ડિસેમ્બર મહિનાની વિદાય સાથે સાથે જાન્યુઆરી મહિનો મુંબઈમાં જામતો જાય છે ત્યારે સુપર વિન્ટરમાં મધ્ય રેલવેની મેઈન લાઈનમાં એસી લોકલના પ્રવાસીની સંખ્યા એક કરોડને પાર થઈ છે. એસી લોકલ ટ્રેનને લોકપ્રિય બનાવવા માટે રેલવે મંત્રાલયે એસી લોકલનું ભાડું ઘટાડવામાં આવ્યું હતું, પરિણામે ધીમે ધીમે લોકોમાં એસી લોકલમાં પ્રવાસ કરવાનું પ્રમાણ વધ્યું હતું.
એસી લોકલ ટ્રેનમાં ભાડું વધારે હોવા છતાં લોકોને પીકઅવર્સમાં ભયંકર ભીડનો સામનો કરવો પડતો નથી. ખાસ કરીને સિનિયર સિટિઝન, વૃદ્ધ-ગર્ભવતી મહિલા, વિદ્યાર્થી સહિત અન્ય લોકોનું પ્રવાસ કરવાનું પ્રમાણ વધ્યું છે. ઉપરાંત, મુંબઈ આવનારા ટૂરિસ્ટ પણ એસી લોકલમાં વિશેષ પ્રવાસ કરવા લાગ્યા છે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
બીજી જાન્યુઆરીના એક દિવસમાં એસી લોકલમાં પ્રવાસ કરનારાની સંખ્યા એક લાખને પાર થઈ હતી. એ જ રીતે એપ્રિલથી ડિસેમ્બર મહિના દરમિયાન એક કરોડ પ્રવાસીની સંખ્યા પાર થઈ છે, જે આનંદની બાબત છે. મધ્ય રેલવેમાં 56 એસી લોકલ ટ્રેનની સર્વિસીસ દોડાવાય છે, જેમાં સીએસએમટીથી કલ્યાણ/બદલાપુર/ટિટવાલા સાથેની મેઈન લાઈનનો સમાવેશ થાય છે.