Homeમેટિનીચક્રવ્યૂહ પ્રકરણ-૧૧

ચક્રવ્યૂહ પ્રકરણ-૧૧

રાતના અગિયાર વાગવા આવ્યા હતા. ચારે બાજુ સન્નાટો વ્યાપી ગયો હતો. જંગલઝાડીમાં બોલતાં તમરાંના રવ સિવાય વાતાવરણ લગભગ શાંત હતું. ઊંઘવાનો સમય થઈ ગયો હતો અને શરીરની સાથે માનસિક થાક પણ લાગ્યો હતો. એ છતાં વાસુદેવની આંખમાં ઊંઘ નહોતી. અંદરથી એ બેચેન બની ગયો હતો. સાંજે બનેલા પ્રસંગને લીધે જીવ એનો ઊંચો થઈ ગયો હતો

વિઠ્ઠલ પંડ્યા

‘એવો સમય આવશે ત્યારે તમને જરૂર કહીશ, મિસ્ટર જેસન!’ વાસુદેવે સિગારેટ પેટાવતાં કહ્યું, અને મંજુનું ધ્યાન ખેંચ્યું, ‘જુઓ ભાભી, સુમિત્રા હવે હોશમાં આવી લાગે છે!’
સુમિત્રા વિહવળ ચહેરે સોફામાંથી બેઠી થવા ગઈ. એને મંજુએ ટેકો દીધો. એના મોં પરથી પોતાની સાડી વતી પાણી લૂછી નાખ્યું. લાગણીથી પૂછ્યું:
‘હવે તમને કેમ છે, બહેન?’
એવી જ સુમિત્રા પોતાના બેઉ હાથ વચ્ચે મોં છુપાવી રડવા લાગી. જેસન ઊભો થઈ એની પાસે આવ્યો, એના વાંસે હાથ મૂકી, સધિયારો દઈ બોલ્યો:
‘હવે શું છે કે તું રુએ છે, સુમિ? નાઉ ફરગેટ એવરીથીંગ!’
પણ…’ હીબકાં ભરતી સુમિત્રા કહેવા લાગી, ‘મારે કારણે વાસુને પોલીસ લોક-અપમાં જવાનો વખત આવ્યો આજે! તમે ન હોત જેસનભાઈ, તો આખી રાત એને ત્યાં ગુજારવી પડત! આ બધું મારે કારણે થયું ને?’
‘હા, ભાઈ! તારે કારણે થયું. પણ તારી પ્રત્યે એને માન અને ‘ફિલિંગ’ (લાગણી) હશે ત્યારે જ ને, વાસુ પેલા રાસ્કલ પર તૂટી પડ્યો! બાકી, ત્યાં આગળ કેટલાં બધાં માણસો હાજર હતાં?’
ઘણાં બધાં અમારાં પરિચિત પણ હતાં, જેસનભાઈ!’ મંજુ બોલી, ‘પણ સૌ કોઈ તમાશો જોતાં હોય એમ ઊભાં રહ્યાં! પરંતુ વાસુભાઈને મનમાં લાગી આવ્યું હશે ત્યારે જ ને…’
‘ભાભી-’ વાસુદેવ પોતાની પ્રશસ્તિ સાંભળવા ન ઈચ્છતો હોય એમ વચ્ચે બોલી ઊઠયો, ‘હવે એ વાત પડતી મૂકો અને મિસ્ટર જેસન માટે કાંઈક ચા-નાસ્તો લાવો!’
‘બીજું કંઈ નહીં!’ જેસને સિગારેટની રાખ ખંખેરતાં કહ્યું, ‘ફકત ચા જ, ભાભી! પણ અમારાં લલિતા આન્ટી કેમ દેખાતાં નથી?’
‘એ બિચારાં થોડી વાર પહેલાં જ થાકીને સૂઈ ગયાં!’
રસોડા બાજુ જતાં મંજુએ જવાબ આપ્યો અને નીચું જોઈ, ખામોશ બેઠેલી સુમિત્રાને કહ્યું, ‘તમેય જરા અંદર આવો ને, બહેન!’
ચા પીને જેસન રવાના થઈ ગયો. બાઈક પર સવાર થતાં કહેતો ગયો:
‘તાલુકા કોર્ટમાં કેસ નીકળે ત્યારે મને ખબર આપજો, ભાભી! ચાલો, ગુડનાઈટ, વાસુ!’
‘ગુડનાઈટ-’ કરી મંજુ સાથે વાસુદેવ ઓસરી પરથી પાછો ફર્યો. પછી સીધો પાછલા આવાસમાં ગયો અને દ્વાર વાસી સૂઈ ગયો.
રાતના અગિયાર વાગવા આવ્યા હતા. ચારે બાજુ સન્નાટો વ્યાપી ગયો હતો. જંગલઝાડીમાં બોલતાં તમરાંના રવ સિવાય વાતાવરણ લગભગ શાંત હતું. ઊંઘવાનો સમય થઈ ગયો હતો અને શરીરની સાથે માનસિક થાક પણ લાગ્યો હતો. એ છતાં વાસુદેવની આંખમાં ઊંઘ નહોતી. અંદરથી એ બેચેન બની ગયો હતો. સાંજે બનેલા પ્રસંગને લીધે જીવ એનો ઊંચો થઈ ગયો હતો.
જાત છુપાવવા આટલે દૂર પોતે દોડી આવ્યો હતો, છતાં નસીબ કેવું વાકું કે આજે પોલીસના હાથમાં સપડાઈ ગયો! કદાચ પોતે ત્યારે મગજ ઠંડું રાખ્યું હોત તો આવી નોબત ન આવી જાત! પરંતુ ખોટું સહન કરવાનો પોતાનો સ્વભાવ જ નથી એટલે શું થાય?
શંકરને પેલા કુબેકરે વીંધી નાખ્યો’ તો અને કોઈ રીતે એ જીવી શકે એમ નહોતો! છતાં ગુસ્સાના આવેશમાં પોતે ત્યારે બૂમ પાડીને ચાહત થઈ ગયો અને મોટું જોખમ વહોરી લીધું! પોતાની જગ્યાએ કોઈ બીજો હોત તો ફોટા પાડી ચૂપચાપ ત્યાંથી ચાલતી પકડી હોત! પરંતુ પોતાનું ખૂન એટલું ટાઢું ક્યાં છે
એમકે અન્યાય…
એની વિચારધારા એકદમ અટકી ગઈ. ધીરેથી કોઈ દ્વાર પર ટકોરા મારતું હોય એમ લાગ્યું. પડ્યાં પડ્યાં વાસુદેવે પૂછ્યું:
‘કોણ છે બહાર!’
‘હું છું- સુમિત્રા. ધીમો અવાજ આવ્યો.’
વાસુદેવ બનૂસ આઘો કરી બેઠો થઈ ગયો: ‘કાં શું વાત છે, સુમિ? કાંઈ કામ હતું?’
‘હા-દરવાજો ઉઘાડ!’
પલંગ પરથી હેઠા ઊતરી વાસુદેવે ખંડમાંની બત્તી કરી. દરવાજાનું એક પંખિયું ખોલી વચ્ચે ઊભો રહ્યો. સુમિત્રા સોડિયું વાળીને બહાર ઊભી હતી. બોલી:
‘ઠંડીમાં મારે શું આમ જ ઊભાં રહેવાનું છે, વાસુ?’
‘ના, પણ શું વાત છે કે….’
‘વાત બીજી કંઈ નથી….’ કહેતી બીજું પાંખિયું ધકેલી સુમિત્રા અંદર પ્રવેશી. સીધી પલંગ પર જઈ બેઠી અને બોલી, હવે દરવાજો બંધ કર, વાસુ! બહાર તોફાની હવા ફુંકાઈ રહી છે તે સરસર કરતી અંદર ધસી આવે છે!’
વાસુદેવે દરવાજાનાં પાંખિયાં અમસ્તાં આડાં કર્યા. ધીમો નિ:શ્ર્વાસ નાખી પલંગ પાસે આવી ઊભો અને બોલ્યો:
‘હવે કહે: એવું શું કારણ હતું કે આટલી રાત ગયે તારે અહીં આવવું પડ્યું?’
‘મન ઊંઘ નથી આવતી!’
‘લે! કેવું બાલિશ કારણ છે? તને ઊંઘ ન આવતી હોય એટલે શું મારી યે ઊંઘ બગાડવાની?’
‘સોરી! પણ હું જાણું છું કે… આજે મારે કારણે તારી નીંદ પણ હરામ થઈ ગઈ હશે!’
‘ના, હું તો ઘસઘસાટ ઊંઘતો હતો. મને કશુંક મીઠું સપનું યે આવ્યું’ તું!’
‘જૂઠું ન બોલ!’વાસુદેવની આંખોમાં જોઈ સુમિત્રા બોલી ઊઠી, ‘સપનાને બદલે પોલીસ લોકઅપની હવા ખાઈ આવ્યો એના વિચારો આવતા હશે!’
‘કદાચ એમ પણ હો, તો યે શું થઈ ગયું?’ પલંગ પર એક છેડે બેઠક લેતાં વાસુદેવ મ્લાન હસીને કહેવા લાગ્યો. ‘પત્રકારત્વ સાથે સંકળાયેલા અમારા જેવાના, શઠ લોકો દ્વારા કદીક કેમેરા ઝૂંટવાઈ જાય છે! અમારે એમના રોકેલા ગુંડાઓનો માર ખાવો પડે છે અને શંકરની જેમ મોતને ઘાટ પણ ઊતરવાનું થાય છે! એટલે સાચું કહું તો… એ જે થોડી વાર લોકઅપમાં જઈ આવ્યો એનું મને જરીકે દુ:ખ નથી, સુમિ! હા, બાકી પરશ્યાએ તને ઉદ્દશીને હલકી ઈશારત કરી ત્યારે, મૂંગા મૂંગા એ સાંભળી લઈ ચાલવા માંડ્યું હોતને તો સાચું કહું છું: મને મારી જાત પર આજે નફરત જાગત!’
‘પરશ્યાને તેં પીટયો એ મને ય ગમ્યું’તું વાસુ!’
પોતોની આંગળિયોના નખ જોતાં, નીચી નજર રાખી સુમિત્રા બોલી, ‘પણ તારે માથે ભય છે એવા વખતે પોલીસના લફરામાં તું સંડોવાય, તો તારી શી દશા થાય?’
‘જો સુમિ, જે થવાનું હોય છે એ થઈને રહે છે. તું કે હું-કોઈ જ એ નિવારી શકતાં નથી! પછી એવી ફિકર કરવાથી શું વળે?’
‘ફિકર કાંઈ અમસ્તી નથી થતી, વાસુ! તેં જેમ મારી ખાતર સાહસ ખેડ્યું એમ મને પણ સહજ રીતે તારે માટે ફીલ (લાગણી) ન થાય?’
‘સાચું કહું તો-મારે માટે તારે કશુંયે ‘ફીલ’ કરવાની જરૂર નથી, સુમિ! મારું ભવિષ્ય અંધારામાં છે! કાલે કદાચ પેલા બદમાશ કુબેકરના માણસોના હાથમાં હું ઝડપાઈ જાઉં, તો એ લોકો, શંકરને ખતમ કર્યો’ તો એમ, ઠંડી ક્રૂરતાપૂર્વક મનેય રહેંસી નાખે! આજે તો ભ્રષ્ટાચારીઓ, એમનું હિત જોખમમાં હોય ત્યારે, આતંકવાદીઓ બનતાં જરાયે દેર કરતાં નથી! પછી સામે હું હોઉં, શંકર હોય કે રાજદ્વારી ગુંડાઓના હાથે ખતમ થઈ ગયેલો પત્રકાર નાયર હોય!’
‘તમારા લોકોને માથે એવાં જોખમ ઊભા હોય છે એ સાચું; પણ તને જો કોઈ જરાક હાથ પણ અડાડેને, તો મારું હૈયું કંપી ઊઠ્યા વિના ન રહે, વાસુ! મેં કહ્યું ને, મને હવે તારે માટે “ફીલથાય છે! ખૂબ ખૂબ “ફીલ થાય છે!
‘ના, સુમિ…’બારી પરથી સિંગારેટનું પાકીટ લેતાં વાસુદેવે ગંભીર સ્વરે કહેવા માંડ્યું, ‘મારી પ્રત્યે તું એવી લાગણી રાખે એ જરાયે યોગ્ય નથી! મેં મારા અંધકારમય માર્ગની વાત તને હમણાં કરીને?’
સુમિત્રાએ મૂંગા મૂંગા મસ્તક હલાવ્યું- ‘હા!’
‘તો પછી મારે માટે દિલમાં તું લાગણી કે પ્રેમ રાખે એનો શો અર્થ, સુમિ? દિશાહીન નાવ જેવી મારી અત્યારે હાલત છે! હું પોતે મુશ્કેલીમાં છું એ તું સારી રીતે જાણે છે! પછી આવા અભાગિયા પ્રત્યે તારી લાગણીઓ વહાવી તારે પાછો ફરી વાર ત્રાસ સહન કરવો છે? ના, સુમિ! તને મારી તરફ એવી લાગણી જન્મી હોય, તો જડમાંથી એને ઊખેડી નાખ! ફેંકી દે લાગણીના અંકુરને!’
‘ના, એ હવે નહીં બંને!’ કહેતી સુમિત્રા પલંગ પરથી ઊઠી ગઈ, ‘હૃદય તારી તરફ ઢળી ચૂકયું છે. પ્રેમની સરવાણી અંદર ફૂટી નીકળી છે. હવે હું લાચાર છું, વાસુ! તું હવે મના કરીશ, તોય આ કમનસીબ તને ભૂલી શકવાની નથી!’
‘પણ-’ સિગારેટની ફૂંકી મારી પલંગ પરથી ઊભો થતાં વાસુદેવ બોલી ઊઠ્યો, ‘તારી આવી લાગણીનું પરિણામ અંતે શું આવશે એ જાણે છું, સુમિ?’
‘પરિણામ ગમે તે આવે, પણ હવે તને ચાહતાં મને કોઇ રોકી શકે એમ નથી, વાસુ!’
‘જો સુમિ, વિચાર કર હજી! દુ:ખી તો તું છે અને વધારે દુ:ખી થઇ જઇશ હોં!
‘ભલે દુ:ખી થાઉં! છિન્નભિન્ન થઇ
જાઉં! પણ મને તું મના કરે છે? મારે
માટે તને પ્રેમ નહીં-દયાભાવ પણ નથી જાગતો?’
‘ના દયાભાવ શા માટે જાગે?’ સિગારેટનું ઠૂંઠૂં પગ નીચે કચડી નાખી વાસુદેવ કહેવા લાગ્યો, ‘શંકરનું નજર સામે થયેલું મૃત્યુ દેખી હું થોડો નિર્મમ થઇ ગયો છું. દિલમાં કઠોરતા પ્રવેશી છે. એટલે એવી પરિસ્થિતિમાં તારી પ્રત્યે પ્રેમ કે દયાભાવ કશું જ મનમાં નથી જાગતું! અને બીજી વાત: તારે શા માટે કોઇનીયે દયામાયા યાચવી જોઇએ? તું મુક્ત થઇને સાસેરથી આવી છે. હવે ખુમારીપૂર્વક જીવ અને કોઇ યોગ્ય પાત્ર મળે, તો પુનર્લગ્ન કરી સુખી થા! મારા આશીર્વાદ છે, સુમિ-તું સુખશાંતિ પામે!’ (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -