ગુજરાતમાં ઠંડીનું ભારે મોજું ફરી વળ્યું છે. કચ્છમાં ખાસ અસર જોવા મળે છે. ત્યારે ગુજરાત સરકારે ખાસ પરિપત્ર બહાર પાડી લોકોને શીતલહેરથી ચેતવા અને સાવધાન રહેવા જણાવ્યું છે.
સરકારે જનતાને બહાર પાડેલી માર્ગદર્શિકામાં ગરમ કપડાનો વદારે ઉપયોગ કરવા. વૃદ્ધો તેમજ બાળકોને શક્ય હોય તો ઘરમાં રહેવા, કેલરીવાળો યોગ્ય ખોરાક લેવા, ઠંડીની અસરથી કોઈપણ તકલીફ થાય તો તાત્કાલિક દવાખાને જવા તેમ જ જો ઠંડીથી કઈ મરણ થાય તો સંબંધિત નાયબ મામલતદારની કચેરીને ઈમેલથી જાણ કરવા જણાવ્યું છે.
આ સાથે આવા વાતાવરણમાં ખેતરમાં ઉભેલા પાકને નુકસાન થવાની શક્યતા છે. તે માટે પણ સરકારે ખેડૂતોને માર્ગદર્શિકા પ્રમાણે વર્તવાની સલાહ આપી છે. આ સાથે પશુપાલન સાથે જોડાયેલા લોકોને પણ પશુઓની ખાસ તકેદારી રાખવાની સૂચના આપી છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં દસ ડિગ્રી કરતા નીચું તાપમાન રહે છે અને હજુ તે નીચે જવાની સંભાવના છે. કચ્છમાં બરફ પડ્યાની ઘટના ઘટી છે. ઠંડીનો માહોલ સમગ્ર દિવસ દરમિયાન રહેતો હોવાથી તડકો ખૂબ જ ઓછા સમય માટે જોવા મળે છે. સતત આવું વાતાવરણ રહેતા બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે. આ સાથે રસ્તા પર રહેતા, ઘરવિહોણા અને એક સ્થળેથી બીજા સ્થળે અપડાઉન કરતા રોજબરોજનું ખાતા શ્રમિકો માટે ખૂબ જ કપરી સ્થિતિ નિર્માણ પામી છે.