ગુજરાતના જીઓલોજી અને માઇનિંગ આયોગ (CGM)ના ઈતિહાસમાં પહેલીવાર નિર્ધારિત લક્ષ્યો કરતા વધારે આવક થઈ છે. (CGM) એ જાહેરાત કરી છે કે નાણાકીય વર્ષ 22-23 માટે રોયલ્ટી વસૂલાતમાંથી તેમને રૂ. 2070 કરોડની આવક થઈ છે. જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 19% નો વધારો જોવા મળ્યો છે. ગુજરાત સરકારનું જીઓલોજી અને માઇનિંગ આયોગ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ હેઠળ કામ કરે છે.
સરકારે જણાવ્યું હતું કે જ્યારે FY19-20 અને FY20-21 માં કોવિડ અને અન્ય આર્થિક પરિબળોને કારણે વૃદ્ધિ જોવા મળી હતી, FY21ની આવક પાછલા વર્ષના રૂ. 1352 કરોડથી વધીને રૂ. 1,733 કરોડ થઈ હતી, જે ખાણકામ ઉદ્યોગમાં આવનારી તેજીનો સંકેત આપે છે. FY21 અને FY22 ની વચ્ચે, CGM એ તેની ટીમ, સરકારી અધિકારીઓ અને ખાણકામ ઉદ્યોગના સ્ટેકહોલ્ડર્સના સામૂહિક પ્રયાસોને કારણે તેના લક્ષ્યાંક કરતાં ઘણી વધારે એટલે કે રોયલ્ટી વસૂલતમાં 28% વૃદ્ધિ જોવા મળી છે.
CGM એ તેના ઇતિહાસમાં સૌથી વધુ રોયલ્ટીની આવક રૂ. 2070 કરોડને પાર કરી છે. તે ગત વર્ષની સરખામણીમાં 19.44% વધારે છે. મુખ્ય ખનિજો જેમ કે, ચૂનાનો પત્થર, બોક્સાઈટ, લિગ્નાઈટ વગેરેનો ફાળો સમગ્ર રોયલ્ટી કલેક્શનમાં 30% છે. જ્યારે, સામાન્ય રેતી, બ્લેકટ્રેપ, ગ્રેનાઈટ, માર્બલ, ચાઈના ક્લે, બિલ્ડીંગ સ્ટોન વગેરે જેવા ગૌણ ખનિજોનું યોગદાન સમગ્ર રોયલ્ટી કલેક્શનમાં 70% છે.
જીઓ કેમિકલ મેપિંગના ભાગ રૂપે, રાજ્યમાં આવતા કુલ 236 ટોપોશીટ્સમાંથી 86 ટોપોશીટ્સ 54412 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લઈને પૂર્ણ થઈ છે; નમૂનાનાં વિશ્લેષણ અને મેપિંગ GSI ધોરણો મુજબ કરવામાં આવે છે. CGM રિપોર્ટ લખવા માટે અદ્યતન સિસ્ટમ્સ સર્ફર, નકશાની માહિતી અને જીઓસોફ્ટ મોન્ટાજ- જીઓકેમિસ્ટ્રી સોફ્ટવેરનો ઉપયોગ કરે છે.
CGMએ છેલ્લા કેટલાક વર્ષોમાં ખાણકામ ક્ષેત્રે નવા ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારોને આકર્ષ્યા છે. રાજ્યે નવા 12 લાઈમસ્ટોન અને બોક્સાઈટ મેજર મિનરલ બ્લોક્સ મૂક્યા છે જે રાજ્યમાં નવા ખાણકામ ઉદ્યોગોને આકર્ષિત કરશે. રાજ્યએ 365 ગૌણ ખનિજ બ્લોક્સ પણ મૂક્યા છે, જે વ્યક્તિગત તેમજ નાના પાયે રોકાણકારોને આકર્ષિત કરશે. તેનાથી સ્ટાર્ટ-અપ્સ માટે નવી તકો ઊભી થશે અને રાજ્યમાં નવી રોજગારીનું સર્જન કરશે. તે આગામી વર્ષોમાં રોયલ્ટીની આવકમાં વધારો કરશે, તેમ માહિતી ખાતીએ આપેલી યાદીમાં જણાવવામાં આવ્યુ હતું.