયો, તો રસ્તામાં જે મળ્યું એની આંખો વાસુદેવ તરફ મંડાણી. એક જણે નમસ્તે કરી કહ્યું યે ખરું:
‘પરશ્યાને ગઈ કાલે તમે પ્રસાદ ચખાડ્યો તે સારું કર્યું, ભાઈસાબ! ગામમાં તો સૌ કોઈ એનાથી બીવે છે, પણ તમે રંગ રાખ્યો!’
વાસુદેવે કંઈ પણ ન બોલતાં નજર ઝુકાવી આગળ ચાલ્યો. એક નાની હાટડી પાસે ચિંથરેહાલ સ્થિતિમાં એક વૃદ્ધા કંઈક ખરીદી કરવા ઊભી હતી. વાસુદેવને જોઈ દુકાનદારે એ વૃદ્ધાને કંઈક કહ્યું એવી જ એ બાઈ વાસુદેવ નજીક આવીને બોલી:
‘મારા પરશ્યાનું કાલે તેં માથું ફોડ્યું’તું ને દીકરા?’
વાસુદેવ અવાચક રહી એ બાઈ સામે જોઈ રહ્યો.
‘જુએ છે શું?’ એ બાઈ ક્ષુબ્ધ સ્વરે કહેવા લાગી, ‘એ અભાગિયાની હું મા છું! મારે જ પેટે એ કાળોતરો જનમ્યો છે! તેં એને જીવતો શા વાસ્તે જવા દીધો, દીકરા? એને પૂરો જ કરવો તો? એ રોયાનું નામનિશાન મિટાવી દેવું’તું! હા, શા વાસ્તે જીવતો રહેવા દીધો ઈને?’
વાસુદેવે શો જવાબ આપે? કુકીની આંગળી પકડી મસ્તક ઝુકાવી એ આગળ ચાલ્યો.
અરવલેમના ધોધ સુધી એ ગયો. કુકીને લઈ નજીકમાં ઊંચી જગ્યાએ પથ્થરની શિલા હતી ત્યાં બેઠો. ધોધનું પાણી નીચે પડી, પ્રવાહરૂપે આગળ જઈ નદીના શાંત સ્વસ્થ રૂપે વનરાજી વચ્ચે થઈ અદૃશ્ય થઈ જતું હતું. એ સાચુંયે દૃશ્ય મનોહારી હતું, પરંતુ વાસુદેવના મન પર એની કશી યે અસર ન થઈ. પરશ્યાની માંનાં વચનો સાંભળી એ અસ્વસ્થ થઈ ગયો હતો!
જે મા પોતાના સંતાનનું અહિત ચાહે, એનું મૃત્યુ વાંછે, એ પુત્ર કેટલો દુર્ગુણી હશે? દુર્ભાગી પણ ખરો! નહિ તો મા જેવી મા આવા કવેણ બોલે ખરી?
‘અંકલ- એને ગુમસુમ બેસી રહેલો જોઈ કુકીએ એનો ખભો હલાવ્યો, ‘અહીં કેમ બેઠા છો? ઊઠો ને આપણે ઉપર ટેકરી પર જઈએ!’
‘ના, કુકી’- કુકીનો કોમળ હાથ પોતાને ગાલે ચાંપી વાસુદેવે કહ્યું, ‘ઉપર પવન ફુંકાય છે ને, એટલે પડી જવાય દીકરી! ચાલ હવે ઘેર જઈએ!’
ચારેક દિવસ બાદ સુમિત્રા તથા વાસુદેવ પર પોલીત તરફથી ‘સમન્સ’ આવ્યો. ગુરુવારે એ બેઉને મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થવાનું હતું.
રાતે બીચોલીમથી જેસનનો ફોન આવ્યો.
‘ગભરાવાનું કોઈ કારણ નથી! સવારની બસમાં બેઉ જણ સીધાં મારે ત્યાં જ આવી જજો. આપણે જાણીતો વકીલ રોક્યો છે એટલે ફેંસલો એક જ ‘હીઅરિંગ’માં આવી જશે!’
ખાસ તો ડોશી વધુ ચિંતિત હતાં, સવારે નીકળવાને સમયે એ કહેવા લાગ્યાં:
‘મને ભેગી આવવા દો! મેજિસ્ટ્રેટને હું કહી શકું ને કે પરશ્યો કેવો ડામીસ છે?’
‘એ તો, ભાઈ-’ વાસુદેવે ડોશીને સમજાવવા માંડ્યા. ‘બીજા સાક્ષી પુરાવા પણ છે ને? પરશ્યો આ ગામનો ઉતાર છે એ હકીકત કોણ નથી જાણતું? એક દિવસ એની મા સુધ્ધાં ફોલ્લા ફોડતી’તી! ના, તમારી જરૂર નથી! તમે નચિંત મને ઘેર જ રહો!’
વાસુદેેવ તથા સુમિત્રા બસમાં રવાના થઈ ગયાં.
ઊઘડતી કોર્ટે જ એમનો કેસ નીકળ્યો. સુમિત્રા તથા વાસુદેવની સરકારી વકીલે ઊલટ તપાસ લીધી. બીજા સાક્ષીઓ તપાસ્યા. પરશુરામ આપ્ટેની ગામમાં શી કિંમત છે એવા પુરાવા મળ્યા. એના અંતે મેજિસ્ટ્રેટે, વાસુદેવ પર છરી વતી હુમલો કરવાના આરોપસર પરશ્યાને એક મહિનાની સખત મજૂરી સાથે સજા ફટકારી અને વાસુદેવની હિંમતની પ્રશંસા કરી એને નિર્દોષ તરીકે છોડી મુક્યો!
નમતા બપોરે એ લોકો ઘેર આવ્યાં, તો ડોશીએ સૂચના આપી:
‘હવે આ પરશ્યાવાળું પ્રકરણ આંઈ જ દાટી દેજો હો! નહિતર તારા દાદા ઘેર આવી જાણશે, તો રિવોલ્વર લઈ સીધા પરશ્યાને રાખ્યો હશે એ જેલમાં જઈ એને પૂરો કરી નાખશે!’ માટે તમે લોકો આ બાબતમાં મોઢાં સીવી લેજો!’
જગન્નાથ રાવ છેક બીજા દિવસે ઘેર પાછા ફર્યા. પડછંદ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -