ચંદ્રપુર: સીબીએસસીની ૧૦મા ધોરણની સોમવારથી અંગ્રેજીની પરીક્ષાથી શરૂ થઇ હતી. પહેલા જ પેપરમાં એક પ્રશ્ર્નના વિકલ્પમાં ભૂલ હોવાનું જણાતાં વિદ્યાર્થીઓને ભારે મૂંઝવણનો સામનો કરવો પડ્યો હતો.
મિસ્ટર કિસિંગ એ કઇ વ્યક્તિ હતી, એવો સવાલ હતો. એ ગણિતનો શિક્ષક હતો, એવો સ્પષ્ટ જવાબ ચોપડીમાં છે. જોકે પેપરમાં એવો વિકલ્પ જ ન મળતાં વિદ્યાર્થીઓ ભારે વિમાસણમાં મુકાઇ ગયા હતા.
સીબીએસઈ ૧૦માની પરીક્ષાના અંગ્રેજી પેપરમાં સેક્શન સીના લિટરેચર પર પ્રશ્ર્નમાં મિસ્ટર કિસિંગ કોણ હતું, એવો પ્રશ્ર્ન હતો. એની નીચે અંગ્રેજી શિક્ષક, સોશિયલ સાયન્સ શિક્ષક, વોર્ડન અને પ્રિન્સિપાલ એવા ચાર ઓપ્શન આપવામાં આવ્યા હતા. ખરેખર મિસ્ટર કિસિંગ ગણિતના શિક્ષક હતા એવો ઉત્તર ઓપ્શનમાં આપવો જોઇતો હતો, પણ ઓપ્શનમાં એ ઉત્તર જ આપવામાં આવ્યો નહોતો.
આ બાબતે સીબીએસઈ શાળાના એક શિક્ષકને પૂછવામાં આવતાં તેમણે પેપરમાં ક્ષતિ રહી ગઇ હોવાનું જણાવ્યું હતું. આ પ્રશ્ર્નનો એક માર્ક હતો. જે વિદ્યાર્થીઓએ આ પ્રશ્ર્નને છોડ્યો છે તેઓને એક માર્ક મળવો જોઇએ, એવી માગણી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી.