કેન્દ્ર સરકાર તમામ ટેલિવિઝન ચેનલો માટે સખત વલણ અપનાવ્યું છે. ઈન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીએ નવમી જાન્યુઆરીએ તમામ ચેનલો માટે એક એડવાઈઝરી બહાર પાડી છે, જેમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની સામે હિંસા, અકસ્માત અને મૃત્યુ જેવી ઘટનાઓનું રિપોર્ટિંગ કરવાનું બંધ કરે, જે ગૂડ ટેસ્ટ અને શિષ્ટાચાર સાથે સંપૂર્ણપણે સમાધાન કરે છે.
મંત્રાલય દ્વારા ટેલિવિઝન ચેનલ દ્વારા વિવેક વગરના રિપોર્ટિંગની અનેક બાબતો ધ્યાનમાં આવ્યા પછી સોમવારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે.
મંત્રાલયે જણાવ્યું છે કે ટેલિવિઝન ચેનલ્સે લોકોના મૃતદેહ અને ઘાયલ વ્યક્તિના ફોટોગ્રાફ અને વીડિયોમાં લોહીલુહાણ થયેલી ઘટનાઓને દર્શાવી છે. અમુક કિસ્સાઓમાં તો મહિલા, બાળકો અને વૃદ્ધોને ભયંકર રીતે મારપીટ કરતા દર્શાવવામાં પણ આવ્યા છે. એક શિક્ષકના કિસ્સામાં તો તે સતત વિદ્યાર્થીને મારતો રહે છે અને બાળક રડી રહ્યું છે એ શોટ્સને ઘણી બધી વખત બતાવ્યો હતો, પરંતુ તેને જરાય બ્લર કરવામાં આવ્યો નહોતો. આ પ્રકારના કિસ્સામાં ખાસ કરીને એ દર્શકોને પસંદ પડવાને બદલે તેમને પરેશાન કરનારા હોય છે.
મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં જણાવાયું છે કે જે પ્રકારનું રિપોર્ટિંગ થાય છે, તેનાથી બાળકોના માનસ પર અસર પડી શકે છે. એના સિવાય પ્રાઈવસીનો પણ ભંગ થવાનો પણ એક મહત્ત્વનો મુદ્દો છે, જે બાબત માનહાનિ ઉપજાવનારો પણ છે. ખાસ કરીને ટેલિવિઝન એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં ઘરની દરેક વ્યક્તિ દ્વારા જોવામાં આવે છે, તેથી બ્રોડકાસ્ટર્સની જવાબદારી અને શિસ્તની ભાવના ચોક્કસ જરુરી રહે છે.