બુધવારનો દિવસ કલોલ માટે ગોઝારો નીવડ્યો છે. ગાંધીનગરના કલોલમાં આવેલા અંબિકા બસ સ્ટેન્ડ પાસે ઉભેલી ST બસની પાછળ પૂરપાટ ઝડપે આવતી ખાનગી બસ અથડાઈ હતી. જેને કારણે બસની રાહ જોઈને ઉભેલા મુસાફરો પર ST બસ ફરી વળી હતી. આ અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 7 મુસાફરોને ઈજા પહોંચી હતી જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા કલોલના વિધાનસભ્ય બકાજી ઠાકોરે હોસ્પિટલ પહોંચ્યા હતા.
ઘટનાની માહિતી મુજબ કલોલના અંબિકા બસ સ્ટેન્ડ પાસે મુસાફરો બસ કે અન્ય વાહનની જોઈને ઉભા હતા. બસ સ્ટેન્ડ પર વિરમગામ ડેપોની મીની ઉભી હતી. જેની આગળ મુસાફરો વાહનની રાહ જોઈને ઉભા રહ્યા હતા. આ દરમિયાન પુરપાટ વેગે આવતી ખાનગી બસે પાછળથી ST બસને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરને કારણે ST બસ આગળ ધકેલાઈ જેને કારણે આગળ ઉભેલા મુસાફરો બસની હડફેટે આવી ગયા હતા. અકસ્માત બાદ ખાનગી બસનો ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો.
અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ઘાયલોને બહાર કાઢ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને તુરંત હોસ્પિટલ લઇ જવાયા હતા. બેને ગંભીર ઈજાઓ થવાથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતા.
સ્થાનિક પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પાંચ મૃતકોમાં એક મહિલ, એક બાળક અને ત્રણ પુરૂષનો સમાવેશ થાય છે.
અકસ્માતને પગલે કલોલ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.