આતંકવાદી ગતિવિધિઓ પર કાર્યવાહી કરતા કેન્દ્ર સરકારે 14 મોબાઇલ મેસેજિંગ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે. કથિત રીતે આ એપનો ઉપયોગ આતંકવાદી જૂથો દ્વારા જમ્મુ-કાશ્મીરમાં કરવામાં આવી રહ્યો હતો. આ એપ્સના માધ્યમથી આતંકવાદી જૂથો તેમના સમર્થકો અને ગ્રાઉન્ડ વર્કર્સ સાથે સંપર્કમાં રહેતા હતા. પાકિસ્તાનથી સૂચનાઓ મેળવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. સૂત્રોએ આ માહિતી આપી હતી.
જે એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે એમાં Crypviser, Enigma, Safeswiss, Wickrme, Mediafire, Briar, BChat, Nandbox, Conion, IMO, Element, Second Line, Zangi અને Threemaનો સમાવેશ થાય છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓની ભલામણ બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે ઈન્ટેલીજન્સ એજન્સીઓ ઓવરગ્રાઉન્ડ વર્કર્સ (OGWs) અને આતંકવાદીઓ દ્વારા એકબીજા સાથે વાતચીત કરવા માટે ઉપયોગમાં લેવાતી ચેનલોને ટ્રેક કરી રહી છે.
ભારત સરકારે કહ્યું છે કે આ એપ્સ દેશની સુરક્ષા માટે ખતરો છે, જેના પછી તેને પ્રતિબંધિત કરવામાં આવી છે. આ પહેલા ભારતે કાર્યવાહી કરતા પાકિસ્તાનથી ચાલતા અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.