Homeએકસ્ટ્રા અફેરસીડીએસનો રિપોર્ટ ગંભીર, ચીન સામે સજ્જ થવું પડે

સીડીએસનો રિપોર્ટ ગંભીર, ચીન સામે સજ્જ થવું પડે

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતના પ્રદેશોને પચાવી પાડવાની સાવ ખોરી દાનત ધરાવતા ચીને અરૂણાચલ પ્રદેશના ૧૧ સ્થળોનાં નવાં નામ જાહેર કરીને પોતાની હલકટાઈનો પરચો આપ્યો એ ઘટના હજુ તાજી છે ત્યાં ચીન વિશે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણનો એક રિપોર્ટે સૌને ચોંકાવી દીધા છે. જનરલ અનિલ ચૌહાણે સંસદની સંરક્ષણ અંગેની સ્ટેડિંગ કમિટીને મોકલેલા રીપોર્ટમાં જણાવ્યું છે કે, ભારતને ચીન અને પાકિસ્તાનથી દરિયાઈ સીમા પર મોટો ખતરો છે. આ ખતરાને પહોંચી વળવા ભારતે સજજ થવું જોઈએ પણ આપણે જે રીતે ચીન-પાકિસ્તાન સામે તૈયારી કરી રહ્યા છીએ એ જોઈને લાગતું નથી કે આપણે ચીન-પાકિસ્તાન મુલાબલો કરવાની સ્થિતિમાં છીએ.
જનરલ ચૌહાણે ચીન-પાકિસ્તાનની નેવીની તાકાતની ભારત સાથે સરખામણી પણ કરી છે. ચીન-પાકિસ્તાનમાં ચીનનું નૌકાદળ દુનિયામાં સૌથી મોટું છે. જ્યારે પાકિસ્તાને મદદગાર દોસ્ત ચીનની મદદથી અત્યંત ઝડપથી પોતાના નૌકાદળને મજબૂત કરવાનું કામ કર્યું છે અને તેના કારણે ભારતની તુલનામાં વધારે સારી સ્થિતિમાં છે.
જનરલ ચૌહાણના રિપોર્ટ પ્રમાણે, આપણી પાસે અત્યારે નૌકાદળમાં ૧૩૧ યુદ્ધ જહાજ છે અને આપણું લક્ષ્ય ૨૦૦ યુદ્ધ જહાજ તૈયાર કરવાનું છે પણ આપણે જે ગતિથી ચાલી રહ્યા છીએ એ જોતાં દસેક વરસમાં બહુ બહુ તો ૧૫૫-૧૬૦ યુદ્ધ જહાજ સુધી જઈ શકીશું. ચીન-પાકિસ્તાનના નૌકાદળની તાકાત જોતાં ભારત પાસે દોઢસો યુદ્ધ જહાજ જ હોય એ સારી સ્થિતિ ના કહેવાય એવું જનરલ ચૌહાણે સાફ શબ્દોમાં કહ્યું છે.
જનરલ ચૌહાણે તૈયાર કરેલો સ્ટેડિંગ કમિટી ઓન ડિફેન્સનો રિપોર્ટ સંસદના હમણાં જ પૂરા થયેલા સત્રમાં રજૂ કરાયો હતો. આ રિપોર્ટમાં જનરલ ચૌહાણે કહ્યું છે કે, છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં ચીનના યુધ્ધ જહાજોની સંખ્યા વધીને ૩૫૫ સુધી પહોંચી ગઈ છે અને ચાર-પાંચ વરસમાં ૫૫૫ થઈ જશે.
એક દાયકા પહેલાં ચીનના નૌકાદળ પાસે ૨૫૦ જહાજ હતા પણ સતત તૈયારીઓ કરીને ચીને પોતાનો યુદ્ધ જહાજોનો કાફલો દુનિયામાં સૌથી મોટો કરી દીધો છે. જનરલ ચૌહાણે એવો દાવો પણ કર્યો કે, ચીનથી ૫થી ૯ યુદ્ધ જહાજ હિંદ મહાસાગરમાં અત્યારે પણ હાજર છે. આ તો નૌકાદળનાં યુદ્ધ જહાજ જ છે જ્યારે રિસર્ચ સાથે જોડાયેલા હોવાનો દાવો કરીને ફરતાં કેટલાં યુદ્ધ જહાજ સક્રિય છે એ ખબર જ નથી એ જોતાં આપણી સુરક્ષા માટે મોટો ખતરો છે.
જનરલ ચૌહાણે પાકિસ્તાનના નૌકાદળની પ્રસંશા કરતાં કહ્યું છે કે, તેમની તૈયારી આપણાથી ઘણી વધારે સારી છે. પાકિસ્તાન ૨૦૩૦ સુધીમાં પોતાની નૌકાદળને ૫૦ ટકા વધારે મજબૂત કરી લેશે. પાકિસ્તાન ચીનની મદદથી પોતાના યુદ્ધ જહાજોના કાફલાને વધારે મજબૂત કરી જ રહ્યું છે. જનરલ ચૌહાણે સ્વીકાર્યું કે ચીન અને પાકિસ્તાન સાથે ભારતને ગમે ત્યારે જંગ થઈ શકે છે પણ અત્યારે આપણી નૌકાદળની જે તાકાત છે કે યુદ્ધ જહાજોનો કાફલો છે એ પૂરતો નથી તેથી આપણે આપણી તાકાતને વહેલી તકે વધારવી પડશે.
જનરલ ચૌહાણે પોતાના પોતાના રિપોર્ટમાં ચીન અને પાકિસ્તાનનું નામ સીધી રીતે લીધું નથી પણ ભારતના દરિયાઈ સીમાથી જોડાયેલા પાડોશી દેશ અને મદદગાર દેશનો ઉલ્લેખ કર્યો છે. આ ઉલ્લેખ ચીન અને પાકિસ્તાન વિશે છે એ કહેવાની જરૂર નથી.
સંસદીય સમિતીએ જનરલ ચૌહાણના રિપોર્ટને અત્યંત ગંભીરતાથી લીધો છે અને સંરક્ષણ મંત્રાલયને તાત્કાલિક પગલાં લેવા મોકલી આપ્યો છે. સંસદીય સમિતિએ સંરક્ષણ મંત્રાલયને ચેતવ્યું છે કે, પાકિસ્તાન-ચીન તરફથી દરિયાઈ સીમા પર ખતરો અનેક ગણો વધી ગયો છે એ જોતાં આપણે આ વાતને ગંભીરતાથી લઇને આપણી સેનાને મજબૂત કરવાની જરૂરત છે. હિન્દ મહાસાગરમાં બિઝનેસની આડમાં ચીન અને પાકિસ્તાનની પ્રવૃત્તિઓ વધી રહી છે તેના પર ધ્યાન આપવાની જરૂર છે.
સંસદીય સમિતિએ પોતાની ફરજ બજાવી પણ મોદી સરકાર શું કરે છે એ જોવાનું રહે છે. ભાજપ સરકારને ચીન કરતાં વધારે ચિંતા રાહુલ ગાંધીની છે. ભાજપ સરકારને પાકિસ્તાન કરતાં વધારે ચિંતા બીજા રાજકીય વિરોધીઓની છે ને તેમને પતાવવા શું કરવું તેમાં જ સરકાર રચીપચી રહે છે. ભાજપ સરકાર રાહુલ ગાંધી શું કરે છે, રાજકીય હરીફો શું કરે છે તેના પર નજર રાખીને બેસી રહી છે પણ પાકિસ્તાન-ચીન શું કરે છે તેના પર નજર નથી.
આ સંજોગોમાં મોદી સરકાર તાત્કાલિક કશું કરે એવી આશ રાખવા જેવી નથી પણ સીડીએસ જનરલ ચૌહાણના રિપોર્ટે સાબિત કર્યું છે કે, ચીન હિંદ મહાસાગરમાં ભારતને ઘેરી રહ્યું છે એવી લાંબા સમયથી અપાતી ધમકી સાચી પડવાની શક્યતા પૂરેપૂરી છે. આપણે અરૂણાચલ પ્રદેશ ને સિક્કિમમાં ચીન શું કરે છે તેની પત્તર ખાંડીએ છીએ ને ચીન દરિયાઈ માર્ગે ફરી વળે એ ખતરો વાસ્તવિકતા બની શકે છે.
ચીને લાંબા સમય પહેલાંથી ભારતને દરિયાઈ માર્ગે ઘેરવા માંડ્યું છે. પાકિસ્તાન અને માલદીવ્સના માધ્યમથી હિંદ મહાસાગર પર ચીને કબજો કરી જ લીધો છે એમ કહીએ તો ચાલે. ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી)ના કારણે ચીન છેક પાકિસ્તાનના ગ્વાદર બંદર સુધી આવી ગયું છે. માલદીવ્સમાં વેપારના બહાને ગ્વાદરથી માલદીવ્સ સુધીના દરિયામાં તેના જહાજો ફરે છે. આ તરફ શ્રીલંકા તો બહુ લાંબા સમયથી તેના ખોળામાં બેઠેલું જ છે. હિંદ મહાસાગરના બીજા નાના નાના દેશોમાં પણ ચીનનો પગપેસારો થયેલો છે.
જમીન માર્ગે નેપાળને પણ ચીને હાથ પર લઈને ભારત સામે ભિડાવી દીધું છે. ભારત અને નેપાળની સરહદ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર અને સિક્કીમ એ ચાર રાજ્યોને અડકે છે. ચીન આ ચારેય રાજ્યોમાં નેપાળ સરહદેથી સળીઓ કરવાની સ્થિતિમાં છે. હમણાં ભૂતાને પણ ચીનની ભાષા બોલવા માંડી તેના કારણે ભારત ચિંતામાં છે જ ત્યાં હવે સીડીએસ જનરલ ચૌહાણનો રિપોર્ટ આવ્યો છે. આ બધું જોતાં ચીન ભારતને બધા રસ્તે ઘેરી રહ્યું છે એ સ્પષ્ટ છે. ભવિષ્યમાં ચીન ભારત પર જમીન, દરિયાઈ અને હવાઈ એમ ત્રણેય માર્ગે આક્રમણ કરી શકે તેવો તખ્તો ગોઠવી રહ્યું છે ત્યારે ભારતે ચેતવું જોઈએ. સીડીએસ ચૌહાણના રિપોર્ટને ગંભીરતાથી લેવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -