‘મૂરખના સરદાર! જરા આંખો તો ઉઘાડ, નહિ તો સવાર તું જોવાય નહિ પામે!’ ‘હે’ માંડ માંડ આંખો પરથી પોપચાં ઉઠાવી વાસુદેવે ઉદ્ગાર કાઢ્યો. ‘હેં શું કહે છે!’ કાકાએ વધુ સ્પષ્ટ સ્વરે સંભળાવ્યું, ‘થોડી વાર પહેલાં હાથીના મદનિયા જેવો કોઈ ખાદીધારી બુઢ્ઢો, ડૉક્ટર લેખરાજ સાથે અહીં આવ્યો’તો અને સવાર પહેલાં તને યમરાજાને ત્યાં પહોંચાડી દેવાની સૂચના આપી ગયો છે!’
વિઠ્ઠલ પંડ્યા
રાતના દશ વાગી ગયા હતા. ડૉક્ટર વર્માની પ્રાઈવેટ હૉસ્પિટલમાં ત્યારે સોપો પડી ગયા જેવું વાતાવરણ હતું. ઉપરના સ્પેશ્યલ વોર્ડના એક રૂમમાં બે ખાટલા હતા. એમાંના એક દર્દી આધેડ વયના કાકા હતા. અલ્સરના રોગી હતા, અને દસ-બાર દિવસથી હૉસ્પિટલમાં દાખલ થયા હતા.
બીજો દર્દી ત્રણેક કલાક પહેલાં લાવવામાં આવેલો એક ઘાયલ જુવાન હતો. એના ડાબા ખભામાં ગોળી વાગેલી હોઈ ઑપરેશન માટે એને દાખલ કર્યો હતો. ઑપરેશન થઈ ચૂક્યું હતું. પરંતુ એ હજી ઘેનની અસરમાં બેભાન અવસ્થામાં પડ્યો હતો. પેલા કાકા પણ ઊંઘ ન આવતી હોવા છતાં માથે લગી ઓઢીને સૂતા હતા.
એવામાં રૂમનો પરદો ખસેડી, ડૉક્ટર વર્માનો આસિસ્ટંટ ડૉ. લેખરાજ તથા કાંજી કરેલાં ખાદીનાં વસ્ત્રોમાં સજ્જ એવા એક સાઠેક વરસના સજ્જન અંદર દાખલ થયા. એ ગૃહસ્થના કપાળ ઉપરના વાળ ખરી પડેલા હોવાથી શરીરની જેમ ચહેરો પણ પ્રભાવિત લાગતો હતો. નાઈટ લેમ્પના ઝાંખા પ્રકાશમાં ખંડમાંના બે ખાટલા જોઈ એમણે ડૉ. લેખરાજને પ્રશ્ર્ન કર્યો:
‘આ બેઉમાં વાસુદેવ ક્યો?’
‘ડાબી તરફના ખાટલામાં છે તે, સર!’
‘ઊંઘે છે કે પછી ઘેનમાં છે?’
‘ઊંઘવા સાથે ઘેનમાં પણ હશે, સર!’ ડૉ. લેખરાજે માથું ઢાંકીને સુવાડેલા વાસુદેવના ખાટલા તરફ જોઈ લઈ ઉત્તર દીધો, ‘હવે કદાચ એ સવારે જાગશે!’
‘ના. સવારેય એને નથી જાગવા દેવાનો; મારી વાત સમજાઈ તમને?’
‘જી! હું કાંઈ જ નથી સમજ્યો!’
‘જરા આમ આવો, સમજાવું છું તમને!’ કહીને પેલા સજ્જન દરવાજા તરફ ખસ્યા. પછી આસ્તે રહી કહેવા લાગ્યા, ‘જુઓ ડૉક્ટર લેખરાજ, આ વાત એક તમે જ જાણો; હરામજાદા વાસુદેવને સવાર નથી જોવા દેવાની. સવાર પડે એ પહેલાં એ ખતમ થઈ જવો જોઈએ! વહેલી સવારે મારા માણસો આવી મુડદાને લઈ જશે!’
‘પણ, કુબેકર સાહેબ…’
‘પણ-બણ સાંભળવા હું નથી માગતો!’ પાડાની કાંધ જેવી ગરદન હલાવી કુબેકર સાહેબ વચ્ચે જ બોલી ઊઠ્યા, ‘લો, આ પાંચ હજાર કેશ (રોકડા) અત્યારે, બીજા પાંચ સવારે મારા માણસો તમને આપી દેશે.’
‘પણ, કુબેકર સાહેબ,’ લાચાર સ્વરે ડૉ. લેખરાજ કહેવા લાગ્યો, ‘એક જીવતા માણસને મારે શી રીતે ખતમ કરી નાખવો?’ કયા એવા અપરાધસર?
‘એનો કયો અપરાધ છે એ હું તમને પાછળથી સમજાવીશ! પહેલાં આ પૈસા લઈ લો!’
‘ના, ના સર! એવું હીણું કૃત્ય મારાથી નહિ થઈ શકે! માફ કરો મને!’
‘ડૉક્ટર!’ એકાએક સ્વર બદલી કુબેકર સાહેબે લેખરાજનો હાથ પકડયો, ‘માફ કરવાનું જિંદગીમાં હું કદી સમજ્યો નથી! લો આ બીજા વીસ હજાર, રાત સુધીમાં આનો ફેંસલો આણી દેજો! નહિ તો પછી હું છું અને તમે છો!’ કહી પચ્ચીસ હજારની થપ્પી ડૉ. લેખરાજના હાથમાં મૂકી કુબેકર સાહેબ રૂમનો પરદો હટાવી બહાર નીકળી ગયા.
પચ્ચીસ હજારની રકમ, એક ઘવાયેલા માણસની જીવાદોરી ટૂંકી કરવા માટે, કંઈ નાની ન હતી! એકાદ ઝેરી ઈન્જેક્શન દઈને ય વાસુદેવને આમ સૂતેલો ને સૂતેલો પૂરો કરી શકાય! કોને ખબર પડવાની છે? ડૉક્ટરનું મન લલચાયું!
ત્યારનો ઢચુપચુ થતો યુવાન ડૉક્ટર લેખરાજ પેલા પૈસા ખિસ્સામાં સેરવી દઈ, વાસુદેવના ખાટલા તરફ દૃષ્ટિ કરી લઈ, હોઠ ચાવતો બહાર ચાલી ગયો.
એ બહાર ચાલી ગયો એ પછી, જમણી બાજુના ખાટલામાં માથે ઓઢીને સૂતેલા કાકાએ ઓઢવાની બનૂસ જરા ખસેડીને બારણા તરફ નજર કરી લીધી. કોઈ નથી એની ખાતરી થતાં જ, શરીર પરથી બનૂસ ફગાવી દઈ, એ બેઠા થઈ ગયા. નબળું કાઠું હતું. છતાં જુવાન જેવી સ્ફૂર્તિથી ખાટલા પરથી હેઠા ઊતરી, પહેલાં તો એ અંદરથી બારણું વાસી આવ્યા. પછી ડાબી બાજુના ખાટલામાં સૂતેલા વાસુદેવ પાસે જઈ, એના માથા પરથી બનૂસ ખેસવી લીધો. ભરઊંઘમાં હોય એમ એ પડેલો હતો. કાકાએ એને ઢંઢોળવા માંડ્યો.
પરંતુ એના જાગવાના કે ભાનમાં આવવાનાં કોઈ જ લક્ષણ ન દેખાયાં. આથી કાકા અધીરા થઈ ગયાં. એમને ગુસ્સો ય આવ્યો એના પર! આથી એના ગાલ પર ડાબા-જમણે બે તમાચા ચોડી દીધા! પછી એના કાન પાસે મોં લઈ જઈ, ધીમા પણ ક્રુદ્ધ સ્વરે બોલવા લાગ્યા:
‘મૂરખના સરદાર! જરા આંખો તો ઉઘાડ, નહિ તો સવાર તું જોવાય નહિ પામે!’
‘હે’ માંડ માંડ આંખો પરથી પોપચાં ઉઠાવી વાસુદેવે ઉદ્ગાર કાઢ્યો.
‘હેં શું કહે છે!’ કાકાએ વધુ સ્પષ્ટ સ્વરે સંભળાવ્યું, ‘થોડી વાર પહેલાં હાથીના મદનિયા જેવો કોઈ ખાદીધારી બુઢ્ઢો, ડૉક્ટર લેખરાજ સાથે અહીં આવ્યો’તો અને સવાર પહેલાં તને યમરાજાને ત્યાં પહોંચાડી દેવાની સૂચના આપી ગયો છે!’
‘શું આ સાચી વાત છે, કાકા?’ આંખો બરાબર ઉઘાડી વાસુદેવે પૂછ્યું, ‘મને એ લોકો મારી નાખશે?’
‘મારા એકના એક દીકરાના સોગન ખાઈને કહું છું કે મેં મારા કાને સાંભળેલી વાત છે! ઊઠ, ઊભો થા અને જીવ બચાવવો હોય તો વહેલામાં વહેલી ક્ષણે અહીંથી ભાગી છૂટ!’
‘પણ…’ બનૂસ આઘો કરી બેઠા થતાં વાસુદેવે પડેલા સ્વરે પૂછયુ, ‘શી રીતે અહીંથી ભાગવું?’
‘શી રીતે તે…’ કાકાનું મગજ ત્વરિત ગતિએ કામ કરવા લાગી ગયું હતું, ‘આ બધી ચાદરોની ગાંઠ મારી દોરડા જેવું બનાવી દઉં છું. પાછલી બારીએથી તું નીચે ઊતરી પડ! ચાલ, ઝટ કર! નહિ તો લેખરાજ ડૉકટરના હાથમાં પચ્ચીસ હજાર રૂપિયા પેલા ખાદીધારી કુબેકરે મૂકી દીધા છે! એટલે ગમે તે ઘડીએ આવી એ તારા રામ રમાડી દેશે!’
‘તો શું કુબેકર પોતે આવ્યો હતો?’
કાકાએ પોતાના ખાટલા પરની ચાદર ખેંચી કાઢતાં જવાબ આપ્યો:
‘હા, ડૉક્ટર લેખરાજ એને એ નામે સંબોધતો હતો. ચાલ, તારાં કપડાં ટેબલના ખાનામાંથી કાઢી બદલી લે! એટલામાં આ ચાદરોનો છેડો બારીના સળિયે બાંધી નીચે ઊતરવાનું દોરડું તૈયાર કરી દઉં!’
ખભે મોટો પાટો હતો. થોડા કણસાટ સાથે વાસુદેવે ખાટલાની બાજુમાં મૂકેલા ટેબલનું ખાનું ખોલી પોતાનો કેમેરા તથા પોતાના લોહીથી ખરડાયેલા પેન્ટ શર્ટ કાઢ્યાં. એ બદલી એ તૈયાર થઈ ગયો. કાકાએ બારી ખોલી નાખી. ચાદરનો એક છેડો કસકસાવીને ત્યાં બાંધી દીધો હતો. સ્ટૂલ પર પગ મૂકી વાસુદેવ બારી પર ચડ્યો. ત્યાં કાકાને કંઈક યાદ આવ્યું. બંડીમાં હાથ નાખી બોલ્યા.
‘ઊભો રહે, વાસુદેવ! આટલા પૈસા ખિસ્સામાં રાખ, ભાગી જવા માટે કામ લાગશે!’
‘પણ કાકા, આટલા બધા?’
‘હા, જીવ બચાવવા તારે ઘણે દૂર ભાગી જવું પડશે! કારણ પેલો કુબેકર મોટી વગવાળો માણસ લાગ્યો મને!’
‘હા, મોટી વગવાળો માણસ છે. પ્રધાન છે અને એણે જ એના બંગલામાંથી ભાગી જતો રોકાવા મને ગોળી મારી‘તી, કાકા!’
‘સમજી ગયો!’ વાસુદેવને નીચે ઊતરવામાં મદદ કરતાં કાકા કહેવા લાગ્યા, ‘પણ તું શો ધંધો કરે છે, ભાઈ?’
‘ધંધામાં તો પ્રેસ રિપોર્ટર તથા ફોટોગ્રાફર છું, કાકા!’ ચાદરનો વળ ઝાલી નીચે લટકતાં વાસુદેવે કહ્યું, ‘પણ મારો જાન બચાવ્યો એનો આભાર વડીલ! શું નામ આપનું?’
‘હિંમતલાલ પરીખ! ખારમાં રહું છું. સંભાળીને, આસ્તે આસ્તે સરકતો નીચે જા, ભાઈ! આવજે, ફરી વાર મળીશું ક્યાંક!’
વાસુદેવ સરરર સરકીને નીચે પહોંચી ગયો હતો. ત્યાંથી એણે હાથ ઊંચો કર્યો અને સાંકડી ગલીમાંથી બહાર નીકળી જવા પગ ઉપાડ્યા.
કાકાએ ઝડપથી ચાદરનું દોરડું ઉપર ખેંચી લીધું અને ગાંઠો છોડી નાખી બધું વ્યવસ્થિત કરી દીધું. પછી બારણું પાછું અધખોલું કરી નાખ્યું. શિયાળાની ઋતુ હતી તો યે આટલું કરતાં એમના શરીરે પસીનો વળી ગયો હતો અને શ્ર્વાસ પણ ચડી આવ્યો હતો. આથી એક પ્યાલું પાણી ગટગટાવી જઈ ખાટલામાં પડ્યા અને શરીર પર બનૂસ ખેંચી લીધું. પછી વાસુદેવના વિચારે ચડ્યા:
બિચારો સહીસલામત મુંબઈ બહાર નીકળી જાય તો સારું!
વાસુદેવે પણ ત્યાંથી જલદી ભાગવા માટે નાકા પરથી ટૅક્સી કરી લીધી. અંદર ગોઠવાઈને ઊંડો શ્ર્વાસ લીધો. કયો લત્તો છે એ જાણવા માટે બારીના કાચની આરપાર નજર કરી: હં… માટુંગા લાગે છે! તો શું ઠેઠ વાંદરાથી માટુંગા લાવીને કુબેકરે પોતાને કોઈ ક્લિનિકમાં દાખલ કરાવ્યો’તો? હા, એના કરતૂતની કોઈને જાણ ન થાય એટલા વાસ્તે આટલે લાવીને પોતાનો એ જાન લેવા માગતો હશે! હરામખોરની ઓલાદ ન જોઈ હોય તો!
અંદર બેઠાં બેઠાં એણે દાંત કચકચાવ્યા. પણ ડાબે ખભે ઓપરેશન કર્યું હતું ત્યાં સણકા મારવા શરૂ થઈ ગયા હતા. ચાદર ઝાલીને નીચે સરકી આવ્યો હતો એને લીધે એ જગ્યાએ કશીક તકલીફ ઊભી થઈ હોવી જોઈએ! પરંતુ અત્યારે શો ઈલાજ થાય?
માહિમ પાછળ રહી ગયું અને વાંદરા આવ્યું. ડ્રાઈવરે પૂછ્યું:
‘કિધર લૂં, સાબ?’
‘વાંદરા પોલીસ સ્ટેશન હૈ ન? ઉસસે થોડા આગે લેફ્ટ સાઈડમેં ગલી આતી હૈ વહાં લે લો!’
ગલીના નાકા પર જ એ ઊતરી પડ્યો. ટૅક્સી ડ્રાઈવર ડેવીડનું ઘર જોઈ જાય એ સારું નહિ! પાછળથી પેલો કુબેકર જાંચ તપાસ કરાવે અને આ ડ્રાઈવર ત્યારે પોતે અમુકના ઘર આગળ ઊતર્યો હતો એવું કહી અહીં દોરી લાવે એ લોકોને, તો નાહકનો ડેવીડ હેરાન થાય! શિયાળાની રાતના અગિયારના સુમારે ડેવીડના ઘરમાં સૌ જાગતાં તે ક્યાંથી હોય? આથી બે-ત્રણ વાર દરવાજાની બેલ મારી ત્યારે કોઈક જાગ્યું અને અંદરની બત્તી કરી દ્વાર ઉઘાડવા આવ્યું.
ડેવીડની વૃદ્ધ મા હતી. એણે અંગ્રેજીમાં પૂછ્યું:
‘કોનું કામ છે, મિસ્ટર?’
‘હું ડેવીડનો ફ્રેન્ડ છું, આન્ટી!’ વાસુદેવે જવાબ દીધો, ‘એક અગત્યના કામે આવ્યો છું. ડેવીડ છે ઘરમાં?’
‘યસ, એ ઘરમાં છે પણ થાકીને આવ્યો હોવાથી ક્યારનો યે ઊંઘી ગયો છે. માટે સવારે નવેક વાગે આવજે, દીકરા!’
‘પ્લીઝ! દરવાજો બંધ ન કરો!’ વાસુદેવે