આખા વર્ષ દરમિયાન કુલ ચાર નવરાત્રી આવે છે અને એમાંથી આસો અને ચૈત્ર માસની નવરાત્રીને સાધનાની નવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે પોષ અને અષાઢ માસની નવરાત્રીને ગુપ્ત નવરાત્રી કહે છે. તંત્ર સાધકોમાં આ નવરાત્રીનો ખાસ મહિમા રહેલો છે. ચૈત્ર માસની નવરાત્રી ચૈત્રી નવરાત્રી તરીકે પ્રસિદ્ધ છે. આ વર્ષે 22મી માર્ચ બુધવારથી એટલે કે આવતીકાલથી આ નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ નવરાત્રિ વિશે એવું કહેવાય છે કે આ નવ દિવસ દરમિયાન વિવિધ ઉપાયો અજમાવીને ભક્તો માતા મહાલક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત કરી શકે છે અને આર્થિક લાભ પણ મેળવી શકે છે. એ જ અનુસંધાનમાં અમે આજે અહીં આપને કોડીનો એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જેને અજમાવીને આ ચૈત્રી નવરાત્રીમાં તમામ પ્રકારની આર્થિક સમસ્યાઓથી મુક્તિની પ્રાપ્તિ કરી શકશો…
7 કોડી તમને બનાવશે ધનવાન!
કોડીને ધનપ્રાપ્તિ માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે અને એટલે જ આ ચૈત્રી નવરાત્રીની પૂજા દરમિયાન તમારે આ કોડીનો વિશેષ ઉપાય જરૂરથી અજમાવવો જોઈએ.
જો તમે પણ આર્થિક સંકટોનો સામનો કરી રહ્યા છો કે પછી દેવાના ચક્કરમાં ફસાયેલા છો કે પછી પારાવાર મહેનત કરવા છતાં નાણાંની પ્રાપ્તિ ન થઈ રહી હોય તો ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસથી જ આ ઉપાયનું અનુસરણ કરો.
નવરાત્રીના અવસર પર કળશની સ્થાપના કરવામાં આવે છે. જેને આપણે ઘટસ્થાપન પણ કહીએ છીએ. તમે જ્યારે આ ઘટસ્થાપના કરો ત્યારે માતાજીની મૂર્તિ કે છબીની પાસે 7 કોડી મૂકો. આ 7 કોડી પર સિંદૂરનો છંટકાવ કરો અને નવ દિવસ દરમિયાન જ્યારે પણ માતાજીની ઉપાસના કરો ત્યારે આ કોડીને પણ સિંદૂર અર્પણ કરો.
નવરાત્રીનું અનુષ્ઠાન પૂરું થયા બાદ આ 7 કોડીઓને એક પીળા રંગના વસ્ત્રમાં બાંધી લો અને આ પોટલીને ઘરની તિજોરીમાં અથવા તો જ્યાં પણ તમે પૈસા રાખતા હોવ એ જગ્યા પર મૂકી દો. આ પાછળ એવી માન્યતા છે કે ચૈત્રી નવરાત્રી દરમિયાન કોડીનો આ ઉપાય કરવાથી ધન પ્રાપ્તિના નવા માર્ગ ખુલી જાય છે. એટલું જ નહીં, જો તમે નાણાંકીય રીતે કોઈ જગ્યાએ અટવાઈ ગયા હોવ, કે પછી કોઈને ઉધાર આપેલા નાણાં પરત ન મળી રહ્યા હોય, તો તેની પણ પ્રાપ્તિ થઈ જાય છે !