જમ્મુ-કાશ્મીરના પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકના કેસમાં નવો વળાંક આવ્યો છે. સત્યપાલ મલિકે કહ્યું છે કે મને સીબીઆઈ તરફથી કોઈ સમન્સ મળ્યું નથી. મારે સેન્ટ્રલ CBI ઓફિસમાં જવાની જરૂર નથી. સીબીઆઈના અધિકારીઓ પોતે મને મળવા મારા ઘરે આવશે.
પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના નિવેદન બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ દરમિયાન તેમને સીબીઆઈએ સમન્સ પાઠવ્યું હોવાના સમાચાર મળતા કોંગ્રેસ અને AAPના નેતાઓ કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે. પરંતુ આ મામલામાં સત્યપાલ મલિકે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે સીબીઆઈએ મને સમન્સ મોકલ્યા નથી પરંતુ ખુલાસો માંગ્યો છે. તેણે કહ્યું છે કે ‘તેમને સીબીઆઈ તરફથી કોઈ સમન્સ મળ્યું નથી, આ માત્ર અફવા છે’.
પૂર્વ ગવર્નર સત્યપાલ મલિકે સ્પષ્ટતા કરી હતી કે શુક્રવારે જે સોશિયલ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી હતી તે સંપૂર્ણ રીતે ફેક છે. આ એકાઉન્ટ મારા નામે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. સીબીઆઈના સમન્સનો ઉલ્લેખ આ જ એકાઉન્ટ પર કરવામાં આવ્યો હતો, જેના પછી કોંગ્રેસ અને AAPના નેતાઓએ એક પછી એક પ્રતિક્રિયા આપી હતી.
સત્યપાલ મલિકે વધુમાં કહ્યું કે સીબીઆઈ વેરિફિકેશન કરવા માટે આવવાની છે. તેમણે CBI અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે અધિકારીઓ તેમની પાસેથી સ્પષ્ટતા લેવા તેમના નિવાસસ્થાને આવવાના છે.
પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે જાટ સમુદાયના 300 પ્રતિનિધિઓ શનિવારે બપોરે તેમને મળવા આવી રહ્યા છે. આ દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે સમગ્ર મામલો સામે આવ્યા બાદ જાટ સમુદાય દ્વારા સત્યપાલ મલિકનું સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ સમર્થન કરવામાં આવી રહ્યું છે.