સુમિત્રાએ બધી વાત કરી. પછી પૂછયું: ‘વાસુ સદાનંદનો ખાસ મિત્ર છે. કંઈક વખાનો માર્યો અમારે ત્યાં આવ્યો, તો ધરમ કરતાં ધાડ પડી એવું થયું છે! તમે જામીન પર એને છોડાવી ન શકો?’
વિઠ્ઠલ પંડ્યા
સુમિત્રાની જુબાની લેવાઇ ગઇ એટલે એ લોકો ઘેર પાછાં ફર્યાં ત્યારે રાતના આઠ વાગી ગયા હતા. બધાને ઉપવાસ હતો એટલે રસોઇ કરવાની નહોતી, પરંતુ ચાથી પતાવી લેવાનું હતું. મંજુ ચા કરવા રસોડામાં ગઈ એ વખતે ડોશીએ સુમિત્રાને કહ્યું:
‘નાયક પાસે મોટરસાઈકલ છે, પણ રાતને સમયે જંગલ-ઝાડીવાળા રસ્તે તને કે મંજુને શી રીતે નાયક જોડે બીચોલીમ મોકલાય? વાસુએ તો આપણને ધર્મસંકટમાં મૂકી દીધાં, સુમિ!’
‘ચિંતા ન કર માઈ!’ સુમિત્રા કહેવા લાગી ‘રોડ્રીગ્સ અંકલને ત્યાં બીચોલીમ ફોન કરું છું. ત્યાંથી એ લોકો દાદા (બાપુજી) જ્યાં હશે ત્યાં ફોન કરી, સમાચાર આપી દેશે.
ડોશી કંઇક વિચારમાં હોય એમ લાગ્યું. થોડી વાર પછી બોલી ઊઠ્યાં:
‘તું એક કામ કર, સુમિ. રોડ્રીગ્સને ત્યાં સમાચાર આપી એના દીકરા જેસનને કહે કે… મ્યુનિસિપાલિટીમાં એ ઓફિસર છે. તો લાગવગથી વાસુને જામીન પર છોડાવી એને ત્યાં રાખે! સવારે ભલે વાસુ અહીં આવે! આપણે એનું કામ પણ શું છે અત્યારે?’
‘બરાબર-’ બોલી સુમિત્રા ફોન કરવા બેઠી.
જેસનને એણે ભાઉસાહેબ અને રોડ્રીગ્સ અંકલ હાલ ક્યાં હશે એ પૂછ્યું. તો એણે જવાબ દીધો:
‘મલ્લિકાકાર્જુન ગયાનું જાણ્યું છે સુમિ! ત્યાંનો ‘ફેસ્ટિવલ (મેળો) પતી ગયા પછી એ લોકો આવશે. પણ તારે ભાઉસાહેબનું કંઈ જરૂરી કામ પડ્યું છે?
‘હા, એટલા માટે તો તમને ફોન કર્યો. અમે અત્યારે એક મોટી મુશ્કેલીમાં આવી ગયાં છીએ!’
‘શાની મુશ્કેલી? કહે મને-’
સુમિત્રાએ બધી વાત કરી. પછી પૂછયું: ‘વાસુ સદાનંદનો ખાસ મિત્ર છે. કંઈક વખાનો માર્યો અમારે ત્યાં આવ્યો, તો ધરમ કરતાં ધાડ પડી એવું થયું છે! તમે જામીન પર એને છોડાવી ન શકો?’
‘અફકોર્સ! કેમ ન છોડાવી શકું? તું ચિંતા ન કર! એને છોડાવી, અર્ધા કલાકમાં જ તને જણાવું છું.’
‘થેંક યુ, જેસનભાઈ!’
મંજુએ ચા બનાવી તે પીને નણંદ-ભોજાઈ નવરી પડી, બીજી ચિંતા કરવા લાગી: ઇન્સ્પેક્ટર કહેતો હતો એ જો સાચું પડે અને પેલો બદમાશ મરી જાય, તો વાસુની શી વલે થશે? ધોકા વડે પરશ્યાનું મોત નિપજાવવા માટે એને કાં તો બે પાંચ વરસની સજા થાય યા જનમટીપ!
પરંતુ આ વિચાર સાથે જ સુમિત્રા હલબલી ગઈ. ચિંતાગ્રસ્ત નજરે એણે મંજુ સામે જોયું તે બોલી:
‘આમાનું કાંઈ પણ થાય, તો ભાભી, જીભ કચરીને મરવા વખત આવે! મારે કારણે…’
‘ફિકર છોડો! વાસુભાઈને કાંઈ પણ નહીં થાય!’
‘એ તો તમે કહો છો, પણ અત્યારે એને માથે કેવું સંકટ છે એ બેઠકખંડમાં નણંદ-ભોજાઈ બેઉ એકલાં હતાં. સુમિત્રાએ આ વાત કરી એવું જ ચમકીને મંજુએ પૂછ્યું:
‘શું બાબત છે, સુમિબહેન? તમને મારા સોગંદ છે. પૂરી વાત ન કરો તો!’
‘ના ભાભી!’ માથું હલાવી સુમિત્રા કહેવા લાગી. ‘વાસુએ મને મના કરી છે. હું એનો વિશ્ર્વાસઘાત નહીં કરું, ના મારાથી તમને કાંઈ જ કહેવાય એમ નથી.
‘પણ… એમને માથે શું મુશીબત છે એ તો કહો
‘ના. અત્યારે એની દશા સારી નથી એટલું જ જાણવું બસ છે!’
‘સમજી! કદાચ મુંબઈથી એટલા માટે જ ભાગી એ અહીં આવ્યા લાગે છે!’
‘હા, એમ જ છે, ભાભી! નહીં તો એના જેવો કામગરો માણસ આવીને આમ દા’ડા ભાંગે ખરો કે?’
‘મને પણ એમ જ લાગ્યું ‘તું?’ કુકી ખોળામાં ઊંઘી ગઈ હતી, એને સુવરાવવા ઊભી થતાં મંજુ કહેવા લાગી, ‘ગઈકાલે માઈ, વાસુભાઈ આવીને આંઈ કેમ રોકાયા છે, એ બાબતનો ઉપાડો લઈ તમારા પર તૂટી પડ્યાં’તાં એય મને નહોતું ગમ્યું, બહેન! પણ માઈને આ વિશે થોડો અણસાર આપ્યો હોત તો?’
‘ના, જો જો ભાભી, માઈને કશું કાંઈ કહેતા! એના માથામાં તો એવી ભમરી છે, કે વાતનું એ વતેસર કરશે! ના, હો-કોઈને હમણાં કાંઈ નથી કહેવું? આવ્યા પછી દાદાને પણ નહીં! આ તો તમારા પેટમાં વાત ટકે એટલે આટલું યે તમને કહ્યું!’
‘ભલે, તો હમણાં આપણે સૌ ચૂપ રહીશું?’
અર્ધા કલાકને બદલે પોણો કલાક થયો છતાં બીચોલીમથી જેસનનો ફોન ન આવ્યો એટલે સુમિત્રા પાછી ઊંચીનીચી થઈ ગઈ.
‘શું કરશું ભાભી? જેસનને ત્યાં ફરીથી ફોન જોડું?’
‘હા, ફોન જોડીને પૂછો કે વાસુને છોડાવવામાં કાંઈ તકલીફ ઊભી થઈ છે?’
સુમિત્રાએ ફોન જોડી વાત કરી. સામેથી જેસનની પત્નીનો જવાબ આવ્યો:
‘જેસન પોલીસ સ્ટેશનેથી હજી ઘેર આવ્યો નથી! તું અર્ધા કલાક પછી ફોન કર, સુમિ!’
નણંદ-ભોજાઈ શિયાળાની રાતે ઘર બંધ કરી, દીવાલના ઘડિયાળ તરફ જોતાં, બદને શાલ લપેટીને, ઊંચા મને બીજો અર્ધો કલાક એમ બેસી રહ્યાં. છેવટે થાકીને સુમિત્રા ફોન કરવા ઊઠી. ત્યાં જ બહાર બાજુ કોઈની મોટર-બાઈક આવીને ઊભી રહ્યાની ઘરેરાટી એણે સાંભળી. પછી કોઈ દોડીને ખબખબ કરતું, ઓસરીનાં પગથિયાં ચડતું હોય એમ લાગ્યું. આથી એણે મંજુ સામે જોયું:
‘કોણ હશે, ભાભી?’
મંજુએ ઊભા થઈ બહારની બત્તી કરી. એટલામાં તો દરવાજાની બેલ રણકી ઊઠી! મંજુએ દ્વાર પાસે જઈ પૂછયું:
‘હું ઈઝ ધેર? (કોણ છો?)’
‘આયેમ જેસન, ભાભી! દરવાજો ઉઘાડો. તમારા મે’માનને લઈને આવ્યો છું!’
જેસન વાસુદેવને છોડાવીને લઈ આવ્યો છે એ સાંભળતાં જ શી ખબર શું થયું, તે સુમિત્રા ફોન પાસેના સોફા પર ઢગલો થઈ ફસડાઈ ગઈ! મંજુએ આ જોયું અને તરત દ્વાર ઉઘાડી બોલી:
‘જેસનભાઈ, તમે બેઉ જણ જલદી અંદર આવો. વાસુભાઈ આવ્યા છે સાંભળી, સુમિબહેન બેહોશ થઈ ઢળી પડ્યાં છે!’
‘ઓહ, માય ગુડનેસ!’ હાથમાંનો હેલ્મેટ (ટોપો) બગલમાં દબાવી જેસન તથા એની પાછળ ને પાછળ વાસુદેવ બેઠકખંડમાં આવી ઊભા. જેસને કહ્યું, ‘તમે પાણી લઈ આવી એના મોં પર છાંટો, ભાભી! ત્યારની ચિંતા કરતી’તી તે, આ ભાઈસાહેબ છૂટીને આવ્યા જાણી, આનંદના અતિરેકમાં આવું થઈ ગયું લાગે છે!’
મંજુ અંદર પાણી લેવા દોડી એ તકનો લાભ લઈ, પોતાની નાની દાઢી પંપાળતો જેસન મોટા સોફા પર બેઠો અને બાજુમાં બેઠક લેવા જણાવી વાસુદેવને મર્માળો પ્રશ્ર્ન કર્યો:
‘આ છોકરીને તમારી સાથે ‘અફેર’ (પ્રેમસંબંધ) તો નથી ને, મિસ્ટર વાસુ?’
‘રિયલી, આઈ ડોન્ટ નો!’ …. હસીને વાસુદેવે કહ્યું, ‘સાચે જ મને કશી ખબર નથી?’
‘તો હવેથી ખબર રાખજો, મિસ્ટર!’
‘શાની ખબર રાખવાનું કહો છો, ભાઈ?’ પાણીનો જગ તથા બે પ્યાલા લઈને આવતાં મંજુએ પ્રશ્ર્ન કર્યો, ‘કોઈએ વાસુભાઈને પાછી ધમકી દીધી છે શું?’
‘એને ધમકી હું આપું છું, ભાભી!’
‘શા વાસ્તે?’ એક પ્યાલો ભરી, એમાંથી સુમિત્રાના ચહેરા પર પાણીની છાલક કરતાં મંજુ પૂછવા લાગી, ‘એમણે તમને રાતની વખતે આટલી તકલીફ દીધી એટલા વાસ્તે?’
‘મને તકલીફ કશી નથી પડી, ભાભી!’ જગમાંથી પ્યાલો ભરી વાસુદેવને આપતાં જેસને ઉત્તર આપ્યો, ‘મોટરબાઈક પર સીધેસીધા આવતાં પંદર મિનિટથી વધારે સમય લાગ્યો નથી! પણ… સુમિની હાલત જોઈને વાસુને કહું છું કે-’
‘પ્લીઝ, મિસ્ટર જેસન!’ વચ્ચે જ વાસુદેવ ઉદ્વિગ્ન સ્વરે બોલી ઊઠયો, ‘મારી આંતરિક હાલત જાણ્યા વગર તમે સુમિ વિષે કંઈ કહો એ મને ઠીક નથી લાગતું!’
‘હા, જેસનભાઈ!’ મંજુ કહેવા
લાગી, ‘વાસુભાઈની હાલત હું જાણું છું, એ કશીક મોટી મુશ્કેલીમાં અહીં આવીને રહ્યા છે!’
‘શી એવી મુશ્કેલી છે, વાસુ?’ જેસને સિગારેટ કાઢી વાસુદેવ સામે ધરતાં
પૂછયું, ‘કહો મને! તમે સદુના ફ્રેન્ડ
એટલે મારા પણ ફ્રેન્ડ! બોલો, શી વાત છે? હું તમને કંઈ રીતે ઉપયોગી થઈ શકું એમ શું?’ (ક્રમશ:)